Get The App

ઈબોલા વકર્યો, દુનિયા ઉપર વધુ એક મહામારીનું જોખમ

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
ઈબોલા વકર્યો, દુનિયા ઉપર વધુ એક મહામારીનું જોખમ 1 - image

- કોંગોમાં ઈબોલાના કારણે 131નાં મોત, 500થી વધુ શંકાસ્પદ કેસ, યુગાંડામાં હાથ મિલાવવા ઉપર પ્રતિબંધ, આફ્રિકામાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી 

- આ બુંડીબુગ્યો ઈબોલે દુર્લભ કહી શકાય તેવો વાઈરસ છે. તેના માટે હાલમાં કોઈ સારવાર કે રસી વિકસાવામાં આવેલી નથી. કોંગો અને યુગાંડામાં અત્યાર સુધીમાં 20થી વધુ વખત ઈબોલા વાઈરસ ફેલાયો છે પણ ત્રીજી વખત બુંડીબુગ્યો સ્ટ્રેન જોવા મળ્યો છે. આ વખતે આ સ્ટ્રેન જીવલેણ બની રહ્યો છે : ચિંતાજનક વાત એ છે કે, આ સ્ટ્રેન માટે હાલમાં કોઈ જ સારવાર નથી, કોઈ રસી નથી કે તેના માટે ચોક્કસ ટેસ્ટ પણ કરી શકાય તેમ નથી. સંક્રમિત થતી વ્યક્તિને લોહીની ઉલટીઓ થાય છે, ખૂબ જ પરસેવો થાય છે, લાળ પડે છે અને શરીરમાંથી અન્ય જગ્યાએથી પણ પ્રવાહી નીકળવા લાગે છે. તે જીવલેણ સંક્રમણ ફેલાવે છે : ભારત મુદ્દે હાલમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનું વલણ થોડું રાહતજનક છે. વિશ્વ આરોગ્ય સંસ્થા માને છે કે, ભારતમાં ઈબોલાનો આ સ્ટ્રેનન આવવાનું જોખમ ઓછું છે. 

