Get The App

ન્યૂક્લિયર ડસ્ટને પગલે ઈરાન-અમેરિકા વાતચીત અટકી ગઈ છે !

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
ન્યૂક્લિયર ડસ્ટને પગલે ઈરાન-અમેરિકા વાતચીત અટકી ગઈ છે ! 1 - image

અમેરિકા અને ઈરાન વચ્ચે બીજી બેઠકમાં ઉકેલ નહીં આવે તો બંને દેશો વચ્ચે ફરી યુદ્ધ વકરશે તેવી ભીતિ

- ટ્રમ્પનો દાવો છે કે, યુરેનિયમ એનરિચમેન્ટ બંધ કરી દેવામાં આવે અને ન્યૂક્લિયર ડસ્ટ તેમને સોંપી દેવામાં આવે. અમેરિકા દ્વારા ઈરાનને તમામ ન્યૂક્લિયર સાઈટ ઉપરથી ન્યૂક્લિયર ડસ્ટ કાઢવા અને અને સુરક્ષિત રીતે લઈ જવા માટે મદદ પૂરી પાડવામાં આવશે. ઈરાન હજી સુધી તેના માટે રાજી થયું નથી ઃ જાણકારો માને છે કે, ટેકનિકલી તેનો અર્થ એવો થાય છે કે, ઈરાન દ્વારા નાગરિક ઉપયોગ કરતા વધારે માત્રામાં ન્યૂક્લિયર એનરિચમેન્ટ કરવામાં આવેલું છે. જૂન ૨૦૨૫માં ઈઝરાયેલ અને અમરિકા દ્વારા ઈરાન ઉપર જે હુમલો કરાયો તેની પહેલા ઈરાન પાસે ૬૦ ટકા સુધી એનરીચ થયેલું ૪૦૦ કિલો યુરેનિયમ હતું જ્યારે ૨૦ ટકા એનરિચ થયેલું ૨૦૦ કિલો યુરેનિયમ હતું ઃ ઈરાનના યુરેનિયમ એનરિચમેન્ટ પ્રોગ્રામ ઉપર ૨૦ વર્ષ સુધી પ્રતિબંધ મુકવામાં આવે. બીજી તરફ ઈરાન ઈચ્છે છે કે, પ્રતિબંધ મુકવો હોય તો મુકો પણ તે પાંચ વર્ષ સુધી જ હોવો જોઈએ. આ સિવાય ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામના જે કેન્દ્રો તૂટી ગયા છે તેનો તમામ કાટમાળ ઈરાનની બહાર મોકલવામાં આવે

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને અટકાવવા માટે શાંતિ મંત્રણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પાકિસ્તાન ખાતે યોજાયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ હતી. આ વાતચીત દરમિયાન ન્યૂક્લિયર ડસ્ટ અંગે અમેરિકાએ ઘણા સવાલો કર્યા હતા અને તેના માટે હાલમાં પણ અમેરિકા આકરાપાણીએ છે. અમેરિકી પ્રમુખ દ્વારા એનરિચ્ડ યુરેનિયમ ભંગાર અંગે સતત દાવા કરવામાં આવી રહ્યા છે અને તેઓ આ યુરેનિયમ કબજો કરવા માગે છે. અમેરિકા દ્વારા ઈરાનના આ જ ન્યૂક્લિયર કાર્યક્રમ સામે વાંધો ઉઠાવીને તેને અટકાવવા યુદ્ધ શરૂ કરવામાં આવ્યું હતું. 

અમેરિકા ઈચ્છે છે કે, જો ઈરાન દ્વારા ન્યૂક્લિયર ડસ્ટ તેને આપી દેવામાં આવે તો તરત જ સમજૂતી થઈ જશે અને યુદ્ધ કાયમી રીતે અટકી જશે.

આ એવો કોઈ ટિપિકલ શબ્દ નથી. અમેરિકા દ્વારા ઈરાનના યુરેનિયમ ભંડાર વિશે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હકિકત એવી છે કે, અમેરિકા ઈચ્છે છે કે, ઈરાન દ્વારા યુરેનિયમ એનરિચમેન્ટનો કે પ્રયોગ છે તે સદંતર બંધ કરી દેવામાં આવે. ઈરાને તેના માટે ઈનકાર કર્યો છે. ભૂતકાળમાં પણ ઈરાને આ જ રીતે અમેરિકાની ડિમાન્ડ ફગાવેલી હતી. ત્યારબાદ ટ્રમ્પે આકરા થઈને ઈરાન ઉપર હુમલા કરાવ્યા હતા. હાલમાં પણ તેણે ઈરાનના સંભવિત પરમાણુ સ્થાનો ઉપર હુમલા કરાવ્યા છે. 

