- અંદાજે 74,500 કરોડનું બજેટ ધરાવતી બૃહન્મુંબઈ નગર પાલિકામાં આજે પણ ગાઝા પટ્ટી જેવી ધારાવીનો કોઈ વિકાસ નથી થયો
- આજે પણ મુંબઈની અડધી વસતી ઝુંપડીઓમાં અને ચાલીઓમાં વસે છે. આ એવી જગ્યાઓ છે જ્યાં કોઈ પાયાગત સુવિધાઓ જ નથી. આ કહેવાતા રહેણાક વિસ્તારોમાં બીએમસી દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું નથી કે પછી વીજળી અને રસ્તાની પણ યોગ્ય સેવાઓ આપવામાં આવતી નથી: માત્ર ઝુંપડામાં જ વિકાસ નથી પહોંચ્યો તેવું નથી. અહીંયા કહેવાતા મિડલક્લાસ લોકોના વિસ્તારો પણ એવા જ પડયા છે. મેટ્રો રેલ, મોનો રેલ અને અન્ય વિકાસ કામોના નામે હાલમાં પણ અડધું મુંબઈ ખોદી કઢાયેલું છે. લોકોને રસ્તા ઉપર જવા-આવવામાં ભયાનક હાલાકી પડે છે પણ કહેનાર કે જોનાર કોઈ નથી: છેલ્લાં એક દાયકામાં બીએમસીને ૩.૫૦ લાખ કરોડની આવક થઈ અને તેમાંથી ૩ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા પણ આ ખર્ચ ક્યાં થયો અને કેવી રીતે થયો તે જરાય સમજાય તેમ નથી. આજે પણ અડધું મુંબઈ ખોદાયેલું અને બાકીનું ઝુંપડામાં છે. બીએમસી પાસે હાલમાં પણ 50 હજાર કરોડ રૂપિયા વપરાયા વગર પડયા હોવાના અહેવાલ છે.
મહારાષ્ટ્રમાં ગત અઠવાડિયે જ એક મોટી ઘટના બની. લગભગ એક દાયકા બાદ મુંબઈ ખાતે મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ અને તેના પરિણામ આવ્યા. સૌથી મોટી વાત એ છે કે, બૃહન્મુંબઈ નગરપાલિકા જેવી આટલી મોટો સિવિક બોડીની એક દાયકા સુધી ચૂંટણી થાય નહીં અને તેના તરફ કોઈ નજર નાખે નહીં અથવા તો ઉદાસિનતા રાખે તે કેટલી ગંભીર બાબત છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં સત્તાની સાઠમારી વચ્ચે પ્રજાની હાલાકીને બેશરમીથી કોરાણે મુકી દેવામાં આવે અને છતાં પ્રજા પણ જાણે આળસનો કામળો ઓઢીને બેસી રહી હોય તેમ કશું જ કરે નહીં. તેનાથી પણ આગળ વિચારીએ તો તાજેતરમાં પણ જે ચૂંટણી થઈ તેમાં વિકાસના કાર્યો શું થશે, કઈ નવી યોજનાઓ આવશે, નવા નિર્માણકાર્યો શું થશે, ધારાવી જેવા વિસ્તારોને સુધારવા માટે કેવી કામગીરી કરવામાં આવશે તેની કોઈ ચર્ચા જ નથી નથી.
શિવસેનાનું જોડાણ કોની સાથે છે, ભાજપ આ વખતે કોને સાથે રાખશે અને કોને નહીં રાખે, શિંદે જૂથ કેવી રીતે કામ કરશે, અજીત પવાર જૂથ કે પછી શરદ પવાર જૂથ કેવી રીતે કામ કરશે અને જોડતોડનું રાજકારણ કેવું જામશે તેની જ ચર્ચા લોકો દ્વારા કરવામાં આવી. રાજકારણીઓએ પણ પોતે શું જોઈએ છે અને પોતે કેવી રીતે મેળવી શકશે તેના ઉપર ધ્યાન આપીને જ કામ કર્યું છે. રાજકારણથી આગળ વધીને સુશાસન અને વિકાસની વાત કોઈ કરતું નથી અને કદાચ કરશે પણ નહીં. જાણકારોના મતે દેશની અને એશિયાની સૌથી મોટી નગરપાલિકા જેનું ૭૪ હજાર કરોડ કરતા વધારેનું બજેટ છે તે પાલિકામાં વિકાસકાર્યો અંગે ઉદાસિનતા છવાયેલી છે. મુંબઈમાં છેલ્લાં એક દાયકામાં એવી અરાજકતા ફેલાયેલી છે કે તેનો કોઈ ઉકેલ નથી અને આગામી સમયમાં પણ કોઈ ઉકેલ આવે તેવું લાગતું નથી. કરોડો રૂપિયાના ટેક્સ અને અન્ય વેરા ઉઘરાવતી સરકાર જ્યારે નાગરિકોને વિકાસના નામે કંઈ આપવાનું આવે ત્યારે વડાપાવ જેવી સુવિધા આપીને ખુશ કરી દે છે.
