mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રાજીવ ગાંધીના હત્યારાઓને તેમનો દેશ જ સંઘરવા તૈયાર નથી

Updated: Nov 20th, 2023

રાજીવ ગાંધીના હત્યારાઓને તેમનો દેશ જ સંઘરવા તૈયાર નથી 1 - image


તમિલનાડુ વિધાનસભાએ આ ૬ દોષિતોને મુક્ત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો પણ રાજ્યપાલે તે માફી સ્વીકારી નહોતી

- સુપ્રીમ કોર્ટના આદેશથી મુક્ત થયેલા રાજીવ હત્યા કેસના ચારેય દોષિતોને લઈ જવામાં શ્રીલંકાની સરકારે કોઈ રસ બતાવ્યો નથી. તેના કારણે છેલ્લા એક વર્ષથી બધા ત્રિચી સ્પેશિયલ કેમ્પમાં રહે છે. જયકુમાર અને રોબર્ટના આક્ષેપ પ્રમાણે, ત્રિચી સ્પેશિયલ કેમ્પમાં બદતર હાલત છે. આ તમામ દોષિતો રાજીવની હત્યાના કેસમાં આજીવન કેદની સજા થયા પછી ૩૧ વર્ષ સુધી જેલમાં હતા પણ સ્પેશિયલ કેમ્પમાં જેલથી પણ ખરાબ સ્થિતી છે. ચારેયને કોટડીમાં બંધ રખાય છે અને બહાર નિકળવા દેવાતા નથી કે કોઈની સાથે વાત પણ કરવા દેવાતી નથી. જયકુમારની ફરિયાદ છે કે, પોતાને આંખે દેખાતું નથી ને આંધળો થઈ જશે પણ પોતાની સારવાર પણ કરાતી નથી.

દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના છ હત્યારાઓની મુક્તિનો મુદ્દો ફરી ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે ગયા વરસે નવેમ્બરમાં દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના છ હત્યારાને મુક્ત કરવાનો આદેશ આપેલો. નલિની, રવિચંદ્રન, સંથન, મુરૂગન ઉર્ફે શ્રીહરન, જયકુમાર અને રોબર્ટ પાયસને મુક્ત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને તમિલનાડુની સરકારે તેમને તાત્કાલિક મુક્ત કરી દીધેલા. રવિચંદ્રન અને નલિની ભારતીય નાગરિક હોવાથી જેલમાંથી બહાર આવી ગયાં પણ બાકીના ચાર શ્રીલંકાના નાગરિકો હોવાથી ત્રિચીના સ્પેશિયલ કેમ્પમાં રખાયેલા.

ત્રિચી કેમ્પમાં રખાયેલા બી. રોબર્ટ પાયસ,  એસ. જયકુમાર. સંથન અને મુરૂગન પૈકી પાયસ અને જયકુમારે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી છે કે, સુપ્રીમ કોર્ટે તો મુક્ત કરી દીધા પણ જેલમાંથી બહાર કાઢીને તેમને જે સ્પેશિયલ કેમ્પમાં મોકલાયા છે ત્યાં જેલ કરતાં પણ બદતર હાલત છે. બંનેએ પોતાને પોતાના પરિવારો પાસે જવા દેવાય ને મુક્તિનો આનંદ માણવા દેવાય એવી વિનંતી કરી છે. જયકુમારનો પરિવાર ચેન્નાઈમાં રહે છે તેથી જયકુમાર ચેન્નાઈ જવા માગે છે જ્યારે રોબર્ટ પાયસ પરિવાર પાસે નેધરલેન્ડસ જવા માગે છે.

જયકુમાર અને પાયસે આ અરજી કરવી પડી કેમ કે તેમનો પોતાનો દેશ શ્રીલંકા તેમને સંઘરવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટે ૨૦૨૨ના નવેમ્બરમાં જેલવાસ ભોગવી રહેલા તમામ ૬ દોષિતને મુક્ત કરવાનું ફરમાન કર્યું પછી તેમને તાત્કાલિક છોડીને સ્પેશિયલ કેમ્પમાં મોકલાયેલા. એ વખતે ત્રિચીના કલેક્ટરે એલાન કરેલું કે, શ્રીલંકા સરકારને આ લોકોને ડીપોર્ટ કરવાની વિનંતી કરી દેવાઈ છે અને શ્રીલંકા સરકાર ૧૦ દિવસમાં ડીપોર્ટેશન ઓર્ડર મોકલી દેશે. 

