લેટરલ એન્ટ્રી ભરતી મુદ્દે પીછેહઠ, મોદી સરકાર કેમ ફફડી? રાહુલના આક્ષેપથી સરકાર ફિક્સમાં મૂકાઈ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
લેટરલ એન્ટ્રી ભરતી મુદ્દે પીછેહઠ, મોદી સરકાર કેમ ફફડી? રાહુલના આક્ષેપથી સરકાર ફિક્સમાં મૂકાઈ 1 - image


- લેટરલ એન્ટ્રી દ્વારા મોદી સરકાર અનામત નાબૂદ કરવાની દિશામાં આગળ વધી રહી છે એવો આક્ષેપ રાહુલ ગાંધીએ કરતા સરકાર ફિક્સમાં મૂકાઈ ગઈ હતી

- લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી રદ કરવાનો નિર્ણય મોદી સરકારની બહુ મોટી રાજકીય હાર છે. મોદીએ બહુ મોટા ઉપાડે આ કન્સેપ્ટ અમલી બનાવેલો. હવે એ જ કન્સેપ્ટનું મોદી સરકારે પિંડલું વાળી દીધું તેનું કારણ તેની રાજકીય અસરો છે. અનામતના મુદ્દે ભાજપ ભારે ભીંસમાં છે જ. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી એ માટેનું એક કારણ અનામતના અમલમાં ભાજપ દ્વારા કરાતી ઘાલમેલ હોવાનું કહેવાય છે. એસસી, એસટી અને ઓબીસી મતદારોમાં ભાજપ પોતાનો અનામતનો અધિકાર છિનવી રહ્યો હોવાની છાપ મજબૂત બની રહી છે. યુપીમાં 69 હજાર શિક્ષકોની ભરતી માટેનું મેરિટ લિસ્ટ હાઈકોર્ટે રદ કરતાં આ છાપ મજબૂત થઈ છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ કેન્દ્ર સરકારનાં વિવિધ મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડિરેક્ટરપદે નિમણૂક માટે  લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરવાનો કાર્યક્રમ અંતે માંડી વાળ્યો. મોદી સરકાર ૨૦૧૮થી લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરે છે ને તેનો વિરોધ પણ થયેલો પણ મોદી સરકાર એ વિરોધને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખતી હતી. આ વખતે પણ મોદી સરકારે પહેલાં તો વિરોધને ગણકારેલો જ  નહીં પણ રાહુલ ગાંધીએ લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીને અનામત નાબૂદીના સાથે જોડી દેતાં ભાજપના સાથી પક્ષોએ પણ વિરોધમાં સૂર પુરાવ્યો. તેના કારણે મોદી સરકારે ઘૂંટણ ટેકવીને ભરતી જ રદ કરી દેવી પડી. 

યુપીએસસીએ ૧૭ ઓગસ્ટે લેટરલ એન્ટ્રી દ્વારા ૪૫ લોકોની ભરતી માટે જાહેરખબર આપેલી પણ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરીને મોદી સરકાર અનામત નાબૂદ કરવાનો એજન્ડા આગળ વધારી રહી હોવાનો આક્ષેપ કરતાં વિવાદ ઉભો થઈ ગયેલો. 

રાહુલ ગાંધીએ આક્ષેપ કરેલો કે, લેટરલ એન્ટ્રી દ્વારા મોદી સરકાર દલિત, ઓબીસી અને આદિવાસીઓની અનામત છિનવી રહી છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોની સરકારમાં ઉચ્ચ હોદ્દા પર ભરતી કરી રહી છે. 

લેટરલ એન્ટ્રી એટલે યુપીએસસી દ્વારા પરીક્ષા લીધા વિના સીધી ક્લાસ વન ઓફિસર તરીકે ભરતી કરવી.  લેટરલ એન્ટ્રી દ્વારા કેન્દ્ર સરકાર મહેસૂલ, નાણા, આર્થિક, કૃષિ, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં લાંબા સમયથી કામ કરતા ખાનગી ક્ષેત્રના કહેવાતા નિષ્ણાતોની સીધી ભરતી કરે છે. આ ભરતીમાં ત્રણ વર્ષ માટે કરાર આધારિત નોકરી હોય છે કે જેને બે વર્ષ માટે એક્સટેન્શન આપી શકાય છે. યુપીએસસીએ નક્કી કરેલા ક્રાઈટેરીયા પ્રમાણે જોઈન્ટ સેક્રેટરીના પદ માટે ૧૫ વર્ષ, ડાયરેક્ટર માટે ૧૦ વર્ષ અને ડેપ્યુટી સેક્રેટરી માટે ૭ વર્ષનો અનુભવ માંગવામાં આવે છે. 

રાહુલે તો લેટરલ એન્ટ્રી દ્વારા મોદી સરકાર અનામત નાબૂદ કરવાની દિશામાં આગળ વધી રહી છે એવો આક્ષેપ પણ કરતાં મોદી સરકાર દોડતી થઈ ગયેલી. લેટરલ એન્ટ્રી સામે ભાજપના સાથી પક્ષોમાં પણ કચવાટ હતો. બીજા કોઈ ખુલ્લેઆમ ના બોલ્યા પણ ચિરાગ પાસવાને વિરોધ કરતાં મોદી સરકારના મંત્રીઓ ઘાંઘા થઈને બચાવ કરવા કૂદી પડેલા. 

ભાજપના મંત્રીઓએ ભાજપ નહીં પણ કોંગ્રેસ અનામત વિરોધી હોવાનું ચિત્ર ઉભું કરવા પણ મથામણ કરી જોઈ. તેના ભાગરૂપે એવા નિવેદન પણ કરાયાં કે, જવાહરલાલ નહેરુ  વડાપ્રધાન હતા ત્યારે ૧૯૬૧માં અને રાજીવ ગાંધી વિરોધ પક્ષના નેતા હતા ત્યારે ૧૯૮૯માં લોકસભામાં ઓબીસી અનામતનો વિરોધ કર્યો હતો. આ નિવેદનોની ઝાઝી અસર ના થઈ ને બીજી તરફ અનામત નાબૂદીની વાતે હવા પકડી લીધી તેમાં છેવટે મોદી સરકારે ઘૂંટણ ટેકવવા પડયા. 

લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી રદ કરવાનો નિર્ણય મોદી સરકારની બહુ મોટા રાજકીય હાર છે કેમ કે મોદીએ બહુ મોટા ઉપાડે આ કન્સેપ્ટ અમલી બનાવેલો. હવે એ જ કન્સેપ્ટનું મોદી સરકારે પિંડલું વાળી દીધું તેનું કારણ તેની રાજકીય અસરો છે. અનામતના મુદ્દે ભાજપ ભારે ભીંસમાં છે જ. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી એ માટેનું એક કારણ અનામતના અમલમાં ભાજપ દ્વારા કરાતી ઘાલમેલ હોવાનું કહેવાય છે. ભાજપને ઉતર પ્રદેશમાં સૌથી મોટો ફટકો પડયો. 

યુપીમાં તો ભાજપની હારનાં સત્તાવાર કારણોમાં અનામતના અમલ અંગે ભાજપ સરકાર દ્વારા કરાતી લુચ્ચાઈને એક ગણાવાયું છે. 

યુપીમાં દલિત મતદારો માયાવતીને છોડીને ભાજપ તરફ વળવાના બદલે અખિલેશ યાદવ તરફ વળી ગયા કેમ કે ભાજપ તેમને અનામત વિરોધી લાગે છે. હમણાં આવેલા હાઈકોર્ટના ચુકાદાએ ભાજપની આ છાપને મજબૂત કરી છે. યુપીમાં યોગી આદિત્યનાથ સરકાર દ્વારા ૬૯ હજાર શિક્ષકોની ભરતી માટે જે મેરિટ લિસ્ટ બહાર પડાયું હતું તેમાં યોગ્ય રીતે અનામતનો અમલ કરાયો નથી એ કારણર હાઈકોર્ટે રદ કરીને નવું મેરિટ લિસ્ટ બનાવવા ફરમાન કર્યું છે.

આ બધાં કારણોસર એસસી, એસટી અને ઓબીસી મતદારોમાં ભાજપ પોતાનો અનામતનો અધિકાર છિનવી રહ્યો હોવાની છાપ મજબૂત બની રહી છે. ભાજપને આ છાપ પરવડે તેમ નથી તેથી ભાજપે લેટરલ એન્ટ્રી ભરતીને રદ કરવી પડી છે. 

લેટરલ એન્ટ્રી મુદ્દે પીછેહઠ એ વાતનો પણ પુરાવો છે કે, રાજકીય રીતે ભાજપ નબળો પડી ગયો છે અને રાહુલ ગાંધી રાજકીય રીતે વધારે તાકાતવર બન્યા છે.  ભાજપના સાથી પક્ષોની પણ હિંમત ખૂલી ગઈ છે. એ સિવાય ચિરાગ પાસવાન જેવા પાંચ સાંસદ ધરાવતા મંત્રી પોતાની જ સરકારના નિર્ણય સામે ખુલ્લેઆમ બોલવાની હિંમત બતાવે ખરા ? 

મોદી સરકારની પહેલી બે ટર્મ વખતે ભાજપ કોઈને ગાંઠતો જ નહોતો. મોદી સરકારને પોતાને અનુકૂળ આવે એવા નિર્ણયો લઈને તેનો અમલ કરી દેવાતો. મોદી સરકાર કોઈના વિરોધને જ ગણકારતી નહોતી. ત્રણ કૃષિ કાયદાના મુદ્દે ખેડૂતોએ સવા વરસ  સુધી દિલ્હીની સરહદે ધામા નાંખીને આંદોલન કરવું પડેલું. 

અત્યારે સ્થિતી સાવ અલગ છે. લેટરલ એન્ટ્રી ભરતીના મુદ્દે હજુ કોઈ આંદોલન શરૂ થયું નથી કે કોઈ સંગઠનો મેદાનમાં આવ્યાં નથી. રાહુલ ગાંધીએ વિરોધ કર્યો તેમાં તો ચિરાગ પાસવાને પણ સૂર પુરાવવો પડયો ને આ વિરોધના બે દિવસમાં તો મોદી સરકાર ઘૂંટણિયે પડી ગઈ.

2018થી લેટરલ એન્ટ્રી દ્વારા સીધી ક્લાસ વનની ભરતી, મહિને 2.66 લાખનો તોતિંગ પગાર

મોદી સરકારે સરકારી મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી, ડિરેક્ટર્સ અને ડેપ્યુટી સેક્રેટરીની જગ્યાઓ પર ૨૦૧૮થી લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી શરૂ કરી છે. લેટરલ ભરતીમાં  ઉમેદવારોને યુનિયન પબ્લિસ સર્વિસ કમિશન (યુપીએસસી) પરીક્ષા આપ્યા વિના સીધી ભરતી કરવામાં આવે છે અને અનામતના નિયમોનો અમલ કરાતો નથી. 

પસંદ કરાયેલા ઉમેદવારોને સીધા ક્લાસ વન અધિકારી બનાવીને મહિને ૨.૬૬ લાખ રૂપિયાનો તોતિંગ પગાર અને બીજાં ભથ્થાં તથા સવલતો અપાઈ હતી. 

યુપીએસસીએ ૨૦૧૮માં પહેલી વાર લેટરલ એન્ટ્રી દ્વારા નિમણૂકો માટે અરજીએ મંગાવી ત્યારે જોઈન્ટ સેક્રેટરીની જગાઓ માટે ૬૦૭૭ અરજીઓ મળી હતી. 