બીએમસી પાસે કરોડો રૂપિયા છે પણ અણઘડ આયોજનો અને ભ્રષ્ટાચાર તથા અવિચારી નીતિઓને પગલે લોકોને વર્ષોથી હાલાકી જ ભોગવવી પડી રહી છે. આજે પણ મુંબઈની અડધી વસતી ઝુંપડીઓમાં અને ચાલીઓમાં વસે છે. આ એવી જગ્યાઓ છે જ્યાં કોઈ પાયાગત સુવિધાઓ જ નથી. આ કહેવાતા રહેણાક વિસ્તારોમાં બીએમસી દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું નથી કે પછી વીજળી અને રસ્તાની પણ યોગ્ય સેવાઓ આપવામાં આવતી નથી. અહીંયા ગટર લાઈનો પણ ખુલ્લી અને ઉભરાયેલી છે. અહીંયા નાળા ભરાયેલા હોય છે આ ઝુંપડીઓના બાળકો આવા જ ખુલ્લા નાળા પાસે શૌચક્રિયા માટે જાય છે. આવી જ ગંધાતી જગ્યાઓની આસપાસ તેમના માટે કામચલાઉ સ્કૂલો બનાવવામાં આવે છે. તેઓ અહીંયા જ રમતા હોય છે.
મુંબઈની સૌથી વધારે ખરાબ હાલત થાય છે ચોમાસા દરમિયાન. અહીંયા જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણી દરિયામાં ઉતરતું નથી અને બેક મારવા લાગે છે. તેના પગલે મુંબઈના પોશ વિસ્તારો હોય કે ધારાવી જેવી ચાલીઓ બધે જ પાણી ભરાવા લાગે છે. તેમાંય આ ધારાવીની ઝુંપડપટ્ટીમાં માથુ ફાડી નાખે તેવી ગંધ મારતા નાળા ઊભરાય છે. તેની આસપાસ ભેગો થયેલો ઉકરડો વરસાદી પાણીમાં તરતો તરતો સમગ્ર વિસ્તારમાં ફેલાય છે. તેના કારણે લાખો લોકો અને બાળકો જીવલેણ બીમારીઓનો ભોગ બને છે. અહીંયા કહેવાતા નેતાઓ આવે છે, આંટાફેરા કરે છે પણ તેઓ કામ કરવા માટે કે સુવિધા આપવા માટે નહીં પણ પહેલાં વોટ મેળવવા અને ત્યારબાદ નોટ મેળવવા જતા હોય છે. અહીંયા જનતાની સેવા કરવાની કોઈને પડી જ નથી. લોકોનું જે થવું હોય તે થાય પણ પાલિકા ચલાવનારા આનંદ કરતા હોય છે.
જાણકારો માને છે કે, જેમ ગાઝાપટ્ટીમાં લોકો દાયકાઓથી વિસ્થાપિત, પીડિત, ગરીબ અને કંગાળ સ્થિતિમાં રહે છે તેવી જ સ્થિતિ મુંબઈની ચાલીઓ અને ઝુંપડપટ્ટીઓમાં રહેતા લોકોની છે. દેશના અને દુનિયાના મોટાભાગના શહેરોમાં ગરીબો વસે છે, ત્યાં ગરીબી છે પણ રસ્તા ઉપર બેફામ રીતે તેનું પ્રદર્શન થતું નથી. મુંબઈ એક એવું શહેર છે જ્યાં ગરીબી, ભુખમરો, કંગાળી, લાચારી બધું જ જાહેર રસ્તા ઉપર દેખાય છે. મુંબઈના કોઈપણ વિસ્તારમાં તમે પાંચસો મીટર ચક્કર મારો તો પણ તમે રસ્તા ઉપર પંદર-વીસ ભીખારીઓ જોવા મળશે. તે ઉપરાંત નાના રસ્તાની આસપાસ ઝુંપડા બાંધેલા જોવા મળશે. બોરીવલી, કાંદિવલી, અંધેરી, ગોરેગાંવ, જે એક્સ્પ્રેસ હાઈવે સાથે જોડાયેલી છે તેમાં પણ ઠેરઠેર ઝુંપડા વિકસેલા છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી રેલવે લાઈનની આસપાસ તો આવી વસતી સદીઓથી વસે છે. તેના વિકાસ અને વિસ્તારની કોઈને પડી નથી.
