For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બ્રેવો જેસિન્ડા, પ્રાઇમ મિનિસ્ટર પદ છોડી હોમ મિનિસ્ટર બનશે

Updated: Jan 20th, 2023

Article Content Image

- 42 વર્ષના ન્યુઝીલેન્ડના વડાપ્રધાને અચાનક રાજીનામું આપી દીધું : ભારતમાં રાજકારણીયો ખુરશીને ચીટકી રહે છે : સામે ચાલીને ક્યારેય રાજીનામું આપતાં નથી

- જેસિન્ડાની રાજીનામાની જાહેરાતનાં એટલા માટે પણ વખાણ થઈ રહ્યાં છે કે સામાન્ય રીતે મળેલી સત્તા કોઈ છોડતું નથી. કાગડા બધે કાળા છે એ જોતાં રાજકારણીઓ બધે સરખા છે. દુનિયાના ઘણા બધા દેશોમાં આ સમસ્યા છે ત્યારે જેસિન્ડાએ સામેથી સત્તાને ઠુકરાવીને લોકોના દિલ જીતી લીધાં છે. સોશિયલ મીડિયા પર જેસિન્ડા છવાયેલાં છે. 

ન્યુઝીલેન્ડનાં પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા આર્ડર્ને અચાનક રાજીનામું આપવાની જાહેરાત કરીને આશ્ચર્ય સર્જી દીધું. જેસિન્ડાના રાજીનામાની જાહેરાતથી લોકોને બે કારણસર આશ્ચર્ય થયું છે. પહેલું કારણ એ કે, જેસિન્ડાની વડાપ્રધાનપદે ટર્મ પૂરી થવામાં હજુ નવ મહિના બાકી છે.

ન્યુઝીલેન્ડમાં દર ત્રણ વરસે ચૂંટણી થાય છે તેથી પ્રાઈમ મિનિસ્ટરની મુદત ત્રણ વર્ષની હોય છે. જેસિન્ડા ૨૦૧૭ના એક્ટોબરમાં પહેલી વાર પ્રાઈમ મિનિસ્ટર બનેલાં ને પછી ૨૦૨૦માં ફરી સત્તામાં આવ્યાં હતાં.  જેસિન્ડાની વડાપ્રધાનપદે બીજી ટર્મ પૂરી થવામાં હજુ નવ મહિના બાકી છે પણ એ પહેલાં જ જેસિન્ડાએ સત્તા છોડવાની જાહેરાત કરી નાંખી.

બીજું કારણ એ કે, જેસિન્ડાની ઉંમર માત્ર ૪૨ વર્ષ છે. જેસિન્ડા ૩૭ વર્ષની વયે જ પ્રાઈમ મિનિસ્ટર બની ગયેલાં તેથી બહુ નાની ઉંમરે બે ટર્મ માટે સર્વોચ્ચ હોદ્દા પર રહ્યાં. તેમની ઉંમર જોતાં જેસિન્ડા સરળતાથી ત્રીજી ટર્મ માટે પ્રાઈમ મિનિસ્ટર બનવા દાવેદાર છે. તેમની પાર્ટીમાં તેમની સામે કોઈ અસંતોષ કે હરીફાઈ જ નથી છતાં જેસિન્ડાએ સ્વૈચ્છિક રીતે જ સત્તા છોડવાનું એલાન કરી દીધું છે.

ન્યુઝીલેન્ડ સાવ નાનકડો દેશ છે એ જોતાં વૈશ્વિક રાજકારણમાં તેનું કંઈ મહત્વ જ નથી. નોર્થ આઈલેન્ડ અને સાઉથ આઈલેન્ડ એ બે મોટા ટાપુ ઉપરાંત ૭૦૦ જેટલા નાના નાના ટાપુના બનેલા ન્યુઝીલેન્ડનો કુલ વિસ્તાર ૨.૬૮ લાખ ચોરસ કિલોમીટર છે ને વસતી ૫૧.૩૮ લાખ છે. ભારતમાં ન્યુઝીલેન્ડ કરતાં વધારે વસતી ધરાવતાં સો કરતાં વધારે શહેર છે. આપણા અમદાવાદની વસતી જ ન્યુઝીલેન્ડ કરતાં વધારે છે એ જોતાં ન્યુઝીલેન્ડની દુનિયામાં કોઈ વિસાત જ ના કહેવાય. એ છતાં જેસિન્ડાના રાજીનામાની ચર્ચાનું એક કારણ જેસિન્ડાએ સાડા પાંચ વર્ષના શાસનમાં ઉભી કરેલી ઈમેજ પણ છે. 

