Get The App

માણસોમાં માણસાઈ મરી પરવારી : જાસુસી માટે પક્ષીઓનો ઉપયોગ

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
માણસોમાં માણસાઈ મરી પરવારી : જાસુસી માટે પક્ષીઓનો ઉપયોગ 1 - image

- ચીનનું જીપીએસ ટ્રેકર લગાવેલું સીગલ પક્ષી તાજેતરમાં ભારતના કર્ણાટકના મહત્ત્વના નેવલ બેઝ પાસે મળ્યું, ચીન સામે પરોક્ષ જાસુસીના અરોપો

- આ ડિવાઈસ બેઈજિંગ ખાતે આવેલી ચાઈનિઝ એકેડેમી ઓફ સાયન્સિસ હેઠળ કામ કરતા રીસર્ચ સેન્ટર ફોર ઈકો-એન્વાર્યન્મેન્ટલ સાયન્સિસ સાથે જોડાયેલું હતું. ટ્રેકરમાંથી સીગલના મુવમેન્ટ્સ, તેની ભોજનની પદ્ધતિ, તેનો માઈગ્રેશનનો રૂટ વગેરે માહિતી મળ્યા છે. હાલમાં આ ડેટાના આધારે વધુ તપાસ કરાશે : આ કોઈ પહેલો કિસ્સો નથી કે ભારતમાં પશુ-પક્ષીઓ દ્વારા જાસુસી કરવામાં આવી હોય. ચીન અને પાકિસ્તાન દ્વારા ભૂતકાળમાં ઘણી વખત કબુતરો અને બાજ દ્વારા ભારતમાં જાસુસીનો પ્રયાસ કરવામાં આવ્યો છે : વિશ્વમાં પણ પશુ-પક્ષીઓ થકી જાસુસીની ઘણા કિસ્સા છે. 2019માં પણ નોર્વેમાં બેલુગા વ્હેલ દ્વારા જાસુસી કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ વ્હેલને માણસોની ભાષા સમજવા માટે ખાસ ટ્રેનિંગ અપાઈ હતી. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સોવિયેત સંઘ દ્વારા બાજ, ખિસકોલી, ગીધ અને વ્હેલ દ્વારા જાસુસી કરાવી હોવાના પણ ઘણા કિસ્સા જાણીતા છે

કર્ણાટકના ઉત્તર કન્નડા જિલ્લામાં આવેલા કરવર કિનારે તાજેતરમાં એક સીગલ જોવામાં આવ્યું છે. આ સીગલ ઉપર ચાઈનિઝ જીપીએસ ટ્રેકિંગ ડિવાઈસ લગાવવામાં આવેલું હતું. આશ્ચર્યની વાત એ છે કે, આ સીગલ જ્યાંથી ઝડપાયું ત્યાંથી ભારતના આઈએનએસ કદમ્બનું નેવલ બેઝ ખૂબ જ નજીક છે. તેના કારણે જ ભારતની સુરક્ષા એજન્સીઓના કાન સરવા થયા છે. તેઓ માની રહ્યા છે કે, ચીન દ્વારા જાસુસી માટે આ સીગલનો ઉપયોગ કરાયો છે. આ કેસમાં સ્થાનિક પોલીસ, ફોરેસ્ટ વિભાગ અને ભારતીય નૌસેના દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. આઈ કોઈ પહેલો કિસ્સો નથી કે ભારતમાં પશુ-પક્ષીઓ દ્વારા જાસુસી કરવામાં આવી હોય. ચીન અને પાકિસ્તાન દ્વારા ભૂતકાળમાં ઘણી વખત કબુતરો અને બાજ દ્વારા ભારતમાં જાસુસીનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  કર્ણાટકના કેસની વાત કરીએ તો સ્થાનિક રહેવાસીઓ દ્વારા ગત અઠવાડિયે એક ઈજાગ્રસ્ત સીગલને થિમ્મક્કા ગાર્ડન વિસ્તારની આસપાસ જોવામાં આવ્યું હતું. આ સીગલ ઉપર કોઈ ડિવાઈસ લગાવવામાં આવ્યું હોય તેવી પણ માહિતી સ્થાનિકો દ્વારા આપવામાં આવી હતી. તેના આધારે જ ઉત્તર કન્નડા જિલ્લાના કરવર ખાતે દરિયા કિનારાના વિસ્તારોમાં આ સીગલની શોધ આદરવામાં આવી હતી. આ સીગલ મળ્યું ત્યારે તેના ઉપર એક શંકાસ્પદ ડિવાઈસ લગાવેલું હતું. આ ડિવાઈસ અંગે શંકા જતા તાત્કાલિક સ્થાનિક લોકો અને પોલિસ દ્વારા ફોરેસ્ટ વિભાગના મરિન ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી. કોસ્ટલ મરિન પોલીસ સેલ દ્વારા આ સીગલને કરવર ખાતે રવીન્દ્રનાથ ટાગોર બીચ ખાતેથી પકડવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ફોરેસ્ટ વિભાગને તપાસ અને સારવાર માટે મોકલવામાં આવ્યું હતું.

ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્થળ ઉપર જ સીગલની, તેની ઉપર લગાવેલા ડિવાઈસની તથા આસપાસના વિસ્તારની પણ તપાસ કરવામાં આવી હતી. સીગલ ઉપર લગાવેલા ટ્રેકર ડિવાઈસમાં એક નાનકડી સોલાર પેનલ લગાવેલી હતી. તેના દ્વારા આ ટ્રેકર ઓપરેટ થતું હતું. આ ડિવાઈસ સાથે એક ઈમેલ આઈડી સાથેની નાનકડી નોટ અટેચ કરવામાં આવી હતી. તેમાં લખ્યું હતું કે, જેમને પણ આ પક્ષી મળે તેમણે આ નોટમાં જણાવેલા ઈમેલ આઈડી ઉપર સંપર્ક કરવો. ફોરેસ્ટ વિભાગ દ્વારા અને જાણકારો દ્વારા આ ડિવાઈસની ચકાસણી કરવામાં આવી હતી. આ ડિવાઈસ બેઈજિંગ ખાતે આવેલી ચાઈનિઝ એકેડેમી ઓફ સાયન્સિસ હેઠળ કામ કરતા રીસર્ચ સેન્ટર ફોર ઈકો-એન્વાર્યન્મેન્ટલ સાયન્સિસ સાથે જોડાયેલું હતું. 

જાણકારોના મતે ચોક્કસ અધિકારીઓ દ્વારા આ ડિવાઈસની વધારે તપાસ કરવામાં આવી હતી. તે ઉપરાંત નોટમાં જણાવેલા ઈમેલ આઈડી ઉપર મેસેજ મોકલીને બાકીની વિગતોની ખરાઈ કરવામાં આવી રહી છે. આ સીગલ ક્યાંથી આવ્યું, તેની ટાઈમલાઈન અને તેને ટ્રેક કરવાના કારણો વગેરે વિગતો માગવામાં આવી છે. જાણકારો માને છે કે, આ પક્ષીનો ઉપયોગ વૈજ્ઞાાનિક અભ્યાસ માટે જ કરવામાં આવ્યો હશે તેમ છતાં આઈએનએસ કદમ્બના બેઝ પાસે આ પક્ષી મળ્યું છે તેથી જાસુસીની વાતને નકારી શકાય નહીં. તેમાંય ચીને ભુતકાળમાં આવા ઘણા પ્રયાસ કર્યા છે તેથી જાસુસીના એન્ગલની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે, ટ્રેકરમાંથી સીગલના મુવમેન્ટ્સ, તેની ભોજનની પદ્ધતિ, તેનો માઈગ્રેશનનો રૂટ વગેરે માહિતી મળ્યા છે. હાલમાં આ વિગતો વાંધાજનક જણાતી નથી તેમ છતાં ડેટાના આધારે વધુ તપાસ કરાશે. આ ડિવાઈસમાંથી જે ડેટા મળ્યો છે તે જણઆવે છે કે, આ પક્ષી ૧૦,૦૦૦ કિમી ઉડીને આવ્યું છે. તે આર્કટિક રિજન પસાર કરીને કર્ણાટકના કિનારા સુધી પહોંચ્યું છે. હવે આ ડિવાઈસ ટેકનિકલ એક્સપર્ટને મોકલી દેવાયું છે. બીજી તરફ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ પાસેથી ખુલાસા પણ માગવામાં આવ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે, આઈએનએસ કદમ્બ ભારત માટે ખૂબ જ મહત્ત્વનું નેવલ બેઝ છે. અહીંયા ભારતના મહત્ત્વના યુદ્ધ જહાજો, સબમરીન અને એરક્રાફ્ટ કેરિયર જહાજો તથા નેવીના એરક્રાફ્ટ રાખવાની અને તેની દેખરેખ કરવાનું મહત્ત્વનું બેઝ છે. પૂર્વ કિનારાનું અત્યંત મહત્ત્વનું કેન્દ્ર ગણાય છે. તેના કારણે જ જાણકારો માની રહ્યા છે કે, રીસર્ચના બહાને પક્ષીઓ દ્વારા જાસુસી કરાવવામાં આવી રહી છે.