ટ્રમ્પનો દાવો છે કે, યુરેનિયમ એનરિચમેન્ટ બંધ કરી દેવામાં આવે અને ન્યૂક્લિયર ડસ્ટ તેમને સોંપી દેવામાં આવે. અમેરિકા દ્વારા ઈરાનને તમામ ન્યૂક્લિયર સાઈટ ઉપરથી ન્યૂક્લિયર ડસ્ટ કાઢવા અને અને સુરક્ષિત રીતે લઈ જવા માટે મદદ પૂરી પાડવામાં આવશે. ઈરાન હજી સુધી તેના માટે રાજી થયું નથી. જાણકારો માને છે કે, ટેકનિકલી તેનો અર્થ એવો થાય છે કે, ઈરાન દ્વારા નાગરિક ઉપયોગ કરતા વધારે માત્રામાં ન્યૂક્લિયર એનરિચમેન્ટ કરવામાં આવેલું છે. જૂન ૨૦૨૫માં ઈઝરાયેલ અને અમરિકા દ્વારા ઈરાન ઉપર જે હુમલો કરાયો તેની પહેલા ઈરાન પાસે ૬૦ ટકા સુધી એનરીચ થયેલું ૪૦૦ કિલો યુરેનિયમ હતું જ્યારે ૨૦ ટકા એનરિચ થયેલું ૨૦૦ કિલો યુરેનિયમ હતું. હવે જો આ ન્યૂક્લિયરને ૯૦ ટકા સુધી એનરિચ કરવામાં આવે તો તે હથિયાર બનાવવા માટે સક્ષમ થઈ જાય તેમ છે. અમેરિકાને ચિંતા છે કે, ઈરાન દ્વારા પરમાણુ હથિયાર બનાવી લેવાયા છે અથવા તો તે બનાવવા માટે આ ન્યૂક્લિયરના જથ્થાનો ઉપયોગ કરવામાં આવશે. 

જાણકારો માને છે કે, ઈરાનનો મોટાભાગનો યૂરેનિયમનો જથ્થો પહાડી વિસ્તારોમાં અને તેના કાટમાળ નીચે દબાયેલો છે. ગત વર્ષે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા જે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા તેમાં ઈરાનનું ન્યૂક્લિયર પ્રોગ્રામનું માળખું ઘણાખરા અંશે તૂટી પડયું હોવાનો દાવો કરાયો હતો. અમેરિકાનું કહેવું છે કે તેણે સમગ્ર સાઈટ જ નષ્ટ કરી દીધી હતી અને હવે કાટમાળ નીચે દબાયેલો છે. 

ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીએ પણ દાવો કર્યો હતો કે, ઈરાન દ્વારા જે ત્રણ સ્થળે એટોમિક સામગ્રી રાખવામાં આવી હતી તેમાંથી બે સાઈટ ઉપર અમેરિકાએ હુમલો કર્યો હતો. ઈસ્ફહાન અને નતાન્ઝના ન્યૂક્લિયર ભંડાર ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. 

અહેવાલો એવું પણ જણાવે છે કે, ઈરાન પાસે યૂરેનિયમ એનરિચમેન્ટ માટે સેન્ટ્રીફ્યૂઝ છે અને તેની પાસે વધુ એક અંડરગ્રાઉન્ડ એનરિચમેન્ટ સેન્ટર બનાવવાની ક્ષમતા પણ છે.

જાણકારોના મતે યૂરેનિયમ એનરિચ્ડ થઈ જાય ત્યારબાદ તેને ધાતૂ સ્વરૂપે કે પછી ઓક્સાઈડ પાઉડર સ્વરૂપે અથવા તો યુએફ૬ ગેસ સ્વરૂપે સાચવવામાં આવે છે. એનરિચમેન્ટ પછી તેને નક્કર ઓક્સાઈડ અથવા તો સીલ કરેલા કન્ટેનરોમાં સ્ટોર કરવામાં આવી છે. તેને સીલબંધ કેમ્પસમાં આઈએઈએ જેવી સંસ્થાઓની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. તેમાં સુરક્ષાનું સ્તર ખૂબ જ મોટું રાખવામાં આવે છે. તેના લિકેજ થવાથી મોટી જાનહાની થઈ શકતી હોવાથી તેનું સવિશેષ ધ્યાન રાખવામાં આવે છે. 