માત્ર ઝુંપડામાં જ વિકાસ નથી પહોંચ્યો તેવું નથી. અહીંયા કહેવાતા મિડલક્લાસ લોકોના વિસ્તારો પણ એવા જ પડયા છે. મેટ્રો રેલ, મોનો રેલ અને અન્ય વિકાસ કામોના નામે હાલમાં પણ અડધું મુંબઈ ખોદી કઢાયેલું છે. લોકોને રસ્તા ઉપર જવા-આવવામાં ભયાનક હાલાકી પડે છે પણ કહેનાર કે જોનાર કોઈ નથી. કોરોના જેવી ભયાનક મહામારીમાં લાખો શ્રમિકો પેટ ભરવા, જીવ બચાવવા પોતાના વતન જવા માટે ચાલતા નીકળી પડયા હતા. તે સમયે આ લોકોને બચાવવા, બે ટંક ખાવાનું આપવા કે અન્ય કોઈ સુવિધા આપવા માટે બીએમસી પાસે કોઈ વ્યવસ્થા કે પ્લાન અથવા તો એમ કહીએ કે ઈચ્છાશક્તિ પણ નહોતા. લોકોની સાથે વિકાસના નામે માત્ર રમત કરાય છે. લોકોને સેવાના નામે માત્ર ઠેંગો બતાવવામાં આવે છે.
માત્ર મુંબઈ નહીં દેશના મોટાભાગના મોટા શહેરોની પાલિકાની ચૂંટણીઓ રાજકીય અખાડા બની ગઈ છે. રાજ્યમાં સત્તા ઉપર રહેલી પાર્ટીથી શરૂ કરીને વિપક્ષો અને નવા નિશાળિયા પણ પોતપોતાની રીતે ગોઠવણ કરવામાં લાગી જાય છે. દુનિયામાં નજર કરીએ તો ન્યૂયોર્ક, વોશિંગ્ટન, કેલિફોર્નિયા અને બીજા અનેક અમેરિકી શહેરો અને પશ્ચિમી દેશોના મોટા શહેરોના મેયરો એક અલગ હોદ્દા, શક્તિ અને ઈચ્છાશક્તિ સાથે કામ કરતા હોય છે. તેઓ દેશના વડાને પણ પોતાની કામગીરીમાં દખલ દેવા દેતા નથી.
જ્યારે આપણા દેશોમાં તો નાનકડા સરપંચની ચૂંટણી માટે પણ પૈસાની લેતીદેતી થતી હોય છે. ટિકિટોની ગોઠવણો થતી હોય છે. ટિકિટો માટે કરોડો રૂપિયાની બોલી લાગતી હોય છે. અંદરખાને લોબિઈંગ ચાલતા હોય છે. આ બધામાં જનતાનો વિકાસ ક્યાંથી થવાનો હતો.
મુંબઈમાં જ્યાં ગણ્યા ગાંઠયા પરિવારો અને રાજકીય નેતાઓ છે જે રાજકારણના અઠંગ આકાઓ થઈને બેઠા છે. તેઓ સત્તા લેવામાં જ માન્યા છે. તેમણે અબજોની જમીનો, કરોડોના મકાનો, લાખોની ગાડીઓમાં ફરવાનું, ફાઈવસ્ટાર હોટેલોમાં ખાવાનું, વિદેશોમાં વેકેશન કરવાનું અને આગામી પેઢીને આ બધું જ કરતા શિખવવાનું જ આયોજન કરેલું છે. તેમના માટે મુંબઈની પ્રજા માટે કે મુંબઈના વિકાસ માટે સમય જ નથી, ઈચ્છા નથી અને કોઈ આયોજન પણ નથી. મુંબઈમાં દાયકાઓથી લોકો આવા ઝુંપડામાં વસતા આવ્યા છે અને કદાચ આગામી દાયકાઓ સુધી આવી જ વસતીઓમાં રહેશે. મુંબઈનો મધ્યમવર્ગ પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં, ઘરના ભાડા ભરવામાં અને કદાચ એમ કહીએ કે જે આવક છે તેમાં જીવતા રહેવામાં જ જિંદગી પસાર કરી નાખે છે. જેની પાસે કરોડો રૂપિયા છે તેને બાકીની બાબતોમાં રસ નથી. તેના કારણે જ મુંબઈની અડધા ઉપરની વસતી આજે પણ ઝુંપડા અને ચાલીઓમાં ખદબદે છે. તેમનો વિકાસ કોઈએ કર્યો નથી અને કોઈ કરવાનું નથી. તેમની જિંદગી બડે બડે વાદે, વડાપાઉ ખાતેની જેમ પસાર થઈ છે અને પસાર થશે.