ખાસ વાત એ છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન કરવારની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહી હતી. જાણકારોના મતે ઓપરેશન સિંદૂર દરમિયાન કરવાર ખાતે આઈએનએસ કદંબ ખાતેથી ભારતીય નૌસેનાએ ઓપરેશનલ અને લોજિસ્ટિક બેઝ તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો, એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત, સબમરીનોની તહેનાતી અને તેમાં માલસામાનની આપૂર્તિના કામ અહીંયાથી જ થયા હતા. તે ઉપરાંત દરિયામાં  સર્વેલન્સ માટે વિમાનો, હેલિકોપ્ટર માટે સપોર્ટ અહીંયાથી જ આપવામાં આવ્યો હતો. પશ્ચિમી દરિયાઈ વિસ્તારોમાં સી-ડિનાયલ અને સર્વેલન્સ ઓપરેશન અહીંયાથી જ કરવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન રેપિડ એક્શન અને ફોર્સ પ્રોજેક્શનમાં આઈએનએસ કદંબા ખૂબ જ નિર્ણાયક પુરવાર થયું છે. જાણકારોના મતે ઓપરેશન સિંદૂરમાં કરવાર બેઝ જે રીતે મદદગાર સાબિત થયું તે જોતા અરબ સાગરમાં ભારતીય નૌસાનાના દબદબાની વાત ચારેકોર ચર્ચાઈ રહી હતી. તેના કારણે જ ચીની જીપીએસ ધરાવતું સીગલ આ કિનારે મળવું થોડું વધારે ચિંતાજનક થઈ જાય છે. આ બેઝના રણનૈતિક મહત્ત્વને ધ્યાનમાં રાખીનેને સતર્કતા દાખવવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, પ્રાણીઓ દ્વારા કે પક્ષીઓ દ્વારા જાસુસી કરવી કે કરાવવી કંઈ નવી વાત નથી. કરવર પાસે ટ્રેકિંગ ડિવાઈસ લગાવેલું સીગલ પક્ષી મળી આવવું પણ પહેલી ઘટના નથી. ૨૦૨૪માં કરવર પાસે જ બૈથકોલ પોર્ટ ખાતે એક વોર ઈગલ પકડાયું હતું. તેના ઉપર પણ આ પ્રકારનું ટ્રેકિંગ ડિવાઈસ લગાવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ ઈગલને પિંજરે પુરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચીને ખુલાસો આપ્યો હતો કે આ ઈગલનો ઉપયોગ સાયન્ટિફિક રિસર્ચ માટે કરવામાં આવતો હતો. તેની પહેલાં ફેબુ્રઆરી ૨૦૨૪માં જ મુંબઈ પોલીસે ચીની જાસુસ કબુતરને મુક્ત કર્યું હતું. તેને પકડીને ૮ મહિના સુધી પિંજરે પૂરી રખાયું હતું.

ઘટના એવી છે કે, મુંબઈના પરા વિસ્તાર ચેમ્બુરખતે એક પીર પાઉ જેટ્ટી ઉપર આ કબુતર મળી આવ્યું હતું. તેના બંને પગમાં રિંગ પહેરાવેલી હતી. તેની ઉપર જે સંદેશ મળ્યો હતો તે ચાઈનિઝ ભાષામાં હતો. પોલીસને આ કબુતર ઉપર જાસુસીની શંકા જતા તેને મુંબઈની બાઈ સાકરબાઈ દિનશો પેટિટ હોસ્પિટલ ખાતે કેદ કરવામાં આવ્યું હતું. તેમાં એવું પણ કહેવાય છે કે, તપાસમાં એવી વિગત આવી હતી કે, આ કબુતરનો ઉપયોગ ઓપર રેસમાં કરવમાં આવતો હતો. ત્યારે તે રેસ દરમિયાન ભુલુ પડીને તાઈવાનથી ભારત આવી ચડયું હતું. પેટા દ્વારા આ કેસમાં દબાણ કરવામાં આવતા કબુતરને આઠ મહિને છોડવામાં આવ્યું હતું. તેવી જ રીતે કાશ્મીર પોલીસ દ્વારા ૨૦૨૦માં એક પાકિસ્તાની કબુતર પકડવામાં આવ્યું હતું. તેને પણ જાસુસીના આરોપમાં પકડાયું હતું. થોડા મહિના બાદ તેને છોડી દેવાયું હતું. 