જેસિન્ડા પ્રાઈમ મિનિસ્ટર બન્યાં પછી ન્યુઝીલેન્ડે બહુ કપરો સમય જોયો. કોરોના કપરો કાળ તો આવ્યો જ પણ એ સિવાય ન્યુઝીલેન્ડે આતંકવાદનો સ્વાદ પણ ચાખ્યો અને વોલ્કેનોની કુદરતી આફતો સામનો પણ કર્યો. ૨૦૧૯માં ક્રાઈસ્ટચર્ચની મસ્જિદમાં થયેલાં આતંકવાદી હુમલામાં ૫૧ મુસ્લિમોની હત્યા થઈ હતી. ન્યુઝીલેન્ડ જેવા અત્યંત શાંત દેશમાં બનેલી આ ઘટનાએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. જેસિન્ડાએ એ વખતે મક્કમતાથી કામ લીધું તેની પ્રસંશા થઈ હતી. એ જ રીતે વ્હાઈટ આઈલેન્ડમાં વોલ્કેનો એટલે કે જ્વાળામુખી ફાટયો ત્યારે જેસિન્ડાએ ત્વરિત નિર્ણયો લઈને કોઈ જાનહાનિ ના થવા દીધી તેના કારણે પણ સૌ તેમના પર ફિદા થઈ ગયાં હતાં. જેસિન્ડા પ્રાઈમ મિનિસ્ટર હતાં ત્યારે જ પ્રેગનન્ટ થયેલાં ને માતા બનેલાં. આ કારણસર પણ એ ચર્ચામાં રહેલાં.

જેસિન્ડાએ રાજકારણ છોડવા પાછળ ચોક્કસ કરાણ આપ્યું નથી પણ એ પરિવાર માટે વધુ સમય ફાળવવા માગે છે તેથી રાજકારણ છોડી રહ્યાં હોવાની ચર્ચા છે. આ કારણ પણ તેમની પ્રસંશા થઈ રહી છે. સત્તાલાલસાના બદલે પરિવારને મહત્વ આપીને જેસિન્ડાએ એક આદર્શ સ્થાપ્યો છે એ સ્પષ્ટ છે. 

જેસિન્ડાની રાજીનામાની જાહેરાતનાં એટલા માટે પણ વખાણ થઈ રહ્યાં છે કે સામાન્ય રીતે મળેલી સત્તા કોઈ છોડતું નથી. કાગડા બધે કાળા છે એ જોતાં રાજકારણીઓ બધે સરખા છે. દુનિયાના ઘણા બધા દેશોમાં આ સમસ્યા છે ત્યારે જેસિન્ડાએ સામેથી સત્તાને ઠુકરાવીને લોકોના દિલ જીતી લીધાં છે. સોશિયલ મીડિયા પર જેસિન્ડા છવાયેલાં છે.  

અમેરિકા સહિતના પશ્ચિમના દેશોમાં તો જો બિડેન અને ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવીને મીમ્સ પણ ફરતા થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ૭૬ વર્ષના છે જ્યારે બિડેન તો ૮૧ વર્ષના છે. યુકેમાં ઋષિ સુનક માત્ર ૪૨ વર્ષની વયે પ્રાઈમ મિનિસ્ટર બન્યા છે. બીજા ઘણા દેશોમાં પણ યુવાએના હાથમાં સત્તા છે. આ સંદર્ભમાં કટાક્ષ થઈ રહ્યા છે કે, દુનિયાના બીજા દેશોમાં ૪૦ વર્ષે લોકો સત્તા ભોગવીને છોડી રહ્યા છે ને આપણે ત્યાં રીટાયરમેન્ટ લેવાની ઉંમરે પણ ટ્રમ્પ ને બિડેનથી સત્તાનો મોહ છૂટતો નથી. આપણે ત્યાં પણ અમેરિકા જેવી જ સ્થિતી છે. ભારતમાં નેતાઓ યુવાનોને તક આપવાની વાતો કરે છે પણ તેમના માટે જગા કરતા નથી. એક પગ કબરમાં હોય તો પણ તેમનાથી સત્તાનો મોહ છૂટતો જ નથી.

