For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિલેક્ટર્સનો લડાયક મિજાજ, મોટા પાયે સાફસૂફી

Updated: Nov 20th, 2022

સિલેક્ટર્સનો લડાયક મિજાજ, મોટા પાયે સાફસૂફી

- 2021માં દુબઈમાં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં આપણે ખરાબ રીતે હારીને નાલેશી વહોરી હતી, ઓસ્ટ્રેલિયામાં રમાયેલ વર્લ્ડકપમાં એ જ ઇતિહાસ દોહરાવાયો છે

- આ વર્લ્ડકપમાં સૌથી વધારે માથે રોહિત શર્મા અને કે.એલ. રાહુલ પડેલા. બંનેએ એક પણ મેચમાં 50 રનથી વધારે રનની ભાગીદારી કરીને ટીમને સારી શરૂઆત નહોતી આપી છતાં છેક સેમી ફાઈનલ લગી બંનેને તક મળ્યા જ કરી. સેમી ફાઈનલમાં પણ બંને સાવ નિષ્ફળ ગયા ને તેમાં આપણે ભૂંડી રીતે હાર્યા. આવા ખેલાડીઓને સૌથી પહેલાં રવાના કરવાની જરૂર છે. 

ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડકપમાં રોહિત શર્મા આણિ મંડળીએ શરમજનક દેખાવ કરીને ભારતની આબરૂનો ધજાગરો કરી નાંખ્યો તેના કારણે ક્રિકેટ ચાહકોમાં હજુ રોષ છે. ક્રિકેટ ચાહકો કેપ્ટન રોહિત શર્મા અને વાઈસ કેપ્ટન કે.એલ. રાહુલ સહિતના ખાઈબદેલા ક્રિકેટરોને તગેડી મૂકવાની માગણી કરી રહ્યા છે ત્યારે બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઈન ઈન્ડિયા (મ્ભભૈં)એ આખી પસંદગી સમિતીને રવાના કરી દીધી.

બોર્ડ ભૂતપૂર્વ મીડિયમ પેસર ચેતન શર્માના વડપણ હેઠળની ચાર સભ્યોની પસંદગી સમિતિને રાતોરાત તગેડી મૂકી છે. બોર્ડ ચેતન શર્મા ઉપરાંત હરવિન્દર સિંહ (સેન્ટ્રલ ઝોન), સુનીલ જોશી (સાઉથ ઝોન) અને દેબાશિષ મોહંતી (ઈસ્ટ ઝોન) એ તાર સીલક્ટર્સને પાણીચું પકડાવી દીધું છે. ચેતન શર્મા નોર્થ ઝોનનું પ્રતિનિધિત્વ કરતા હતા. સામાન્ય રીતે દેશના પાંચ ઝોનમાંથી એક-એક એમ પાંચ સીલેક્ટર્સ હોય છે પણ અભય કુરુવિલાનો કાર્યકાળ પૂરો થતાં પશ્ચિમ ઝોનમાંથી કોઈ પસંદગીકાર ન હતો તેથી પસંદગી સમિતી ચાર જ સભ્યોની હતી. બોર્ડે ચાબૂક ચલાવીને ચારેયને રવાના કરી દીધા છે.

ક્રિકેટ બોર્ડના સિનિયર નેશનલ સિલેક્ટર્સનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે.  ચેતન શર્મા અને સુનિલ જોશીની નેશનલ સીલેક્ટરર તરીકે નિમણૂંક ૨૦૨૦માં કરવામાં આવી હતી જ્યારે બાકીના બે સીલેક્ટર ૨૦૨૧માં નિમાયા હતા એ જોતાં તેમની મુદત પૂરી થવા આડે બે વર્ષ કરતાં વધારે સમય બાકી હતો પણ બોર્ડે મુદત પૂરી થવાની રાહ જોઈ નથી.

