Get The App

બોર્ડ ઓફ પીસ : યુએનને ધ્વસ્ત કરવાની પેન્ટાગોનની મેલી મુરાદ

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
બોર્ડ ઓફ પીસ : યુએનને ધ્વસ્ત કરવાની પેન્ટાગોનની મેલી મુરાદ 1 - image

- ગાઝામાં શાંતિના નામે અમેરિકા પોતાનું એક જૂથ ઊભું કરી રહ્યું છે જે તેના ઈશારે કામ કરે અને વૈશ્વિક સ્થિતિમાં તેની પડખે રહે, યુએન અને તેની સંસ્થાઓ ભાંગી પડે 

- પેન્ટાગોન સાબિત કરવા મથી રહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર હવે વૈશ્વિક સંઘર્ષો, મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં, તેમાં સમજુતી સધાવવામાં કે મદદ કરવામાં નિષ્ફળ જઈ રહ્યું છે. તેના પગલે જ ટ્રમ્પને પીસ ઓફ બોર્ડ બનાવવાની ફરજ પડી છે જે વધારે શક્તિશાળી, પ્રભાવશાળી વિકલ્પ બની શકે તેમ છે : ટ્રમ્પ તંત્ર દ્વારા અમેરિકા આર્થિક હિતો, રાષ્ટ્રિય સુરક્ષા અને અમેરિકી સંપ્રભુતાને પ્રાથમિકતા આપવાના નામે વૈશ્વિક સંસ્થાઓને વ્યર્થ અને અમેરિકી વિરોધી હોવાનો થપ્પો મારી દીધો છે. તે ઉપરાંત તેના ભંડોળમાં ક્યાંક કાપ મૂકી દીધો છે તો ક્યાંક ભંડોળ સાવ બંધ કરી દીધું છે : અમેરિકી આડોડાઈને પગલે યુએન ખોટકાશે તો તેની મોટાપાયે વૈશ્વિક અસર પડશે. તેના દ્વારા ૯૫ કરોડ લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડશે. તે ઉપરાંત ૩૦ લાખથી વધારે લોકોનાં મોત થઈ શકે છે. આ સિવાય ૨.૫ કરોડથી વધારે બાળકોનો અભ્યાસ પણ અટકી જઈ શકે તેમ છે 

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ગાઝાનું ફરીથી નિર્માણ કરવા માગે છે. ગાઝાને કાબુમાં કરવા માટે અને સંયુક્ત રાષ્ટ્ર જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાને સાઈડલાઈન કરવા અને બંધ કરવા માગે છે. જાણકારોના મતે પેન્ટાગોન દ્વારા ટ્રમ્પના ખભે બંધૂક મૂકીને વૈશ્વિક સંસ્થાઓનો કચ્ચરઘાણ વાળવાની તૈયારી કરી રહ્યું છે. એક સમય હતો જ્યારે વિશ્વને કાબુ કરવા પેન્ટાગોન થકી જ આવી વૈશ્વિક સંસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. અમેરિકા દ્વારા આ સંસ્થાઓને અત્યાર સુધીમાં ખરબો ડોલરની રકમ સખાવત પેટે અપાઈ છે. હવે આ સંસ્થાઓ અમેરિકાના કાબુમાં રહી નથી. તેના પગલે જ ટ્રમ્પ ગિન્નાયા છે. તેઓ પૈસા કમાવવા અને બીજી તરફ પોતાનું એક અનોખું વૈશ્વિક નેટવર્ક ઊભું કરવા નવી જ સંસ્થા ઊભી કરવામાં પડયા છે. તેઓ બોર્ડ ઓફ પીસ બનાવી રહ્યા છે જેમાં કેટલાકને ટ્રમ્પની મહેરબાનીથી જગ્યા મળશે જ્યારે બાકીનાએ કરોડો ડોલર આપીને તેમાં સ્થાન મેળવવાનું રહેશે.

ટ્રમ્પની જાહેરાત સ્પષ્ટ જણાવે છે કે, ગાઝામાં શાંતિ સ્થાપવા કે તેનો ફરી વિકાસ કરવા માટે યુએન જેવી સંસ્થાઓ આગળ આવવું જોઈએ અને અમેરિકાએ પણ યુએનને આગળ કરવું જોઈએ પણ તેમ થયું નથી. જે કામ યુએનનું છે તે હવે ટ્રમ્પ કરવા માગે છે. 

