Get The App

જ્યોતિ જેવા ઘણાએ દેશને અંધારામાં રાખી પાક. માટે જાસુસી કરી

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
જ્યોતિ જેવા ઘણાએ દેશને અંધારામાં રાખી પાક. માટે જાસુસી કરી 1 - image


- યૂટયૂબર જ્યોતિ મલ્હોત્રા ઉપરાંત ઘણા લોકો મજૂર, સરકારી કર્મચારી, આર્મી ઓફિસર તરીકે કામ કરતા હતા અને જાસુસી કરતા પકડાયા

- પાકિસ્તાન દ્વારા પૈસાની લાલચ, હની ટ્રેપ અને અન્ય રીતે ભારતીયોને જાસુસી માટે ફસાવવામાં આવે છે : મોટાભાગે યુવાન અધિકારીઓ અને સૈન્ય અધિકારીઓને પાકિસ્તાની સુંદરીઓ દ્વારા હનીટ્રેપમાં ફસાવીને સિક્રેટ માહિતી મેળવવામાં આવે છે  : ભારતની સૈન્ય શક્તિ, ભારતીય સૈન્ય ગતિવિધિ, આર્થિક તાકાત, આંતરિક શાંતિ અને સલામતી જેવી સ્થિતિની માહિતી મેળવીને આતંકી હુમલાના આયોજનો કરે છે પાકિસ્તાન અને આઈએસઆઈ 

ભારતમાં થયેલા પહલગામ હુમલા બાદ ભારતની યૂટયૂબર અને વ્લોગર જ્યોતિ મલ્હોત્રાની શંકાસ્પદ ગતિવિધિઓ પકડાઈ છે. પાકિસ્તાનને સારો દેશ બતાવવા મથતી અને ભારતીય સ્થળોની જાસુસી કરીને પાકિસ્તાન મોકલાવતી જ્યોતિ સામે ક્યારે અને કેવા પગલાં લેવાશે તે ભવિષ્યમાં નક્કી થશે. વાત અહીંયા વિચારવા જેવી એ છે કે, પાકિસ્તાન દાયકાઓથી ભારતની સંવેદનશીલ માહિતી મેળવવા માટે ભારતમાં જાસુસી કરાવતો આવ્યો છે. તે મોટાભાગે સામાન્ય લોકોને ફસાવે છે અને તેમને જાસુસી કરવા મજબૂર કરે છે. તે સિવાય આર્મી, નેવી, એરફોર્સના અધિકારીઓ, સરકારી અધિકારીઓને પાકિસ્તાની યુવતીઓની સુંદરતા થકી હનીટ્રેપ કરાવે છે અને ભારતની ગુપ્ત માહિતી મેળવે છે. આઈએસઆઈ દ્વારા વિવિધ તબક્કે અને વિવિધ સ્તરે ભારતમાં જાસુસી નેટવર્ક ગોઠવવામાં આવ્યા હોવાના અને જાસુસો ફરતા કરાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. 

સામાન્ય રીતે જોવા જઈએ તો દુનિયાના દરેક દેશ અન્ય દેશોની જાસુસી કરતા જ હોય છે અને કરાવતા જ હોય છે. તેમાંય પોતાના દુશ્મન દેશની જાસુસી વધારે પ્રમાણમાં કરવામાં આવતી હોય છે. જે-તે દેશમાં જ જાસુસી નેટવર્ક ઊભું કરીને જોઈતી તમામ માહિતી મેળવી લેવામાં આવે છે. ત્યારબાદ આ માહિતીનો ઉપયોગ કરીને પાડોશી દેશ સાથે અથવા તો દુશ્મન દેશ સાથે ડીલ કરવામાં આવે છે. કામ પાર પાડવામાં આવે છે. પાકિસ્તાન પણ દાયકાઓથી ભારતમાં આવા લોકો અને નેટવર્કને ચલાવી રહ્યું છે. તેમાંય આતંકી હુમલા માટે ખાસ આવા પેંતરાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

