ચંદ્રાબાબુએ પોતાનું ઘી વેચવા તિરૂપતિના લાડુનો વિવાદ ઉભો કર્યો ?
- હિન્દુઓની લાગણી સાથે ચેડાં : ભગવાનની પ્રસાદીની બદનામી પાછળનું રાજકારણ : તિરૂપતિનો લાડુ એ 300 કરોડનો લાડુ છે
- ટીડીપીએ ધડાકો કર્યો છે કે, તિરૂપતિ મંદિરમાં લાડુ બનાવવા માટે ચરબીયુક્ત ઘી ઉપરાંત ગૌમાંસ, સુવરની ચરબી અને માછલીનું તેલ વપરાય છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે, ચંદ્રાબાબુ પોતાની કંપની હેરિટેજ ફૂડ્સનો માલ ખપાવવા માટે આ ખેલ કરી રહ્યા છે. તિરુપતિ મંદિરમાં દરરોજ 3.50 લાખ લાડુ બને છે. મંદિરમાં દર વરસે 300 કરોડ રૂપિયાના લગભગ 3000 ટન ઘીનો ઉપયોગ થાય છે. ચંદ્રાબાબુએ જૂની કંપનીઓને તગેડીને પોતાની કંપનીને ઘી સપ્લાયનો કોન્ટ્રાક્ટ મળે એ માટે લાડુના પ્રસાદમાં ગૌમાંસ, સુવરની ચરબી, માછલીનું તેલ વગેરે વપરાય છે એવું તૂત ઉભું કર્યું છે
ભારતનું સૌથી ધનિક મંદિર મનાતા તિરૂપતી મંદિરમાં પ્રસાદ તરીકે અપાતા લાડુનો વિવાદ અચાનક ફૂટી નિકળ્યો છે અને રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. આંધ્ર પ્રદેશમાં અત્યારે ચંદ્રાબાબુ નાયડુની સરકાર છે. નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ ધડાકો કર્યો છે કે, તિરૂપતિ મંદિરમાં લાડુ બનાવવા માટે ચરબીયુક્ત ઘી ઉપરાંત ગૌમાંસ, સુવરની ચરબી અને માછલીનું તેલ વપરાય છે.
તિરૂપતિ મંદિરના લાડુમાં શુધ્ધ ચણાનો લોટ, બૂંદી, ખાંડ, કાજુ અને શુદ્ધ ઘી હોય છે એવું કહેવાતું હતું પણ ટીડીપીનો દાવો છે કે, આંધ્ર પ્રદેશની અગાઉની જગન મોહન રેડ્ડી સરકારે તિરૂપતિ મંદિરના પ્રસાદને ધંધો બનાવીને કરોડો હિંદુઓની લાગણી સાથે રમત કરી છે. ટીડીપી અને ભાજપ કેન્દ્ર સરકારમાં ભાગીદાર છે તેથી ભાજપે પણ ઝંપલાવ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ ચંદ્રાબાબુ સરકાર પાસે રીપોર્ટ માગ્યો છે અને પ્રસાદનીં તપાસ કરાવવાનું એલાન કર્યું છે.
જગનની પાર્ટીનો દાવો છે કે, ચંદ્રાબાબુની સરકાર રાજકીય ફાયદા માટે ગંદું રાજકારણ રમી રહી છે અને તિરૂપતિ મંદિરને બદનામ કરીને રાજકીય રોટલો શેકી રહી છે. જગનની પાર્ટીએ હાઈકોર્ટમાં અરજી કરીને ટીડીપી દ્વારા કરાયેલા આક્ષેપોની હાઈકોર્ટની સમિતી દ્વારા તપાસની માગ પણ કરી છે.