આ વાતને એક વર્ષથી વધારે સમય થઈ ગયો પણ શ્રીલંકાની સરકારે તેમને લઈ જવામાં કોઈ રસ જ બતાવ્યો નથી. તેના કારણે છેલ્લા એક વર્ષથી બધા ત્રિચી સ્પેશિયલ કેમ્પમાં રહે છે. જયકુમાર અને રોબર્ટના આક્ષેપ પ્રમાણે, ત્રિચી સ્પેશિયલ કેમ્પમાં બદતર હાલત છે. આ તમામ દોષિતો રાજીવની હત્યાના કેસમાં આજીવન કેદની સજા થયા પછી ૩૧ વર્ષ સુધી જેલમાં હતા પણ સ્પેશિયલ કેમ્પમાં જેલથી પણ ખરાબ સ્થિતી છે. ચારેયને કોટડીમાં બંધ રખાય છે અને બહાર નિકળવા જ દેવાતા નથી કે કોઈની સાથે વાત પણ કરવા દેવાતી નથી. જયકુમારની ફરિયાદ છે કે, પોતાને આંખે દેખાતું નથી ને આંધળો થઈ જશે પણ પોતાની સારવાર પણ કરાતી નથી. 

રોબર્ટ અને જયકુમાર પહેલાં સંથન અને મુરૂગને પણ આવી ફરિયાદ કરી છે. સંથને મદ્રાસ હાઈકોર્ટના જજને પત્ર લખીને ફરિયાદ કરેલી. પોતે ૩૨ વર્ષથી પોતાની માતાને નથી મળ્યો તેથી પરિવાર પાસે જવા દેવાય એવી વિનંતી તેણે કરેલી. મુરૂગન ઉર્ફે શ્રીહરન નલિનીનો પતિ છે. નલિનીએ મુરૂગનને મુક્ત કરીને પોતાની સાથે રહેવા દેવાય એવી વિનંતી કરતી અરજી કોર્ટમાં કરેલી પણ કોર્ટે એ અરજી સ્વીકારી નથી તેથી બીજા ત્રણની સાથે એ પણ જેલની હવા ખાઈ રહ્યો છે. 

રસપ્રદ વાત એ છે કે, આ ચારેયને પણ પોતાના વતન શ્રીલંકા જવામાં રસ નથી. જયકુમાર અને રોબર્ટે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં પોતાને શ્રીલંકા મોકલાશે તો પોતાની હત્યા કરી દેવાશે એવો ડર વ્યક્ત કર્યો છે. આ કારણે જયકુમાર ભારતમાં જ રહી જવા માગે છે જ્યારે રોબર્ટ નેધરલેન્ડસ જતો રહેવા માગે છે.  

શ્રીલંકાની સરકાર આ ચારેયને લેવા નથી માંગતી તેનું કારણ એ છે કે, શ્રીલંકાને ધોળે ધરમેય તમિલ આતંકી જોઈતા નથી. શ્રીલંકાએ માંડ માંડ એલટીટીઈને સાફ કરીને શાંતિ કરી છે. હવે એલટીટીઈ સાથે સંકળાયેલા લોકો પાછા અહીં આવે ને તેમને મળવાના બહાને તમિલો માટે અલગ રાષ્ટ્રની મુક્તિનો ઝંડો પાછો ઉંચકાય એવું શ્રીલંકાને જોઈતું નથી તેથી ભારત સરકારની વિનંતીઓ છતાં શ્રીલંકાની સરકારે એક વર્ષથી કશું કર્યું નથી. શ્રીલંકાની સરકારને રસ ના હોય એ સંજોગોમાં ભારતે તેમને ગેરકાયદેસર રીતે ઘૂસેલા વિદેશીઓને રખાયા છે એ જ કેમ્પમાં રાખવા પડે. એ કેમ્પમાં કંઈ ફાઈવ સ્ટાર જેવી સવલતો ન જ હોય કેમ કે એ લોકો થોડા આપણા જમાઈ છે ? 

સુપ્રીમ કોર્ટે પોતાની ખાસ સત્તાનો ઉપયોગ કરીને આ તમામ દોષિતોને છોડી મૂક્યા હતા. સુપ્રીમ કોર્ટે પેરારીવલનને પણ એ જ રીતે મુક્ત કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહેલું કે, તમિલનાડુની વિધાનસભાએ આ છ દોષિતોને મુક્ત કરવાનો ઠરાવ પસાર કર્યો પછી રાજ્યપાલે તેને સ્વીકારીને માફી આપવાની જરૂર હતી. રાજ્યપાલ વિધાનસભાની વાત માનવા બંધાયેલા છે તેથી તમામ દોષિતોને છોડી દેવાની જરૂર હતી. તેના બદલે તેમણે માફી ના આપી ને યોગ્ય કદમ ના ઉઠાવ્યું તેથી પોતે ખાસ સત્તા વાપરીને તમામને છોડી મૂકવાનો આદેશ આપવો પડયો છે.

સુપ્રીમ કોર્ટે પોતાના અધિકારક્ષેત્રમાં રહીને તેમને છોડયા તેથી તેની સામે વાંધો ન લઈ શકાય પણ રોબર્ટ પાયસ અને જયકુમાર સહિતના રાજીવ ગાંધીના હત્યારા દયાને લાયક નથી જ. તેમણે રાજીવની હત્યાનું કાવતરું ઘડીને  તેમની સાવ ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી. રાજીવ ગાંધી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન હતા એ જોતાં તેમની હત્યા કરવી બહુ મોટો અપરાધ કહેવાય. મહિનાઓ લગી પ્લાનિંગ કરીને પછી રાજીવની હત્યા કરાયેલી એ જોતાં આ લોકોને પોતે શું કરે છે તેની ખબર હતી જ તેથી આ બધા દયાને લાયક નથી જ. ૩૨ વર્ષ જેલમાં રહ્યા તેમાં આ બધા ઢીલાઢસ થઈ ગયા છે ને માનવતાની  વાતો કરવા માંડયા છે પણ તેના કારણે તેમનો અપરાધ ક્ષમ્ય નથી બની જતો.  એ લોકોએ જેલમાં પોતાના અપરાધની સજા ભોગવી ને હવે તેમનો દેશ તેમને લેવા માટે તૈયાર નથી તો ભારત તેમાં કશું ના કરી શકે.

