Get The App

કુંઠિત વિકાસ : ભારતમાં દર પાંચમું બાળક કુપોષિત !

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
કુંઠિત વિકાસ : ભારતમાં દર પાંચમું બાળક કુપોષિત ! 1 - image

- રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણનો આઘાતજનક અહેવાલ, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો વિકાસ રૃંધાયો, ઉંમર પ્રમાણે ઉંચાઈ-વજન હોતા નથી

- દેશમાં પાંચ વર્ષથી નીચેની ઉંમરના 35 ટકા બાળકો કુપોષિત છે, 67 ટકા એનિમિયાથી પીડાય છે અને 3 ટકા બાળકો ઓવરવેઈટ છે. ઝારખંડમાં અંડરવેઈટ બાળકોની સંખ્યા 41.1 ટકા જેટલી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા પણ વધીને 34.5 ટકા થઈ ગઈ છે : દેશમાં જ્યાં 67 ટકા બાળકો એનિમિયાથી પીડાય છે, દેશની વસતીની અડધાથી વધારે મહિલાઓ એનિમિયાથી પીડાય છે ત્યાં આ સ્થિતિના આંકડા જ જાહેર કરવામાં આવ્યા હતા. ગત સર્વે કરતા આ સર્વેમાં ઘણી બાબતો જાહેર કરાઈ જ નથી. સરકાર માત્ર ગુલાબી ચિત્રો અને વિકાસના પોસ્ટરો બનાવવા જાતભાતના સંકલ્પો કરે છે પણ કામગીરી થતી નથી : 15 થી 24 વર્ષના લોકોમાં મેદસ્વિતાનું પ્રમાણ ભયાનક રીતે વધ્યું છે. તે ઉપરાંત મહિલાઓમાં પણ મેદસ્વિતાનો દર 30 ટકા પહોંચી ગયો છે. શહેરોમાં મહિલાઓમાં મેદસ્વિતાનો દર 43 ટકા જ્યારે પુરુષોમાં 27.3 ટકા પહોંચી ગયો છે

દેશમાં જે રીતે યુવા ભારત, થનગનતું ભારત, નવી પેઢીનું ભારત અને વિકસિત ભારતની બાંગો પોકારવામાં આવે છે તે ખરેખર વાસ્તવિકતામાં દેખાતા નથી. બાળકો અને નવજાતોમાં તથા તેમની માતાઓમાં કુપોષણનું જે ચક્ર છે તે હજી અકબંધ છે. લાખો લોકો કુપોષણના ચક્રવ્યૂહમાં ફસાયેલા છે અને તેમને માત્ર સરકારના વાહવાહીના પોસ્ટરોમાં જ પોષણ મળે છે. તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય પરિવાર સર્વેક્ષણ-૬ના અહેવાલો જારી કરવામાં આવ્યા હતા. તેમાં બાળપોષણની પોસ્ટરોમાં દેખાતી આંકડાકીય ફુલગુલાબ વાતો વચ્ચે કેટલીક વરવી વાસ્તવિકતાઓ પણ છતી થઈ હતી. 

આ સર્વેના અહેવાલો જણાવે છે કે, જે મોરચે અને મુદ્દે સરકારી યોજનાઓમાં દેશભરમાં કાગળ ઉપર અને આંકડાઓમાં પ્રગતિ અને અસરકારકતા જોવા મળે છે તે વાસ્તવિકત ધરતી ઉપર જોવા મળતા નથી. પોષણ સૂચકાંકમાં જે વાસ્તવિકતા સામે આવી છે તે ચિંતાજનક છે. દેશમાં આ પહેલાં થયેલા પાંચમાં રાષ્ટ્રીય પરિવાર સર્વેક્ષણની સરખામણીએ કહેવાતી કેટલીક બાબતો સુધરી છે બાકી પોષણ મુદ્દે જે લાચારી અને અવગણના છે તે હાલ પણ જોવા મળે છે. દેશમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણનું પ્રમાણ ચિંતાજનક છે. તેમનો વિકાસ રૃંધાયો છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ગત સર્વેની સરખામણીએ ઉંચાઈ અને વજન ઓછા રહેવાની સમસ્યા વધારે વકરી ગઈ છે. દેશમાં દર ત્રીજું બાળક પોતાની ઉંમર પ્રમાણે યોગ્ય વજન અને ઉંચાઈ મેળવી શકતું નથી. દેશમાં દર પાંચમું બાળક કુપોષિત છે. 