તિરૂપતિ મંદિરના લાડુના વિવાદની શરૂઆત ચંદ્રાબાબુ નાયડુએ ૧૮ સપ્ટેમ્બરે પ્રેસ કોન્ફરન્સ કરીને જગન મોહન રેડ્ડીની સરકારે તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબી ભેળવવાનો આક્ષેપ મૂક્યો તેમાંથી થઈ. ચંદ્રાબાબુએ આક્ષેપ મૂક્યો કે, જગન મોહન સરકારે તિરુમાલાના પવિત્ર લાડુમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરીને પ્રસાદની પવિત્રતા ખંડિત કરી છે પણ અમે હવે પાછા શુધ્ધ ઘી વાપરવા માંડયા છીએ.
નાયડુએ દાવો કરેલો કે, જગન મોહનની સરકારના સમયમાં તિરૂપતિ ટ્રસ્ટ દ્વારા જે કંપની પાસેથી ઘી મંગાવવામાં આવતું હતું તેનો કોન્ટ્રાક્ટ રદ કરીને કંપનીને બ્લેકલિસ્ટ કરીને કેસની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી છે.
નાયડુએ કરેલા દાવાના કારણે ખળભળાટ મચેલો હતો જ ત્યાં ટીડીપીએ બીજા દિવસે પાછી પ્રેસ કોન્ફરન્સ કરીને નવા આક્ષેપો કર્યા. ટીડીપીના પ્રવક્તા અનમ વેંકટ રમના રેડ્ડીએ પ્રેસ-કોન્ફરન્સમાં એક કહેવાતો લેબ રિપોર્ટ જાહેર કરીને માહિતી આપી હતી કે, તિરૂપતિ મંદિરના પ્રસાદના નમૂના ૯ જુલાઈ, ૨૦૨૪ના રોજ ગુજરાતની લાઈવસ્ટોક લેબોરેટરી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (શઘઘમ્) સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઈવસ્ટોક એન્ડ ફૂડ( ભછન્ખ લિમિટેડ)ને મોકલવામાં આવ્યા હતા.
આ નમૂના અંગે ૧૬ જુલાઈના રોજ લેબ રિપોર્ટ મળ્યો તેમાં લાડુમાં પશુઓની ચરબી અને ફિશ ઓઈલમાંથી બનેલા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે એવું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન લાડુમાં વપરાતા ઘીમાં ભેળસેળ હોવાનું પણ જણાયું છે.
ટીડીપીનો દાવો ચોંકાવનારો છે પણ શંકાસ્પદ એ રીતે છે કે, ટીડીપી દ્વારા કહેવાતા લેબ રીપોર્ટની જે નકલો પત્રકારોને અપાઈ તેમાં ક્યાંય ટેસ્ટિંગ કરનારી સંસ્થાનું નામ કે સંસ્થાની કઈ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાયું તેનો ઉલ્લેખ જ નથી. સાદા કાગળ પર કોઈ પણ બનાવી શકે એ રીતે આ રીપોર્ટ બનાવી દેવાયો હોય એવું લાગે છે તેથી તેની વિશ્વસનિયતા અંગે શંકા છે.
ટીડીપી દાવો કરે છે એમ જગને ઘીના સપ્લાયમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની શક્યતા પણ નકારાઈ રહી છે. તેનું કારણ એ કે, એક વર્ષ પહેલાં સુધી કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન (ણસ્ખ) તિરૂપતિ ટ્રસ્ટને રાહત દરે ઘી સપ્લાય કરતું હતું. છેલ્લાં ૫૦ વર્ષથી રાહત દરે ઘી આપતા ફેડરેશને જુલાઈ ૨૦૨૩માં રાહત દરે ઘી સપ્લાય કરવાનો ઇનકાર એટલે જગન સરકારે ૫ કંપનીને ઘી સપ્લાયનું કામ સોંપવું પડયું હતું. મતલબ કે, જગન મોહન સરકારે સામેથી વ્યવસ્થા નહોતી બદલી પણ ફેડરેશને સપ્લાય બંધ કરતાં નવી વ્યવસ્થા ઉભી કરવાની ફરજ પડી હતી. આ કારણે જગનની સરકાર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ શકે તેમ નથી. ચંદ્રાબાબુના દાવા અંગે બીજાં કારણોસર પણ શંકા થાય છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે, ચંદ્રાબાબુ પોતાની કંપની હેરિટેજ ફૂડ્સનો માલ ખપાવવા આ ખેલ કરી રહ્યા છે. હેરિટેજના ઘી માટે ચંદ્રાબાબુ અત્યારથી માર્કેટ ઉભું કરી રહ્યા છે. તિરુપતિ મંદિરમાં દરરોજ ૩.૫૦ લાખ લાડુ બનાવવામાં આવે છે. મંદિરમાં દર વરસે લગભગ ૩૦૦૦ ટન ઘીનો ઉપયોગ થાય છે એ જોતાં દર વરસે લગભગ ૩૦૦ કરોડ રૂપિયાનું ઘી લાડુ બનાવવામાં વપરાય છે.