આફ્રિકાના દેશોમાં ઈબોલા વાઈરસ અત્યંત જોખમી રીતે ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં તે જીવલેણ રીતે વકર્યો છે. તાજેતરમાં આવેલા અહેવાલ પ્રમાણે અહીંયા ઈબોલાના કારણે ૧૩૧ લોકોનાં મોત થયા છે અને ૫૦૦ જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. મંગળવારે આવેલા આંકડા બાદ સમગ્ર દેશમાં ઈમર્જન્સી જાહેર કરી દેવામાં આવી હતી. પૂર્વ કોંગોમાં પણ ઈબોલાના ઘણા કેસ સામે આવ્યા બાદ યુગાંડામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. યુગાંડામાં હાથ મેળવવા સામે અને ભેટવા સામે પ્રતિબંધ મુકી દેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, આફ્રિકી દેશોમાં ઈબોલાના ફેલાવા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તેને મહામારી જાહેર કરી દેવાઈ છે. તેના માટે વૈશ્વિક ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. વાઈરસના બુંડીબુગ્યો સ્ટ્રેનના કારણે ઈબોલા વ્યાપક રીતે ફેલાયો છે. શુક્રવારે તેના કેટલાક કેસ સામે આવ્યા અને મંગળવાર સુધીમાં કોંગોમાં ૧૩૧નાં મોત થઈ ગયા અને ૫૦૦થી વધુ લોકોની સ્થિતિ શંકાસ્પદ નોંધાઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રોસે જણાવ્યું કે, ઈબોલા ફેલાવાની સ્થિતિને સરળતાથી લઈ શકાય તેમ નથી. યુગાંડામાં પણ બે શંકાસ્પદ કેસ આવ્યા છે. આ બુંડીબુગ્યો ઈબોલે દુર્લભ કહી શકાય તેવો વાઈરસ છે. તેના માટે હાલમાં કોઈ સારવાર કે રસી વિકસાવામાં આવેલી નથી. કોંગો અને યુગાંડામાં અત્યાર સુધીમાં ૨૦થી વધુ વખત ઈબોલા વાઈરસ ફેલાયો છે પણ ત્રીજી વખત બુંડીબુગ્યો સ્ટ્રેન જોવા મળ્યો છે. આ વખતે આ સ્ટ્રેન જીવલેણ બની રહ્યો છે. હાલમાં બુનિયા, ઉત્તરી કિવુની રાજધાની ગોમા, મોંગબવાલુ, બુટેમ્બો અને ન્યાકુંડેમાં મોટાપાયે કેસ આવેલા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના બાદ આફ્રિકી દેશોમાં ઈબોલાના નવા સ્ટ્રેનની ઘાતક એન્ટ્રીએ ફરી એક વખત ગ્લોબલ ઈમર્જન્સીની સ્થિતિ ઊભી કરી છે. સતત વધી રહેલા કેસ અને ચિંતાજનક સ્થિતિના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ દુનિયાના તમામ દેશોને તકેદારી રાખવાનું સુચન કર્યું છે. તાજેતરમાં જિનિવા ખાતે મળેલી બેઠકમાં કોવિડ બાદ ફરી એક વખત અન્ય કોઈ વાઈરસજન્ય બિમારી માટે મહામારીની ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કરી છે. અધિકારીઓ જણાવે છે કે, બુંડીબુગ્યો વાઈસ સ્ટ્રેનના કારણે મોતની સંખ્યામાં વધારો થયો છે. તે ઉપરાંત તેનો ચેપ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને કોંગોમાં જ્યાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે ત્યાં તપાસ અને સારવાર મુશ્કેલ બની રહ્યા છે. તેના પગલે ત્યાંથી વાઈરસ અન્ય આફ્રિકી દેશો સુધી ફેલાઈ શકે છે. આફ્રિકાના અન્ય દેશોમાંથી દુનિયાના બીજા દેશઓમાં પણ આ વાઈરસ ફેલાઈ શકે છે.

બુંડીબુગ્યો વાઈસ ઈબોલાના મુખ્ય ત્રણ સ્ટ્રેનમાંથી એક છે. તેને ખૂબ જ દુર્લભ વેરિયન્ટ માનવામાં આવે છે. તે ઈબોલા વાઈસ ડિસિઝનું મુખ્ય કારણ છે. ચિંતાજનક વાત એ છે કે, આ સ્ટ્રેન માટે હાલમાં કોઈ જ સારવાર નથી, કોઈ રસી નથી કે તેના માટે ચોક્કસ ટેસ્ટ પણ કરી શકાય તેમ નથી. ઈબોલાના જેયર સ્ટ્રેન માટે રસી અને સારવાર ઉપલબ્ધ છે પણ બુંડીબુગ્યો માટે કશું જ નથી. હાલમાં કોઈ પ્રભાવી કે સ્વીકૃત સારવાર મળી નથી. તેના કારણે જ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તેને અસાધારણ વાઈરસ અને અસાધારણ સ્થિતિ ગણાવાઈ રહી છે. ઈબોલા ખૂબ જ સંક્રામક અને જીવલેણ બિમારી છે. તેનાથી સંક્રમિત થતી વ્યક્તિને લોહીની ઉલટીઓ થાય છે, ખૂબ જ પરસેવો થાય છે, લાળ પડે છે અને શરીરમાંથી અન્ય જગ્યાએથી પણ પ્રવાહી નીકળવા લાગે છે. આ વાઈરસ એવો છે જે માણસોની સાથે સાથે પ્રાણીઓમાં પણ ફેલાય છે. 