ચિંતાજનક બાબત એવી છે કે, આ બાળકોમાં ઉંચાઈની સરખામણીએ તેમના વજનની સ્થિતિ પણ વિકટ છે. રાષ્ટ્રીય સ્તરે દર પાંચમાંથી એક બાળકમાં આવી સ્થિતિ છે અને કેટલાક રાજ્યોમાં તો દર પાંચમાંથી ચાર અને ત્રણ બાળકો આવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ઓછા વજન ધરાવતા બાળકોના આંકડામાં અને તેમની વાસ્તવિક સ્થિતિમાં ખાસ ફેર પડયો નથી. કુપોષિત બાળકોની રાષ્ટ્રીય સરેરાશ પણ યથાવત્ સ્થિતિમાં જ છે. બાળકોમાં કુપોષણનું જે ચિત્ર સામે આવ્યું છે તે સ્પષ્ટ રીતે જણાવે છે કે, બાળકોનો પૂરતું ભોજન મળતું નથી, તે બિમાર રહે છે, તેને સારવાર પણ પૂરતી મળતી નથી, તેના શરીરની જરૂર પ્રમાણે ભોજન મળતું નથી અને સરેરાશ તેનું શરીર ખરાબ થઈ જાય છે. 

ઉલ્લેખનીય છે કે, બાળકો જ્યાં અંડર વેઈટ છે તે સ્થિતિમાં ખાસ સુધારો થયો નથી. ગત અહેવાલમાં આ પ્રમાણ ૩૨.૧ ટકા હતું જે આ અહેવાલમાં ૩૧.૮ ટકા આવ્યું છે. તેમાં નહીવત્ ઘટાડો જોવા મળ્યો છે. તેનો સીધો અર્થ એવો છે કે, દેશમાં હજી પણ દર ત્રણમાંથી એક બાળક અંડરવેઈટ છે. ઘણા રાજ્યોમાં તો આ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. ઝારખંડમાં અંડરવેઈટ બાળકોની સંખ્યા ૪૧.૧ ટકા જેટલી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં વેસ્ટિંગ એટલે કે ઉંચાઈના પ્રમાણમાં ઓછા વજન ધરાવતા બાળકોનો આંકડો વધીને ૧૯.૨ ટકા જતો રહ્યો છે. બીજી તરફ ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા પણ વધીને ૩૪.૫ ટકા થઈ ગઈ છે. રાજસ્થાનમાં પણ વેસ્ટિંગનો દર ૧૯.૮ ટકા જ્યારે ઓછું વજન ધરાવતા બાળકોનું પ્રમાણ ૩૩.૩ ટકા થઈ ગયું છે. તેનો સીધો અર્થ એવો છે કે, કેટલાક રાજ્યોમાં કુપોષણની સ્થિતિ ખરાબ છે અને ઘણા રાજ્યોમાં વધારે ખરાબ થઈ રહી છે.

દેશમાં કુપોષણનું જે ચક્ર છે તે અત્યંત ચિંતાજનક છે. ભારતમાં બાળકો એનિમિયાથી પણ વધારે પીડાઈ રહ્યા છે. તેમનો આંકડો પણ ભયાવહ છે. ગત વર્ષના અહેવાલની વાત કરીએ તો દેશના પાંચ વર્ષથી ઓછી ઉંમરના બે તૃતિયાંશથી વધારે બાળકો અને અડધાથી વધારે મહિલાઓ એનિમિયાનો ભોગ બનેલી છે. એનિમિયા મુક્ત ભારત જેવી જે નામ માત્રની યોજનાઓની શું અસર થઈ છે તે આ આંકડા દ્વારા સમજી શકાય છે. ગત વર્ષનો સર્વે જણાવતો હતો કે, પાંચ વર્ષથી નીચેની ઉંમરના ૩૫ ટકા બાળકો કુપોષિત છે, ૬૭ ટકા એનિમિયાથી પીડાય છે અને ૩ ટકા બાળકો ઓવરવેઈટ છે. તેઓ મેદસ્વિતાથી પણ પીડાય છે. 