ચંદ્રાબાબુએ જૂની કંપનીઓને તગેડીને પોતાની કંપનીને ઘી સપ્લાયનો કોન્ટ્રાક્ટ મળે અને આખો ૩૦૦ કરોડ રૂપિયાનો લાડવો પોતે એકલા ખાઈ શકે એ માટે લાડુના પ્રસાદમાં ગૌમાંસ, સુવરની ચરબી, માછલીનું તેલ વગેરે વપરાય છે એવું તૂત ઉભું કર્યું છે. પોતાની કંપનીને ફાયદો કરાવવા ખેલ કર્યો હોવાનું ના લાગે એટલે ફરીથી ફેડરેશનને ઘીના સપ્લાયનું કામ આપી દેવાયું છે. અત્યારે એક વર્ષનો કોન્ટ્રાક્ટ કરાયો છે એ જોતાં વરસ પછી નાયડુની હેરિટેજ ફૂડ કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેવાશે એવું કહેવાય છે.
એક ચર્ચા એવી પણ છે કે, કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન પાસે તો આપવા માટે વધારાનું ઘી જ નથી પણ ચંદ્રાબાબુની કંપની તેને ઘી પૂરું પાડે છે.
આ ઘી વાયા વાયા તિરૂપતિ મંદિરમાં આવી જાય છે ને એ રીતે ચંદ્રાબાબુએ અત્યારથી રોકડી કરવા જ માંડી છે. આ વાતમાં કેટલો દમ છે એ ખબર નથી પણ આપણા રાજકારણીઓ ગમે તે કરી શકે એ જોતાં વાત સાચી પણ હોઈ શકે. ચંદ્રાબાબુ સંતપુરૂષ છે નહીં તેથી હિંદુઓની લાગણીના નામે પોતાનો ધંધો કરતા હોય એ શક્ય છે.
દાન-પેટીમાંથી જ વરસે 400 કરોડની કમાણી, કુલ 2.50 લાખ કરોડની સંપત્તિ
આંધ્ર પ્રદેશમાં તિરુમાલા પહાડોમાં વસેલા તિરૂપતિ મંદિરને હિંદુઓનાં સૌથી પવિત્ર ધાર્મિક સ્થળોમાં એક માનવામાં આવે છે. આ મંદિરને શ્રી વેંકટેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુના દશાવતારમાંથી એક વરાહ અવતાર સાથે આ મંદિર જોડાયેલું હોવાથી શ્રધ્ધાળુઓ તેને સદીઓ જૂનું માને છે પણ હાલનું ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિર ઈસવી સન ૩૦૦માં બનેલું મનાય છે.
આ હિસાબે પણ આ મંદિર ઓછામાં ઓછાં ૧૭૦૦ વર્ષ જૂનું આ મંદિર છે. દ્રવિડીયન વાસ્તુકલાના ઉત્કૃષ્ટ નમૂનાને જોવા માટે હિંદુ શ્રધ્ધાળુઓ સિવાય પ્રવાસીઓ પણ આવે છે. આ મંદિરની કલા અને સુંદરતા નિહાળીને સૌ દંગ થઈ જાય છે.