ટ્રમ્પે પોતાના બોર્ડની રચના ૨૦ પોઈન્ટ પ્લાનથી કરી છે જેને યુએન સિક્યોરિટી કાઉન્સિલે રોઝોલ્યુશન ૨૮૦૩ દ્વારા સમર્થન આપેલું છે. અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, સત્તાભુખ્યું પેન્ટાગોન હવે યુએન જેવી વૈશ્વિક સંસ્થાના મહત્ત્વને ઓછું કરી રહ્યું છે. તેના દ્વારા વિશ્વમા એક નવી સંસ્થાની જરૂરિયાતને પણ ઊભી કરી રહ્યું છે. 

પેન્ટાગોન સાબિત કરવા મથી રહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર હવે વૈશ્વિક સંઘર્ષો, મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં, તેમાં સમજુતી સધાવવામાં કે મદદ કરવામાં નિષ્ફળ જઈ રહ્યું છે. તેના પગલે જ ટ્રમ્પને પીસ ઓફ બોર્ડ બનાવવાની ફરજ પડી છે જે વધારે શક્તિશાળી, પ્રભાવશાળી વિકલ્પ બની શકે તેમ છે. નવાઈની વાત એ છે કે, ટ્રમ્પના બોર્ડનું ચાર્ટર યુએન અને તેના જેવી તમામ વૈશ્વિક સંસ્થાઓની કામગીરને સતત વખોડે છે.

મહત્ત્વની વાત એ છે કે, ટ્રમ્પ દ્વારા જે બોર્ડની રચના કે જાહેરાત કરવામાં આવ્યા છે તે અમેરિકા કેન્દ્રિત વૈકલ્પિક માળખું છે. સીધી ભાષામાં કહીએ તો તેને ટ્રમ્પ યુનાઈટેડ નેશન્સ પણ કહી શકાય તેમ છે. તેમાં યુએન ચાર્ટરના તમામ મૂળ સિદ્ધાંતોની અવગણના કરવામાં આવી છે. આ બોર્ડમાં સ્થાન મેળવવા માગતા કોઈપણ દેશને ઓછામાં ઓછા ૧ અબજ ડોલરનું યોગદાન આપવું પડશે. તેના દ્વારા એક વિશેષ ક્લબની રચના કરવામાં આવશે. આ બોર્ડ હવે યુએનના વૈશ્વિક મંચને પડકારી રહ્યું છે. તેમાં આર્જેન્ટિના, કેનેડાના કેટલાક નેતા અને અન્ય દેશોના નેતાઓ આ બોર્ડમાં અમેરિકી નેતૃત્વનું સમર્થન કરી રહ્યા છે અને યુએનને ભાંડી રહ્યા છે.

જાણકારો સ્પષ્ટ માને છે કે, ટ્રમ્પ દ્વારા જે પ્લાન રજૂ કરાયો છે તેમાં તેની સામાન્ય ભૂમિકા છે. પેન્ટાગોન દ્વારા યુએન અને તેને સંગલગ્ન તમામ વૈશ્વિક સંસ્થાઓને નબળી પાડવા માટે આ બોર્ડ રચાયું છે. આ બોર્ડમાં પેલેસ્ટાઈનની પોતાની કોઈ ભૂમિકા નથી. ત્યાં શું થઈ રહ્યું છે અને આગળ શું થવાનું છે તેના વિશે પણ તેને સમજ નથી. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓની જગ્યાએ એક આંતરરાષ્ટ્રીય સ્થિરતાની વાત કરતા બોર્ડને કેન્દ્રમાં રાખવાની કામગીરી થઈ રહી છે. પેન્ટાગોનની રણનીતિના ભાગરૂપે જ પહેલાં યુએન અને તેને સંલગ્ન સંસ્થઓનું ફંડિંગ ઓછું કરવામાં આવ્યું. 

હવે ધીમે ધીમે અમેરિકા જ યુએનમાંથી બહાર નીકળવા માગે છે અને બીજી વૈશ્વિક સંસ્થાઓને પણ આ રીતે નબળી પાડવા માગે છે. 

