- બેદરકારી કે બેજવાબદારી : આ વર્ષે ચારધામ યાત્રા શરૂ થયાને 1 મહિનો થયો છે ત્યાં ૫૫ લોકોનાં મોત થયા છે, મોટાભાગે સ્વાસ્થ્ય સમસ્યાઓ મોટું કારણ
કોરોનાકાળ પછી લોકોનાં ચારધામ યાત્રા દરમિયાન મોતના કિસ્સામાં વધારો થયો છે. ખાસ કરીને 2022થી આ આંકડો મોટો થતો ગયો છે. છેલ્લાં કેટલાક વર્ષોના અહેવાલ જોઈએ તો 2025માં સૌથી ઓછા 83 લોકોનાં મોત થયા હતા. તેની પહેલાં 2024 માં 246 લોકોનાં મોત થયા હતા. 2023 માં 149 લોકોનાં જ્યારે 2022માં 311 લોકોનાં મોત ચારધામ યાત્રા દરમિયાન થયા હતા : આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધારે ૩૦ લોકોનાં કેદરનાથના રસ્તામાં મોત થયા છે. 10 શ્રદ્ધાળુઓના બદરીનાથ જતા જ્યારે યમનોત્રી અને ગંગોત્રી ધામ જવા દરમિયાન અનુક્રમે 8 અને 7 યાત્રાળુઓનાં મોત થયા હતા. જાણકારોના મતે ચારધામ યાત્રામાં સૌથી વધારે મોત પાછળ કારણ સ્વાસ્થ્ય છે. 75 ટકા મોત માટે પ્રી-એક્ઝિસ્ટિંગ હાર્ટ ડિસિઝ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટિસ, પલ્મોનરી એડિમા જેવા કારણે વધારે અસર કરનાર પરિબળ હતા : ચારધામ યાત્રામાં ગઢવાલ હિમાલયમાં ઉંચાઈ વધારે છે. તેથી તેને હાઈ અલ્ટિટયૂડવાળી જગ્યા કહેવાય છે.
દેશમાં સનાતનના પ્રતિક સમાન અત્યંત પવિત્ર ગણાતી ચારધામ યાત્રા ચાલી રહી છે. ગત મહિને ૧૯ તારીખે આ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રાને એક મહિનો પૂરો થયો છે. અત્યાર સુધીમાં લાખો યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા છે. આ યાત્રાની સૌથી આઘાતજનક સ્થિતિ એ સામે આવી છે કે, આ પવિત્ર યાત્રા શરૂ થયાના એક મહિનામાં જ ૫૫ લોકોનાં ત્યાં મોત થયા છે. જાણકારોના મતે મોટાભાગે સ્વાસ્થ્ય કારણોસર લોકોનાં મોત થયા છે, કેટલાક કિસ્સામાં અકસ્માત કે બેજવાબદારી સામે આવ્યા છે. ખાસ કરીને હૃદયરોગ અને શ્વાસની સમસ્યા ધરાવતા લોકોનો સમાવેશ મૃતકોમાં થાય છે. ચિંતાજનક વાત એ છે કે, હજી તો એક જ મહિનાની યાત્રા થઈ છે અને તેમાં ૫૫ લોકોનાં મોત થયા છે. હજી તો યાત્રા ચાલશે અને તેમાં જો આંકડો મોટો થશે તો તે દેશ માટે ચિંતાનજક છે. તેનું મોટું કારણ એ છે કે, છેલ્લાં એક દાયકામાં એટલે કે ૨૦૧૬થી અત્યાર સુધીમાં અંદાજે ૧૩૦૦થી વધુ લોકોનાં મોત ચારધામ યાત્રા દરમિયાન થયા છે. અહેવાલો જણાવે છે કે, ઉંચાઈમાં થતો આકસ્મિક ફેરફાર હૃદયરોગ અને શ્વાસની સમસ્યા ધરાવતા લોકો માટે જીવલેણ બની જાય છે. તેમાંય કોરોનાકાળ પછી લોકોનાં ચારધામ યાત્રા દરમિયાન મોતના