ભારતમાં કેન્દ્ર સરકાર હો કે રાજ્ય સરકારો હોય, જેસિન્ડાની ઉંમરે કોઈ સત્તાને ઠોકર મારે એવી તો કલ્પના જ ના થઈ શકે કેમ કે જેસિન્ડા સાડા પાંચ વર્ષ વડાપ્રધાનપદ ભોગવીને પરવારી ગયાં એ ઉંમરે તો મોટા ભાગના નેતાઓને સત્તામાં બેસવાની તક પણ મળતી નથી. ઘરડા ખસે તો યુવાનોને તક મળે ને ? સિત્તેર-પંચોતેર વરસના ઘરડા રાજકારણીઓથી પણ સત્તા છૂટતી નથી. એ લોકો પંચોતેર વરસે પણ સત્તા છોડવા તૈયાર નથી હોતા ત્યારે જેસિન્ડાની જેમ બેંતાલીસ વરસે સત્તા શું છોડવાના ? 

જો કે ભારત કે અમેરિકા જેવી સ્થિતી બધે નથી. દુનિયામાં ઘણા દેશોમાં યુવાનોને સત્તા મળે છે ને એ લોકો સત્તા પર ચીટકી રહેવાના બદલે યોગ્ય સમયે સત્તા છોડી પણ દે છે. અમેરિકામાં પણ બરાક ઓબામા ૪૮ વર્ષની વયે બે ટર્મ પ્રમુખપદ ભોગવ્યા પછી નિવૃત્ત થઈ ગયા. એ પછી એ લાઈનલાઈટમાં રહ્યા વિના જીવે જ છે. 

જેસિન્ડાની જેમ ફિનલેન્ડનાં સાન્ના પણ યુવાઓમાં લોકપ્રિય

જેસિન્ડાની જેમ ફિનલેન્ડનાં પ્રાઈમ મિનિસ્ટર સાન્ના મિરેલ્લા મરીન પણ તેમની નાની વયના કારણે ચર્ચામાં છે. સન્ના મરીનની ઉંમર માત્ર ૩૭ વર્ષ છે. સન્ના મરીન ૨૦૧૯માં માત્ર ૩૪ વર્ષની ફિનલેન્ડમાં પ્રાઈમ મિનિસ્ટર બન્યાં હતાં. સન્ના મરીન પોતાની બોલ્ડ લાઈફસ્ટાઈલના કારણે ફિનલેન્ડ જ નહીં પણ અમેરિકા સહિતના દેશોમાં અત્યંત લોકપ્રિય છે અને ચર્ચામાં રહે છે. સન્ના મરીનની માતા લેસ્બિયન છે પણ જાહેરમા કબૂલાતની હિંમત નહીં હોવાથી લગ્ન કરી લેવાં પડેલાં. સન્નાના જન્મ પછી તેમનાં માતાને પિતા સાથે ઝગડા થવા માંડયા તેથી બંને અલગ થયાં પછી સન્નાનાં માતા તેમની મહિલા પાર્ટનર સાથે રહેલાં જતા રહેલાં. સન્નાનો ઉછેર બે મહિલાઓએ કરેલો છે. સન્નાએ પરિવારને મદદરૂપ થવા બેકરીમાં કામ કરેલું છે. 

