6 મહિના કરી પફેક્ટ પ્લાનિંગ, એક પછી એક હજારો વિસ્ફોટ, 'જીવતા બોમ્બની' ભનક પણ ન લાગી
- હિઝબુલ્લાહના માણસો પાસે પેજર પહોંચ્યાં અને એ લોકો વાપરવા માંડયા ત્યારે તેમને ખબર જ નહોતી કે, જીવતા બોમ્બ લઈને ફરી રહ્યા છે
- મોસાદના ભેજાબાજ ટેકનિશિયન્સથી માંડીને કાતિલ અદાઓથી ગમે તેને પાણી પાણી કરી નાંખે એવી લેડી એજન્ટ્સે પરફેક્ટ પ્લાન સાથે આ બ્લાસ્ટ કર્યા છે. કોઈને કલ્પના પણ ના આવે એવો પેજર કે વોકી ટોકીમાં બ્લાસ્ટ કરવાનો વિચાર મોસાદને ક્યાંથી આવ્યો ત્યાંથી માંડીને એક સાથે બ્લાસ્ટ કરવા સુધીના પ્લાનિંગની વાત સાંભળશો તો મગજ ચકરાઈ જશે. હંગેરીમાં બનેલાં પેજર અને જાપાની વોકી ટોકી વાયા ઈરાન થઈને લેબેનોન આવ્યાં હતાં. મોસાદે ઈરાનમાં પેજર અને વોકી ટોકીનાં આખેઆખા બોક્સ જ બદલી નાંખ્યાં એવું કહેવાય છે
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં લેબેનોન અને સીરિયામાં થયેલા પેજર ને વોકીટોકી બ્લાસ્ટના કારણે ખતરનાક ટ્વિસ્ટ આવી ગયો છે. લેબનોનની રાજધાની બૈરૃતમાં મંગળવારે ઉપરાછાપરી પેજર ફાટયાં તેમાં 12 લોકોનાં મોત થયેલાં ને 4000 કરતાં વધારે લોકો ઘાયલ થયેલાં. ઘાયલોમાં હજાર કરતાં વધારે લોકો તો એવાં હતાં કે જેમની આંખો ફૂટી જતાં આંધળા થઈ ગયા છે.
આ વિસ્ફોટોની કળ વળે એ પહેલાં તો એક દિવસ પછી બુધવારે ફરીથી વિસ્ફોટ થયા છે. બુધવારે વૉકી-ટૉકી અને જૂનાં પેજરમાં થયેલાં બ્લાસ્ટમાં લગભગ ૨૦ લોકોનાં મોત થયાં જ્યારે 450થી વધારે લોકો ઘાયલ થયાં. દક્ષિણ બૈરૃતમાં તો મંગળવારે પેજર વિસ્ફોટમાં મરાયેલાં ચાર લોકોની અંતિમયાત્રા દરમિયાન જ વિસ્ફોટ થયો ને તેમાં બીજાં બે લોકોનાં મોત થઈ ગયાં. સીરિયામાં બ્લાસ્ટના કારણે મોત થયાં નથી પણ સીરિયનો ફફડી તો ગયા જ છે. લેબેનોનમાં ઓફિસોમાં વપરાતાં ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ડીવાઈસ અને રેડિયોમાં પણ બ્લાસ્ટ થયા હોવાનું કહેવાય છે. સત્તાવાર રીતે આ વાતને સમર્થન નથી અપાયું.
લેબેનોન અને સીરિયાના પેજર અને વોકીટોકી બ્લાસ્ટ પાછળ ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદનું ભેજું હોવાનું કહેવાય છે. ઈઝરાયલ સામે લડી રહેલાં સંગઠનોમાં એક શિયા મુસ્લિમોનું આતંકવાદ સંગઠન હિઝબુલ્લાહ પણ છે. લેબેનોનના મોટા ભાગના વિસ્તારો પર કબજો ધરાવતા હિઝબુલ્લાહે ઈઝરાયલ આર્મી અને નાગરિક વિસ્તારો પર હુમલા કરીને ઈઝરાયલને પરેશાન કરી મૂક્યું છે તેથી ઈઝરાયલે હિઝબુલ્લાહને પાઠ ભણાવવા માટે આ હુમલો કરાવ્યો હોવાનું કહેવાય છે. મોસાદે સત્તાવાર રીતે પોતે બ્લાસ્ટ કરાવ્યા હોવાનું સ્વીકાર્યું નથી પણ વાસ્તવમાં કશું પણ સ્વીકારવાની જરૃર નથી. આ બે ને બે ચાર જેવી સીધી વાત છે.
લેબેનોનના પેજર-વોકી ટોકી બ્લાસ્ટે મોસાદ કઈ હદે ખતરનાક છે તેનો દુનિયાને ફરી પરચો આપ્યો છે. આ બ્લાસ્ટ દુશ્મનોને પાઠ ભણાવવા માટે કોઈ વિચારી પણ ના શકે એવા શેતાની વિચારોને અમલમાં મૂકવાની મોસાદની ક્ષમતાનો પરચો છે. પેજર અને વોકી ટોકીમાં બ્લાસ્ટ પાછળ મોસાદની છ મહિનાની મહેનત છે. મોસાદના ભેજાબાજ ટેકનિશિયન્સથી માંડીને કાતિલ અદાઓથી ગમે તેને પાણી પાણી કરી નાંખે એવી લેડી એજન્ટ્સે પરફેક્ટ પ્લાન સાથે આ બ્લાસ્ટ કર્યા છે. કોઈને કલ્પના પણ ના આવે એવો પેજર કે વોકી ટોકીમાં બ્લાસ્ટ કરવાનો વિચાર મોસાદને ક્યાંથી આવ્યો ત્યાંથી માંડીને એક સાથે બ્લાસ્ટ કરવા સુધીના પ્લાનિંગની વાત સાંભળશો તો મગજ ચકરાઈ જશે.
આપણે પાકિસ્તાન કે ચીન સહિતના દેશોને પાઠ ભણાવવાની વાતો ખાલી સાંભળ્યા કરીએ છીએ પણ આપણા જાસૂસો એવાં પરાક્રમ કરતા નથી કે આખી દુનિયા દંગ થઈ જાય. ભારતમાં આતંકવાદી હુમલા કરાવતા આતંકવાદી સરદારોને પાકિસ્તાનમાં ઘૂસીને પાડી દેવાની આપણી તાકાત નથી ત્યારે ઈઝરાયલે એકસાથે 5000 બ્લાસ્ટ કરાવી દીધા.
મોસાદના પરફેક્ટ પ્લાનની શરૃઆત ફેબ્રુઆરીમાં થઈ હતી. ઈઝરાયલ અને હમાસના જંગમાં હિઝબુલ્લાહ પહેલેથી સક્રિય હતું તેથી ઈઝરાયલનું આર્મી અને ગુપ્તચર સંસ્થાઓ હિઝબુલ્લાહ પર નજર રાખીને બેઠી હતી. આતંકવાદી સંગઠનો મોટા ભાગે સેટેલાઈટ ફોનનો ઉપયોગ કરે છે કે જેથી કોમ્યુનિકેશનને કોઈ આંતરી ના શકે પણ બધા આતંકીઓને સેટેલાઈટ ફોન આપવા શક્ય નથી તેથી સેલફોનનો ઉપયોગ કરવો જ પડે.
ઈઝરાયલે હિઝબુલ્લાહના મોબાઈલ નેટવર્કમાં ઘૂસણખોરી કરી લીધેલી. ઈઝરાયલ પાસે સેટેલાઈટ કોમ્યુનિકેશનને આંતરવાની પણ ટેકનોલોજી છે તેથી હિઝબુલ્લાહના આતંકવાદીઓ વચ્ચેની વાતચીત મોસાદના એજન્ટો ઈઝરાયલમાં બેઠાં બેઠાં સાંભળતા અને હિઝબુલ્લાહ કશું કરે એ પહેલાં તો પહોંચી જઈને તેમનો ખાતમો કરી નાંખતા. હિઝબુલ્લાહને ઈઝરાયલની ગેઈમ ખબર પડી ગઈ તેથી હિઝબુલ્લાહના સેક્રેટરી જનરલ હસ્સન નાસરલ્લાહે સેલફોન બાજુ પર મૂકીને પેજર્સ વાપરવા ફરમાન કર્યું. હિઝબુલ્લાહના માણસો માટે તાઈવાનની કંપની ગોલ્ડ એપોલો પાસેથી એઆર ૯૨૪ મોડલનાં ૫૦૦૦ પેજર અને જાપાનથી કેટલાંક વોકી-ટોકી મંગાવ્યાં.
