વિચાર કે વિવાદ : ગુરુત્વાકર્ષણથી લોકો ઝડપી ઘરડા થઈ રહ્યા છે

- ઝોમેટોના સીઈઓનો દાવો છે કે, ગુરુત્વાકર્ષણને કારણે મગજ સુધી પૂરતા પ્રમાણમાં લોહી પહોંચતું નથી અને તેથી લોકોની ઉંમર ઝડપથી વધી રહી છે
- આપણે જ્યારે સીધા ઉભા હોઈએ છીએ ત્યારે ગુરુત્વાકર્ષણ આપણા શરીરના લોહીને પણ નીચેની તરફ ખેંચે છે. હૃદય તેને પમ્પ કરીને ઉપરની તરફ ખેંચે છે પણ આ લોહી મગજ સુધી પુરતા પ્રમાણમાં પહોંચતું નથી : આપણે દાયકાઓ સુધી સીધા ઊભા રહીએ, બેસીએ અને કામ કરીએ ત્યારે શરીરના સૌથી ઉપરના ભાગ સુધી પૂરતું લોહી પહોંચી શકતું નથી કારણ કે ગ્રેવિટી તેને નીચે ખેંચે છે. લોહી ઓછું પહોંચવાના કારણે મગજનો એ ભાગ કે જે આપણી ઉંમરને કાબુ કરે છે તે નબળો પડતો જાય છે : કોઈ વ્યક્તિ દરરોજ ઈનવર્ઝન ટેબલ ઉપર 10મિનિટ ઉંઘી રહે તો છ અઠવાડિયામાં જ તેના મગજમાં લોહીનો પ્રવાહ સાત ટકા વધી જશે. માણસના શરીરમાં 10 વર્ષ દરમિયાન થયેલી લોહીની અછત માત્ર દોઢ મહિનામાં પૂરી થઈ જશે .
તાજેતરમા ઝોમેટોના સીઈઓ દીપિંદર ગોયલની એક તસવીર ખૂબ જ ચર્ચામાં આવેલી છે. તેમણે એક્સ ઉપર પોસ્ટ કરેલી આ તસવીરમાં તેમના કાન પાસે એક ડિવાઈસ ચોંટાડેલું દેખાય છે અને તેના કારણે જ ચર્ચા ચાલી છે. લમણાના ભાગે લગાવેલું આ સોનેરી ડિવાઈસ જોઈને ચારેકોર ચર્ચા ચાલી કે આ કયું નવું ગેજેટ બજારમાં આવી ગયું છે. લોકોને સ્માર્ટફોન, સ્માર્ટ અને વાયરલેસ બ્લૂટૂથ કે પછી અન્ય કોઈ ડિવાઈસ હોવાની ઉત્સુકતા જાગી હતી. બે-ચાર દિવસ લોકોએ એક્સ અને અન્ય સોશિયલ મીડિયા માધ્યમોમાં આ ડિવાઈસ વિશે ચર્ચા કર્યા બાદ હાલમાં દીપિંદરે તેના વિશે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, આ ડિવાઈસ તેમના શરીરમાં અને ખાસ કરીને મગજમાં થતા લોહીના પરિભ્રમણને એટલે કે બ્લડ ફ્લોને મોનિટર કરવા માટેનું ડિવાઈસ છે. તેઓ માને છે કે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણના લીધે લોકોની ઉંમર ઝડપથી વધી રહી છે. તેના પગલે જ તેમણે બ્રેઈન બ્લડ ફ્લો માપવા માટે એક ડિવાઈસ બનાવ્યું છે. તે ગ્રેવિટી એજિંગ હાઈપોથેસિસ જેવા સિદ્ધાંત સાથે જોડાયેલું છે.
ઉલ્લેખનીય છે કે, ૧૪ નવેમ્બરે ગોયલ એક શાળામાં બાળકો સાથે એક કાર્યક્રમમાં દેખાયા હતા. તેની તસવીરો તેમણે એક્સ ઉપર મુકી હતી. લોકોએ તેમની આ તસવીરોમાં જ તેમના લમણે લગાવેલું આ ડિવાઈસ જોયું અને તેની ચર્ચા ચારેકોર થવા લાગી હતી. તેના વિશે જાતભાતની વાતો થતાં બીજા દિવસે ગોયલે એક પોસ્ટ થ્રેડ મુકી અને આ ચર્ચા શરૂ કરી કે, શું ગુરુત્વાકર્ષણને કારણે આપણી ઉંમર ઝડપથી વધી રહી છે. ખરેખર આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે ઘરડા થઈ રહ્યા છીએ. તેમના આ સવાલોએ ચર્ચા અને વિવાદોનો મધપૂડો છંછેડી દીધો. તેમણે પોતાની ગ્રેવિટી એજિંગ હાઈપોથેસિસની વાત કરી. તેના સમર્થન અને વિરોધમાં સોશિયલ મીડિયા ઊભરાવા લાગ્યું હતું.
ગોયલે ત્યારબાદ વધુ એક ઈન્ટરનેટ માધ્યમ થકી જણાવ્યું કે, આ તેમનું જ એક સાહસ છે. તેઓ હાલમાં એક એક્સપિરિમેન્ટલ ડિવાઈસ ઉપર કામ કરી રહ્યા છે. તેઓ તેને ગ્રેવિટી એજિંગ હાઈપોથેસિસ કહે છે. તેઓ જણાવે છે કે, મગજમાં યોગ્ય પ્રમાણમાં અને સમયસર લોહી પહોંચે છે કે નહીં તેને માપવા માટે આ ડિવાઈસ વિકસાવવામાં આવ્યું છે. ગોયલે કહ્યું કે, તેઓ છેલ્લાં એક વર્ષથી આ ડિવાઈસ પહેરી રહ્યા છે. તે સતત માપે છે કે, લોહીનું પરિભ્રમણ કેવું રહે છે અને કેવી રીતે તેને યોગ્ય કરી શકાય છે. તેમણે કહ્યું કે, કોઈ પ્રોડક્ટ નથી પણ માત્ર રિસર્ચ ટૂલ છે.
ગોયલની આ વાતો પરથી એક બાબત તો સ્પષ્ટ થઈ ગઈ કે તેઓ હેલ્થ સેક્ટરમાં કંઈક નવા અખતરા કરીને નવી પ્રોડક્ટ બજારમાં લાવવાના છે. તેની તૈયારી માટે જ આ બધું શરૂ કરી દીધું છે. તેનાથી અલગ વાત કરીએ તો ખરેખર ગોયલનો એ સિદ્ધાંત અને વિચાર સાચો છે. ખરેખર મગજમાં લોહી ઓછું પહોંચે છે અને તેના કારણે આપણે ઘરડા થઈ રહ્યા છીએ. સાદી ભાષામાં જ સમજીએ તો ન્યૂટને ઝાડ ઉપરથી સફરજન પડતું જોયું અને ગ્રેવિટીની શોધ થઈ તેવું કહેવાય છે. આ સીધો સિદ્ધાંત છે કે, ગુરુત્વાકર્ષણને કારણે સફરજન નીચે આવ્યું હતું. હવે નવું સંશોધન કહે છે કે, આપણે જ્યારે સીધા ઉભા હોઈએ છીએ ત્યારે ગુરુત્વાકર્ષણ આપણા શરીરના લોહીને પણ નીચેની તરફ ખેંચે છે. હૃદય તેને પમ્પ કરીને ઉપરની તરફ ખેંચે છે પણ આ લોહી મગજ સુધી પુરતા પ્રમાણમાં પહોંચતું નથી. શરીરના સૌથી ઉપરના ભાગ સુધી પૂરતા પ્રમાણમાં લોહી પહોંચવું થોડું અઘરું છે. ગુરુત્વાકર્ષણના બળને પગલે તેમ થતું નથી.
આ નવો દાવો એવું કહે છે કે, મગજમાં લોહી પહોંચવાનું પ્રમાણ જે ઓછું છે તેનો દર ધીમે ધીમે વધતો જાય છે. આપણા જન્મથી માંડીને જેમ જેમ મોટા થઈએ છીએ તેમ તેમ આ પ્રમાણ વધતું જાય છે. આપણે દાયકાઓ સુધી સીધા ઊભા રહીએ, બેસીએ અને કામ કરીએ ત્યારે શરીરના સૌથી ઉપરના ભાગ સુધી પૂરતું લોહી પહોંચી શકતું નથી કારણ કે ગ્રેવિટી તેને નીચે ખેંચે છે.