ચિંતાજનક સ્થિતિ એવી છે કે, જન્મથી બે વર્ષ સુધીનો સમય બાળકના પોષણ માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે. બાળકના શારીરિક અને માનસિક વિકાસની દ્રષ્ટીએ આ સમય અત્યંત નિર્ણયાક હોય છે. 

આ દરમિયાન જો બાળકોને યોગ્ય પોષણ ન મળે તો તેની ખામી આજીવન તેના શરીર ઉપર દેખાતી હોય છે. આ કુપોષણ સમગ્ર દેશમાં એક સરખી રીતે નથી વધતું. ગામડા અને શહેરોમાં તેનું પ્રમાણ જુદું છે. વધુ આવક ધરાવતા અને ઓછી આવક ધરાવતા લોકોની વચ્ચે તથા જાતીગત વિવિધતા ધરાવતા લોકો વચ્ચે પણ કુપોષણનું પ્રમાણ અલગ અલગ છે. ગરીબી, પછાત વિસ્તારો, તંગી, મોંઘવારી અને આવકની અસમાનતાના કારણે કુપોષણની સ્થિતિ વધારે કફોડી થઈ રહી છે.

વિકાસની વાતો થાય છે પણ હકિકતે આ વિકાસના લાભ સમાજના નીચલા વર્ગ કે પછાત લોકો સુધી પહોંચતા નથી. ગામડાઓમાં પણ વિકાસની વાતો થાય છે પણ લાભ પહોંચતા નથી. કુપોષણ માત્ર સ્વાસ્થ્ય વિભાગના અહેવાલનો એક ભાગ નથી પણ દેશની વસતીના જિંદગીનો સૌથી મોટો પ્રશ્ન છે. બાળકો કુપોષિત રહેશે તો તેમના મગજનો વિકાસ થશે નહીં. તેના દ્વારા તેને જે માનસિક અને શારીરિક સમસ્યાઓ આવશે તે આજીવન સહન કરવી પડશે. આ તરફ કોઈનું ધ્યાન જ જતું નથી.

2047નું વિઝન પણ ચિંતાજનક આંકડો જાહેર જ ન કરવામાં આવ્યા

ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની સુંવાળી જાહેરાતો કરવામાં આવે છે પણ કંટાળી વાસ્તવિકતા બતાવવામાં જ આવતી નથી. 

જાણકારોના મતે એનિમિયા અને અન્ય કુપોષણના માપદંડોના આંકડા જ જાહેર કરવામાં આવ્યા નથી. દેશમાં જ્યાં ૬૭ ટકા બાળકો એનિમિયાથી પીડાય છે, દેશની વસતીની અડધાથી વધારે મહિલાઓ એનિમિયાથી પીડાય છે ત્યાં આ સ્થિતિના આંકડા જ જાહેર કરવામાં આવ્યા હતા. ગત સર્વે કરતા આ સર્વેમાં ઘણી બાબતો જાહેર કરાઈ જ નથી. સરકાર માત્ર ગુલાબી ચિત્રો અને વિકાસના પોસ્ટરો બનાવવા જાતભાતના સંકલ્પો કરે છે પણ કામગીરી થતી નથી. સામાજિક ન્યાય અને રાષ્ટ્રીય નૈતિકતાના નામે સાવ મિંડુ છે. 

આ માત્ર સામાજિક સમસ્યા નથી. તેનાથી દેશને લાંબાગાળે મોટો આર્થિક ફટકો પડે તેમ છે. સરકારનો આત્મશ્લાઘા સિવાય કોઈના ઉપર કાબુ નથી. મોંઘવારીને પગલે ગરીબોની થાળીમાંથી દાળ, શાકભાજી, દૂધ દૂર થઈ રહ્યા છે. 