યૂરેનિયમ ડસ્ટ અને યૂરેનિયમ કેક તેના અલગ અલગ નક્કર સ્વરૂપો છે. બીજી તરફ યૂરેનિયમ ગેસ એક પ્રોસેસિંગ સ્વરૂપ છે. એનરિચમેન્ટ થયેલું યુરેનિયમ તેની રાસાયણિક અને આઈસોટોપિક સ્થિતિમાં હોય છે. તે યુરેનિયમના ચાર અલગ અલગ સ્વરૂપમાં હોય છે. ઉલ્લેખનીય છે કે, યુરેનિયમ ડસ્ટ ખૂબ જ બારિક કણો જેવા સ્વરૂપમાં એટલે કે પાઉડર અથવા તો ધૂળ જેવા સ્વરૂપમાં હોય છે. તેને સામાન્ય ભાષામાં યુરેનિયમ પાઉડર જ કહેવાય છે. ટેકનિકલી જોવા જઈએ તો તે અત્યંત નક્કર નાના કણો હોય છે જેને માટી માનવામાં આવે છે.

 યૂરેનિયમ અયસ્કને પ્રોસેસ કર્યા બાદ જે કંસ્ટ્રેટ પાઉડર મળે છે તેને યૂરેનિયમ કેક કહેવામાં આવે છે. તેનો રંગ મોટાભાગે પીળો-ભૂરો હોય છે. તેને આ કારણે યલોકેક પણ કહેવામાં આવે છે. યૂરેનિયમ ગેસ સામાન્ય રીતે યૂરેનિયમ હેક્સાફ્લોરાઈડ તરીકે પણ ઓળખાય છે. એનરિચમેન્ટ પ્રોસેસમાં તેનો ગેસ તરીકે જ ઉપયોગ થતો હોય છે. જે યુરેનિયમમાં યુ-૨૩૫નું પ્રમાણ વધી ગયું હોય તેને જ એનરિચમેન્ટ થયેલું યુરેનિયમ કહેવાય છે.

સમજવા જેવી વાત એ છે કે, અમેરિકા માને છે કે, ઈરાન પાસે એનરિચમેન્ટ થયેલું યુરેનિયમ હોવું તે સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મોટું જોખમ છે. અમેરિકાનો દાવો છે કે, ઈરાન પાસે ભલે હાલમાં પરમાણુ હથિયાર નથી પણ તેની પાસે યુરેનિયમનો જે જથ્થો રહેલો છે તેના દ્વારા તે સરળતાથી પરમાણુ હથિયાર બનાવી શકે છે. અમેરિકા આકરાપાણીએ થયું છે અને કોઈપણ રીતે ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા દેવા તૈયાર નથી. અમેરિકાનો એવો પણ દાવો છે કે, ઈસ્લામાબાદ ખાતે વાતચીત દરમિયાન સ્વીકાર્યું હતું કે તે હવે પરમાણુ હથિયાર નહીં બનાવે પણ તેની પાસે જે જથ્થો રહેલો છે તે હથિયાર બનાવવા તો પૂરતો જ છે. તેની પાસે જે માળખું અને જથ્થો છે તેના થકી તે ગમે ત્યારે હથિયાર બનાવી જ શકે છે.

બીજી તરફ ઈરાન માટે તો આ યુરેનિયમ એનરિચમેન્ટ અથવા તો તેના મુદ્દે થતી વાતચીતનો કોઈ અર્થ જ નથી. ઈરાન સતત દાવો કરે છે કે, તે યૂરેનિયમનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે અને શાંતિપૂર્ણ રીતે કરી રહ્યું છે. પોતાની જરૂરિયાત માટે યુરેનિયમ એનરિચમેન્ટ કરવા માટે થઈને બીજો દેશ ઈરાનને અટકાવી શકે નહીં. જાણકારોના મતે યુરેનિયમ એનરિચમેન્ટ સંપૂર્ણ બંધ કરવા માટે ઈરાન રાજી થાય તેમ નથી અને એવો કોઈ વિકલ્પ પણ નથી. બીજી તરફ અમેરિકા તેના ઉપર સંપૂર્ણ પ્રતિબંધની માગ કરે છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે, એનરિચમેન્ટ કામગીરી ચાલુ રાખવા અંગે પણ ઘણી સમસ્યાઓ થશે અને કદાચ આ વાર્તાલાપ ફરી કરવાની નોબત આવશે.