ગોવા, સિક્કિમ અને ત્રિપુરાના કુલ બજેટ કરતાં બીએમસીનું બજેટ વધારે
બીએમસીના કદની વાત કરીએ તો તેની આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત છે. તેની પાસે કરોડો રૂપિયાનું ભંડોળ છે અને કહેવાય છે કે, તેને ખાઈ જવા માટે ખમતીધર લોકો પણ છે. ગત વર્ષના જ બજેટની વાત કરીએ તો ૨૦૨૫-૨૬ના નાણાકિય વર્ષ માટે બીએમસી દ્વારા ૭૪,૪૨૭ કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરાયું હતું. તેની આગળના વર્ષ કરતા ૧૪ ટકા વધારે બજેટ હતું. બીએમસીનું આ બજેટ કંઈ નાનું સુનુ નથી. તેનો આંકડો એટલો મોટો છે કે, દેશની ટોચની ૧૦ પાલિકાઓ છે તેમાંથી અડધી પાલિકાઓનું ભેગું બજેટ આવે ત્યારે બીએમસી જેટલું થાય છે. અન્ય પાલિકાઓની વાત જવા દઈ તો પણ મહારાષ્ટ્રની બાજુમાં આવેલા ગોવાનું કુલ બજેટ બીએમસીના બજેટ કરતા અડધું છે. એક રાજ્યનું બજેટ તેના પાડોશી રાજ્યની પાલિકાના બજેટ કરતા અડધું છે. જાણકારોના મતે ગોવા, સિક્કિમ અને ત્રિપુરાનું કુલ બજેટ ભેગું કરીએ તો તેના કરતા પણ ૮-૯ હજાર કરોડ રૂપિયા વધારે બીએમસીનું બજેટ આવે છે. ગોવાનું ૨૦૨૫-૨૬ માટેનું કુલ બજેટ ૨૮,૧૬૨ કરોડ રૂપિયા છે. તેવી જ રીતે અરુણાચલ પ્રદેશનું ૩૯,૮૪૨ કરોડ રૂપિયા છે. હિમાચલ પ્રદેશનું બજેટ ૫૮,૫૧૪ કરોડ રૂપિયા છે. સિક્કિમનું બજેટ તો ૧૬,૧૯૬ કરોડ રૂપિયા છે. તેવી જ રીતે ત્રિપુરાનું ૩૧,૪૧૨ કરોડ રૂપિયાનું બજેટ છે. આ તમામ રાજ્યોના બજેટ કરતા બીએમસીનું એકલાનું બજેટ અનેક ગણું વધારે છે. બજેટની બાબતમાં દેશની ટોચની ૧૦ પાલિકાઓ જોઈએ તો પહેલા ક્રમે આવતી બીએમસી અને બીજા ક્રમે આવતી બેંગ્લુરુની બીબીએપીના બજેટમાં પણ અંદાજે ૫૪,૦૦૦ કરોડ રૂપિયાનો તફાવત આવે છે. બેંગ્લુરુની પાલિકાનું બજેટ અંદાજે ૨૦,૦૦૦ કરોડ છે. ત્યારબાદ દિલ્હી, અમદાવાદ, પૂણે, હૈદરાબાદની જીએચએમસી, સુરત પાલિકા વગેરેના બજેટ ૧૬ હજાર કરોડછી ૧૦ હજાર કરોડની વચ્ચે આવે છે. સૂત્રોના મતે બીએમસીને છેલ્લાં એક દાયકામાં ૩.૫૦ લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે. તેની સામે ૩ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં તેની પાસે ૫૦ હજાર કરોડ રૂપિયાની રકમ વપરાયા વગર પડી છે.