ઈબોલાના બુંડીબુગ્યો વાઈરસની અસર થવા દરમિયાન શરૂઆતમાં માત્ર તાવ આવતો હોય છે. તેના કારણે તેની પ્રાથમિક અસર થકી તેને ઓળખવો પણ મુશ્કેલ બને છે. સંક્રમિત વ્યક્તિને આકરો તાવ આવે છે, માથામાં દુ:ખાવો ઉપડે છે, ગળામાં પીડા થાય છે, શરીર અને માંસપેશિયોમાં ખૂબ જ પીડા થાય છે, શરીરમાં અત્યંત નબળાઈ અનુભવાય છે અને સખત થાક લાગે છે. જેમ જેમ સંક્રમણ વધતું જાય છે તેમ તેમ આ સ્થિતિ વધારે ગંભીર થતી જાય છે. દર્દીઓને ઉલટી થાય છે, ઝાડા થાય છે, પેટમાં દુ:ખાવો ઉપડે છે, શરીર ઉપર લાલ ચકામા થાય છે, આંખો લાલ થાય છે અને શ્વાસ લેવામાં પણ સમસ્યા થાય છે. તેનાથી વધારે ગંભીર કિસ્સામાં શરીરની અંદર અને બહાર બ્લિડિંગ થવા લાગે છે. તેના કારણે જ આ સંક્રમણ જીવલેણ બની જાય છે. જાણકારોના મતે મોટાભાગે બે દિવસથી ૨૧ દિવસની વચ્ચે ઈબોલાના આ સંક્રમણના લક્ષણો જોવા મળે છે. હાલમાં પ્રારંભિક ધોરણે ડોક્ટરો દ્વારા ડિહાઈડ્રેશનથી બચવા માટે કામચલાઉ સારવાર આપવામાં આવે છે. તે ઉપરાંત ઓક્સિજન સપોર્ટ, બ્લડ પ્રેશર કાબુ કરવું અને સંક્રમણ કાબુમાં રહે તેના માટે કેટલીક સામાન્ય દવાઓ આપવામાં આવે છે. કેટલાક વધુ સંક્રમણના કિસ્સામાં એન્ટિવાઈરલ દવાઓ અને એક્સપિરિમેન્ટલ દવાઓનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. સ્થિતિ એવી છે કે, બુંડીબુગ્યો સ્ટ્રેનમાં હજી સુધી કોઈ સ્વીકૃત દવા, સારવાર કે વેક્સિન શોધાયા નથી. હાલમાં તો લોકોને માસ્ક પહેરવાનો, ગ્લવ્ઝ પહેરવાનો અને વારંવાર હાથ ધોવાનો અને સંક્રમિત દર્દીઓથી અંતર જાળવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈબોલાની આફ્રિકાની સ્થિતિએ સમગ્ર વિશ્વમાં ચિંતા પ્રસરાવી છે. 

અનેક દેશો દ્વારા આફ્રિકા જવા આવવા અંગે ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. તેમાં તકેદારી રાખવાના આદેશો આપી દેવાયા છે. ત્યાંથી જતા-આવતા દરેક લોકોનું સ્ક્રિનિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ભારત મુદ્દે હાલમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનું વલણ થોડું રાહતજનક છે. વિશ્વ આરોગ્ય સંસ્થા માને છે કે, ભારતમાં ઈબોલાનો આ સ્ટ્રેનન આવવાનું જોખમ ઓછું છે. તેમ છતાં આ સમસ્યાને અવગણી શકાય નહીં. આ વાઈરસ મોટાભાગે ખાડીવાળા રસ્તે ફેલાય છે. દરિયાઈ વાતાવરણ તેને સપોર્ટ કરતું હોવાથી ભારતના દક્ષિણના રાજ્યોને ચેતવણી આપવામાં આવી છે. 

તેમાંય કેરળ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી છે. ભૂતકાળમાં ઘણા વાઈરસ કેરળ થકી જ ભારતમાં આવ્યા કે વકર્યા હતા. તેના કારણે કેરળ અને તમિલનાડુના કિનારા એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. વાત એવી છે કે, કેરળ એવું સ્થળ છે જે વાઈરસનો ફેલાવો ભારતમાં કરવા માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. 