તેની પહેલાં ૨૦૧૪માં એક કબુતર પકડાયું હતું જેના ઉપર એક ચિઠ્ઠી બાંધેલી હતી જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપવામાં આવી હતી. મિલટરી માટે આવા જાસુસી પશુઓ કે પક્ષીઓ મળવા નવાઈની વાત નથી. એપ્રિલ ૨૦૧૯માં હવાલ્દિમિર એક વ્હાઈટ વ્હેલ નોર્વેના બરફીલા પાણીમાં મળી આવી હતી. તેના ઉપર લખેલું હતું કે, ઈક્વિપમેન્ટ ઓફ સેન્ટ પીટસબર્ગ અને તેની ઉપર એક કેમેરો પણ લગાવવામાં આવેલો હતો. આ અત્યંત જાણીતી બેલુગા વ્હેલ હતી. જે ગત વર્ષે જ મૃત્યુ પામી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા છે કે, રશિયા દ્વારા આવી વ્હેલનો જાસુસ તરીકે દાયકાઓથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વિવિધ તબક્કાઓમાં ગરોળથી શરૂ કરીને યાક સુધીના પ્રાણીઓનો ઉપયોગ

જાનવરો દ્વારા જાસુસી કરવામાં આવે છે તે નવું નથી. સદીઓથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. નોર્વેમાં બેલુગા વ્હેલને રશિયન જાસુસ માનવામાં આવી હતી. 

૨૦૧૯માં પણ નોર્વેમાં બેલુગા વ્હેલ દ્વારા જાસુસી કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ વ્હેલને માણસોની ભાષા સમજવા માટે ખાસ ટ્રેનિંગ અપાઈ હતી. રશિયા દ્વારા તેનો ઉપયોગ જાસુસી માટે કરાય છે. બેલુગા વ્હેલ અને દરિયાઈ ઘોડાનો ઉપયોગ દરિયામાં નીચેથી જાસુસી કરવા માટે કરે છે. ત્યારબાદ ઈરાને તેને ખરીદી લીધી હતી. અમેરિકાએ એકુસ્ટિકિટી ઓપરેશન ચલાવ્યું હતું. જેમાં બિલાડીઓમાં લિસનિંગ ડિવાઈસ લગાવીને છોડવામાં આવી હતી. તેના દ્વારા અમેરિકા દુશ્મનોના અવાજ સરળતાથી સાંભળી શકાય તેમ હતો. તે ઉપરાંત સોવિયેત સંઘ દ્વારા બાજ, ખિસકોલી, ગીધ અને વ્હેલ દ્વારા જાસુસી કરાવી હોવાના પણ ઘણા કિસ્સા સામે આવે છે. આ ઉપરાંત ઓગસ્ટ ૨૦૨૦માં ચીન દ્વારા કેટલાક યાકને ટ્રેનિંગ આપીને જાસુસી માટે ભારતમાં અને ખાસ કરીને અરુણાચલમાં મોકલવામાં આવ્યા હતા. જાણકારો માને છે કે, મોટાભાગે પશુ-પક્ષીઓને તેના માટે ટ્રેન કરવામાં આવે છે અને બીજા દેશો તથા રાજ્યો કે શહેરમાં મોકલવામાં આવે છે. આ પ્રાણીઓ કે પક્ષીઓ દ્વારા પ્રારંભિક વિગતો મેળવી લેવાય છે. ત્યારબાદ કદાચ જો આ પ્રાણીઓ કે પક્ષીઓ પકડાઈ જાય તો તેમને તેમના હાલ ઉપર છોડી દેવાય છે. તેમાં માણસનો જીવ જતો નથી અને જોઈએ તે માહિતી મળી જાય છે. ચીન અને રશિયા દ્વારા આવી જાસુસીનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે.