Get The App

ગેમ ઓવર : ઓનલાઈન જુગાર ઉપર અંતે પ્રતિબંધ લાવતો કાયદો તૈયાર

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
ગેમ ઓવર : ઓનલાઈન જુગાર ઉપર અંતે પ્રતિબંધ લાવતો કાયદો તૈયાર 1 - image


- વર્ષે રૂ.20,000 કરોડની હારજીત અને 45 કરોડ લોકોની બરબાદી અટકી જવાની આશા

- દેશના યુવાધનને જુગારની લત લગાડી રહેલા, બેરોકટોક ચાલી રહેલા ઓનલાઈન ગેમ્બલિંગ કે જુગાર ઉપર પ્રતિબંધ મુકતો ખરડો લોકસભામાં પસાર થઇ ગયો છે. ગેમિંગ ફેડરેશન આ મામલે બેરોજગારી વધશે, કેન્દ્ર સરકારની ટેક્સની આવક ઘટશે એવી કાગારોળ મચાવી રહ્યો છે. પરંતુ, આ પગલાંથી ફાયદા કરતા નુકસાન વધારે છે. દેશમાં લગભગ 45 કરોડ લોકોને પૈસા લગાવી, મોબાઈલ એપ મારફત જુગાર રમવાની લત લાગેલી છે. દેશમાં રૂબરૂ કેસિનો કે જુગારધામની છૂટ નથી પણ સસ્તા ઇન્ટરનેટ અને મોબાઈલ ફોનનો લાભ લઇ આ પ્રવૃત્તિથી વર્ષે રૂ.20,000 કરોડની રકમ ખેલૈયાઓ ગુમાવે છે, કેટલાક આપઘાત કરે છે અને કેટલાક ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળી ગયા છે એવા કિસ્સાઓ પણ નોંધાયા છે. આ ઉપરાંત, ગેમ્બલિંગ પ્લેટફોર્મ ઉભા કરી નાણા રળી દેશ વિરોધી કૃત્ય થયા હોય, મની લોન્ડરિંગ થયું હોવાની ઘટના પણ સામે આવેલી છે ત્યારે આ ખરડો આ દુષણને ચોક્કસ નાથશે.  

સદીઓથી ભારતમાં જુગારની રમત લોકપ્રિય છે. જુગાર ઉપર પ્રતિબંધ હોવા છતાં જુગાર રમાય છે. કેપીએમજીના એક રિસર્ચ અનુસાર દેશમાં રમતા જુગારમાં હારજીતનું વાર્ષિક કદ અધધ રૂ.૨.૫૦ લાખ કરોડ છે! કુટુંબ - પરિવાર કે મિત્રો સાથે નિરાંતના સમયમાં બેસીને પણ જુગાર રમવામાં આવે છે. પરંતુ, ઇન્ટરનેટ અને મોબાઈલ એપ્સના કારણે આ દુનિયા બદલાઈ છે અને તે દેશના દરેક ખૂણે સુધી પહોંચી છે. આ પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ આવે તેવી લાંબા સમયની માંગણીનો અંત લાવતા સરકારે ઓનલાઈન ગેમિંગ ઉપર અંકુશ મુકવા માટે ખરડો રજૂ કર્યો છે. 

લોકસભામાં પસાર થયેલા આ ખરડામાં ઓનલાઈન મની ગેમ્સ - એટલે કે પૈસાનો દાવ લગાવી વિવિધ પ્રકારનો જુગાર રમાડવા - ઉપર સંપૂર્ણ પ્રતિબંધની જોગવાઈ છે. 

આ ઉપરાંત, ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ગેમ્સ શરૂ કરવા માટે કેન્દ્ર સરકરે જે સત્તામંડળની નિમણુક કરે તેની પરવાનગી લેવી, આ ગેમ્સ કઈ શ્રેણીમાં આવે છે - એટલે કે જુગાર છે કે નહીં - તે નક્કી કરવાનો અધિકાર પણ મેળવી લેવામાં આવ્યો છે. કાયદો અમલમાં આવ્યા પછી આવી રમત ચલાવતા પ્લેટફોર્મને ત્રણ વર્ષની જેલ અને એક કરોડ રૂપિયાનો દંડ તથા તેની જાહેરાત કરતા પ્લેટફોર્મને બે વર્ષની જેલ અને રૂ.૫૦ લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જે બેંકો કે વ્યવસ્થા દ્વારા નાણાકીય વ્યવહારો થઇ રહ્યા હોય તેના ઉપર દંડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. 