યુપીએસસીએ એ વખતે પોતાની નક્કી કરેલી પસંદગી પ્રક્રિયા પછી  ૨૦૧૯માં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ૯ લોકોની નિમણૂકો કરી હતી. ૨૦૨૧માં લેટરલ એન્ટ્રી દ્વારા કેન્દ્ર સરકારમાં ૩૧ લોકોની ભરતી કરવામાં આવી હતી જેમાં સૌથી વધારે ૬ નિમણૂકો નાણાં મંત્રાલયમાં કરાઈ હતી. ૨૦૨૩માં બે વાર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરાઈ હતી. આ પૈકી જૂનમા બહાર પડેલી જાહેરખબર દ્વારા ૧૭ જોઈન્ટ સેક્રેટરીની ભરતી કરાઈ હતી જ્યારે ઓક્ટોબરમાં નવી ભરતી દ્વારા ૧૬ લોકોની ભરતી કરાઈ હતી. 

યુપીએસસીએ ૧૭ ઓગસ્ટે લેટરલ એન્ટ્રી દ્વારા જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડિરેક્ટર તરીકે કુલ ૪૫ લોકોની ભરતી કરવાની જાહેરખબર બહાર પાડી હતી. 

આ અત્યાર સુધીની સૌથી મોટી લેટરલ એન્ટ્રી ભરતી હતી પણ આ ભરતી કરાય એ પહેલાં જ મોદી સરકારે પીછેહઠ કરીને ભરતી રદ કરી દીધી.

ભાજપના મંત્રીઓ વાહિયાત દલીલો કરીને હાસ્યાસ્પદ ઠર્યા

લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી મુદ્દે વિવાદ થયો પછી તેનો બચાવ કરવા કરેલી દલીલોના કારણે ભાજપના નેતા હાસ્યાસ્પદ બની ગયા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો કે, લેટરલ એન્ટ્રી મુદ્દે કોંગ્રેસ દંભી વલણ દર્શાવી રહી છે કેમ કે ડો. મનમોહનસિંહની સરકાર વખતે લેટરલ એન્ટ્રીનો કોન્સેપ્ટ લવાયો હતો. 

વીરપ્પા મોઈલીના વડપણ હેઠળના બીજા એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મ કમિશન (વહીવટી સુધારણા પંચ-છઇભ)એ ૨૦૦૫માં રીપોર્ટ આપ્યો તેમાં સૂચન કર્યું હતું કે, વિશેષ જ્ઞાાનની જરૂર હોય તેવા હોદ્દા પર નિષ્ણાતોની નિમણૂક કરવી જોઈએ. વૈષ્ણવની દલીલ હાસ્યાસ્પદ છે કેમ કે યુપીએના કાર્યકાળમાં આ સૂચન ભલે કરાયું પણ તેનો અમલ કોંગ્રેસની સરકારે નહોતો કર્યો. 

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે વધારે હાસ્યાસ્પદ દાવો કર્યો કે, લેટરલ એન્ટ્રી દ્વારા જ મનમોહન સિંહને ૧૯૭૬માં નાણા સચિવ બનાવાયા હતા. આ ઉપરાંત  મોન્ટેક સિંહ આહલુવાલિયાને પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી ચેરમેન, રઘુરામ રાજનને રીઝર્વ બેંકના ગવર્નર અને સોનિયા ગાંધીને નેશનલ એડવાઈઝરી કાઉન્સિલના ચીફ લેટરલ એન્ટ્રી દ્વારા બનાવવામાં આવ્યા હતા.

મેઘવાલ દેશના કાયદા પ્રધાન છે પણ તેમને મોદી સરકાર લેટરલ એન્ટ્રી દ્વારા કરી રહેલી ભરતી અને ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો દ્વારા કરાયેલી ભરતી વચ્ચેનો ભેદ જ ખબર નથી. મોદી સરકાર કોન્ટ્રાક્ટ પર અધિકારીઓ નિમી રહી છે જ્યારે કોંગ્રેસે મનમોહન, અહલુવાલિયા, રાજન વગેરે ખ્યાતનામ અર્થશાીઓને વહીવટ ચલાવવા નહીં પણ નીતિવિષયક નિર્ણયા લેવા માટે નિમ્યા હતા કે જેથી તેમના જ્ઞાાન અને અનુભવનો લાભ લઈ શકાય.

News-Focus

Google NewsGoogle News