Get The App

વૈશ્વિક ઉથલપાથલ : દુનિયાને ક્રૂડ જોઈએ અને ખાડી દેશોને ખાદ્ય પદાર્થો

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
વૈશ્વિક ઉથલપાથલ : દુનિયાને ક્રૂડ જોઈએ અને ખાડી દેશોને ખાદ્ય પદાર્થો 1 - image

અમેરિકા- ઈઝરાયેલે શરૂ કરેલું ઈરાન સાથેનું યુદ્ધ આકરું થઈ રહ્યું છે, ખાડી દેશોમાં તેહવાર ટાણે ભોજન અને પાણીની તંગી સર્જાઈ

- કતાર પોતાની જરૂરિયાતનું ૮૫ થી ૯૩ ટકા ભોજન અને સામગ્રી આયાત કરે છે. તેમાંય ચોખા તો સંપૂર્ણપણે આયાત કરવા પડે છે. ત્યાં એક દાણો પણ ઉગતો નથી. હોર્મુઝની ખાડી બંધ થતા કતાર માટે સમુદ્રના રસ્તે આવતું ૯૦ ટકા ભોજન, અનાજ, ખાદ્ય પદાર્થો અને અન્ય વસ્તુઓ અટકી ગયા છે ઃ યુએઈના દુબઈ અને અબુધાબી જેવા મહાનગરોમાં સામાન્ય ઉપયોગ માટે પાઈપલાઈનમાં પાણીનું પ્રેશર જાળવી રાખવા માટેનો બેકઅપ માત્ર ૪૮ થી ૭૨ કલાક વચ્ચેનો જ છે. યુએઈ દ્વારા ઈમર્જન્સી માટે મોટા સ્ટોરેજ બનાવાયા છે પણ તે પર્યાપ્ત નથી. અનિચ્છનિય ઘટના દુનિયાના અત્યંત ધનાઢય ગણાતા દેશોને પાણીથી વલખાં મારતા કરી દેશે ઃ સાઉદી ઘઉં, ચોખા અને અનાજ સિવાય મોટી સંખ્યામાં ફળો, માંસ, શાકભાજી, ડ્રાયફ્રૂટ અને અન્ય વસ્તુઓ આવે છે. હાલમાં ખાડી બંધ હોવાથી રોજિંદી વસ્તુઓની ભારે અછત સર્જાઈ છે. બીજી તરફ ઓમાનની કઠણાઈ એવી છે કે, તેની પાસે માછલીઓનો ભંડાર છે પણ તેને રાંધવા માટેના મસાલા નથી. તેની પાસે ભોજનની અન્ય તાજી સામગ્રી નથી

ગ્લોબલ પોલિટિક્સ અને જિયો પોલિટિક્સના જાણકારોએ તાજેતરમાં જ ચિંતા વ્યક્ત કરી છે કે, ઈરાને આ યુદ્ધમાં ઠંડા કલેજે બ્લેકમેઈલ બનવાની નીતિ અપનાવી છે. તેણે સૌથી પહેલાં હોર્મુઝની ખાડી બંધ કરી દીધી અને ત્યાંથી દુનિયાભરનો ક્રૂડનો સપ્લાય બંધ કરી દીધો. દુનિયાનો ૩૦ ટકા ક્રૂડનો સપ્લાય ત્યાંથી થાય છે પણ ચિંતાજનક એ છે કે, એશિયાના દેશોનો ૮૦ થી ૯૦ ટકા ક્રૂડ સપ્લાય આ ખાડીમાંથી જ આવે છે. બીજી તરફ અમેરિકા અને ઈઝરાયેલના આડોડાઈપૂર્વકના હુમલાના કારણે ગિન્નાયેલા ઈરાને એનર્જી વોર શરૂ કરી દીધું. તેણે ખાડી દેશોમાં અમેરિકી ઠેકાણાઓ તોડવાની શરૂઆત કરી. આ ઉપરાંત દુબઈ, બેહરીન, યુએઈ, કુવૈત અને કતાર જેવા દેશોના ક્રૂડ અને ગેસના કુવાઓ ઉપર હુમલા શરૂ કરી દીધા. 