ગોલ્ડ એપોલો તાઈવાનમાં પેજર નથી બનાવતી પણ હંગેરીની કંપની બીએસી કન્સલ્ટિંગ કેટીએફ પાસે બનાવડાવે છે. હંગેરીમાં બનેલાં આ પેજર વાયા ઈરાન થઈને લેબેનોન આવ્યાં હતાં. જાપાનની કંપનીનાં વોટી ટોકી પણ ઈરાન આવેલાં. મોસાદે ઈરાનમાં પેજર અને વોકી ટોકીનાં આખેઆખા બોક્સ જ બદલી નાંખ્યાં એવું કહેવાય છે. મોસાદના એજન્ટોએ હિઝબુલ્લાહે ઓર્ડર આપેલાં એવાં જ પેજર હંગરીની કંપની પાસે બનાવડાવેલાં અને તેમાં વિસ્ફોટકો ભરી દીધાં હોવાનું પણ કહેવાય છે. હંગેરીથી હિઝબુલ્લાહ માટેનું કાર્ગો જહાજ આવ્યું એ પહેલાં જ ઈરાનમાં ઈઝરાયલના વિસ્ફોટકો સાથેનાં પેજર અને વોકીટોકી સાથેનું જહાજ તૈયાર જ બેઠું હતું.
હિઝબુલ્લાહમાં ઈરાનનું જહાજ લાંગરવામાં આવ્યું પછી મોસાદની લેડી એજન્ટ્સ કામે લાગી. પોતાની અદાઓથી જહાજના લોકોને લલચાવીને તેમને મસ્ત કરી દીધા ને એ દરમિયાન ઈઝરાયલે તૈયાર કરાવેલાં પેજર ને વોકી ટોકીનાં બોક્સ લેબેનોન જતા જહાજમાં ચડાવી દેવાયાં જ્યારે સાદાં પેજર ઈઝરાયલ પહોંચી ગયાં. હિઝબુલ્લાહના માણસો પાસે પેજર પહોંચ્યાં અને એ લોકો વાપરવા માંડયા ત્યારે તેમને ખબર જ નહોતી કે, જીવતા બોમ્બ લઈને ફરી રહ્યા છે. મોસાદે પેજરમાં એ પ્રકારની ડીવાઈસ ફિટ કરેલી કે એક બટન દબાવો એટલે ભૂમ્મ. 17 સપ્ટેમ્બર, 2024ની બપોરે એ જ કરાયું ને આખું લેબેનોન હમચચી ગયું. બાકી હતું તે બીજા દિવસે વોકી ટોકીમાં પણ બ્લાસ્ટ થયા. આ રીતે સળંગ બે દિવસમાં બે અકલ્પનિય હુમલા દ્વારા ઈઝરાયલે બીજા દેશોને પણ ચોંકાવી દીધા છે. દુનિયાભરના દેશો ઈઝરાયલની ટીકા કરી રહ્યા છે. મુસ્લિમ રાષ્ટ્રો તો તૂટી જ પડયાં છે. ઈઝરાયલના કૃત્યને અમાનવીય ગણાવીને ઝાટકણી કઢાઈ રહી છે. અમેરિકાએ ઈઝરાયલને આ હુમલામાં સાથ આપ્યો હોવાની વાતો પણ ચાલી રહી છે. યુનાઈટેડ નેશન્સની સીક્યુરિટી કાઉન્સિલ પણ આવતા અઠવાડિયે આ બ્લાસ્ટની ચર્ચા કરવાની છે. કદાચ ઈઝરાયલને ઠપકો પણ અપાય ને પ્રતિબંધો પણ મૂકાય પણ ઈઝરાયલને તેનાથી ફરક નહીં પડે.
ઈઝરાયલ માટે રાષ્ટ્રની અને રાષ્ટ્રનાં લોકોની સુરક્ષા સર્વોપરિ છે. તેના માટે જે કરવું પડે એ કરવાની તેની વિચારધારા છે એ જોતાં મુસ્લિમ આતંકવાદી સંગઠનો હુમલા ચાલુ રાખે તો ઈઝરાયલ આ રીતે ફરી બ્લાસ્ટ કરાવી શકે છે.