બીજી ગંભીર બાબત એ છે કે, કેટલાક જાણકારો માને છે કે, ટ્રમ્પ દ્વારા યુએનને પડકારવાની સાથે સાથે અન્ય કેટલીક કામગીરીઓ પણ ગુપ્ત રીતે કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગાઝાની વાત કરીએ તો અમેરિકાનું ફોકસ તેના ઉપર છે જ નહીં. જાણકારો માને છે કે, આ બોર્ડ થકી ગાઝાને ફાયદો થશે કે નહીં તે ખબર નથી પણ ઈઝરાયેલને વધારે મજબૂત કરીને પોતાના ફાયદા માટે આગામી સમયમાં તેનો ઉપયોગ કરવાનો પેંતરો પેન્ટાગોને બનાવ્યા છે. હાલમાં બોર્ડ દ્વારા જે પ્લાન રેડી કરાયો છે અને ટ્રમ્પે પણ જે મુદ્દા કહ્યા હતા તેમાં ઈઝરાયેલની સુરક્ષા અને વિકાસને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તે પેલેસ્ટાઈનના અધિકારો અને વિકાસને ખાસ પ્રાધાન્ય આપતું નથી. તેના કારણે વિવાદ પણ વધી રહ્યો છે.

ગંભીર બાબત એ છે કે, ટ્રમ્પ તંત્ર દ્વારા અમેરિકા આર્થિક હિતો, રાષ્ટ્રિય સુરક્ષા અને અમેરિકી સંપ્રભુતાને પ્રાથમિકતા આપવાના નામે વૈશ્વિક સંસ્થાઓને વ્યર્થ અને અમેરિકી વિરોધી હોવાનો થપ્પો મારી દીધો છે. તે ઉપરાંત તેના ભંડોળમાં ક્યાંક કાપ મૂકી દીધો છે તો ક્યાંક ભંડોળ સાવ બંધ કરી દીધું છે. ટ્રમ્પનું માનવું છે કે, સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓ અમેરિકી નાગરિકો અને કરદાતાઓના પૈસા બરબાદ કરે છે. 

યુએન હાલમાં ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ, જાતીય સમાનતા અને અન્ય વૈશ્વિક અને સામાજિક મુદ્દાઓને પ્રાધાન્ય આપીને કામ કરે છે જે અમેરિકી હિતોની વિપરિત છે. જાન્યુઆરી ૨૦૨૬માં જ ટ્રમ્પે ૬૬ જેટલા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી અમેરિકાને બાકાત કરવાની જાહેરાત કરી દીધી હતી. આ ૬૬ જેટલા સંગઠનોમાંથી ૩૧ જેટલા સંગઠનો સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા છે. તે વિશ્વ આરોગ્ય સંસ્થા, પેરિસ ક્લાઈમેટ ચેન્જ સમજુતી, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ અને સંયુક્ત રાષ્ટ્ર રાહત અને બચાવ કાર્ય એજન્સી વગેરેમાંથી અમેરિકાને બહાર કાઢી ચુક્યા છે.

પેન્ટાગોને એક ભ્રમ ઊભો કરી દીધો છે કે, સંયુક્ત રાષ્ટ્ર અધધ ધન ખર્ચ કરનારી ખર્ચાળ, જવાબદારી વગરની અને બિનકાર્યક્ષમ સંસ્થા થઈ ગઈ છે. 

આ સંસ્થા પાસે હવે અમેરિકી નીતિઓની ટિકા કરવા સિવાય કોઈ ખાસ કામ રહ્યું નથી. યુએનની કામગીરીઓના કોઈ નક્કર પરિણામો પણ આવતા નથી. ટ્રમ્પ જણાવે છે કે આ સંસ્થાઓ અમેરિકાની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનું કામ કરી રહી છે. ટ્રમ્પ પહેલા દિવસથી ક્લાઈમેટ ચેન્જ, જેન્ડર ઈક્વાલિટી, ડાઈવર્સિટી જેવી બાબતોને અમેરિકી મૂલ્યોની વિરુદ્ધ માને છે. યુએનની મોટાભાગની એજન્સીઓ આવી જ કામગીરીઓ કરે છે. તેના કારણે ટ્રમ્પ હવે યુએન અને તેની સંસ્થાઓને પૂરી કરવા આકારપાણીએ થયા છે.