બોર્ડે વર્તમાન પસંદગી સમિતિના ચારેય સભ્યોની સાગમટે હકાલપટ્ટી કરવા માટે કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી પણ ભારતીય ક્રિકેટની અત્યારે જે હાલત છે એ જોતાં કોઈ કારણ આપવાની જરૂર જ નથી. આપણા ધુરંધરો સળંગ બે ટી-૨૦ વર્લ્ડ કપમાં નામ બોળીને આવ્યા છે તેથી સીલેક્ટર્સને રવાના કરી દેવાયા છે એવું મનાય છે.

 ૨૦૨૧માં દુબઈમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપમાં આપણે ખરાબ રીતે હારીને નાલેશી વહોરી હતી. 

આ મહિને ઓસ્ટ્રેલિયામાં રમાયેલા વર્લ્ડકપમાં પણ એ જ ઈતિહાસ દોહારાવાયો છે. સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ૧૦ વિકેટે ભૂંડી હાર થતાં આપણી ઈજ્જતનો કચરો થઈ ગયેલો. આ ખરાબ દેખાવ બદલ સીલેક્ટર્સને રવાના કરી દેવાયા છે એવું મનાય છે. 

નેશનલ સીલેક્ટર્સને ટી-૨૦ વર્લ્ડકપના ટીમ ઈન્ડિયાના ખરાબ દેખાવ બદલ રવાના કરાયા હોય તો તેનો અફસોસ કરવા જેવો નથી.  બોર્ડ સીલેક્ટર્સને રવાના કરીને એક સારું જ કામ કર્યું છે. ભારતીય ટીમની અત્યારે જે હાલત છે એ જોતાં ટીમમાં મોટા પાયે સાફસૂફીની જરૂર છે જ. બોર્ડે સીલેક્ટર્સને રવાના કરીને એ દિશામાં પહેલું મોટું કદમ ઉઠાવ્યું છે એ જોતાં બોર્ડની પ્રસંશા કરવી જોઈએ. 

ટી ૨૦ વર્લ્ડ કપ-૨૦૨૨ની ભારતની કારમી હાર માટે રોહિત શર્મા આણિ કંપની તો જવાબદાર છે જ પણ નેશનલ સીલેક્ટર્સ પણ જવાબદાર કહેવાય કે જે સતત નિષ્ફળ જતા ક્રિકેટરોને વારંવાર તક આપ્યા કરે છે. રોહિત શર્મા, કે.એલ. રાહુલ વગેરે ક્રિકેટરો વરસમાં એકાદ મેચમાં સારું રમે છે ને પછી બાકીની મેચમાં ધોળકું જ ધોળ્યા કરે છે.  સીલેક્ટર્સ આવા ખેલાડીઓને ઘરભેગા કરીને નવા યુવા ખેલાડીઓને તક આપતું નથી તેથી ભારતના શરમજનક દેખાવની મુખ્ય જવાબદારી સીલેક્ટર્સની જ છે. તેમના પાપે ખાઈ બદેલા ક્રિકેટરો વરસોથી ચાલ્યા કરે છે ને દેશને શરમજનક સ્થિતીમાં મૂકે છે તેથી બોર્ડે તેમને દૂર કર્યા તેમાં કશું ખોટું નથી. 

સીલેક્ટર્સ રોહિત શર્મા સહિતના ક્રિકેટરોને સતત નિષ્ફળતા છતાં કેમ તક આપે છે તેની પણ ખરેખર તપાસ કરવાની જરૂર છે. ટીમ સીલેક્શનમાં પૈસા ખવાય છે એવા આક્ષેપો લાંબા સમયથી થાય છે. નેશનલ સીલેક્ટર્સ સાવ માથે પડેલા ખેલાડીઓને તક આપ્યા કરે છે એ જોતાં આ આક્ષેપો સાચા લાગે છે. 

