કરોડો મેટ્રિક ટન ઈ-વેસ્ટ પૃથ્વી માટે સંકટ બની રહ્યો છે

- મોટા દેશો અને મલ્ટીનેશનલ કંપનીઓ નાના દેશોમાં લાખો મેટ્રિક ટન કચરો ઠાલવી રહ્યા છે અને લોકોને તેના જોખમો વિશે ખબર જ નથી
- દર મહિને લગભગ બે હજાર કન્ટેનરોમાં ઉપયોગમાં લેવાઈ ગયેલો ઈ-વેસ્ટ નીકળે છે. જાણકારોના મતે દર મહિને 32 હજાર મેટ્રિક ટન ઈ-વેસ્ટ અમેરિકાની કંપનીઓ તેમના પોર્ટ ઉપરથી જાહાજોમાં કન્ટેનરો દ્વારા ગરીબ દેશોમાં મોકલાવી રહી છે: સંયુક્ત રાષ્ટ્રના ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન યુનિયન દ્વારા તથા આઈટી શાખા દ્વારા એક અહેવાલ રજૂ કરાયો હતો જે ખરેખર ભયાવહ છે. તેમાં જણાવાયું હતું કે, 2022માં દુનિયાભરમાં 6.2 કરોડ મેટ્રિક ટન ઈ-વેસ્ટ જનરેટ કરવામાં આવ્યો છે. તેનું પ્રમાણ સતત વધી રહ્યું છે. 2030માં આ ઈવેસ્ટનું પ્રમાણ 8.2 કરોડ મેટ્રિક ટનના આંકડાને આંબી જવાની શક્યતાઓ છે: જાણકારોના મતે ઈ-વેસ્ટને એક દેશમાંથી બીજા દેશમાં મોકલવા માટે જે આંતરરાષ્ટ્રીય સંધી કરાઈ છે તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, કોઈપણ દેશ બીજા દેશમાં એવો જ ઈવેસ્ટ મોકલી શકે છે જેના દ્વારા પર્યાવરણને નુકસાન ન થાય, તેને રિસાઈકલ કરી શકાય. મોટી કંપનીઓ આવા કોઈ નિયમો અને કાયદાનું પાલન કરતી નથી
સમગ્ર વિશ્વમાં ઈ-વેસ્ટનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. દરરોજ લાખો ટન ઈ-વેસ્ટ દુનિયાના વિવિધ દેશમાં ઠલવાઈ રહ્યો છે. તેમાંય અમેરિકા જેવા મોટા દેશો તો પોતાના દેશના ઈ-વેસ્ટને સાઉથ એશિયા, આફ્રિકા અને અન્ય વિકાસશિલ દેશોમાં ઠાલવી રહ્યા છે અને ત્યાંને પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. તાજેતરમાં આવેલા એક અહેવાલમાં સામે આવ્યું છે કે, અમેરિકા લાખો ટન ઈ-વેસ્ટ ઘણા દેશોમાં મોકલી રહ્યો છે અને પોતાના દેશમાંથી પ્રદુષણ અને ઈ-વેસ્ટના જોખમો ઓછા કરી રહ્યું છે.
આ કચરો મોટાભાગે એશિયાના વિકાસશીલ દેશોમાં મોકલાય છે. આ દેશોમાં ઈ-વેસ્ટને નષ્ટ કરવાના કોઈ નક્કર ઉપાયો નથી અને વ્યવસ્થા પણ નથી. આ દેશો આવા કચરા લેવા તૈયાર નથી છતાં તેમણે દબાણ કરાતા હોવાની પણ ફરીયાદ છે.