કિસ્સામાં વધારો થયો છે. ખાસ કરીને ૨૦૨૨થી આ આંકડો મોટો થતો ગયો છે. છેલ્લાં કેટલાક વર્ષોના અહેવાલ જોઈએ તો ૨૦૨૫માં સૌથી ઓછા ૮૩ લોકોનાં મોત થયા હતા. તેની પહેલાં ૨૦૨૪માં ૨૪૬ લોકોનાં મોત થયા હતા. ૨૦૨૩માં ૧૪૯ લોકોનાં જ્યારે ૨૦૨૨માં ૩૧૧ લોકોનાં મોત ચારધામ યાત્રા દરમિયાન થયા હતા. ૨૦૨૦-૨૦૨૧માં કોરોનાના કારણે આંકડો ખાસ આવ્યો નહોતો કારણ કે મર્યાદિત સંખ્યામાં લોકો જઈ શક્યા હતા. તેની પહેલાં ૨૦૧૯માં ૯૦ યાત્રાળુઓ, ૨૦૧૮માં ૧૦૬, ૨૦૧૭માં ૧૧૨ અને ૨૦૧૬માં માત્ર ૩૯ યાત્રાળુઓનાં ચારધામ યાત્રા દરમિયાન મોત થયા હતા.
તાજેતરના વર્ષે એક જ મહિનામાં ૫૫ લોકોનાં મોત થવાના કારણે લોકોમાં ચિંતાની સ્થિતિ છે. આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધારે ૩૦ લોકોનાં કેદરનાથના રસ્તામાં મોત થયા છે. ૧૦ શ્રદ્ધાળુઓના બદરીનાથ જતા જ્યારે યમનોત્રી અને ગંગોત્રી ધામ જવા દરમિયાન અનુક્રમે ૮ અને ૭ યાત્રાળુઓનાં મોત થયા હતા. જાણકારોના મતે ચારધામ યાત્રામાં સૌથી વધારે મોત પાછળ કારણ સ્વાસ્થ્ય છે. ૭૫ ટકા મોત માટે પ્રી-એક્ઝિસ્ટિંગ હાર્ટ ડિસિઝ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટિસ, પલ્મોનરી એડિમા જેવા કારણે વધારે અસર કરનાર પરિબળ હતા.
ઉલ્લેખનીય છે કે, આવા કિસ્સા દર વર્ષે બને છે અને દર વર્ષે લાખો લોકો ચારધામ યાત્રા માટે જતા હોય છે. યમુનોત્રી, ગંગોત્રી, બદરીનાથ અને કેદારનાથની યાત્રા દરમિયાન રજિસ્ટ્રેશન ફરજિયાત હોય છે. આ રજિસ્ટ્રેશન દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી વિગતો આપવાની હોય છે. હેલ્થ સર્ટિફિકેટ આપવાના હોય છે. આ યાત્રા હાઈ અલ્ટિટયૂડ ઉપર થતી હોવાથી લોકોને શારીરિક સમસ્યાઓ થતી જ હોય છે. તેના કારણે જ હૃદય રોગ અને શ્વાસના રોગો સાથે સંકળાયેલા લોકોને આ યાત્રા ન કરવા સમજાવવામાં આવે છે. લોકોની બેજવાબદારી અને તંત્રીની બેદરકારીના કારણે દર વર્ષે ઘણા શ્રદ્ધાળુઓ પોતાનો જીવ ગુમાવે છે.
ઉત્તરાખંડમાં આવેલા ચારધામ હાઈ અલ્ટિટયૂડવાળી જગ્યા કહેવાય છે. અહીંયા વાતાવરણ અત્યંત ઠંડુ અને બરફાચ્છાદિત હોય છે. અહીંયા ગરમીની સિઝનમાં પણ પર્વતોના શીખરો ઉપર બરફ પડેલો હોય છે. તેના કારણે સામાન્ય માણસો જે રોજિંદા સમયમાં લો અલ્ટિટયૂડ ઉપર રહેતા હોય છે તેમને અચાનક અહીંયા આવીને સમસ્યા થાય છે. જેમનું હૃદય મજબૂત હોય અને ફેફસાં સક્ષમ હોય તે લોકો જ અહીંયા આવી શકે છે. વૃદ્ધો, બિમાર અને હૃદય તથા ફેફસાંની બિમારી ધરાવતા લોકો માટે આ જગ્યા અત્યંત જોખમી છે.