ખાસ વાત એ છે કે, એવું માનવામાં આવી રહ્યું છે કે, નતાંજ અને ઈસ્ફહાન પરમાણુ કેન્દ્રો ઉપર જે હુમલા કરવામાં આવ્યા તેમાં બધું જ બરબાદ થઈ ગયું છે. આ બંને સાઈટ ઉપર જે કાટમાળ પડયો છે તેમાં યુરેનિયમ પણ દબાયેલું છે. અમેરિકા ઈચ્છે છે કે, તેની મદદથી આ તમામ કાટમાળ ઉપાડીને સુરક્ષિત રીતે અમેરિકા જ લઈ જવામાં આવે. ઈરાન તેમાં સહયોગ આપે. ઈરાન આ વાત માટે હજી સહમત થયું નથી. તે કહે છે કે, વીજળી ઉત્પન્ન કરવા માટે તેને ન્યૂક્લિયર ડસ્ટની જરૂર છે. તે અમેરિકાને કશું જ આપવા તૈયાર નથી

- સમય મર્યાદામાં બંને વચ્ચે સહમતી સધાવાની શક્યતાઓ ઓછી : જાણકારો 

અમેરિકા અને ઈરાન વચ્ચે ૧૪ દિવસ માટે યુદ્ધ વિરામ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ઈરાન અને અમેરિકા વચ્ચે વિવિધ મુદ્દે વાટાઘાટો કરીને યુદ્ધનો કાયમી અંત લાવવાનો પ્રયાસ કરાયો હતો. પહેલી વખતના વાટાઘાટો નિષ્ફળ ગઈ છે. બીજી વખત વાતચીત માટે બેઠક કરવાની તૈયારીઓ ચાલી રહી છે પણ હાલમાં તેના કોઈ અણસાર દેખાતા નથી. આ સિવાય બંને વચ્ચે કેટલાક મુદ્દે હજી પણ અસહમતી છે અને તેનો કોઈ ઉકેલ આવે તેમ જણાતું નથી. સૌથી પહેલું તો અમેરિકા ઈચ્છે છે કે, ઈરાનના યુરેનિયમ એનરિચમેન્ટ પ્રોગ્રામ ઉપર ૨૦ વર્ષ સુધી પ્રતિબંધ મુકવામાં આવે. બીજી તરફ ઈરાન ઈચ્છે છે કે, પ્રતિબંધ મુકવો હોય તો મુકો પણ તે પાંચ વર્ષ સુધી જ હોવો જોઈએ. આ સિવાય ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામના જે કેન્દ્રો તૂટી ગયા છે તેનો તમામ કાટમાળ ઈરાનની બહાર મોકલવામાં આવે. બીજી તરફ ઈરાન તેના માટે પણ સહમત થતું નથી. બીજી તરફ રશિયાએ આ કાટમાળ પોતાની પાસે લેવા અને તેના દ્વારા વીજ ઉત્પાદન કરવાની ઓફર કરી છે. જો કે અમેરિકા દ્વારા તે પણ ફગાવી દેવામાં આવી છે. ઈરાનનો દાવો છે કે, તેને ૨૦૪૧ સુધીમાં ૨૦ ગીગાવોટ ન્યૂક્લિયર એનર્જીની જરૂર છે. બીજી તરફ અમેરિકા અને તેના સાથી દેશોનો દાવો છે કે, ઈરાન પાસે ક્રૂડ અને ગેસનો મોટો સ્તાત્ર છે જેના દ્વારા ન્યૂક્લિયર પ્લાન્ટ કરતા ઘણી સસ્તી કિંમતે વીજ ઉત્પાદન થઈ શકે છે. હાલમાં ન્યૂક્લિયર રિએક્ટર દ્વારા માત્ર ૧ ટકા જ વીજળીની આપૂર્તિ કરી શકાય છે. 

હવે ન્યૂક્લિયર ડસ્ટ અને ન્યૂક્લિયર વીજ ઉત્પાદન અંગે સોમવારે બીજી બેઠકમાં કોઈ ઉકેલ ન આવ્યો તો ફરીથી બંને યુદ્ધના મોરચે આવીને ઊભા રહેશે તેવી ભીતી સેવાઈ રહી છે.