ચિંતાજનક બાબત એ છે કે, આ યુદ્ધના કારણે દુનિયાભરમાં ક્રૂડની અછત સર્જાઈ રહી છે. તો બીજી તરફ ખાડી દેશોમાં નવી સમસ્યા સર્જાઈ છે. ખાડી દેશોમાં અનાજ, ભોજન અને પાણીની તંગી સર્જાવા લાગી છે. એક તરફ દુનિયાના ઘણા દેશો ક્રૂડની અછત માટે રોકકળ કરી રહ્યા છે ત્યાં જેમની પાસે અઢળક ક્રૂડ છે, અધધ પૈસા છે તે દેશો હવે ભોજન માટે અને લોકોને જીવતા રાખવા માટે ચિંતામાં આવી ગયા છે. સૌથી વધુ ઈસ્લામિક વસતી ધરાવતા આ દેશોમાં રમઝાન ઈદનો મોટો તહેવાર આવ્યો છે ત્યાં ભોજન અને પાણીની ભયાનક તંગી વર્તાઈ છે.

આ દેશોમાં સૌથી પહેલાં જો વાત કરીએ તો કતારની હાલત ખરાબ છે. દુનિયામાં ગેસ પાવરહાઉસ તરીકે ઓળખતું કતાર અમેરિકા અને ઓસ્ટ્રેેલિયા બાદ દુનિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું એલએનજીનું નિકાસકાર છે. તે ભારત, ચીન અને સાઉથ કોરિયાને સૌથી વધારે ગેસ મોકલે છે. દર વર્ષે તે અંદાજે ૭ થી ૮ લાખ કરોડ રૂપિયાના ગેસની નિકાસ કરે છે. તેની પાસે અંદાજે ૩૮ લાખ કરોડ રૂપિયાનું ફંડ છે. તેની સ્થિતિ એવી થઈ છે કે, હવે તેની પાસે ભોજનની અછત ઊભી થઈ છે. કતાર પોતાની જરૂરિયાતનું ૮૫ થી ૯૩ ટકા ભોજન અને સામગ્રી આયાત કરે છે. તેમાંય ચોખા તો સંપૂર્ણપણે આયાત કરવા પડે છે. ત્યાં એક દાણો પણ ઉગતો નથી.

તેનું બધું જ નેટવર્ક દરિયા થકી જ ચાલે છે. તેમાંય જો હોર્મુઝની ખાડી બંધ થઈ જાય તો કતાર માટે સમુદ્રના રસ્તે આવતું ૯૦ ટકા ભોજન, અનાજ, ખાદ્ય પદાર્થો અને અન્ય વસ્તુઓ અટકી જાય. 

છેલ્લાં વીસ દિવસથી હોર્મુઝની ખાડી બંધ થઈ ગયેલી છે. હાલની સ્થિતિ એવી છે કે, કતારે પોતાની વસતીને ભોજન પૂરું પાડવા માટે સતત સામગ્રી એરલિફ્ટ કરાવવી પડે છે. હાલમાં એરસ્પેસની પણ મોટી સમસ્યા ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૩૦૦ ટન સામગ્રી આવી છે પણ કતાર ચિંતામાં છે. તહેવાર ટાણે લોકો પાસે તાજા શાકભાજી, ફળો, માંસ અને અન્ય વસ્તુઓ ન હોવાથી લોકો ચિંતામાં છે.

સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈની સ્થિતિ પણ કંઈક આવી જ છે. અહીંયા લોકો તરસ્યા થઈ રહ્યા છે. દુબઈના સ્કાયસ્ક્રેેપર્સ, આલિશાન પાર્ક અને વોટરપાર્કની ઝાકમઝોળ અત્યારે ફિકી પડી ગઈ છે. આમ જોવા જઈએ તો યુએઈ દ્વારા દુનિયાભરના દેશોને ક્રૂડ, એલ્યુમિનિયમ અને રિફાઈન્ડ પેટ્રોલિયમ મોકલાવવવામાં આવે છે. તેમાંય ભારત સાથે તેનો વેપાર ઘણો મોટો છે. વર્ષે તે ૬.૩૦ લાખ કરોડથી વધારેનો સામાન મોકલાવે છે. 

બીજી તરફ તે પીવાનું પાણી બહારથી મગાવે છે. આ સિવાય તેના ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા ૪૨ ટકા પાણી સાફ કરીને લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

પરિસ્થિતિ એવી છે કે, યુએઈની તમામ ડિસેલિનેશન પ્લાન્ટ કો-જનરેશન મોડલ ઉપર ચાલે છે. તે તમામ વીજળી ઉત્પાદિત કરતા થર્મલ વોટર પ્લાન્ટ સાથે જોડાયેલા છે. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટનેશનલ સ્ટડીઝનો તાજેતરનો અહેવાલ જણાવે છે જો આ યુદ્ધ દરમિયાન નેશનલ ગ્રિડ અથવા તો પાણીના આ પ્લાન્ટ્સને પાણી ખર્ચી આપતા ઈનટેક પાઈપ્સ તૂટી ગયા અથવા તો તેની સિસ્ટમ ઉપર સાઈબર હુમલો થયો તો બધું જ ઠપ થઈ જશે. 