પરિસ્થિતિ એવી થાય છે કે, જ્યારે વધારે ઉંચાઈએ જવામાં આવે છે ત્યારે હવા પાતળી થાય છે, તેમાં ઓક્સિજનનું સ્તર ઓછું હોય છે અને તેના કારણે ફેફસાંને શ્રમ પડે છે. તેમાં ઓક્સિજન ઓછો આવે છે. તેના કારણે ફેફસાં અને હૃદય ઉપર જોર પડે છે.
જાણકારો માને છે કે, કોઈપણ હાઈ અલ્ટિટયૂડ ઉપર જતા પહેલાં અન્ય કોઈ સ્થાને પર્વતારોહણનો અનુભવ કરવો જોઈએ. ચારધામ જવા દરમિયાન ચાલવાની કામગીરી ધીમી રાખવી જોઈએ. એક દિવસમાં ઓછી ઉંચાઈથી સીધા જ ૯૦૦૦ ફૂટની ઉંચાઈ સુધી ન જતું રહેવું જોઈએ. તેના કારણે સમસ્યા વધારે વકરે છે. એક વખત ૯૦૦૦ ફૂટ પહોંચીને આરામ કરવો જોઈએ. ત્યાં ઉંઘવાનો અભ્યાસ થાય ત્યારબાદ બીજા દિવસે માત્ર ૧૬૦૦ ફૂટ વધુ ઉપર જઈને ત્યાં રાત પસાર કરીને આરામનો અનુભવ કરવો જોઈએ. દરેક ૩૩૦૦ થી ૩૫૦૦ ફૂટ ઉપર પહોંચ્યા બાદ ત્યાં અનુકુલન સધાય તેની તકેદારી રાખવી જોઈએ. સ્વાસ્થ્ય જાણકારોના મતે જે લોકો હૃદય સંબંધી સમસ્યા ધરાવતા હોય છે તેમને આવી જગ્યાઓએ વધારે ભાર પડે છે અને હૃદયને અત્યંત શ્રમ પડે છે. હાઈ બ્લડપ્રેશર ધરાવતા લોકોને પણ આવા સ્થળે જવાથી હૃદયની ગતિ વધવી, લોહીનું દબાણ વધું જેવી સમસ્યાઓ અનુભવાય છે. ખાસ કરીને રાતના સમયે આવી સમસ્યા વધારે થતી હોય છે. જાણકારો માને છે કે, હાઈ અલ્ટિટયૂડ ઉપર રહેનારા લોકોને કુદરતી રીતે જ મજબૂત હૃદય હોય છે. તેમને હાર્ટ એટેક આવવા જેવી સમસ્યાઓ પણ ખૂબ જ ઓછી હોય છે અને તેમનું સરેરાશ આયુષ્ય પણ લાંબું હોય છે.
જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિયેશન દ્વારા એક અહેવાલમાં જણાવાયું હતું કે, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ ડિસિઝ ધરાવતા લોકોનું અહીંયા જવું મોટાભાગે ભયજનક હોય છે. ઘણા કિસ્સામાં તે જીવલેણ સાબિત થાય છે. અભ્યાસ પ્રમાણે ૧૦,૦૦૦ ફૂટથી વધુની ઉંચાઈએ જનારા લોકોને ઘણું જોખમ રહે છે. તેમને છાતીમાં દુ:ખાવો, થાક, ચક્કર આવવા, શ્વાસ લેવામાં મુશ્કેલી અને માથામાં સખત દુ:ખાવો જેવી સમસ્યાઓ થાય છે. આવા લોકોએ સમયાંતરે પાણી પીવું જોઈએ. તેમણે પોતાની શારીરિક તપાસ કરાવી લેવી જોઈએ. સૌથી પહેલાં તેમણે હાઈ અલ્ટિટયૂડની જગ્યાઓએ જતાં પહેલાં લો અલ્ટિટયૂડ અને મીડલ અલ્ટિટયૂટડની જગ્યાઓએ રાત રોકાઈને તેનો અભ્યાસ કરી લેવો જોઈએ. સંપૂર્ણ આરામ લેવો, હાઈડ્રેટેડ રહેવું અને શ્વસન પ્રક્રિયા ઉપર વધારે ભાર મુકવો અને તેનો વિશેષ અભ્યાસ કરવો જોઈએ.