સરકારે અચાનક જ લીધેલા પગલાંથી ગેમિંગ ઉદ્યોગનો ખેલ સમાપ્ત થઇ ગયો હોવાની ફરિયાદ ઓલ ઇન્ડિયા ગેમિંગ ફેડરેશને કરી છે. 

જોકે, આ ખરડાના ગેરફાયદા સામે ફાયદા વધારે છે.  ભારતમાં ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ તેજીથી વૃદ્ધિ પામી રહ્યો છે. આ કંપનીઓનું મૂલ્ય અત્યારે રૂ.૩૨,૧૯૦ કરોડ છે અને (ખરડો રજૂ થયો એ પહેલાના અંદાજ અનુસાર) વર્ષ ૨૦૨૯ સુધીમાં  રૂ.૭૯,૧૭૦ કરોડ પહોંચવાની ધારણા હતી. આ ઉદ્યોગ સરકારને કુલ રૂ.૨૦,૦૦૦ કરોડનો સીધો અને પરોક્ષ ટેક્સ ચૂકવે છે અને લગભગ બે લાખ લોકોને રોજગારી આપે છે એવી ફેડરેશનની દલીલ છે. મહત્વની વાત છે કે ગેમિંગ કંપનીઓની કુલ આવકમાં રૂ.૨૭,૮૪૦ કરોડનો હિસ્સો રિઅલ મની ગેમ્સ (જુગાર)નો છે. એકસાથે આટલો મોટો ઝટકો ગેમિંગ ઉદ્યોગ ખમી શકે નહીં અને તેનાથી દેશને મોટો ફટકો પડશે એવી દલીલ થઇ રહી છે.  ફાયદાઓ ઘણા છે એવું ગણાવી આ કંપનીઓ અને તેના સંચાલકો આ જોખમી જુગારના દુષણો ઉપર પડદો ઢાંકી રહ્યા છે. 

દેશમાં અત્યારે શેરબજારમાં રોકાણ કરતા હોય તેના માટે જરૂરી ૨૦ કરોડ ડિમેટ એકાઉન્ટ છે તેની સામે ડ્રીમ૧૧ નામની ગેમિંગ કંપની એકલા પાસે ૨૨ કરોડ નોંધાયેલા ગ્રાહક છે! શેરબજાર કરતા જુગાર રમતા ખેલાડીઓ વધુ! બજેટ સત્રમાં ઓનલાઈન ગેમિંગ અને તેના જોખમોથી બાળકો, ખેડૂતો બરબાદ થઇ રહ્યા છે. 

આત્મહત્યા અને નાણા હારી જતા ગુનાખોરી વધી રહી છે. એવી દલીલો સાથે બજેટ સત્ર દરમિયાન સંસદના મુદ્દો ઉઠયો હતો. પંજાબ, હરિયાણા, છતીસગઢ, તમિલનાડુ રાજ્યોના સાંસદોએ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે આ મામલે ઉગ્ર ચર્ચા કરી હતી. 

જોકે, કેન્દ્ર સરકારે એ સમયે ગેમિંગની કાયદેસરતા એ બંધારણની જોગવાઈ અનુસાર રાજ્ય સરકારની સત્તા હેઠળ છે અને રાજ્ય સરકાર જ લોટરીની જેમ તેના ઉપર પ્રતિબંધ, નિયંત્રણ કે નિયમન અંગે કાયદો ઘડી શકે. કેન્દ્ર સરકારે હાથ ધોઈ નાખ્યા હતા. અત્યારે,  તેલંગણ અને આંધ્ર પ્રદ્દેશ બે રાજ્યો એવા છે જેમાં દરેક પ્રકારની ઓનલાઈન ગેમિંગ કે ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધ છે. 

તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં માત્ર ઓનલાઈન ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધ છે.  પૈસો લગાવી ચલાવવામાં આવતી ગેમિંગમાં તીન પત્તી, રમી, પોકર, ફેન્ટેસી સ્પોર્ટ્સ અને લૂડો જેવી રમતોનો સમાવેશ  થાય છે. 