બજારોમાં પણ સરકાર દ્વારા જે મદદના નામે વસ્તુઓ મોકલાવવામાં આવે છે તેમાં પોષણ જેવું કશું જ હોતું નથી. બજારમાં ફાસ્ટફૂડ, જંકફુડનું ચલણ વધી ગયું છે તેના કારણે મેદસ્વિતાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હાલમાં સામાજિક સ્થિતિ એવી થઈ ગઈ છે કે, ગરીબો કુપોષિત થઈ રહ્યા છે અને મધ્યમવર્ગથી ઉપરના તમામ વર્ગના લોકો મેદસ્વિતા તરફ આગળ વધી રહ્યા છે. તેના કારણે લાઈફસ્ટાઈલ ડિસિઝમાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે. ૧૫ થી ૨૪ વર્ષના લોકોમાં મેદસ્વિતાનું પ્રમાણ ભયાનક રીતે વધ્યું છે. તે ઉપરાંત મહિલાઓમાં પણ મેદસ્વિતાનો દર ૩૦ ટકા પહોંચી ગયો છે. શહેરોમાં મહિલાઓમાં મેદસ્વિતાનો દર ૪૩ ટકા જ્યારે પુરુષોમાં ૨૭.૩ ટકા પહોંચી ગયો છે. તેના કારણે નવી નવી બિમારીઓ ઘર કરી રહી છે. એકંદરે કુપોષણ અને ખોટા ભોજનના કારણે લોકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે.

6 થી 23 મહિનાના માત્ર 15 ટકા બાળકોને જરૂરી પોષણ મળે છે 

દેશના સ્વાસ્થ્ય અને પારિવારિક સ્વાસ્થ્ય અંગે થયેલો આ અભ્યાસ જણાવે છે કે, બાળકોની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. દેશમાં ૬ મહિનાથી ૨૩ મહિના સુધીના બાળકો એટલે કે નવજાતોને ખૂબ જ ઓછું પોષણ મળે છે. આ ઉંમરના બાળકોમાંથી માત્ર ૧૫.૩ ટકા બાળકોને જ તેમની જરૂરિયાત પ્રમાણેનું પોષણ મળે છે. તેમાં એક હકારાત્મક બાબત એટલી છે કે, ગત અહેવાલમાં આ આંકડો ૧૧ ટકા હતો જે આ વખતે ૧૫ ટકા પહોંચ્યો છે. આ આંકડો હજી પણ સારો નથી. આ આંકડા પ્રમાણે દેશનો ચીતાર લેવામાં આવે તો હજી પણ દેશમાં આ ઉંમરના દર ૧૦માંથી ૮ બાળકો કુપોષણનો શિકાર છે. રાજસ્થાનમાં તો માત્ર ૮.૭ ટકા બાળકો જ્યારે બિહારમાં ૧૧.૯ ટકા બાળકોને જ પૂરતું પોષણ મળે છે. જાણકારો માને છે કે, આ બાળકોનું વજન વધતું નથી છતાં હાઈટ વધે છે. ક્યારેક આ બાળકોમાં ઉંચાઈ વધારે હોતી નથી અને વજન વધવા લાગે છે. તેના પગલે તેમનામાં વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થવાની શક્યતો રહેલી છે. અહેવાલમાં એવું જણાવાયું છે કે, આ ઉંમરના બાળકોમાં કુપોષણનું સૌથી મોટું કારણ માતાઓની અવગણના છે. આ બાળકોને બ્રેસ્ટ ફિડિંગ કરાવતી માતાઓનો દર સતત ઘટી રહ્યો છે. 

છ મહિના કે તેનાથી નાના બાળકોમાં સ્તનપાનનો દર ૬૪ ટકાથી ઘટીને ૫૯.૭ ટકા જતો રહ્યો છે. આ સ્થિતિમાં ઉત્તર પ્રદેશ સૌથી ખાબર સ્થાને છે. અહીંયા પહેલાં આ પ્રમાણ ૬૦ ટકા હતું પણ હાલમાં તે ઘટીને ૩૪.૬ ટકા થઈ ગયું છે. તેમાં મોટો ઘટાડો આવ્યો છે. ઝારખંડ અને રાજસ્થાનમાં પણ ઉલ્લેખનીય ઘટાડો આવ્યો છે. જાણકારો માને છે કે, સ્તનપાન અંગે મહિલાઓમાં ફેલાયેલી ગેરમાન્યતાઓ, વૈજ્ઞાનિક માહિતીનો અભાવ વગેરેને પગલે નવજાત બાળકોને પૂરતું પોષણ મળી રહ્યું નથી.