પાકિસ્તાન દ્વારા ભારતીય સેનાની ગતિવિધિઓ, સૈન્ય ઠેકાણા, તેની સ્થિતિ અને યોજનાઓ વિશે માહિતી ભેગી કરવાનો પ્રયાસ થાય છે. તે ઉપરાંત સરહદે તહેનાત જવાનો, તેમની પાસેના હથિયારો, સુરક્ષાની વ્યવસ્થા, ડિફેન્સ સિસ્ટમ વગેરેની માહિતી મેળવવા પ્રયાસ થાય છે. આ સિવાય પરમાણુ અને અંતરિક્ષ કાર્યક્રમો અને અભિયાનોની પણ માહિતી ભેગી કરવાના પ્રયાસ કરવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં આતંકી જૂથોનું સમર્થન કરનારા લોકોની શોધ કરાય છે. તેવી જ રીતે ઉત્તર-પૂર્વમાં અલગાવવાદીઓ અને તેને સમર્થન કરનારાઓની શોધ અને મદદ કરવામાં આવે છે. ભારતની ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા એજન્સીઓની માહિતી ભેગી કરવાનો પ્રયાસ થાય છે. નક્સલીઓ અને વિદ્રોહી જૂથો સાથે સંપર્ક કરીને તેમને મદદ આપવી અને ઉશ્કેરવાની કામગીરી કરવામાં આવે છે.

ભારતના ડિફેન્સ સેક્ટરમાં ખાસ કરીને ઉદ્યોગો, ટેક્નોલોજી અને અન્ય બાબત સંબંધિત માહિતી ભેગી કરવાનો પ્રયાસ થાય છે. તે સિવાય ભારતના પાયાગત માળખા જેવા કે બંદર, બંધ, મોટા બ્રિજ, પાવર પ્લાન્ટ, હાઈવે વગેરેની માહિતી મેળવવામાં આવે છે. આઈટી અને સાઈબર સેક્ટરમાં પણ ઘુસણખોરી કરીને લોકોની માહિતી ચોરવામાં અને ભેગી કરવામાં આવે છે. ભારતની સરકારી નીતિઓ, વિદેશ મંત્રાલયની કામગીરી, કૂટનીતિક પગલાં, અન્ય દેશો સાથેના જોડાણો અને તેની કામગીરીઓની માહિતી ભેગી કરવાના પ્રયાસ થાય છે. તે સિવાય ભારતનું મીડિયા, થિંક ટેન્ક અને અન્ય પ્રભાવશાળી લોકોની પણ વિગતો ભેગી કરવાનો પ્રયાસ થાય છે. આ સિવાય હેકિંગ અને ફિશિંગ દ્વારા સરકારી ઈમેલ, ડેટાબેસ અને નેટવર્ક સુધી પહોંચવાનો પણ પ્રયાસ થતો હોય છે. તે સિવાય સોશિયલ મીડિયા, મોબાઈલ એપ્સ અને અન્ય રીતે ભારતીય નાગરિકોને અને અધિકારીઓને ફસાવવામાં આવતા હોય છે.

મોટાભાગે પાકિસ્તાન દ્વારા આ બધી વિગતો મેળવીને ભારતમાં આતંકી હુમલા કરવાનું જ ષડયંત્ર કરવામાં આવતું હોય છે. સૈન્ય ઠેકાણાઓની માહિતી, સૈન્યની ગતિવિધી, આવનજાવન, તેમની તહેનાતી, રેલવે અથવા હવાઈ મુવમેન્ટ વગેરે માહિતી ભેગી કરીને આતંકીઓને આપે છે અને ભારતીય જવાનો ઉપર હુમલા કરાવવામાં આવે છે. માત્ર જ્યોતિની જ વાત કરીએ તો તેણે છેલ્લાં ઘણા સમયમાં ભારતમાં જે વીડિયો રેકોર્ડિંગ કર્યું તેના દ્વારા પાકિસ્તાન પોતાની કામગીરી વધારે સુદ્રઢ કરી શકે, સેનાને વધારે સજ્જ કરી શકે અથવા તો ઓપરેશ સિંદૂર જેવા અભિયાનોની માહિતી મેળવી શકે.

મોટાભાગે પ્રોક્સીવાર જ કરતું પાકિસ્તાન પણ ભારતમાં આતંકી હુમલા કરાવવા સતત આયોજનો કરતું રહે છે. તેના આયોજનો માટે જ જાહેર સ્થળો, જાહેર મિલકતો અને બજારોની જાસુસી કરીને વિગતો મેળવવામાં આવે છે. તેના દ્વારા આતંકીઓ અને પાકિસ્તાની સેનાને ખબર પડે છે કે, બજારમાં ક્યાં ભીડ વધારે છે અને કયા ધર્મના લોકો વધારે સંખ્યામાં આવે છે. તેના કારણે જ હુમલા કરવાની યોજના તે પ્રમાણે બનાવીને તેને પૂર્ણ કરી શકાય છે. 

