Get The App

મોદીનો જાપાન પ્રવાસ : દ્વિપક્ષી તથા બહુપક્ષી જોડાણોનો પ્રયાસ

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
મોદીનો જાપાન પ્રવાસ : દ્વિપક્ષી તથા બહુપક્ષી જોડાણોનો પ્રયાસ 1 - image


- અમેરિકાના ઉધામા વચ્ચે એશિયામાં નવું સમીકરણ રચવા માટે ભારત, જાપાન, રશિયા અને ચીન સજ્જ

- વડા પ્રધાન નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં તેઓ આ આઠમી વખત જાપાનના પ્રવાસે ગયા હતા, આ ઉપરાંત તેઓ ગુજરાતના સીએમ હતા ત્યારે પણ આ એશિયન દેશ સાથે જોડાણ કરી રાખવાનો તેમની રણનીતિનો એક ભાગ હતો : ભારત અને જાપાન દ્વારા એકબીજા સાથે ટેક્નોલોજી અને હ્યુમન રિસોર્સના આદાન-પ્રદાન માટે પણ કરાર કરવામાં આવ્યા છે, આ દ્વારા જાપાનનો વિકાસ કરવા ઉપરાંત ભારતમાં પણ આધુનિકતાની જ્યોત પ્રગટશે : એકંદરે આ પ્રવાસ ભારત અને જાપાનના સંબંધને મજબૂત બનાવશે તથા એશિયામાં અને વૈશ્વિક સ્તરે ભારતનું જે કદ છે તેનો પણ પરિચય આપશે

ભારતીય વડા પ્રધાન નરન્દ્ર મોદીનો જાપાન અને ચીનનો પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવી રહ્યો છે. તેઓ ૨૯ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી ઈસ્ટ એશિયાના પ્રવાસે હતા. ૨૧મી સદીમાં મલ્ટિપોલર વર્લ્ડની વાત થઈ રહી છે ત્યારે એશિયાના જૂથને મજબૂત કરવા અને એશિયાની એક સક્ષમ ધરી ઊભી કરવા માટે આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો અને સાંપ્રત ગણવામાં આવી રહ્યો હતો. ૨૦૨૫નું વર્ષ તેમના આ પ્રવાસના કારણે પણ ખૂબ જ મહત્ત્વનું સાબિત થવાનું છે. આમ જોવા જોઈએ તો ફેબુ્રઆરીમાં ભારતીય પીએમ મોદી અમેરિકા ગયા હતા ત્યાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પને મળ્યા હતા. ત્યારબાદ જી-૭ નેતાઓ સાથે ચર્ચાવિચારણા કરી હતી. ત્યારબાદ મે મહિનામાં તેઓ કાનાનાસ્કી સમિટમાં જાપાનના પીએમ શિગેરુ ઈશિબાને મળ્યા હતા. હવે તેમણે જાપાનની મુલાકાત લીધી, ચીનની મુલાકાત લીધી અને ચીનના તિયાનજિનમાં યોજાયેલા એસસીઓ સમિટમાં ભાગ લીધો. જાણકારો એવું માને છે કે, જે રીતે એશિયમાં હાલ ધુ્રવીકરણ અને બદલાયેલા સમીકરણો ચાલી રહ્યા છે તે પ્રમાણે આ વર્ષના અંત સુધીમાં રશિયન પ્રમુખ પુતિન અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી શકે છે. ભવિષ્યની તો ખબર નથી પણ હાલનો મોદીનો જાપાન પ્રવાસ ઘણા બધા સમીકરણો રચી રહ્યો છે. 