સન્ના પોતે ૨૦૧૮માં લગ્ન વિના જ માતા બની હતી. ૨૦૧૯માં સન્ના ચૂંટણી લડતા હતાં ત્યારે આ મુદ્દો ચગેલો પણ યુવાઓને સન્નાની બિન્દાસ લાઈફસ્ટાઈલ પસંદ આવી ગઈ તેથી સન્ના પ્રાઈમ મિનિસ્ટર બની ગયાં. સન્નાએ પોતાના પાર્ટનર માર્કસ રાઈક્કોનેન સાથે પ્રાઈમ મિનિસ્ચર બન્યા પછી લગ્ન કર્યાં હતાં. સન્ના પ્રાઈમ મિનિસ્ટર બન્યા પછી રાજધાની હેલસિંકીના પ્રાઈવેટ એપાર્ટમેન્ટમાં પાર્ટીમાં બોલ્ડ ડાન્સ કરતાં હોય એવા વીડિયો વાયરલ થયેલા. સન્નાએ ડ્રગ્સ લીધું હોવાના આક્ષેપો પણ થયેલા. એ વખતે સન્નાએ સામેથી ડ્રગ્સ ટેસ્ટ કરાવીને નિર્દોષતા સાબિત કરી હતી. પ્રાઈમ મિનિસ્ટરના સત્તાવાર નિવાસસ્થાને પાર્ટીમાં ટોપલેસ યુવતીઓ આવી તેનો વિવાદ પણ થયો હતો.

મસ્જિદમાં હુમલા પછી જેસિન્ડાએ કટ્ટરવાદીઓને દબાવી દીધેલા

જેસિન્ડાની સૌથી મોટી સિધ્ધી એ મનાય છે કે તેમણે ન્યુઝીલન્ડને કટ્ટરવાદીઓનો અડ્ડો ના બનવા દીધું. ૨૦૧૯માં ન્યુઝીલેન્ડના સાઉથ આઇસલેન્ડ શહેરની બે મસ્જિદો પર હુમલો કરીને  ૫૧ મુસ્લિમોની હત્યા કરાઈ હતી.  ૨૮ વર્ષના ઓસ્ટ્રેલિયન નાગરિક બ્રેન્ટન ટેરોન્ટે ક્રાઈસ્ટચર્ચની અલ નૂર મસ્જિદમાં સેમી-ઓટોમેટિક ગનથી અંધાધૂંધ હુમલો કરીને હત્યાકાંડ સર્જેલો. ટેરોન્ટ માર્યો ગયેલો પણ તેના બીજા ચાર સાથી પકડાઈ ગયા હતા. 

ટેરોન્ટ ફાર રાઈટ ટેરરિઝમમાં માનતો હતો. ફાર રાઈટ ટેરરિઝમ એટલે પોતાના રાષ્ટ્ર સિવાયનાં બહારથી આવેલાં  લોકોનો સફાયો કરી દેવાની વિચારધારા. જર્મનીમાં હિટલરનો નાઝીવાદ અને ઈટાલીમાં મુસોલિનીનો ફાસીવાદ આ વિચારધારાનાં ઉદાહરણ છે.  ૧૯૭૦ના દાયકામાં પશ્ચિમ યુરોપમાં ઉદભવેલી આ વિચારદારા ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની. ઝેક રીપબ્લિક, આયર્લેન્ડ, સ્વિત્ઝરલેન્ડ સહિતના દેશોમાં હજુય પ્રબળ છે. ન્યુઝીલેન્ડમાં પણ બહારથી આવેલાં લોકો વધી રહ્યાં છે તેથી આ વિચારધારાનો પ્રભાવ વધ્યો છે. 

મસ્જિદોમાં થયેલો હુમલો તેનું જ પરિણામ હતું. જેસિન્ડા એ વખતે નબળાં પડયાં હોત તો આ પરિબળો ચડી બેઠાં હોત પણ જેસિન્ડાએ મક્કમ હાથે કામ લઈને તેમને દબાવી દીધાં. બહારથી આવેલાં લોકોમાં ડરનો માહોલ ના ફેલાય એટલે જેસિન્ડાએ પોતે હિજાબ પહેરીને મુસ્લિમો સાથે એકતા દર્શાવી હતી.


Gujarat