- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કેર : કાળઝાળ ગરમી વચ્ચે કરાં પડયા, ભારતમાં હજી બે દિવસ વાતાવરણમાં પલટો રહેશે
- આવી સીધી રેખામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાવું ખરેખર દુર્લભ માનવામાં આવે છે. મોટાભાગે કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તે ગોળાકાર હોય છે. આ વખતે આ સિસ્ટમ સીધી પટ્ટી જેવા આકારમાં બની છે. તેના કારણે વધારે તોફાની પવન ફુંકાવાની, તોફાની વરસાદ થવાની, વીજળીના કડાકભડાકા થવાની શક્યતાઓ છે : હજી આગામી બે દિવસ ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને વરસાદ તથા પહાડી રાજ્યોમાં બરફવર્ષા થવાના પણ વરતારા છે. બીજી તરફ ગુજરાતના કિનારાના વિસ્તારોમાં હજી બે દિવસ વાતાવરણ તોફાની રહેવાની અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે : દિલ્હી-એનસીઆર અને તેના પડોશી ઉત્તર ભારતના રાજ્યોમાં ૨૧મી માર્ચ સુધી ૧૦૦થી ૧૫૦ મિમી વરસાદ પડવાની શક્યતાઓ છે. એકાએક ચોમાસા જેવી સ્થિતિ સર્જાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે.
ગુજરાત, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર અને અન્ય કેટલાક ઉત્તર પશ્ચિમી રાજ્યોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. બુધવાર સાંજથી વાતાવરણ પલટાયું છે. ઉત્તરભારતમાં વંટોળ સાથે છુટોછવાયો વરસાદ પડયો છે. ત્યાં ગુજરાતના કિનારાઓ ઉપર તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં કરાં સાથે તોફાની વરસાદ આવ્યો છે. હવામાન ખાતાએ જણાવ્યું કે, આગામી બે દિવસ સુધી આ તમામ વિસ્તારોમાં આવી સ્થિતિ રહેવાની છે. એક તરફ માર્ચ મહિનામાં જ ગરમીનો પારો વધીને ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો ત્યાં એકાએક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે કરાં સાથે વરસાદ પડવા લાગ્યો છે. એક તરફ લોકો એસીની ઠંડકની મજા માણતા હતા ત્યાં જ સમગ્ર વાતવરણ ઠંડુ પડી ગયું છે. ગુજરાતના અનેક જિલ્લોમાં તોફાની વરસાદે કેર વર્તાવ્યો છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત ઉપર સર્જાયેલા આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ત્રણે દેશના અનેક રાજ્યો અને વિસ્તારોને ઘમરોળ્યા છે. તેના કારણે વાતાવરણમાં વ્યાપક ફેરફાર આવી ગયો છે. અંદાજે ૧૦૦૦ કિ.મી લાબું આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વખતે તોફાની બનવાની ધારણા છે.
હાલમાં સ્થિતિ એવી છે કે, દિલ્હી-એનસીઆરમાં અને ઉત્તર ભારતમાં હવામાનમાં વ્યાપક પલટો આવ્યો છે. થોડા દિવસ પહેલાં લોકોને કુણા તડકા અને વસંતની મજા કરાવતું વાતવરણ એકાએક પલટાઈને આક્રમક થઈ ગયું છે. બીજી તરફ ગુજરાતના કિનારાના વિસ્તારોમાં હજી બે દિવસ વાતાવરણ તોફાની રહેવાની અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
જાણકારોના તમે દિલ્હી-એનસીઆર અને તેના પડોશી ઉત્તર ભારતના રાજ્યોમાં ૨૧મી માર્ચ સુધી ૧૦૦થી ૧૫૦ મિમી વરસાદ પડવાની શક્યતાઓ છે. એકાએક ચોમાસા જેવી સ્થિતિ સર્જાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ વરસાદી વાતાવરણને પગલે તાપામાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. પર્વતીય રાજ્યોમાં બરફ વર્ષા થવાની અને તોફાની વરસાદ આવવાની ચેતવણી આપવામાં આવી છે. આમ જોવા જઈએ તો માર્ચ મહિનામાં સામાન્ય રીતે ગરમીની શરૂઆત થઈ ગઈ હોવાથી પશ્ચિમી ભારત અને ઉત્તર ભારતમાં વાતાવરણ શુષ્ક હોય છે. તેમાંય રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં તો ગરમીનું પ્રમાણ અત્યંત વધવા લાગે છે. ઉત્તર ભારતમાં ૩૦ ડિગ્રીની આસપાસ તાપામાન રહેતું હોય છે. પશ્ચિમ ભારતમાં આ વખતે ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ દરમિયાન વાતાવરણ પલટાયું અને તાપમાન ૨૦ થી ૨૫ ડિગ્રીની આસપાસ આવી ગયું. આ ઉપરાંત ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડયો અને તાપમાન ખૂબ જ ઘટી ગયું.
ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન ખાતા દ્વારા અધિકારિક રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ૨૧ માર્ચ સુધી હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને તેની આસપાસ ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત ૫૦ થી ૭૦ કિ.મીની ઝડપે પવન ફુંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. બીજી તરફ દેશના પશ્ચિમ કિનારે તો ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ શરૂ થઈ જ ગયો છે.
જાણકારો માને છે કે, ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની વ્યાપક અસર પડી રહી છે. તેના કારણે અનેક દેશોના તાપમાનમાં નાટકીય ફેરફાર આવી રહ્યા છે. તેમાંય એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાન ઉપરથી પસાર થયું હતું તેણે તો અનેક વિસ્તારોમાં ક્રૂડનો વરસાદ વરસાવ્યો હતો. ક્રૂડ ઓઈલના કુવાઓ સતત સળગી રહ્યા હોવાથી તેના વાદળો બંધાયા અને કાળો વરસાદ પડયો હતો. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આગળ વધીને વધુ વિકરાળ બન્યું છે. તે હવે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત ઉપર ત્રાટક્યું છે. તેના પગલે તાપામાનમાં મોટો ફેરફાર આવ્યો છે. દિલ્હી સહિત ભારતના ઉત્તરી રાજ્યોના તાપમાનમાં મોટો અને અસાધારણ તફાવત જોવા મળ્યો હતો. દિલ્હી જેવા ઘણા શહેરોમાં તાપમાન ૩૮ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. તેના કારણે ઉનાળો આકરી રીતે શરૂ થયાનો અનુભવ થતો હતો.
બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે એકાએક ત્રાટકીને વાતાવરણ સાવ ઠંડુ કરી નાખ્યું છે. વાદળો, વરસાદ, ગાજવીજ સાથે તોફાની પવનને પગલે તાપમાનમાં સીધો જ ૧૦થી ૧૨ ડિગ્રીનો ઘટાડો થઈ ગયો છે. આ ઉપરાંત પર્વતીય રાજ્યોમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને હિમાલયની નજીક તો બરફ પડવાની ધારણા છે. હવામાન ખાતું જણાવે છે કે, ક્લાઈમેટ ચેન્જની અસરને કારણે એપ્રિલ મહિના સુધી કદાચ આવી સ્થિતિ હજુ જોવાની આવે તેમ લાગી રહ્યું છે. તાપમાનમાં થઈ રહેલા નાટકિય ફેરફારોના કારણે આ સ્થિતિ વધુ આકરી બની રહી છે.
ચિંતાજનક બાબત એ છે કે, વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેડૂતોને નુકસાન જવાની શક્યતાઓ છે. મોટાભાગના પાકની લણણી થઈ રહી છે અથવા તો થવાની તૈયારી છે તેવા પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્રણ દિવસમાં જો ગાજવીજ સાથે તોફાની વરસાદ આવ્યો તો ઘણા પાકને નુકસાન પહોંચશે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે. તેના કારણે ઘઉંના પાકને જ મોટું નુકસાન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
બીજી તરફ ગુજરાતમાં થયેલા તોફાની વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થયું છે. રાજકોટમાં યાર્ડમાં પડેલી ૧૫૦૦ ગુણ મગફળી તોફાની વરસાદમાં તણાઈ ગઈ હતી. આ સિવાય વાવ-થરાદમાં ભારે પવન અને વરસાદને પગલે તમાકુના પાકને નુકસાન તયું છે. આ સિવાય દિવેલા, ઈસબગુલ અને વરિયાળીના પાકને પણ નુકસાન પહોંચતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડશે તેમ દેખાઈ રહ્યું છે.