બીજી ચિંતાજનક બાબત એ છે કે, દુબઈ અને અબુધાબી જેવા મહાનગરોમાં સામાન્ય ઉપયોગ માટે પાઈપલાઈનમાં પાણીનું પ્રેશર જાળવી રાખવા માટેનો બેકઅપ માત્ર ૪૮ થી ૭૨ કલાક વચ્ચેનો જ છે. યુએઈ દ્વારા ઈમર્જન્સી માટે મોટા સ્ટોરેજ બનાવાયા છે પણ પાણીની તંગીને પૂરા પાડી શકે તેવા નથી. તેનાથી હાલમાં તો માત્ર કામચલાઉ મદદ મળે તેમ છે. અનિચ્છનિય ઘટના દુનિયાના અત્યંત ધનાઢય ગણાતા દેશોને પાણીથી વલખાં મારતા કરી દેશે.

સાઉદી અરબની વાત કરીએ તો તે દુનિયાનો સૌથી મોટો ક્રૂડ નિકાસકાર દેશ છે. તેણે ૨૦૨૪માં અંદાજે ૧.૫૦ લાખ કરોડ રૂપિયાનું ક્રૂડ વેચ્યું હતું. ગત વર્ષે પણ તેઓ આંકડો આની આસપાસ હતો. તે ક્રૂડ અને પેટ્રોલિયમ ઉત્પાદનો દુનિયાભરમાં મોકલે છે પણ તેની પોતાની જરૂરિયાતો જુદી છે. તેને ખાદ્ય પદાર્થો માટે અન્ય દેશો ઉપર આધાર રાખવો પડે છે. તે પોતાની જરૂરિયાતના ખાદ્યપદાર્થોમાંથી ૮૦ ટકા પદાર્થો આયાત કરે છે. સાઉદી દર વર્ષે અંદાજે ૨.૨૫ લાખ કરોડ રૂપિયાનું અનાજ ખરીદે છે. આશ્ચર્યની વાત એ છે કે, ૧૯૮૦ના દાયકામાં તેણે રણમાં ઘઉં ઉગાડીને દુનિયાને આશ્ચર્યમાં મુકી દીધું હતું. તેનું પરિણામ એ આવ્યું કે, જમીન નીચે રહેલું હજારો વર્ષ જૂનું ભૂગર્ભજળ ખાલી થઈ ગયું. તેના પરિણામે ૨૦૧૬થી તેણે ઘઉંની ખેતી બંધ કરી દીધી. 

સાઉદીને અનાજ અને અન્ય ખાદ્ય પદાર્થો માટે, તાજા શાકભાજી અને ફળો માટે બીજા દેશોનો જ આધારે છે. તે પોતાના દેશમાં રહેલી ગાયોના ચારા માટે પણ વસ્તુઓ મગાવે છે. આ ઉપરાંત તેણે અમેરિકાના એરિઝોના ખાતે જમીન રાખી છે અને ત્યાં ચારો ઉગાડીને સાઉદી ખાતે મગાવે છે.

 હાલમાં સાઉદી પાસે અનાજનો ભંડાર છે. તે અંદાજે ૭ મહિના સુધી ચાલે તેટલો છે. હાલમાં સ્થિતિન એવી છે કે, તેની પાસે રોજિંદા વપરાશના શાકભાજી, ફળો અને અન્ય વસ્તુઓ નથી. સાઉદી દર વર્ષે અંદાજે ૪૫ લાખ ટન ઘઉં અને ૧૫ લાખ ટન ચોખા આયાત કરે છે. આ સિવાય મોટી સંખ્યામાં ફળો, માંસ, શાકભાજી, ડ્રાયફ્રૂટ અને અન્ય વસ્તુઓ આવે છે. હાલમાં ખાડી દેશોનો વેપાર ઠપ થઈ ગયો હોવાથી રોજિંદી વસ્તુઓની ભારે અછત સર્જાઈ છે. 

