- વિશ્વમાં જ્યારે પણ જાહેર સાહસોનું ખાનગીકરણ થયું છે ત્યારે નફાખોરીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા જ છે, ભરતે વિચાર કરવો જોઈએ
- સરકાર માને છે કે, સૌથી પહેલાં તો પ્રાઈવેટ કંપનીઓના આવવાથી ન્યૂક્લિયર એનર્જી સેક્ટરમાં મોટાપાયે રોજગારીનું સર્જન થશે. બીજી બાબત એવી છે કે, કાર્બન ઉત્સર્જન કરનારા ઊર્જાના બીજા સ્રોત ઉપરથી ભારતની નિર્ભરતા ઓછી થશે : ભારત પાસે હાલમાં 24 ન્યૂક્લિયર રિએક્ટર છે. દેશમાં હાલમાં આ તમામ પાવર પ્લાન્ટ દ્વારા 8.8 ગીગાવોટ ન્યૂક્લિયર એનર્જી ઉત્પન્ન કરવામાં આવે છે. સરકાર દ્વારા 2032 સુધીમાં 22 ગીગાવોટ અને 2047 સુધીમાં 100 ગીગાવોટ સુધીનું પ્રોડક્શન કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે : રશિયાના ચેર્ર્નોબિલની ઘટના કે પછી જાપાનના ફુકુશિમા પ્લાન્ટની દુર્ઘટના જેવા કિસ્સામાં જો ખાનગી કંપનીઓ યોગ્ય પગલાં ન લઈ શકે તો મોટા જાનહાની થવાની અને રાષ્ટ્રીય સુરક્ષા જોખમાવાની સ્થિતિ આવી શકે છે
રાજ્યસભામાં તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એક બિલ પસાર કરવામાં આવ્યું જેની ચર્ચા ચારેકોર ચાલી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં ન્યૂક્લિયર એનર્જીના સેક્ટરમાં પ્રાઈવેટ પ્લેયર્સની એન્ટ્રી કરવાનો માર્ગ મોકળો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં સસ્ટેઈનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યૂક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા(શાંતિ) બિલ ૨૦૨૫ પસાર કરવામાં આવ્યું હતું. લોકસભામાં જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ દ્વારા ન્યૂક્લિયર ડેમેજના કિસ્સામાં સિવિલ લાયેબિલિટી અને વૈધાનિક દરજ્જા માટે વ્યવહારિક કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.
સૌથી પહેલાં તો સમજવાની વાત એ છે કે, એટોમિક એનર્જી એક્ટ ૧૯૬૨ અને સિવિલ લાયેબિલિટી પોર ન્યૂક્લિયર ડેમેજ એક્ટ ૨૦૧૦ જેવા ન્યૂક્લિયર એનર્જીના જૂના કાયદાઓને બદલવા માટે નવો કાયદો બનાવાયો છે. તેના દ્વારા પ્રાઈવેટ કંપનીઓ ન્યૂક્લિયર સેક્ટરમાં પ્રવેશ કરશે અને જોઈન્ટ વેન્ચરમાં પણ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પણ બનાવી શકશે. અત્યાર સુધી એટોમિક એનજી એક્ટ ૧૯૬૨ હેઠળ ન્યૂક્લિયર પાવરના તમામ હક અને અધિકારો ભારત સરકાર પાસે છે. યુરેનિયમ એનરિચમેન્ટ, સ્પેન્ટ ફ્યૂઅલ મેનેજમેન્ટ, રીપ્રોસેસિંગ અને હેવી વોડર પ્રોડક્શન જેવી તમામ કામગીરીઓ નવા કાયદાના અમલીકરણ છતાં ભારત સરકાર અને તેના હેઠળની સરકારી કંપનીઓ કે એજન્સીઓ પાસે જ રહેશે. નવા બિલ દ્વારા જે એટોમિક એનજી રેગ્યુલેટરી બોર્ડની સ્થાપના કરવામાં આવી છે તે પણ મહત્ત્વની છે. આ બોર્ડ દ્વારા સેફ્ટી સ્ટાન્ડર્ડની ખરાઈ કરાશે, સમયાંતરે ઈન્સ્પેક્શન કરવામાં આવશે અને રેડિયેશનની લિમિટ નક્કી કરવામાં આવશે તથા ખાનગી કંપનીઓ યોગ્ય માપદંડો અને નિયમો હેઠળ કામ કરે છે કે નહીં તે જોવાનું કામ પણ કરાશે.