માત્ર હુમલા કરવા કે આતંકી હુમલા કરાવવા જ નહીં ઘણી વખત ભારતની છબી ખરડવા માટે પણ આવા લોકોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિ જેવી વ્યક્તિઓ જે પાકિસ્તાનની સકારાત્મક છબી બનાવવા પ્રયાસ કરતી હોય છે અને ભારતની સ્થિતિને નકારાત્મક બતાવવા પણ પ્રયાસ કરતા હોય છે. તેઓ ભારતમાં સામાજિક અને ધાર્મિક તણાવ વધે, વેરઝેર વધે અને કોમી રમખણો થાય તે માટે પ્રયાસ કરતા હોય છે. જ્યોતિની જ વાત કરીએ તો તેને વિશ્વભરમાં પાકિસ્તાનની છબી સુધારવાની અને ભારત વિરોધી જાણકારી મેળવીને પાકિસ્તાની સેનાને આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેણે તે પ્રમાણે જ કામગીરી કરી હતી. તેવી જ રીતે કેટલાક જાસુસો દ્વારા મેક ઈન ઈન્ડિયા અથવા મેડ ઈન ઈન્ડિયા જેવા અભિયાનોની વિગતો મેળવીને પણ પાકિસ્તાનને મોકલાવાતી જેથી તેઓ ભારતની આર્થિક પ્રગતિમાં રોડા નાખી શકે. તે સિવાય ચીન જેવા દેશોને પણ માહિતી આપવામાં આવતી અને તે સેટેલાઈટ ડેટા દ્વારા ભારતને પરેશાન કરી શકે. ભારતમાં આંતરિક અસ્થિરતા ફેલાવા, ધાર્મિક તણાવ વધારવા, સામાજિક એકતાને નુકસાન પહોંચાડવા, રમખાણો કરવામાં પણ જાસુસી નેટવર્કનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સોશિયલ મીડિયા દ્વારા પણ આવી નાપાક કામગીરી કરવામાં આવતી હોય છે. પાકિસ્તાન દ્વારા ભારતમાં જ પાકિસ્તાની એજન્ટો તૈયાર કરવામાં આવે છે. પૈસા અને અન્ય લાલચ આપીને દેશદ્રોહીઓને કામ કરવા રાજી કરવામાં આવે છે. ઘણી વખત પાકિસ્તાનથી જાસુસોને ભારતમાં મોકલવામાં આવે છે અને લોકલ નેટવર્ક દ્વારા તેને ભારતમાં ક્યાંય પણ મોકલી દેવાય છે જે આજીવન અથવા તો પકડાય નહીં ત્યાં સુધી જાસુસી કરે છે. તે ઉપરાંત પાકિસ્તાની દૂતાવાસો અને હાઈકમિશન દ્વારા પણ ઘણી વખત જાસુસીના પ્રયાસ થતા હોય છે. તેવી જ રીતે સ્પાયવેર, માલવેર અને ડ્રોન્સ દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પણ જાસુસી કરવામાં આવતી હોય છે. તે ઉપરાંત લશ્કર-એ-તોઈબા, જૈશ જેવા અનેક આતંકવાદી સંગઠનો દ્વારા પણ આતંકીઓને મોકલીને જાસુસી અને હુમલા કરવામાં આવતા હોય છે. 

દેશના એવા ગદ્દાર લોકો જેઓ પાકિસ્તાન માટે જાસુસી કરતા પકાડાય

આ યાદીમાં તાજેતરમાં મોખરે આવે છે ૩૩ વર્ષની વ્લોગર અને યૂટયૂબર જ્યોતિ મલ્હોત્રા. તેના ઉપર દાનિશ તથા આઈએસઆઈના ઓપરેટર્સ સાથે સતત સંપર્કમાં રહીને ભારતના સંવેદનશિલ વિસ્તારોની વિગતો આપવાનો આરોપ મુકાયો છે. તે ઘણી વખત પાકિસ્તાન ગઈ હતી અને એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા તે સતત પાકિસ્તાની એજન્સીઓ અને આઈએસઆઈના સંપર્કમાં પણ હતી. તેવી જ રીતે પંજાબના સુખપ્રીતસિંહને પણ ઝડપી પડાયો છે જેણે આપરેશન સિંદૂરની વિગતો આઈએસઆઈના હેન્ડલરને આપી હતી અને તેના બદલે તેને ૧ લાખ રૂપિયા મળ્યા હતા. આ સિવાય કરણબીર સિંહને પણ ઓપરેશન સિંદૂરની વિગતો લીક કરવા બદલ ઝડપી પાડવામાં આવ્યો છે. દેવેન્દર સિંહ ઢિલ્લોં નામનો યુવાન પણ ઝડપાયો છે જેણે પટિયાલા સેન્ય છાવણીની તસવીરો પાકિસ્તાન મોકલાવી હતી. તે પોતે પણ ગત વર્ષે પાકિસ્તાનની ટૂર કરી આવ્યો હતો. તેની પહેલાની ઘટના યાદ કરીએ તો ૨૦૧૬માં પાકિસ્તાન હાઈકમિશન ઓફિસનો જ અધિકારી મહમૂદ અખ્તર ભારતની ગુપ્ત માહિતી ચોરતો અને મોકલતો ઝડપાયો હતો. ત્યારબાદ તેને વતન પરત મોકલી અપાયો હતો. તે સિવાય ૨૦૧૦માં ભારતની રાજદૂત અને સેકન્ડ સેક્રેટરી માધુરી ગુપ્તાને પણ આઈએસઆઈના હેન્ડલરને વિગતો આપવા બદલ ઝડપી પાડવામાં આવી હતી. તે એક યુવાન એજન્ટ દ્વારા હનીટ્રેપનો શિકાર બની હતી. તે પહેલાં ૨૦૦૮માં બેઈજિંગમાં ભારતીય દૂતાવાસના અધિકારીને ચીની મહિલાએ હની ટ્રેપમાં ફસાવીને માહિતી કઢાવી હતી. તેથી તેને ભારત પરત બોલાવીને કેસ ચલાવાયો હતો. ૨૦૦૬માં પીએમઓમાં કામ કરતા કમ્પ્યૂટર સુરક્ષા જાણકારની જ અટકાયત કરવામાં આવી હતી. તેવી જ રીતે ૨૦૦૫માં કમોડોર સુખજિંદર સિંહ હની ટ્રેપમાં ફસાઈ ગયા હતા. પાકિસ્તાન માટે કામ કરતી રશિયન મહિલાએ તેમને ફસાવીને વિગતો કઢાવી લીધી હતી. નૌસેનાના આ અધિકારીને પદ ઉપરથી દૂર કરાયા હતા.

ભારતમાં જાસુસીની આ કાયદા હેઠળ આકરી સજા કરવામાં આવે છે 

ભારતમાં દેશ વિરોધી કામગીરી કરતી વ્યક્તિ અને જાસુસી કરતી વ્યક્તિ સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ ૧૯૨૩ની કલમ-૩ હેઠળ ૧૪ વર્ષની કેદની સજાની જોગવાઈ છે. તેવી જ રીતે કલમ-૫ હેઠળ કોઈ યુદ્ધ દરમિયાન સૈન્ય અથવા તો રણનીતિને લગતી માહિતી આપે તો તેને આજીવન કેદ અથવા તો મૃત્યુ દંડની સજા થાય છે. તેવી જ રીતે આઈપીસીની કલમ ૧૨૧ હેઠળ જાસુસી કરીને દુશ્મન દેશને મદદ કરવા બદલ મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજાની જોગવાઈ છે. તેવી જ રીતે કલમ ૧૨૩ હેઠળ ૩ વર્ષથી માંડીને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરાઈ છે. એનએસએ ૧૯૮૦ હેઠળ કેસ ચલાવ્યા વગર પણ જાસુસીના આરોપીને લાંબા સમય સુધી કેદમાં રાખી શકાય છે. તેવી જ રીતે સાઈબર અપરાધમાં આઈટી એક્ટ હેઠળ ૧૦ વર્ષની જેલ અને ૧ કરોડ રૂપિયા સુધી દંડ કરવામાં આવે છે.

Tags :