કાશ્મીર, હિમાચલ અને અન્ય હિમાલયના ક્ષેત્રમાં આવેલા રાજ્યોમાં પ્રવાસ કરનારા અને પ્રવાસનું આયોજન કરનારા લોકોને પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. લોકોને ૨૧ માર્ચ સુધી આ વિસ્તારોમાં ન જવા અને જેઓ ત્યાં છે તેમને સલામત રહેવા જણાવાયું છે. ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને ક્યાંક તોફાની પવનોને પગલે ભૂસ્ખલન અને વૃક્ષો પડવાથી રસ્તા બંધ થવાની શક્યતાઓ છે. તેના કારણે પણ લોકોને સુરક્ષીત રહેવાની અને બીનજરૂરી પ્રવાસ ન કરવાની ચેતવણી અપાઈ છે. આ તમામ સ્થિતિ પાછળ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જવાબદાર હોવાનું દેખાઈ રહ્યું છે.
રેન બેન્ડ : વાદળની એક વિશાળ પટ્ટી જેણે વાવાઝોડા સાથે વરસાદી તાંડવ મચાવ્યું
સામાન્ય રીતે શિયાળાના અંતમાં અને ગરમીની શરૂઆતના તબક્કામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતું હોય છે. છેલ્લાં કેટલાક સમયથી તે વધારે આકરું થઈ રહ્યું છે અને વ્યાપક નુકસાન કરી રહ્યું છે. આ વખતે ઈરાન પાર કરીને આવેલું આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલું મોટું છે કે જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી.
આ વખતે વાદળોની ૧૦૦૦ કિલોમીટર લાંબી પટ્ટી આકાશમાં છવાઈ છે જેણે ભારત ઉપરાંત અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને પણ બાનમાં લીધા છે. આવી સીધી રેખામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાવું ખરેખર દુર્લભ માનવામાં આવે છે. મોટાભાગે કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તે ગોળાકાર હોય છે. એ ચક્રાકાર ફરીને વાદળો અને પવનને ખેંચીને આગળ વધે છે. આ વખતે આ સિસ્ટમ સીધી પટ્ટી જેવા આકારમાં બની છે. તેના કારણે વધારે તોફાની પવન ફુંકાવાની, તોફાની વરસાદ થવાની, વીજળીના કડાકભડાકા થવાની અને ક્યાંક વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની પણ શક્યતાઓ છે.
જાણકારોના મતે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો આકાર સામાન્ય કરતા અલગ છે. તેમાં સીધી અને ઓછા દબાણવાળી ટ્રફ રેખાઓ છે જે સીધી રસ્તે હજારો કિલોમીટર સુધી ફેલાઈ છે. તે અફઘાનિસ્તાનથી શરૂ કરીને પાકિસ્તાનને પસાર કરીને ભારતમાં અંદર સુધી પહોંચી છે. તેમાં ચક્રાકાર ટ્રફ ન હોવાના કારણે સ્થિતિ વધારે આકરી બનાવાની એંધાણ છે. જાણકારો સ્પષ્ટ માને છે કે, આ પ્રકારની રચના મોટા પ્રમાણમાં વરસાદ લાવે છે. તે ઉપરાંત ગાજવીજ સાથે તોફાની વરસાદ પડે છે.
તે ઉપરાંત ગાજવીજ સાથે વાવાઝોડાનું પણ તાંડવ થાય તેવી શક્યતાઓ છે. તેમાંય આ સીધા ટ્રફના કારણે ભારત ઉપર જોખમ વધારે છે. તેના પશ્ચિમી કિનારાના વિસ્તારો અને ઉત્તરમાં હિમાલયના કારણે પવન રોકાવાથી ઉત્તરી રાજ્યોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નુકસાનીનું તાંડવ કરી જાય તેવી ભીતિ છે. જાણકારોના મતે ગ્લોબલ વોર્મિંગની અસરથી ઋતુચક્રમાં જે ફેરફાર આવ્યો છે તે ચિંતાજનક છે. આ ઉપરાંત હવામાન ગમે ત્યારે અને ગમે તે હદે પલટાઈ શકે છે તે પણ નોંધવામાં આવી રહ્યું છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બદલાઈને એક પટ્ટી આકારમાં ત્રાટકશે તેની કોઈ કલ્પના જ નહોતી.
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વખતે અતિશય ભેજ લઈને આવ્યું છે. તે ઉપરાંત વાતાવરણના બદલાતા મિજાજની અને તેની અનિશ્ચિતતાઓની પણ ચાડી ખાય છે.
પ્રદુષણમાં ઘટાડો નહીં થાય અને જંગલો કપાતા રહેશે તો આગામી સમયમાં સ્થિતિ આનાથી પણ વધારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે.