બોર્ડે સાફસૂફીનું આ અભિયાન આગળ ધપાવીને ભારતની શરમજનક હાર માટે જવાબદાર ક્રિકેટરોને પણ વધુ તક નહીં આપવાનું વલણ લેવાની જરૂર છે. બોર્ડે તગેડી મૂકાયેલા સીલેક્ટર્સના બદલે આવનારા નવા સીલેક્ટર્સને સ્પષ્ટ આદેશ આપવો જોઈએ કે, ગમે તેવો ચમરબંધી જ કેમ ના હોય પણ એ બે-ચાર મેચમાં ના ચાલે તો તેને રવાના કરવામાં જરાય શરમ ના રાખતા. નહિંતર ચેતન શર્મા આણિ મંડળીની જેમ તમને પણ રવાના કરવામાં બોર્ડ જરાય શરમ નહીં રાખે. 

આ વર્લ્ડકપમાં જ નહીં પણ છેલ્લાં કેટલાંક વરસોથી ટીમ ઈન્ડિયામાં સૌથી વધારે માથે રોહિત શર્મા અને કે.એલ. રાહુલ પડયા છે. બંને સીનિયર ખેલાડી હોવાથી તેમને સતત તક મળે છે પણ તેના કારણ ટીમને કોઈ ફાયદો નથી. આ વર્લ્ડકપમાં તો બંને સાવ નકામા સાબિત થયા હતા.  બંનેએ એક પણ મેચમાં ૫૦ રનથી વધારે રનની ભાગીદારી કરીને ટીમને સારી શરૂઆત નહોતી આપી છતાં છેક સેમી ફાઈનલ લગી બંનેને તક મળ્યા જ કરી. સેમી ફાઈનલમાં પણ બંને સાવ નિષ્ફળ ગયા ને તેમાં આપણે ભૂંડી રીતે હાર્યા. 

રવિચંદ્રન અશ્વિન, દિનેશ કાતક વગેરે ખેલાડીઓને પણ આ વાત લાગુ પડે જ છે એ જોતાં નવા સીલેક્ટર્સ તેમના ખરાબ દેખાવને ના ચલાવે એવી સ્પષ્ટ સૂચના બોર્ડે સીલેક્ટર્સને આપવી જોઈએ. ભારતમાં ક્રિકેટ લોકો માટે ધર્મ છે. ક્રિકેટમાં હારથી લોકો હતાશ થઈ જાય છે. સીલેક્ટર્સ કડક વલણ અપનાવશે તો ટીમના ખેલાડીઓમાં પણ સારું રમવાનું દબાણ પેદા થશે. એ લોકો સારું રમશે તો આપોઆપ ટીમનો દેખાવ સુધરશે ને ભારતીયોએ નિરાશ કે હતાશ નહી થવું પડે. 

બોર્ડે બીજું પણ એક પગલું લેવું જોઈએ. ભારતના ઘણા કહેવાતા ટોચના ક્રિકેટરોને દેશ માટે રમવાનું આવે ત્યારે જ ઈજા થઈ જાય છે પણ આઈપીએલમાં રમવાનું આવે ત્યારે સાજાનરવા થઈ જાય છે. બોર્ડે નિયમ બનાવવો જોઈએ કે, જે ક્રિકેટર ભારત માટે રમવા પસંદ થયો હશે એ ઈજાના બહાને ખસી જશે તો તેને આઈપીએલમાં તક નહીં મળે, આઈપીએલની તેની ટીમ તેને એક પૈસો નહી ચૂકવી શકે. 

ભારતીય ટીમમાં લડાયકતા જ નથી

ભારતીય ક્રિકેટ ટીમમાં લડાયકતાનો સાવ અભાવ છે એ સૌથી વધારે ખૂંચે છે. દુનિયાની બીજી બધી ટીમો જબરદસ્ત લડાયકતા સાથે રમે છે ને ખરાબ સંજોગોમાં પણ હતાશ થયા વિના પૂરી તાકાત લગાવી દે છે. તેની સામે ભારતીય ટીમના ખેલાડી બાપના બગીચામાં મહાલવા આવ્યા હોય એ રીતે સાવ ઢીલી બોડી લેંગ્વેજ સાથે રમે છે. 