મહત્ત્વની વાત એ છે કે, જે કંપનીઓ લોકહિતથી વિરુદ્ધ કામ કરતી હશે, સુરક્ષાના નિયમો અને માપદંડોનું પાલન નહીં કરતી હોય તે તમામ સામે આ જ બોર્ડ દ્વારા દંડાત્મક પગલાં લેવામાં આવશે. બોર્ડ આવી કંપનીઓના લાઈસન્સ કેન્સલ કરી શકશે અને તેમને આકરો દંડ પણ ફટકારી શકશે. બોર્ડ દ્વારા કંપનીઓને નાની ભુલથી માંડીને કોઈ મોટી ભુલ કે સુરક્ષા ચુક થઈ હશે તો પાંચ લાખથી શરૂ કરીને એક કરોડ રૂપિયા સુધીનો દંડ કરવાની સત્તા આપવામાં આવી છે. આ ઉપરાંત સરકાર દ્વારા ન્યૂક્લિયર ડેમેજ ક્લેઈમ્સ કમિશનની પણ સ્થાપના કરવાનું સુચન કરાયું છે. આ કમિશન દ્વારા અકસ્માત કે અન્ય વિપરિત સ્થિતિમાં વળતર ચુકવવા મુદ્દે નિર્ણય લેવામાં આવશે.
ખાસ વાત એવી છે કે, સરકારનું માનવું છે કે, ન્યૂક્લિયર એનર્જી સેક્ટરમાં પ્રાઈવેટ પ્લેયર્સની એન્ટ્રી કરવાથી સમગ્ર સ્થિતિ બદલાઈ જશે. સરકાર માને છે કે, સૌથી પહેલાં તો પ્રાઈવેટ કંપનીઓના આવવાથી ન્યૂક્લિયર એનર્જી સેક્ટરમાં મોટાપાયે રોજગારીનું સર્જન થશે. બીજી બાબત એવી છે કે, એનર્જી સેક્ટરમાં ભારતને જે ક્લિન એનર્જી ની ખોટ સાલી રહી છે તે મોટાપાયે પ્રાઈવેટ પ્લેયર્સ દ્વારા ભરપાઈ થશે તેમ લાગી રહ્યું છે. કાર્બન ઉત્સર્જન કરનારા ઊર્જાના બીજા સ્રોત ઉપરથી ભારતની નિર્ભરતા ઓછી થશે. ભારત ન્યૂક્લિયર એનર્જી અને એનર્જી સેક્ટરમાં વધારે આત્મનિર્ભર બનશે.
સિવિલ લાયેબિલિટી ફોર ન્યૂક્લિયર ડેમેજ એક્ટ ૨૦૧૦ હેઠળ ન્યૂક્લિયર પ્લાન્ટ ઓપરેટર કેટલાક કિસ્સામાં સપ્લાયરની સામે કાયદેસરના પગલાં લઈ શકશે. જો સપ્લાયર સાથે લેખિતમાં કરાર કરવામાં આવ્યો હશે તો ચોક્કસ પગલાં લઈ શકાશે. અયોગ્ય મટિરિયલનો સપ્લાય કરવામાં આવ્યો હશે અને એક્ટિડન્ટ થશે તો પગલાં લઈ શકાશે. જાણીજોઈને કોઈ ભુલ કરવામાં આવી હશે અને તેના દ્વારા કોઈ અકસ્માત સર્જાશે તો પણ ગંભીર પગલાં લેવામાં આવશે. સરકાર દ્વારા ન્યૂક્લિયર ડેમેજ એક્ટ ૨૦૧૦ના કાયદામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે જેના કારણે ન્યૂક્લિયર સેક્ટરમાં ખાનગી કંપનીઓ દ્વારા મોટાપાયે રોકાણ કરવામાં આવે.
જાણકારો માને છે કે, ઓપરેટર અને સપ્લાયર વચ્ચે નિયમોના આધારે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા હશે તો જ જવાબદારી નક્કી કરીને પગલાં લેઈ શકાશે. મહત્ત્વની વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય ગુણવત્તા માપદંડોને આધિન રહીને ૩૦૦ મિલિયન સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ હેઠળ મહત્ત્મ જવાબદારી નક્કી કરવામાં આવશે. એસડીઆરની વેલ્યુ ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા નક્કી કરવામાં આવેલી છે.