હૃદય રોગ અને બ્લડ પ્રેશરની દવાઓ પોતાની સાથે રાખવી અને ડોક્ટરો સાથે સતત સંપર્કમાં રહેવું જોઈએ.
4500 મીટરથી ઉંચાઈએ આવેલા સ્થાનો હાઈ અલ્ટિટયૂડમાં આવે છે
ખાસ વાત એ છે કે, સમુદ્ર કિનારાથી ૬૫૬૦ ફૂટ સુધીની ઉંચાઈના વિસ્તારને લો અલ્ટિટયૂડ કહેવાય છે. ૬૫૬૦થી ૯૮૪૦ ફૂટની ઉંચાઈ સુધીના વિસ્તારને મિડિયમ અલ્ટિટયૂડ કહેવાય છે.
સમુદ્ર તટથી ૯૮૪૦ ફૂટથી ઉંચા તમામ સ્થાનોને હાઈ અલ્ટિટયૂડ કહેવામાં આવે છે. અહીંયા શારીરિક સમસ્યાઓનો અનુભવ થતો હોય છે. ભારતમાં હાઈ અલ્ટિટયૂડના ત્રણ ફેઝ રાખવામાં આવ્યા છે. અહીંયા ૯૦૦૦ ફૂટથી ઉપરના વિસ્તારોને હાઈ અલ્ટિટયૂડ કહેવાય છે. તેમાં પહેલા ફેઝમાં ૯૦૦૦થી ૧૨,૦૦૦ ફૂટ સુધીના વિસ્તારો આવે છે. બીજા ફેઝમાં ૧૨,૦૦૦થી ૧૫,૦૦૦ ફૂટ સુધીના અને ત્રીજા ફેઝમાં ૧૫,૦૦૦ ફૂટથી ઉપરના વિસ્તારો આવે છે. ચારધામની યાત્રા દરમિયાન અંદાજે ૧૫,૦૦૦ (૪૫૦૦ મીટર) ફૂટની આસપાસ ચઢાણ કરવાનું હોય છે. ચારધામ યાત્રામાં ગઢવાલ હિમાલયમાં ઉંચાઈ વધારે છે. તેથી તેને હાઈ અલ્ટિટયૂડવાળી જગ્યા કહેવાય છે. ભારતીય સેના દ્વારા પણ આ વિસ્તારોને હાઈ અલ્ટિટયૂડ કહેવામાં આવ્યા છે. યમુનોત્રીની ઉંચાઈ ૩૨૯૧ મીટર, ગંગોત્રીની ઉંચાઈ ૩૪૧૫ મીટર અને કેદારનાથની ઉંચાઈ ૩૫૫૩ મીટર, બદ્રીનાથની ઉંચાઈ ૩,૩૦૦ મીટર જેટલી છે. સરેરાશ કેદારનાથ અને ગંગોત્રી માટે અનુક્રમે ૧૧,૭૦૦ અને ૧૦,૨૦૦ ફૂટ જેટલી ઉંચાઈએ જવું પડે છે.
અહીંયા તાપમાન સખત ઠંડું હોય છે. વારંવાર તોફાની પવન આવે અને વરસાદ થતો હોય છે. હવાનું દબાણ ઓછું હોય છે. હવામાં ઓક્સિજનનું સ્તર પણ ઓછું હોય છે.