કોરોનાથી શરૂ કરીને નિપાહ વાઈરસ જેવી જીવલેણ બીમારીઓ કેરળથી આવી 

મહત્ત્વની વાત એ છે કે, કોરોના અને તેની પહેલાં આવેલી ઘણી વાઈરસજન્ય બીમારીઓ કેરળ થકી જ ભારતમાં આવી હતી. તેનું મોટું કારણ એવું છે કે, કેરળની વસતીમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં પ્રવાસ કરે છે, ત્યાં વસવાટ કરે છે. એક અંદાજ પ્રમાણે ૨૫ લાખ કેરળવાસીઓ ખાડી દેશોમાં કામ કરે છે. તે ઉપરાંત લાખો લોકો આફ્રિકા, યુરોપ, સાઉથ-ઈસ્ટ એશિયા અને અમેરિકામાં ફેલાયેલા છે. તેઓ સમયાંતરે ઘરે આવતા જતા હોય છે. તેના કારણે જ બીમારીઓ પણ સમયાંતરે કેરળમાં આવતી રહે છે. કોરોનાનો પહેલો કિસ્સો પણ કેરળના ત્રિશૂરમાં આવ્યો હતો. વુહાનથી આવેલી ૨૦ વર્ષની યુવતી કોરોના પોઝિટિવ હતી. બીજી બાબત એ છે કે, અહીંયા જંગલો ગાઢ છે અને તેમાં ચામાચિડિયાની વિવિધ જાત મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. તેના કારણે નિપાહ વાઈરસ પણ ખૂબ જ ભયાનક રીતે ફેલાયો હતો. ચામાચિડિયા દ્વારા માણસોમાં સંક્રમણ ફેલાવાય છે. તેનું એક પોઝિટિવ પાસું એવું છે કે, અહીંયા હેલ્થ સિસ્ટમ અને ચેકિંગ સિસ્ટમ ખૂબ જ સારી છે. તેથી વાઈરસ અહીંયા આવે તો તરત પકડાઈ પણ જાય છે અને તેનું સ્કેનિંગ અને સારવાર બધું જ સરળતાથી શરૂ થઈ જાય છે. બીજા રાજ્યોમાં આવી સિસ્ટમ નથી તેથી ત્યાં વાઈરસ ફેલાય તો પણ ઝડપથી ખબર પડે તેમ નથી. આ સિવાય એવા ઘણા વાઈરસ અને બીમારીઓ છે જે કેરળથી નથી આવ્યા. સ્વાઈનફ્લૂ હૈદરાબાદ થકી ભારતમાં આવ્યો હતો. 

૧૩ મે ૨૦૦૯ના રોજ અમેરિકાથી આવેલી વ્યક્તિમાં તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે દેશના અન્ય રાજ્યોમાં પણ ફેલાયો હતો. સાર્સની વાત કરીએ તો ૨૦૦૩માં ભારત તેની એન્ટ્રી થઈ હતી પણ કોલકતામાં ગણતરીના કેસ સામે આવ્યા હતા. તે સમયે ચીન અને ભારત વચ્ચે વેપારી સંબંધ મજબૂત હતા તેથી લોકો જતા-આવતા હોવાથી આ સમસ્યા આવી હતી. આ સિવાય ચિકુનગુનિયા પણ ૧૯૬૩માં પહેલી વખત કોલકાતામાં જ જોવા મળ્યો હતો. ત્યારબાદ ૨૦૦૬માં કેરળમાં તેની ફરી હાજરી નોંધાઈ હતી. આ સિવાય ૧૯૯૪માં પ્લેગ ફેલાયો તે ગુજરાતના સુરતથી ફેલાયો હતો. તેમાં કેરળ સાથે કોઈ જોડાણ નહોતું પણ ગુજરાતમાં પ્લેગ દ્વારા મોતનું તાંડવ કરવામાં આવ્યું હતું.