વૈશ્વિક બાબતોના જાણકારો માને છે કે, જાપાન વર્ષોથી ભારતનો મિત્ર દેશ રહ્યો છે અને તેના માટે કાયમ મહત્ત્વનો સાથી સાબિત થયો છે. ઈન્ડો પેસેફિક પાવરની પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો એશિયાની એક એવી લોકશાહી જે મૂલ્યો સાથે જીવે છે, સ્વચ્છ વેપાર કરે છે, ટેક્નોલોજી અને ઈન્વેસ્ટમેન્ટમાં ધરખમ છે અને ભારત સાથે તમામ સ્તરે જોડાણ કરીને સદીઓથી હકારાત્મક સંબંધ જાળવી રાખવાનો ઈતિહાસ ધરાવે છે. આ ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા સાથે પણ જાપાનના ખૂબ જ સારા સંબંધો છે. આ દરમિયાન અમેરિકા અને ભારતના સંબંધોમાં જે સમસ્યાઓ ઊભી થઈ છે, ખાસ કરીને ટેરિફ અને અન્ય કેટલીક બાબતોએ સ્થિતિ ખાબર કરી છે ત્યારે ક્વાડનું ભવિષ્ય જોખમાય તેવું પણ લાગી રહ્યું હતું. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સધિયારો આપ્યો હતો કે, ક્વાડ કોઓપરેશનના ભવિષ્ય અંગે ચિંતા કરવાની જરૂર નથી. તેના વિશે ટોકિયો ખાતે વાતચીત કરવામાં આવશે. અમે અને જાપાન ઉચ્ચ મૂલ્યો સાથે જોડાયેલા દેશો છીએ અને અમારી ભાગીદારી તૂટે તેમ નથી. આ ઉપરાંત ક્વોડ જોડાણ ઉપર અન્ય એક દિશામાંથી પણ હકારાત્મક કામગીરી કરવામાં આવી રહી હતી. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે પણ હિંદ મહાસાગર અને ત્યાંના જોડાણો વિશે હકારાત્મકતા દાખવી હતી. તેમણે થોડા દિવસ પહેલાં જ ભારતીય પત્રકારો સાથે ચર્ચા કરી હતી કે, ક્વાડનું જોડાણ ખૂબ જ મજબૂત છે કારણ કે અમારા તમામાના એજન્ડા એક જ છે અને અમારા હિતો તેમાં સચવાય છે. જાપાની સરકાર પણ અમારી સાથે જ છે.ઉલ્લેખનીય છે કે, ભારત અને જાપાનના સંબંધો જે ઉત્તરોત્તર વધી રહ્યા છે અને વધારે મજબૂત થઈ રહ્યા છે તે વધુ મહત્ત્વનું છે. જાપાનમાં વારંવાર વડા પ્રધાન બદલાતા હોવા છતાં ભારત સાથેનું જોડાણ, સંબંધો, વિકાસના કાર્યો અને બધું જ સરસ રીતે આગળ વધી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જ વાત કરીએ તો તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન જાપાનના ચાર વડા પ્રધાન સાથે કામ કર્યું છે. તેમણે સૌથી પહેલાં શિન્ઝો આબે, ત્યારબાદ યોશિહિડે સુગા ત્યારબાદ ફુમીઓ કિશિડા અને હાલાં શિગેરુ ઈશિબા સાથે તેઓ બંને દેશોની મૈત્રી અકબંધ રાખવા કામગીરી કરી રહ્યા છે.  જાણકારો માને છે કે, વર્ષોથી એકબીજાને મદદ કરવાની ભાવના તથા એકબીજાની સંસ્કૃતિની જાળવણી કરીને સાથે સાથે વેપારને ઉત્તેજન આપવું જ આ બંને દેશોનું જમા પાસું રહ્યું છે. આ બંને દેશો એટલા સહજ છે કે કોઈપણ મુદ્દે સમસ્યા ઊભા થાય તો તેનો ઉકેલ લાવવા બંને તત્પર બને છે અને બંને લાગણીઓ વ્યક્ત કરે છે. ઈન્ડિયન રેગ્યુલેટરી કોમ્પ્લેક્સિટી અને જાપાનના નબળા પડતાં અર્થતંત્ર અંગે બંને દેશો દ્વારા પારસ્પરિક ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને તેના ઉકેલ માટે સહિયારા પ્રયાસની પણ પહેલ કરવામાં આવી હતી. 

જાપાનના ૧૫મા એન્યુઅલ સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધિકારિક જાપાન યાત્રા હતી જે ૨૦૧૮ બાદ મોટી જાપાન યાત્રા કહી શકાય. આમ જોવા જઈએ તો તેઓ આ પહેલાં ઘણી વખત દ્વિપક્ષિય વેપાર અને અન્ય બાબતે જાપાન પ્રવાસે ગયા છે. આમ એકંદરે જોઈએ તો નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા બાદ તેમની આ આઠમી જાપાન યાત્રા હતા. અહીંયા એક વાત એ પણ યાદ કરવા જેવી છે કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ સમયાંતરે જાપાન અને ચીનનો પ્રવાસ કરતા હતા. એશિયાના બે મોટા અર્થતંત્ર સાથે જોડાયેલા રહેવા અને વ્યાપારિક સંબંધો વધારવા માટે આ બંને દેશો કાયમ નરેન્દ્ર મોદીની રણનીતિનો ભાગ રહ્યા છે. જાણકારો સ્પષ્ટ માને છે કે, મોદી દ્વારા પહેલાં જાપાનનો અને ત્યારબાદ ચીનનો પ્રવાસ કરવામાં આવ્યો તે એશિયન ધુ્રવીકરણ અને એશિયાના દેશોના જોડાણ થકી વૈશ્વિક પરિસ્થિતિઓને કાબુ કરવાનો સભાન પ્રયાસ છે.