જાણકારો માને છે કે, ટ્રમ્પની આ નીતિઓને કારણે વૈશ્વિક ભાગીદારી નબળી પડશે અને લાંબાગાળે માનવીય, આર્થિક અને સુરક્ષા સંબંધી સમસ્યાઓ વકરી જશે. અમેરિકાએ જો યુએનમાં સંપૂર્ણ પણે ફંડ આપવાની ના પાડી દીધી તો યુએનની ૪૦ ટકા એજન્સીઓ આપોઆપ જ બંધ થઈ જશે. તેની એક મોટી અસર વૈશ્વિક સ્વાસ્થ્ય ઉપર પડશે. તેના દ્વારા ૯૫ કરોડ લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડશે. તે ઉપરાંત ૩૦ લાખથી વધારે લોકોનાં મોત થઈ શકે છે. આ સિવાય ૨.૫ કરોડથી વધારે બાળકોનો અભ્યાસ પણ અટકી જઈ શકે તેમ છે. ગ્લોબલ ક્લાઈમેટ પ્રયાસો પણ નબળા પડી જશે અને અમેરિકાને પોતાને પણ વારંવાર ફાટતા દાવાનળ અને પૂર જેવી સમસ્યાઓથી બચવામાં મુશ્કેલી થશે. કેટલાક જાણકારો માને છે કે, એક વખત અમેરિકા ડબ્લ્યૂએચઓ જેવી વૈશ્વિક સ્વાસ્થ્ય સંસ્થામાંથી નીકળશે તો દુનિયામાં તેની શાખ ઓછી થશે. તે ઉપરાંત ચીન આ સંસ્થામાં પોતાનું સ્થાન મજબૂત કરી લેશે. બીજી તરફ દુનિયામાં સંઘર્ષ વધશે કે યુદ્ધ થશે તો સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સેના ભંડોળ અને સાધનોના અભાવ શાંતિ સ્થાપવા જઈ શકશે નહીં. તેની કામગીરીને પણ વ્યાપક અસર થશે. વૈશ્વિક સ્તરે પરિસ્થિતિ ડામાડોળ થવા લાગશે.

સંયુક્ત રાષ્ટ્ર નબળું પડશે તો સમગ્ર વિશ્વમાં અફરાતફરી મચી જશે 

પેન્ટાગોન દ્વારા યુએનને નબળું પાડવા માટે ટ્રમ્પને છૂટોદોર આપવામાં આવ્યો છે અને તેના દ્વારા તે સમગ્ર વિશ્વમાં અફરાતફરી મચાવવા માગે છે. તે કોઈપણ ભોગે ફરી એક વખત વૈશ્વિક મહાસત્તાની બાગડોર પોતાના હાથમાં લેવા માગે છે અને ચીનના વધતા પ્રભાવને ડામી દેવા મરણિયું થયું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ જો નબળું પડશે તો દુનિયા ઉપર ગંભીર અસર જોવા મળશે. 

આગામી સમયમાં મોટા સંઘર્ષો કે યુદ્ધ દરમિયાન આંતરરાષ્ટ્રીય દબાણ કે મધ્યસ્થતાની અસર જ નહીં ઉપજે. તેના માટે કદાચ કોઈ માર્ગ જ નહીં રહે. નાના અને નબળા દેશો ઉપર મોટા અને મજબૂત દેશો આક્રમણ કરીને તેને ગુલામ બનાવી લેશે અથવા પોતાને હસ્તક કરી લેશે. ભૂતકાળમાં જે લિગ ઓફ નેશન્સના પતન બાદ બીજું વિશ્વયુદ્ધ થયું હતું તેમ ફરીથી વિશ્વ વધુ એક વિશ્વ યુદ્ધની એરણે આવી જશે. યુએનએચસીઆર, ડબ્લ્યૂએફપી, યુનિસેફ, ડબ્લ્યૂએચઓ જેવી યુએનની આંતરરાષ્ટ્રી સંસ્થાઓ કે જે કરોડો લોકોને ભોજન, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ અને માનવ શ્રમ પૂરો પાડવામાં મદદ કરે છે તેમને અસર થશે. આ સંસ્થાઓનું ફંડિંગ અટકી જશે અથવા બંધ થઈ જશે તો તેમની સેવાઓને ૫૦ ટકા સુધીની અસર પડશે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાઓની અસર ઓછી થઈ જશે. દુનિયાના મોટાભાગના દેશો પોતાની રીતે આક્રમક થતા જશે. વૈશ્વિક સહયોગ ઘટવા લાગશે. ચીન અને રશિયા જેવા દેશોને મોટો ફાયદો થશે. તેઓ બેફામપણે વિસ્તારવાદી પ્રવૃત્તિ કરશે. ડબ્લ્યૂટીઓ અને આઈએમએફ જેવી સંસ્થાઓ નબળી પડશે તો વૈશ્વિક વ્યાપાર અસ્થિર થઈ જશે. ટેરિફ યુદ્ધ છડાશે. નાના દેશોની ભયાનક અવદશા થશે. તેમને અવાજ દબાઈ જશે અને તેઓ ક્ષેત્રીય શક્તિશાળી દેશો ઉપર આધારિત થઈ જશે. દુનિયાના ચારેકોર અફરાતફરી, સંઘર્ષ, ભૂખમરો અને યુદ્ધની સ્થિતિ સર્જશે.