ઉલ્લેખનીય છે કે, બીએએનના તાજેતરમાં અહેવાલમાં કહેવાયું છે કે, અમેરિકાના ટોચના મલ્ટિનેશનલ કંપનીઓ પોતાના ઘસાઈ ગયેલા અને ખરાબ થવા આવેલા ઈલેક્ટ્રોનિક્સ સામાન એશિયા, પશ્ચિમ એશિયા અને અન્ય વિસ્તારોના ગરીબ દેશોમાં મોકલે છે. તેના કારણે આ દેશોમાં ઈ-વેસ્ટની મોટી સમસ્યા ઊભી થઈ છે. બાસેલ એક્શન નેટવર્ક નામની સંસ્થાએ આપલા અહેવાલમાં જણાવાયું છે કે, લાખો ટન ઠલવાતો ઈ-વેસ્ટ એક અદ્રશ્ય આપત્તી છે જે ગરીબ દેશો અને વિકાસશિલ દેશોને એવા વિષચક્રમાં ફસાવી દેશે જેમાંથી તે કદાચ બહાર નહીં આવી શકે. આ દેશો આ કચરાને રિસાઈકલ કરવા માટે સક્ષમ નથી અને આટલા મોટા પ્રમાણમાં તેઓ રિસાઈકલ કરી શકે તેમ પણ નથી.
કેટલાક શક્તિશાળી દેશો દ્વારા પોતાનો ઈ-વેસ્ટ ગરીબ અને નાના દેશોમાં ઠાલવવામાં આવી રહ્યો છે. તેના કારણે આ દેશોમાં ભયાનક પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. તેના દ્વારા પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
આ કચરાની અસર સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય ઉપર એટલી ગંભીર રીતે થઈ રહી છે કે, તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. કમ્પ્યૂટર, લેપટોપ, ટેબલેટ, મોબાઈલ અને બીજા ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો મોટો ઢગલો આ દેશોમાં ખડકાઈ રહ્યો છે. તેમાંથી મર્ક્યુરી, કેડમિયમ, સીસુ જેવી ધાતુઓ નીકળે છે જે કિમતી હોવાની સાથે સાથે ખૂબ જ ઝેરી પણ છે. જેમ જેમ ટેક્નોલોજી વિકસી રહી છે તેમ તેમ નવી વિશેષતાઓ સાથે નવા નવા ઉપકરણો આવતા જ રહે છે. તેના કારણે સ્થિતિ એ થાય છે કે, બજારમાં નવા સાધનો આવી જાય છે પણ જૂના કે તુટેલા સાધનોનું રિસાઈકલિંગ થાય તેવી કોઈ વ્યવસ્થાનથી. તેથી જ રિસાઈકલ ન કરી શકાય તેવા કચરાનું પ્રમાણ પાંચ ગણું વધી રહ્યું છે.
થોડા સમય પહેલાં જ સંયુક્ત રાષ્ટ્રના ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન યુનિયન દ્વારા તથા આઈટી શાખા દ્વારા એક અહેવાલ રજૂ કરાયો હતો જે ખરેખર ભયાવહ છે. તેમાં જણાવાયું હતું કે, ૨૦૨૨માં દુનિયાભરમાં ૬.૨ કરોડ મેટ્રિક ટન ઈ-વેસ્ટ જનરેટ કરવામાં આવ્યો છે. તેનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ૨૦૩૦માં આ ઈવેસ્ટનું પ્રમાણ ૮.૨ કરોડ મેટ્રિક ટનના આંકડાને આંબી જવાની શક્યતાઓ છે. અહેવાલ પ્રમાણે દર મહિને લગભગ બે હજાર કન્ટેનરોમાં ઉપયોગમાં લેવાઈ ગયેલો ઈ-વેસ્ટ નીકળ છે. જાણકારોના મતે દર મહિને ૩૨ હજાર મેટ્રિક ટન ઈ-વેસ્ટ અમેરિકાની કંપનીઓ તેમના પોર્ટ ઉપરથી જાહાજોમાં કન્ટેનરો દ્વારા ગરીબ દેશોમાં મોકલાવી રહી છે.
જાણકારો માને છે કે, અમેરિકા દ્વારા પોતાની સાથે જોડાયેલા નાના દેશો સાથે આ પ્રકારની બળજબરી કરાતી જ રહેતી હોય છે. તે ચાલાકીથી આ બધો કચરો આવા દેશોમાં ઠાલવી દે છે. તે પોતાની જાતે આ કચરાને રિસાઈકલ કરવાના સ્થાને ગરીબ દેશોમાં મોકલાવી દે છે. આ નાના દેશોમાં અને ગરીબ દેશોમાં ઈ-વેસ્ટના ખડકલા થવાના કારણે ત્યાં પર્યાવરણને ગંભીર નુકસાન થયું છે. તે ઉપરાંત તેના કારણે ગ્લોબલ વોર્મિંગનું સંકટ પણ વધારે ગંભીર થયું છે. તેનાથી એકંદરે તો પૃથ્વીને જ નુકસાન થઈ રહ્યું છે. આ કચરામાંથી નીકળતા ઘાતક ગેસ દ્વારા કાર્બન ઉત્સર્જન વકરી રહ્યું છે. આ ઈવેસ્ટમાંથી નીકળતા રસાયણો પાણી અને જમીનને પણ ગંભીર રીતે પ્રદુષિત કરી લે છે.