એસડીઆરના બાસ્કેટમાં અમેરિકી ડોલર, યુરો, પાઉન્ડ અને જાપાની યેનનો સમાવેશ થાય છે. એક્સ્ચેન્જ રેટ પ્રમાણે ૩૦૦૦થી ૩૫૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ થાય છે.
ખાસ વાત એ છે કે, જો લાયેબિલિટી વધી જશે તો શાંતિ બિલની વાત કરીએ તો ઓપરેટર્સે ઈન્સ્યોરન્સ અથવા તો લાયેબિલિટી ફંડ અંદાજે ૧૧ મિલિયન ડોલર (૯૯ કરોડ રૂપિયા) થી ૩૩૦ મિલિયન ડોલર (૨૯૭૯ કરોડ રૂપિયા) જેટલું ફંડ રાખવું પડશે. આ ફંડ તેના રિએક્ટરના કદના આધારે નક્કી કરવામાં આવશે.
મહત્ત્વનું એ છે કે, તાતા પાવર, અદાણી પાવર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા મોટા પ્રાઈવેટ પ્લેયર સહિત ઘણી કંપનીઓ દ્વારા આ સેક્ટરમાં રસ દાખવવામાં આવ્યો છે. આ ઉપરાંત વેસ્ટિંગહાઉસ, જીઈ-હિટાચી અને ફ્રાન્સની ઈડીએફ તથા રશિયાની રોસેટમ દ્વારા ભારતીય કંપનીઓ સાથે ન્યૂક્લિયર સેક્ટરમાં જોડાણ અને રોકાણ કરવાની તૈયારી બતાવવામાં આવી છે.
સમજવા જેવી વાત એ છે કે, ન્યૂક્લિયર સેક્ટરમાં ખાનગી કંપનીઓની એન્ટ્રી માટે જે ચર્ચા ચાલી છે તે ખૂબ જ મોટું પરિવર્તન લાવી શકે છે. પાવર સેક્ટરમાં જે સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યા છે અને તેમાંય સ્વચ્છ ઊર્જાની જે ડિમાન્ડ અને સપ્લાય વધારવાની તૈયારીઓ ચાલી રહી છે તેમાં આ પગલાંથી મોટાપાયે રોકાણ આવી શકે તેમ છે. તેનાથી આ સેક્ટરમાં કામગીરીમાં ઝડપ આવશે.
ભારત પાસે હાલમાં ૨૪ ન્યૂક્લિયર રિએક્ટર છે. આ તમામ રિએક્ટર સરકાર દ્વારા સંભાળવામાં આવે છે.
ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનપીસીઆઈએલ) દ્વારા તેની તમામ જવાબદારી નક્કી કરવામાં આવી છે.
દેશમાં હાલમાં આ તમામ પાવર પ્લાન્ટ દ્વારા ૮.૮ ગીગાવોટ ન્યૂક્લિયર એનર્જી ઉત્પન્ન કરવામાં આવે છે. સરકાર દ્વારા ૨૦૩૨ સુધીમાં ૨૨ ગીગાવોટ અને ૨૦૪૭ સુધીમાં ૧૦૦ ગીગાવોટ સુધીનું પ્રોડક્શન કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
સમજવા જેવી બાબત એ છે કે, ૨૦૧૦માં તત્કાલિન કેન્દ્ર સરકાર દ્વારા પરમાણુ સેક્ટરમાં કોઈપણ ખામી આવે કે એક્સિડન્ટ થાય ત્યારે જવાબદારી સપ્લાયરની બને તેવી વાત કરવામાં આવી હતી. તે સમયે ભાજપ દ્વારા તેનો સખત વિરોધ કરાયો છતાં કોંગ્રેસ સરકારે આ મુદ્દે બિલમાં રાખ્યો હતો. તેના હેઠળ ભારતીય અદાલતોમાં પણ વિદેશી કંપનીઓ વિરુદ્ધ ખટલો ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
તે સમયે ફ્રાન્સ અને અમેરિકાની કંપનીઓ દ્વારા વિરોધ નોંધાવીને આ કામગીરીમાંથી હાથ પાછા ખેંચી લેવાયા હતા. હાલની સ્થિતિમાં ન્યૂક્લિયર સેન્ટર ઓપરેટર ઉપર મેગાવોટની ક્ષમતા પ્રમાણે દંડની રકમ નક્કી કરવાનો નિયમ છે. તેના હિસાબે ૧૫૦ મેગાવોટ ઉપર ૧૦૦ કરોડ અને ૧૫૦૦ મેગાવોટ ઉપર ૧૫૦૦ કરોડ તથા ૩૬૦૦ માગવોટ ઉપર ૩૬૦૦ કરોડની રકમનો દંડ નક્કી કરવામાં આવ્યો હતો. વિદેશી કંપનીઓ દ્વારા આ કાયદામાં મોટાપાયે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને તેમાં સુધારો કરવાની માગ કરવામાં આવી હતી.