દુષણો કેટલા ભયાવહ છે તેના ઉદાહરણ ઓછા નથી. ઓનલાઈન ગેમના રવાડે ચડેલા અને રૂ. ૪૦,૦૦૦ હારી ગયેલા છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા કિશોરે ત્રણ વર્ષ પહેલા આપઘાત કરેલો.. 

કર્ણાટકમાં ત્રણ વર્ષમાં ૧૮, તમિલનાડુમાં ૪૮ લોકોને ઓનલાઈન ગેમિંગની લત ભરખી ગઈ છે! કેન્દ્ર સરકાર પાસે કેટલા લોકો રમે છે, કેટલા લોકોએ નુકસાની કરી અને કેટલા લોકોએ આત્મહત્યા .. એવા કોઈ આંકડા ઉપલબ્ધ નથી. નથી આવી કોઈ સિસ્ટમ જેમાં રાજ્ય સરકારને પણ જાણ હોય. વિશ્વમાં સૌથી વધુ મોબાઈલ ડેટાનો વપરાશ કરી, સૌથી સસ્તા ઇન્ટરનેટ ડેટાના ભાવથી લોકો માહિતી, જ્ઞાાન અને ગમ્મતના બદલે જુગારની લતે ચડી રહ્યા છે. 

હવે ઓનલાઈન જુગાર ઉપર પ્રતિબંધની વાત આવી છે ત્યારે બીજા હાડપિંજર બહાર આવી રહ્યા છે. સરકારના અંદાજ અનુસાર દેશમાં વર્ષે ૪૫ કરોડ લોકો - એટલે કે દર ત્રીજી વ્યક્તિ - આ જુગારની લતે ચડી ગયો છે અને વર્ષે રૂ.૨૦,૦૦૦ કરોડનું નુકસાન કરે છે!  આ વાત ખરડો રજૂ કરનાર ઇલેક્ટ્રોનિકસ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી વિભાગના મંત્રાલયના અધિકારીઓ ચૂપચાપ જણાવે છે! 

કેન્દ્ર સરકારે રજૂ કરેલા ખરડામાં ઓનલાઈન જુગારના દૂષણો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ જુગારથી સામાજિક આર્થિક અને માનસિક રીતે નુકસાન થઇ રહ્યું છે. 

ઓનલાઈન જુગાર રમાડતા પ્લેટફોર્મની આદત પડી રહી છે અને આ કુટેવની આર્થિક બરબાદી અને માનસિક અસંતુલનની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. નાના ગામ-શહેરના આર્થિક રીતે નબળા લોકો પાસે પણ મોબાઈલ અને સસ્તા ઇન્ટરનેટના કારણે આ મોબાઈલ ગેમિંગનો વ્યાપ વધી રહ્યો છે. 

ગ્રાહકોને અંધારામાં રાખી એ રીતે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરવામાં આવી રહ્યું છે કે તેનાથી ગેમ રમનારને નુકસાન જવાની શક્યતાઓ રહેલી છે, કોઈ પારદર્શિતા નથી. આ ઉપરાંત આ ગેમ્સનો ઉપયોગ મની લોન્ડરિંગ, દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે થઇ રહ્યો છે. આ ગેમિંગથી આંતકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળતું હોય એવી પણ શક્યતાઓ છે.

 અહીં નોંધવું જોઈએ કે ભારત સરકારે ડિસેમ્બર ૨૦૨૪માં લોકસભામાં જાહેરાત કરી હતી કે દેશમાં ઓનલાઈન જુગાર, સટ્ટો કે પૈસાથી રમત રમાડવાની પ્રવૃત્તિમાં સામેલ ૬૪૨ જેટલા વિદેશી પ્લેટફોર્મ અને તેની પ્રવૃત્તિઓ ઉપર કેન્દ્ર સરકારની વિવિધ એજન્સી તપાસ ચલાવી રહી છે અને આ પ્લેટફોર્મ બ્લોક કરવામાં આવ્યા છે. વ્યક્તિગત રીતે કે રૂબરૂ હાજર રહી જુગાર રમવો કે નહીં તે રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. ગોવા, સિક્કિમ અને દમણ આ ત્રણ જ સ્થળ એવા છે જ્યાં કેસિનો ચલાવી જુગાર રમવાની છૂટ છે. બીજા દરેક રાજ્યોમાં જુગાર રમવો એ ગુનો છે. પબ્લિક ગેમ્બલિંગ એક્ટ, ૧૮૬૭ હેઠળ જુગારધામ ચલાવવા કે જુગાર રમાડવા ઉપર દેશભરમાં દરેક રાજ્યોમાં પ્રતિબંધ છે. આ ઉપરાંત, ઘોડાની રેસ અને લોટરી ઉપર પણ ઘણા રાજ્યોમાં પ્રતિબંધ છે.