લોહી ઓછું પહોંચવાના કારણે મગજનો એ ભાગ કે જે આપણી ઉંમરને કાબુ કરે છે તે નબળો પડતો જાય છે. સૌથી પહેલાં તેને અસર થાય છે.
સાદી ભાષામાં કહીએ તો આપણી ઉંમરને કાબુ કરતા ભાગમાં ખરાબી સર્જાવા લાગે છે. મગજનો તે ભાગ જલદી ઘરડો થવા લાગે છે અને તેના પગલે શરીર પણ ઘરડું થવા લાગે છે. ગોયલ અને તેમના સંશોધકો દ્વારા દાવો કરાયો છે કે, તેમણે જે સંશોધન કર્યું છે તેને ખોટું સાબિત કરનાર કોઈ વૈજ્ઞાાનિક દાવો કે સિદ્ધાંત આવ્યા નથી. બીજી તરફ લોકોમાં ખરેખર ચર્ચા છેડાઈ છે કે, મગજમાં લોહી ઓછું પહોંચે છે અને તેના કારણે આપણી ઉંમરમાં વધારો થઈ રહ્યો છે.
ખરેખર ગુરુત્વાકર્ષણથી જ લોકોની ઉંમર વધતી હોય તો તેનો ઉકેલ શું છે તેની પણ ચર્ચા થવી જોઈએ. અહીંયા તેના વિશે ચર્ચા કરવા કરતા પોતાની પ્રોડક્ટ અને સંશોધન વિશે પ્રમોશન વધારે થતું હોય તેવું સોશિયલ મીડિયામાં ચર્ચાવા લાગ્યું છે. બીજી તરફ એવો પણ દાવો સામે આવ્યો છે કે, મગજને ઘરડું થતું અટકાવવા અને મગજ સુધી લોહી વધારે પહોંચે તે માટે ઈન્વર્ઝન થવું ખૂબ જ જરૂરી છે. તેમાં પગ ઉપર અને માથું નીચે આવે તેવી સ્થિતિ થવી જોઈએ. યોગમાં જેને આપણે શિર્ષાસન કહીએ છીએ તે સ્થિતિમાં થોડા સમય માટે આવીએ તો આ કામ થઈ શકે તેમ છે. ગોયલનો જ દાવો છે કે, કોઈ વ્યક્તિ દરરોજ ઈનવર્ઝન ટેબલ ઉપર ૧૦ મિનિટ ઉંઘી રહે તો છ અઠવાડિયામાં જ તેના મગજમાં લોહીનો પ્રવાહ સાત ટકા વધી જશે. માણસના શરીરમાં ૧૦ વર્ષ દરમિયાન થયેલી લોહીની અછત માત્ર દોઢ મહિનામાં પૂરી થઈ જશે.
બીજી તરફ સંશોધકો દ્વારા આ દાવાનો વિરોધ કરાયો છે. તેના વિશે ઘણા સવાલો ઊભા કરવામાં આવ્યા છે જેના નક્કર જવાબો હજી સામે આવ્યા નથી. સંશોધકો માને છે કે, માત્ર ગોયલની કંપનીના રિસર્ચના આધારે માની લેવું કે ગ્રેવિટીને પગલે માણસોની ઉંમર વધી રહી છે તે ખોટું છે. તેના માટે પૂરતા તથ્યો અને વિગતો સામે આવવી જોઈએ. ખાસ વાત એ છે કે, સંશોધકો સ્પષ્ટપણે માને છે કે, માત્ર સંશોધન કરીને જણાવી દેવાથી ઉકેલ લાવવાનો નથી. હાલમાં જે રિસર્ચ કરવામાં આવ્યું તે પ્રારંભિક ગણી શકાય. માણસના સ્વાસ્થ્ય અને તેની ઉંમર વધવાના કારણો વિશે નક્કર તથ્યો બહાર આવવા જોઈએ.
આ માત્ર રિસર્ચ નહીં પણ માનવ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી એક મહત્ત્વની બાબત છે. તેને કોઈ પ્રોડક્ટનો આધાર બનાવીને કામ કરી શકાય નહીં.
કેટલાક સંશોધકો માને છે કે, આપણા મગજમાં લોહી ઓછું પહોંચતું હોય તો તેના માટે પણ ઘણા કારણો જવાબદાર છે. માત્ર ગેજેટ લગાવી દેવાથી કામ પૂરું થઈ જતું નથી.