ઈઝરાયલેની સાયકોલોજિકલ વોર, લેબેનોનનાં લોકોને સતત ડરમાં જીવતા કરી દીધા
ઈઝરાયલે લેબેનોનમાં પેજર અને વોકી ટોકીમાં બ્લાસ્ટ કરાવીને એક જબરદસ્ત સાયકોલોજિકલ વોર શરૃ કરી છે. મોસાદે કોઈને કલ્પના ના આવે એવો હુમલો કરાવીને સાયકોલોજિકલ વોરના પહેલો રાઉન્ડ જીતી પણ લીધો છે.
આ બ્લાસ્ટ દ્વારા મોસાદે હિઝબુલ્લાહના આતંકવાદીઓ જ નહીં પણ તમામ લેબેનોનવાસીઓમાં ભયંકર ડર પેદા કરી દીધો છે. લોકો એ હદે ફફડી ગયાં છે કે, મોબાઈલ ફોમ સહિતની કોઈ પણ ચીજનો ઉપયોગ કરતાં પણ સો વાર વિચાર કરે. પેજરમાં બ્લાસ્ટ થઈ શકે તો મોબાઈલ ફોનમાં પણ થઈ શકે ને ટીવીના રીમોટમાં પણ થઈ શકે એના ડરના કારણે લોકો કોઈ પણ ચીજને અડકતાં પહેલાં કે સ્વિચ દબાવતાં પહેલાં પણ વિચાર કરે એવી હાલત કરી નાંખી છે. બંને દિવસના બ્લાસ્ટમાં ભલે ૩૨ લોકો જ મરાયાં પણ લેબેનોનની દરેક વ્યક્તિ ફફડી ગઈ છે. ઈઝરાયલના ટાર્ગેટ પર હિઝબુલ્લાહના આતંકી હતા એવું કહેવાય છે પણ બ્લાસ્ટના જે વીડિયો બહાર આવ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે, ઈઝરાયલે માત્ર હિઝબુલ્લાહને ટાર્ગેટ નથી કર્યું. શાક માર્કેટમાં, મોબાઈલ શોપમાં, બસમાં એમ ઠેક ઠેકાણે સામાન્ય લોકો પાસેનાં પેજર ફૂટયાં છે. તેના પરથી જ સ્પષ્ટ છે કે, ઈઝરાયલ લેબેનોન આખામાં ડર પેદા કરવા માગતું હતું અને તેમાં સફળ પણ થયું છે. સામાન્ય વપરાશની ચીજોનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય છે એ બતાવીને ઈઝરાયલે વિશ્વમાં હવે પછીનાં યુધ્ધ કેવાં હશે તેનો પણ સંકેત આપી દીધો છે.
અમેરિકાને ઈઝરાયલને પેજર બ્લાસ્ટ પ્લાનિંગની ખબર હતી
લેબેનોનમાં થયેલા પેજર અને વોકી ટોકી બ્લાસ્ટમાં અમેરિકાની સંડોવણી હોવાનો આક્ષેપ હિઝબુલ્લાહ દ્વારા કરાયો છે. હિઝબુલ્લાહનું કહેવું છે કે, અમેરિકન યુનિવર્સિટી ઓફ બૈરૃત મેડિકલ સેન્ટર દ્વારા તેના પેજિંગ સિસ્ટમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને 2024ના એપ્રિલમાં અપગ્રેડ કરાયું હતું. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર 29 ઓગસ્ટ 2024ના રોજ એક્ટિવ થયું. તેનો મતલબ એ થયો કે, અમેરિકાને પહેલેથી આ પ્રકારના હુમલાનું કાવતરું ઘડાયું હોવાની ખબર હતી. પોતાની હોસ્પિટલને કોઈ નુકસાન ના થાય એટલા માટે અમેરિકાએ પેજિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરી દીધું. હોસ્પિટલ આ વાતનો ઈન્કાર કરે છે પણ ઈઝરાયલ સાથેની અમેરિકાની નિકટતા જોતાં આ શક્યતા સાચી લાગે છે.