ગંભીર બાબત એવી છે કે, ગરીબ દેશોમાં પણ આ કચરાનો ખાસ ઉકેલ આવતો નથી. આ કચરા દ્વારા પોતાની આજિવિકા રળનારા લોકો માત્ર પૈસા માટે થઈને આ કચરામાંથી મોટાભાગની વસ્તુઓ તો કબાડખાનામાં પહોંચાડી દે છે. અહીંયા કામ કરનારા મજૂરો કોઈપણ જાતની સુરક્ષા વગર જ આ સાધનોને ઓગાળી કાઢે છે કે તેને સળગાવે છે. તેમાંથી નીકળતા ધુમાડામાં મોટી સંખ્યામાં ઝેરી કેમિકલ્સ ભળી જાય છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોય છે. જાણકારોના મતે ઈ-વેસ્ટને એક દેશમાંથી બીજા દેશમાં મોકલવા માટે જે આંતરરાષ્ટ્રીય સંધી કરાઈ છે તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, કોઈપણ દેશ બીજા દેશમાં એવો જ ઈવેસ્ટ મોકલી શકે છે જેના દ્વારા પર્યાવરણને નુકસાન ન થાય, તેને રિસાઈકલ કરી શકાય. મોટી કંપનીઓ આવા કોઈ નિયમો અને કાયદાનું પાલન કરતી નથી. તેથી જ દુનિયામાં ઈ-વેસ્ટનો ખડકલો મોટો જ થતો જઈ રહ્યો છે.
ઈવેસ્ટની વાત કરીએ તો તેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે પ્લાસ્ટિકને નષ્ટ કરવું અમેરિકા જ નહીં ભારત અને અન્ય દેશો માટે પણ મુશ્કેલ લામ છે. તેનો નિકાલ લાવવા બાયોલોજિકલ ઉપાયો અને વિકલ્પોની શોધ કરવામાં આવી રહી છે.
જાપાનની ક્યોટો યુનિવર્સિટીએ એક એવા જીવાણુનું સંશોધન કર્યાનો દાવો કર્યો છે જે કુદરતી રીતે અને જૈવિક રીતે જ પ્લાસ્ટિકનો નાશ કરી શકે છે. ભારતમાં આ બધું જ કામ અળસિયા અને તેના જેવા સજીવો દ્વારા કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે એક ટન ઈ-વેસ્ટને ટુકડા કરીને તેને યાંત્રીક રીતે રિસાઈકલ કરવામાં આવે તો તેમાંથી અંદજે ૪૦ કિલો ધૂળ અથવા રાખ જેવો પદાર્થ મળે છે. તેમાંથી અનેક કિમતી ધાતુઓના અવશેષો પણ મળે છે. આ ધાતુઓ ચુંબક અને અન્ય રીતે છુટા પાડવાની કગીરી કરી છે. તેના માટે ઘણી વૈજ્ઞાાનિક પદ્ધતિઓ અપનાવાઈ રહી છે. તેનાથી માણસો અને પર્યાવરણને ઘણું નુકસાન થઈ રહ્યું છે. તેના વિકલ્પ તરીકે બાયો હાઈડ્રો મેટલર્જિકલ ટેક્નોલોજી ઘણી સારી હોવાનું માનવામાં આવે છે.
આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં બેક્ટેરિયલ લિચિંગ પ્રોસેસનો પ્રયોગ કરવામાં આવે છે. તેના માટે ઈ-વેસ્ટના ખૂબ જ ઝીણા ટુકડા કરવામાં આવે છે અને તેને જીવાણુઓ સાથે રાખવામાં આવે છે. બેક્ટેરિયામાં રહેલા એન્ઝાઈન્સ કચરામાં રહેલી ધાતુઓને એવી રીતે કેમિકલ કમ્પાઉન્ડમાં બદલે છે કે, તેમાં ગતિશીલતા આવી જાય છે. બાયો લીચિંગની વિધિમાં જીવાણુ કેટલા વિશેષ ધાતુઓને અલગ કરવામાં મદદ કરે છે.