 ૨૧મી સદીમાં, વિશ્વમાં સૌથી વધુ મોટા એવા મોબાઈલ ઇન્ટરનેટ ગ્રાહકો ધરાવતા દેશમાં ઓનલાઈન ગેમ્બલિંગ શરુ થયું અને બેરોકટોક ચાલી રહ્યું હતું એ જ એક મોટો સવાલ હતો. કેન્દ્ર સરકારે ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, ૨૦૦૦ નવો બનાવ્યો હતો પણ તેમાં ગેમ્બલિંગ કે બેટિંગ (જુગાર અને સટ્ટોની કોઈ વ્યાખ્યા  નથી. 

નવા કાયદામાં ઈ-સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે 

ભારત સરકારે ગેમિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે પણ ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. જે ગેમ્સને આ ખરડામાં ચાલુ રાખવામાં આવશે તે ચાન્સ (તક આધારિત જુગાર પ્રકારની) નહીં પણ સ્કીલ (કુશળતા) આધારિત હશે.  આવી ગેમ્સ માટે નેશનલ ઈ સ્પોર્ટ્સ ઓથોરીટીની રચના કરવાની જાહેરાત થઇ છે. સરકાર આ  પ્રકારની ગેમ્સને નિયમો આધારિત મંજૂરી આપશે, તેની સ્પર્ધાઓનું આયોજન થશે અને અન્ય સ્પોર્ટ્સની જેમ તેના ખેલાડીઓને બિરદાવવામાં આવે તેવી શક્યતા છે. 

કાયદો નહીં અમલ મહત્વનો, ક્રિકેટ સટ્ટો તો ચાલુ જ રહેશે!

કેન્દ્ર સરકારે ઓનલાઈન જુગાર ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ઘડવા માટે મક્કમ પગલાં લીધા છે. પણ કાયદો ઘડવો એ માત્ર પ્રથમ પગલું છે, તેનો અમલ વધારે મહત્વનો છે. 

સટ્ટો કે જુગાર અબાધિત રીતે ચાલતી પ્રવૃત્તિ છે અને તેમાં લાખો કરોડોની લેવડદેવડ થાય છે. ધનકુબેરોથી લઇ ગ્રામ્ય વિસ્તારના મજૂર સુધી જુગાર પ્રસરેલો છે. કાયદાનો કડક, પારદર્શી અમલ તેની સફળતા નક્કી કરશે. બીજી તરફ, ભારતમાં લોકો ધર્મની જેમ ક્રિકેટને પૂજે છે. સરકારે ક્રિકેટની ફેન્ટેસી ગેમ (એટલે કાલ્પનિક ખેલાડીઓની ટીમ બનાવી) કે પછી કોણ મેચ દરમિયાન કોણ જીતશે, કોણ વધુ રન કરશે એવી રમતો માટેની એપ ઉપર કોઈ પ્રતિબંધ નથી મુક્યો. પ્રતિબંધના બદલે પ્રોત્સાહનની નીતિના કારણે એવું ન થાય કે ઓનલાઈન જુગારના બદલે હવે ક્રિકેટનો સટ્ટો વધારે વ્યાપક બને! સૌથી મહત્વનું છે કે ક્રિકેટરો, ક્રિકેટ ટુર્નામેન્ટ અને મેચના જીવંત પ્રસારણમાં દર છ મિનિટે આ કંપનીઓની જાહેરખબર આવે છે અને રાતોરાત કરોડપતિ બનવા માટે લોકોને પ્રલોભન આપે છે.

Tags :