ખાડી દેશોમાં જ સ્થાન ધરાવતા ઓમાનની પણ આવી જ હાલત છે. ઓમાન તો હોર્મુઝની ખાડીના દરવાન જેવો દેશ છે. અહીંયાથી દુનિયાનું ૩૦ ટકા ક્રૂડ પસાર થાય છે. તે ક્રૂડ અને ત્યાંના દરિયામાં રહેતી વિશેષ માછલીઓની નિકાસ કરે છે. ઓમાન માછલી મુદ્દે ૧૬૨ ટકા આત્મનિર્ભર છે. તેથી તે આ માછલીઓની વ્યાપક નિકાસ કરે છે. બીજી તરફ તેની પાસે ઘઉં, ચોખા, દાળ અને અન્ય અનાજ નથી. તે અંદાજે ૩ લાખ કરોડ રૂપિયાનું અનાજ આયાત કરે છે. 

ઓમાનને આશા હતી કે, આ હુમલા અને યુદ્ધમાં તેને દુક્મ અને સલાલાહ બંદરો સુરક્ષિત છે કારણ કે તે યુદ્ધક્ષેત્રથી બહાર છે. તાજેતરમાં જ થયેલા ડ્રોન હુમલાએ તેની ગણતરીઓ ઉંધી વાળી દીધી. તેના બંદરો પણ અસુરક્ષિત થઈ ગયા. વીમા કંપનીઓ અહીંયા આવતા જહાજો પાસેથી તોતિંગ રકમના વોર રિસ્ક ચાર્જ વસુલી રહી છે. તેના કારણે ઓમાનમાં આવતા જહાજો અટકી ગયા છે. અહીંયા ખાદ્ય પદાર્થો અધધ મોંઘા થઈ ગયા છે. ઓમાનની કઠણાઈ એવી છે કે, તેની પાસે માછલીઓનો ભંડાર છે પણ તેને રાંધવા માટેના મસાલા, તેને તૈયાર કરીને નિકાસ કરવાના મસાલા નથી. તેની પાસે ભોજન સામગ્રી નથી.

વૈશ્વિક ઉથલપાથલ : દુનિયાને ક્રૂડ જોઈએ અને ખાડી દેશોને ખાદ્ય પદાર્થો 2 - image

- કુવૈતની હાલત સૌથી ખરાબ : છ સદી ચાલે તેટલું ક્રૂડ પણ અનાજનો દાણો નહીં 

ખાડી દેશોમાં કુવૈતની હાલત સૌથી વધારે ખરાબ છે. તે નાનકડો દેશ છે પણ તેની પાસે ક્રૂડનો અધધ ભંડાર છે. તેની પાસે ૬૬૩ વર્ષ ચાલે તેટલું ક્ડ છે. તે વર્ષે ૧૩ થી ૧૫ લાખ કરોડ રૂપિયાના ક્રૂડની નિકાસ કરે છે. આ સિવાય કે યુરિયા અને ખાતરની પણ વ્યાપક નિકાસ કરે છે. તેની સ્થિતિ એટલી ખરાબ છે કે, તે આગામી છ સદી સુધી પોતાની પ્રજાને ક્ડ આપી શકે છે પણ ભોજન આપી શકે તેમ નથી. તેની પાસે અનાજનો એક દાણો નથી. તેને અનાજ, ફળો, શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થો માટે ભારત અને ઈરાન ઉપર આધાર રાખવો પડે છે. કુવૈતને બીજો ભય ૧૯૯૧ જેવી ઘટના થવાનો છે. તે સમયે ઈરાને સમુદ્રમાં ક્રૂડ વહાવી દીધું હતું. તેના કારણે કુવૈતના ડિસેલિનેશન પ્લાન્ટ ખરાબ થઈ ગયા હતા. આજે પણ કુવૈતનું ૯૦ ટકા પાણી અને ૯૦ ટકા ભોજન આયાત કરવામાં આવે છે. તાજેતરમાં જ તેના એક વોટર ડિસેલિનેશન પ્લાન્ટ અને ક્રૂડ પ્લાન્ટ ઉપર હુમલો થયો હતો. તેના કારણે તેના મનમાં ફરીથી ઈતિહાસનું પૂનરાવર્તન થવાનો ફફડાટ પેસી ગયો છે. બીજી તરફ હાલત એવી પણ છે કે તહેવાર સમયે તેની પાસે પૂરતું ભોજન અને પાણી નથી. જો હજી સ્થિતિ ખરાબ થઈ તો લોકોને રોજિંદા ધોરણે પાણી અને તાજા ભોજન માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ સર્જાશે.