ઘણા જીવાણુઓ અને ફુગનો ઉપયોગ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ ઉપરથી સીસું, તાબું અને ટીન કાઢવા માટે કરવામાં આવે છે. જીવાણુઓની આ બેસિલસ પ્રજાતીઓ સેક્રોમાઈસિસ સિરેવીસી તથા યારોવિયા લાઈપોલિટિકા જેવા પ્રયોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
લાકડાને ઉધઈ કોરી ખાય છે તેમ જાપાને શોધેલા બેક્ટેરિયા પ્લાસ્ટિકને કોરી ખાશે અને ઈવેસ્ટનો નિકાલ થશે
જાણકારોના મતે જો આ ઈ-વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તો મોટાપાયે અર્થોપાર્જન થઈ શકે તેમ છે. તે ઉપરાંત આ કામગીરીમાં ગરીબ દેશોમાં વ્યાપક પ્રમાણમાં રોજગાર પણ આપી શકાય તેમ છે.
તેઓ કહે છે કે, જો ઈ-વેસ્ટને કચારની છાલની જેમ છીણીને બારીક કરી નાખવામાં આવે તો દસ ગ્રામ પ્રતિ લિટરની સાંદ્રતામાં ઓગાળીને બેક્ટેરિયા થોયોબેસિલસ અથવા તો થાયોઓક્સીડેન્સ કે પછી થાયોબેસિલસ ફેરોઓક્સીડેન્સ સાથે રાખવામાં આવે તો થોડા સમયમાં તાંબુ, જસત અને એલ્યુમિનિયમ જેવી ધાતુ ૯૦ ટકા સુધી કાઢવામાં આવી શકે છે. તેવી જ રીતે કેટલીક ફુગની મદદથી ૬૫ ટકા તાંબુ અને ટીન અલગ કરી શકાય તેમ છે. તે ઉપરાંત કચરાને છીણીને તેની સાંદ્રતા ૧૦૦ ગ્રામ પ્રતિ લિટર કરી નાખવામાં આવે તો આ ફુગ દ્વારા એલ્યુમિનિયમ, નિકલ, સીસુ અને જસત ૯૫ ટકા સુધી મેળવી શકાય છે.
આ તમામ વસ્તુઓ એવી છે અને ધાતુઓ એવી છે જેને રિસાઈકલ કરીને તેનો ફરીથી ઉપયોગ કરી શકાય તેમ છે. જાણકારો એવું પણ કહે છે કે, એક સ્માર્ટફોનમાં સરેરાશ ૩૦ મિલીગ્રામ સોનું હોય છે. તે ફોનની સર્કિટ અને અન્ય ઘટકોમાં હોય છે. આવા લાખો મોબાઈલ અને કમ્પ્યૂટરને રિસાઈકલ કરવામાં આવે તો તેમાંથી મોટા જથ્થામાં સોનું મળી શકે છે. આ રીતે યુવાનોને રોજગાર આપવા ઉપરાંત ગરીબ અને વિકાસશિલ દેશો પોતાને ત્યાં આવી ઈન્ડસ્ટ્રી વિકસાવીને કમાણી કરી શકે છે. તે ઉપરાંત નકામાં ઈ-વેસ્ટમાંથી રાહત મેળવી શકે છે.
સંશોધકો માને છે કે, મલ્ટિનેશનલ કંપનીઓ ભલે કચરો બીજા દેશોમાં જઈને ઠાલવી આવે કે તેનાથી તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે. જો દેશો દ્વારા આ કચરાના રિસાઈકલિંગ ઉપર ફોકસ કરવામાં આવે અને આ દિશામાં કામગીરી કરવામાં આવે તો વ્યાપક રોજગારી ઉપરાંત આવક પણ ઊબી થાય તેમ છે. તે ઉપરાંત ધરતી ઉપરનું પ્રદુષણ પણ ઓછું થશે.