ભારતની સરખામણીમાં બીજી ટીમો કેવી લડાયકતા બતાવે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ફાઈનલમા પહોંચેલી બંને ટીમો ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન છે. વર્લ્ડ કપની શરૂઆતની બંને મેચ પાકિસ્તાન હારી ગયું ત્યારે સૌને લાગતું હતું કે, પાકિસ્તાને બિસ્તરાંપોટલાં બાંધીને ઘરભેગા થઈ જવું પડશે. પાકિસ્તાનની પહેલી મેચમાં ભારત સામે હાર થઈ હતી. એ પછી પાકિસ્તાન  ઝિમ્બાવે જેવી સાવ નબળી ટીમ સામે પણ હારી ગયું ત્યારે કોઈને આશા નહોતી કે પાકિસ્તાન બેઠું થશે. પાકિસ્તાને તમામ ધારણા ખોટી પાડીને ફાઈનલમા પ્રવેશ કર્યો. ફાઈનલમાં પાકિસ્તાન ૧૩૭ રનનો મામૂલી સ્કોર કરી શકેલું છતાં છેલ્લી ઘડી સુધી લડતું જ રહ્યું. 

વર્લ્ડકપ ચેમ્પિયન ઈંગ્લેન્ડ પણ લીગ મેચમાં નેધરલેન્ડ્સ સામે હારી ગયેલું. ઈંગ્લેન્ડ ફેકાઈ ગયું એવું જ મનાતું હતું પણ ઈંગ્લેન્ડે વળતો પ્રહાર કરીને વર્લ્ડકપ જીતી બતાવ્યો. ફાઈનલમાં પાકિસ્તાન સામેના ખરાખરીના જંગમાં એક તબક્કે ઈંગ્લેન્ડ હારી જશે એવું લાગતું હતું પણ ઈંગ્લેન્ડે હતાશ થયા વિના વળતું આક્રમણ કરીને જીત મેળવી. 

ટીમ ઈન્ડિયાને ધોની જેવા લીડરની જરૂર

ભારતીય ક્રિકેટ ટીમને ફરી મજબૂત કરવા મહેન્દ્રસિંહ ધોનીની મદદ લેવાશે એવી અટકળો ચાલી રહી છે. ધોનીને ક્રિકેટ ડિરેક્ટર બનાવીને લવાશે એવા મીડિયા રીપોર્ટ છે. આ વાતમા કેટલો દમ છે એ ખબર નથી પણ ટીમ ઈન્ડિયાની હાલત જોતાં ભારતને ધોની જેવા અલગ રીતે જ વિચારતા લીડરની જરૂર છે. 

ધોનીની વિદાય પછી ભારતે ઘણા કેપ્ટન અજમાવી જોયા પણ કોઈ કેપ્ટનમાં ભલી વાર નથી આવ્યો. વિરાટ કોહલી અને રોહિત શર્મા સૌથી લાંબો સમય કેપ્ટન રહ્યા પણ બંને પાસે કેપ્ટન્સીનું વિઝન જ નથી. વર્લ્ડકપ જેવી મોટી સ્પર્ધામાં ટીમને જે લીડરશીપ જોઈએ એ લીડરશીપ આપવાની બંનેમાં ક્ષમતા નથી એ સાબિત થઈ ગયું છે. ધોનીએ ૨૦૦૭માં સાવ નવી ટીમનું સફળ નેતૃત્વ કરીને ટી-૨૦ વર્લ્ડકપ જીતાડેલો. એ ટીમના મોટા ભાગના ખેલાડી ૨૦૧૧ની વર્લ્ડકપ વિજેતા ટીમમાં હતા. બોર્ડે ધોનીને સાવ નવી ટીમ આપીને ફરી ચેમ્પિયન બનાવવાનું મિશન સોંપવું જોઈએ.

Gujarat