મગજને લાંબા સમય સુધી એક્ટિવ રાખવા માટે, સ્વસ્થ્ય રાખવા અને યુવાન રહેવા માટે ઘણા કુદરતી રસ્તા છે જેનું અનુસરણ કરવાથી લાભ થાય છે. તણાવ મુક્ત જીવન, સ્વસ્થ આહાર અને બીજી કેટલીક બાબતો માણસના મગજ અને શરીર બંનેને સ્વસ્થ રાખી શકે છે અને લાંબુ આયુષ્ય ભોગવી શકાય છે.
ઓનલાઈન ઓર્ડર કરેલું નહીં, તાજુ રાંધેલું ભોજન વ્યક્તિને સ્વસ્થ રાખે છે
વર્તમાન સમયમાં ગેજેટ્સની ચર્ચા છેડાઈ છે તેની વચ્ચે એક વાત સમજવા જેવી છે કે, ડોક્ટર્સ અને સંશોધકો વર્ષોથી સારા સ્વાસ્થ્ય માટે કેટલીક પાયાની બાબતો જણાવતા આવ્યા છે જેને આપણે ધ્યાને લેતા જ નથી.
ડોક્ટરો જણાવે છે કે, દરરોજ કસરત કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ ઝડપી બને છે, મગજમાં નવા કોષનો વિકાસ થવા લાગે છે, યાદશક્તિ ધીમે ધીમે વધવા લાગે છે. સમયાંતરે થોડો થોડો વ્યાયમ કરવાથી શરીરને મોટો લાભ થાય છે. તેવી જ રીતે ખરાબ અને અપૂરતી ઉંઘ વ્યક્તિની ઉંમર ઝડપથી વધારે છે. તે ઉપરાંત તેના કારણે ડેમેન્શિયાનો ખતરો પણ સર્જાય છે.
આ સંજોગોમાં માણસે ઓછામાં ઓછી ૭ થી ૮ કલાકની ઉંઘ લેવી જ જોઈએ. મગજને જાગ્રત રાખવા, એક્ટિવ રાખવા માટે પોતાને જાતને જ નવી નવી ચેલેન્જ આપવી જોઈએ. નવી ભાષા, નવી એક્ટિવિટી, નવી બાબતો શીખવા માટે પ્રયાસ કરવો જોઈએ જેનાથી મગજ વધારે પોષણ મળે છે અને તે સ્વસ્થ રહે છે. તે ઉપરાંત બ્લડ પ્રેશર, સુગર, લિપિડ અને કમરના આકારને નિયંત્રિત કરવા જોઈએ. વજન અને રોગમુક્ત શરીર હૃદય માટે અને મગજ માટે ખૂબ જ અગત્યના છે. ત્યારબાદ સૌથી વધારે જાણકારો અને ડોક્ટરોની કોમેન્ટ હતી કે, સારા સ્વાસ્થ્ય માટે સારું ભોજન ખૂબ જ જરૂરી છે. લીલા શાકભાજી, સુકામેવા અને અન્ય સામગ્રી શરીરને સ્વસ્થ રાખે છે. ઘણા સંશોધકોએ તો કોમેન્ટ પણ કરી હતી કે, ઓનલાઈન ડિલિવરી એપ ઉપરથી મંગાવેલું નહીં પણ ઘરે રાંધેલું તાજું ભોજન શરીરને અને મગજને વધારે સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત એકલતાથી દૂર રહેવું, સામાજિક રીતે લોકોની સાથે જોડાયેલા રહેવું પણ આત્મબળ આપે છે.
તણાવ રોકવા માટે ધ્યાન, યોગ અને કસરત જેવી પ્રવૃત્તિઓમાં વધારે વ્યસ્ત રહેવું જોઈએ. તેનાથી તન, મન અને મગજ બધાને લાભ થાય છે. શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ હોય તો તેને દૂર કરવી જોઈએ. એકંદરે કસરત કરવી અને સારું તથા તાજું ભોજન કરવાથી અને પૂરતી ઉંઘ લેવાથી મગજ સક્રિય રહે છે અને સ્વાસ્થ્ય જળવાયેલું રહે છે.