ફાયદા થશે ત્યારે થશે પણ નુકસાન અંગે પહેલાં વિચાર કરવો જોઈએ
દુનિયાભરમાં નજર કરીએ તો અમેરિકા, યુરોપ, જાપાન જેવા દેશોમાં ઘણા સમય પહેલાંથી ખાનગી કંપનીઓને ન્યૂક્લિયર સેક્ટરમાં અવસર આપવામાં આવ્યો હતો. આ કંપનીઓ દ્વારા સ્મોલ મોડયુલર રિએક્ટર જેવા વિકલ્પોમાં રોકાણ અને કામ કરવામાં આવ્યું હતું. મોટો ફાયદો એ છે કે, ખાનગી કંપનીઓના આવવાથી આ સેક્ટરમાં મોટાપાયે મૂડી રોકાણ થાય છે. રોકાણ વધારે આવે તેનાથી સ્મોલ મોડયુલર રિએક્ટર સહિત ઘણા સેક્ટરમાં નવી ટેક્નોલોજી ઉપર કામ કરી શકાય તેમ છે. તેનો બીજો મોટો ફાયદો એ છે કે, યોજનાઓના સર્જનની સમય મર્યાદા ઘટી શકે છે જેનાથી ઊર્જા ઉત્પાદન ઝડપી શરૂ થઈ શકે છે. જાણકારો માને છે કે, ન્યૂક્લિયર એનર્જીમાં વધારો થશે તો કાર્બન સ્રોત દ્વારા થતી ઊર્જાનું ભારણ ઘટશે. તેના કારણે જૈવ ઈંધણ ઉપરની નિર્ભરતા ઘટશે અને પ્રદુષણમાં પણ મોટાપાયે ઘટાડો થશે. તેના પગલે જલવાયુ પ્રદુષણના લક્ષ્યાંકોને પણ સારી રીતે પ્રાપ્ત કરી શકાશે. ખાસ કરીને ઠંડીના સમયમાં અને ઋતુઓના ફેરફાર સમયે સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ થતો હોય તો પ્રદુષણ કાબુમાં રહે છે. ફાયદા તો ઠીક છે પણ યોજનાના નુકસાન અંગે ખાસ વિચાર કરવો જોઈએ. જાણકારો માને છે કે, આ સેક્ટરમાં ખાનગી કંપનીઓ ઘુસે પછી જો તેઓ નફાખોરીના વલણને અપનાવી લેશે તો સુરક્ષાના માપદંડો સાથે મોટાપાયે ચેડાં થઈ શકે તેમ છે. રેડિયોએક્ટિવ કચરાથી માંડીને પર્યાવરણના નિયમોના ભંગના પણ જોખમો ઊભા થઈ શકે છે. આ સમયે જો જોખમોની નિવારવાની તૈયારીઓ નહીં હોય અને યોગ્ય વ્યવસ્થા નહીં હોય તો મોટાપાયે નુકસાન થઈ શકે તેમ છે. આ સંજોગોમાં અકસ્માત રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે ત્યાં સુધી પહોંચી શકે છે. ૧૯૮૪માં ભોપાલમાં જે ગેસ દુર્ઘટના થઈ હતી તે આવી જ ઉતાવળનું પરિણામ હતું અને વૈશ્વિક સ્તરે વાત કરીએ તો રશિયાના ચેર્ર્નોબિલની ઘટના કે પછી જાપાનના ફુકુશિમા પ્લાન્ટની દુર્ઘટના જેવા કિસ્સામાં જો ખાનગી કંપનીઓ યોગ્ય પગલાં ન લઈ શકે તો મોટા જાનહાની થવાની અને રાષ્ટ્રીય સુરક્ષા જોખમાવાની સ્થિતિ આવી શકે છે.