તિરૂપતિ મંદિર દુનિયાનાં સૌથી વધારે કમાણી કરતાં મંદિરોમાં એક મનાય છે. તિરૂપતિ બાલાજી મંદિરમાં રોજના લગભગ ૭૫ લાખ રૂપિયાનું દાન આવે છે અને તહેવારોમાં આ દાન કરોડોમાં પહોંચી જાય છે. દર વર્ષે લગભગ ૪૦૦ કરોડ રૂપિયાની કમાણી કરતા આ મંદિરની દાનપેટીમાં લોકો સોના-ચાંદીથી લઈને રોકડા રૂપિયા સુધીનું દાન આપી જાય છે. મંદિર પાસે કુલ ૨.૫૦ લાખ કરોડની સંપત્તિ હોવાનું કહેવાય છે કે જેમાં ૧૦૦૦ કિલો તો સોનું છે. તિરૂપતિ મંદિરની ભગવાન બાલાજીની મૂર્તિને શ્રધ્ધાળુઓ જીવિત માને છે. એવી દંતકથા છે કે, મૂર્તિની પાછળ કાન લગાવીને સાંભળો તો સમુદ્રની લહેરોનો અવાજ સાંભળવા મળશે. ભગવાન સમુદ્રની શય્યા પર સૂતા હોય તેનો અહેસાસ થાય છે. ભગવાન બાલાજીની મૂર્તિને પરસેવો થાય છે એવું પણ કહેવાય છે. આ કારણે મંદિરના પૂજારી સમયાંતરે ભગવાનના પરસેવાને રેશમના કપડાથી લૂછે છે એવું પણ મનાય છે.
મંદિરોનાં દર્શનની ટિકિટમાંથી જ રોજની 1 કરોડની કમાણી
તિરૂપતિ મંદિરનો વહીવટ તિરૂપતિ તિરૂમાલા દેવસ્થાનમ્સ (ટીટીડી) દ્વારા કરાય છે. ટીટીડી સ્વાયત્ત ટ્રસ્ટ છે પણ તેનું નિયંત્રણ આંધ્ર પ્રદેશ સરકારના હાથમાં છે. આ કારણે આડકતરી રીતે આ ટ્રસ્ટ પર આંધ્ર પ્રદેશની સરકારનો જ અંકુશ છે એવું કહી શકાય.
ટીટીડીના નિયંત્રણ હેઠળ ઘણા મંદિરો છે ને તેમાંથી એક મંદિર તિરૂમાલા વેંકટેશ્વર મંદિર છે. ટીટીડીમાં કુલ ૧૬ હજાર કર્મચારીઓ કામ કરે છે. ટીટીડી દ્વારા ૨૦૧૯માં શ્રીવાણી ટ્રસ્ટ બનાવાયું કે જેનો ઉદ્દેશ દલિત, આદિવાસી અને પછાત વિસ્તારોમાં મંદિરો બનાવીને સનાતન ધર્મનો પ્રસાર કરવાનો છે. આ ઉપરાંત પૌરાણિક મંદિરોના જીર્ણોધ્ધાર તથા આર્થિક તંગીનો સામનો કરી રહેલાં મંદિરોને આર્થિક સહાય પણ આપે છે. ટીટીડીએ આંધ્ર પ્રદેશ. તેલંગાણા, કર્ણાટક અને પાંડિચેરીમાં ૨૦૬૮ મંદિરોના નિર્માણનું કામ હાથ પર લીધું છે. ટીટીડી દ્વારા મંદિરોમાં દર્શન માટે શ્રીવાણી દર્શન ટિકિટો બહાર પડાઈ છે. તેમાંથી જ દરરોજ ૧ કરોડ રૂપિયાની કમાણી થાય છે.