- રાજીવની શરીરનાં ટુકડેટુકડા થઈ ગયેલા, બૂટથી ઓળખ થઈ

રાજીવ ગાંધીની ૨૧ મે, ૧૯૯૧ના રોજ તામિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં ચૂંટણી સભામાં હત્યા કરાઈ તેના પાંચ મહિના પહેલાં ભૂતપૂર્વ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહની રેલીમાં રીહર્સલ કરાયેલું.  એલટીટીઈના ઈશારે ધનુ  ઉર્ફે તેનમોજી રાજરત્નમે રાજીવને ફૂલનો હાર પહેરાવીને ચરણસ્પર્શ કર્યો હતો.  ધનુએ નીચે ઝૂકીને કમર પર બાંધેલા વિસ્ફોટકો એક્ટિવ કરીને રાજીવને ઉડાવી દીધા.

ધનુ તથા તેની ટીમે પાંચ મહિના પહેલાં રીહર્સલ કર્યું ત્યારે ધનુની કમર પર વિસ્ફોટકો નહોતા. ધનુ રાજીવની જેમ વી.પી. સિંહને પણ પગે પડી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાનની સુરક્ષા માટે કેવી વ્યવસ્થા હોય છે અને કોઈ છોકરી રાજીવ સુધી પહોંચી જાય એ પહેલા તેની તપાસ કરાય છે કે નહીં તેની ચકાસણી કરવા રીહર્સલ કરેલું. સિંહની સભામાં ધનુને કોઈએ ના રોકી એટલે રાજીવની હત્યા આ રીતે જ કરવાનું 

પ્લાનિંગ કરાયું. 

ધનુએ કરેલો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, આસપાસના લોકોના ચીંથરાં ઉડી ગયા હતા અને માંસના લોચેલોચા હવામાં ઉડયા હતા. રાજીવની ઓળખ તેમણે પહેરેલા બૂટના કારણે થયેલી, બાકી તેમના અવશેષો તો મળ્યા જ નહોતા.   રાજીવ અને ધનુ સહિત ૧૬ લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં જ્યારે ૪૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમાંથી પણ ઘણા લોકો પાછળથી મોતને ભેટેલાં.

- સોનિયાને રાજીવના હત્યારાઓને છોડવા સામે વાંધો નહોતો

સુપ્રીમ કોર્ટે એક વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૨ના નવેમ્બરમાં સ્વ. રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવાનો નિર્ણય કર્યો તેનો કોંગ્રેસે વિરોધ કરેલો જ્યારે તેનો સાથી પક્ષ ડીએમકે રાજીવના હત્યારાઓને છોડી મૂકવાની તરફેણમાં હતો. બલ્કે ડીએમકેએ જ તમિલનાડુની વિધાનસભામાં છ દોષિતોને મુક્ત કરવાનો ઠરાવ પસાર કરાવ્યો હતો. 

સોનિયા ગાંધીએ રાજીવના હત્યારાઓને છોડવા સામે પોતાને વાંધો નથી એવું કહેલું પણ કોંગ્રેસે તેનો પણ વિરોધ કર્યો છે. કોંગ્રેસે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આ ચુકાદો કોઈ રીતે સ્વીકારી શકાય તેમ નથી. કોંગ્રેસ અને ડીએમકે તમિંલનાડુ સરકારમાં ભાગીદાર છે છતાં ડીએમકેએ કોંગ્રેસથી વિરૂધ્ધ વલણ લીધેલું. કોંગ્રેસે એ છતાં ડીએમકે સાથેનું જોડાણ ચાલુ રાખ્યું છે. ભારતમાં રાજકીય સ્વાર્થને ખાતર રાજકીય પક્ષો સિધ્ધાંતોને બાજુ પર મૂકી દે છે તેનો આ વધુ એક નાદાર નમૂનો છે. 

ભાજપ રાજીવના હત્યારાઓને છોડી મૂકવાની વિરૂધ્ધ હતો. નરેન્દ્ર મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં રાજીવ ગાંધીના હત્યારાઓની મુક્તિનો ઉગ્ર વિરોધ કર્યો હતો.  સુપ્રીમ કોર્ટે ૧૮ મે, ૨૦૨૨ના રોજ રાજીવ હત્યા કેસના બીજા દોષિત પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો ત્યારે પણ મોદી સરકારે તેનો વિરોધ કરેલો.


Gujarat