આ દિશામાં વિચારીએ તો દિલ્હીથી જાપાન પહોંચવા દરમિયાન તથા જાપાનનો પ્રવાસ કરવા દરમિયાન પણ પીએ મોદીએ સતત ભારત અને જાપાનના સંબંધો અને જોડાણ ઉપર ભાર મૂક્યો હતો અને તેને ટકાવી રાખવા માટે પણ તમામ સ્તરે પ્રયાસો કરતા રહેવાની વાત કરી હતી. તેઓ માને છે કે, દુનિયાના બે મોટા અર્થતંત્રો અને લોકશાહી દેશઓ વિશ્વ માટે ખૂબ જ મહત્ત્વના છે. તેમના મજબૂત અને હકારાત્મક જોડાણ થકી જ વૈશ્વિક શાંતિ અને સ્થિરતાની દિશામાં વધારે સારી રીતે કામ કરી શકાશે. તેમણે જાપાનને ટેક પાવર હાઉસ અને ઈન્ડિયાને ટેલેન્ટ પાવરહાઉસ ગણાવ્યા હતા. તેમણે સુચવ્યું હતું કે, આ બંને પાવરહાઉસ વચ્ચે જો મજબૂત જોડાણ થાય તો તેઓ એકબીજાની જરૂરિયાત પૂરી કરી શકે છે અને તેના દ્વારા ગ્રીન એનર્જી, મોબિલિટી, લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ટેક્નોલોજી બિઝનેસમાં મોટું કામ થાય તેમ છે. 

જાપાની વડા પ્રધાન ઈશિબાએ પણ આ વાતમાં સહમતી દાખવી હતી. તેમણે પણ જણાવ્યું હતું કે, આપણે એકબીજાની ક્ષમતાનો સદુપયોગ કરવો જીએ અને એકબીજાને જે સમસ્યાઓ નડે છે તેનું નિરાકરણ લાવવા માટે સંયુક્ત પ્રયાસ કરવો જોઈએ. મોદીના પ્રવાસ અને મુલાકાત બાદ બંને નેતાઓ દ્વારા સંયુક્ત નિવેદનો પણ આપવામાં આવ્યા હતા. તેમણે સંયુક્ત સભા દરમિયાન બંને દેશોના સદીઓ જૂના સંબંધોને યાદ કર્યા હતા અને બે સંસ્કૃતિઓના જોડાણ, સંયુક્ત માનવતાના મૂલ્યો, હિતો અને પારસ્પરિક કામગીરી અને માન જળવાઈ રહે તેવી રીતે કામગીરી કરવાની વૃત્તિને પણ વખાણી હતી. દ્વીપક્ષીય સ્તરે એકબીજા સાથેના જોડાણને વખાણી હવે આગામી સમયમાં વૈશ્વિક સ્તરે એકબીજા સાથે જોડાયેલા રહેવાની અને તેના માટે વિશેય આયોજનો કરવાની પણ બંને નેતાઓ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

મોદી પ્રવાસની ફલશ્રુતિ  : પારસ્પરિક વિકાસ અને સુરક્ષા મુદ્દે બંને દેશો જોડાયા 

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસની ફલશ્રુતિ વિશે વિચારીએ તો ઘણા બધા મુદ્દે બંને દેશોના વડા જોડાણ ટકાવી રાખવા અને ભવિષ્યની સ્થિતિને જોતા નવી ભાગીદારી કરવા અને સ્ટ્રેટેજી બનાવવા સજ્જ થયા છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે ઘણા બધા મુદ્દે કરાર પણ કરવામાં આવ્યા છે. જાણકારોના મતે આગામી એક દાયકા સુધી બંને દેશોનું જોડાણ અને કામગીરી કેવા રહેશે તેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને આગામી એક દાયકા માટેનું બંને દેશઓનું વિઝન, સુરક્ષા મુદ્દે એકબીજાને સહકાર આપવાની બાંયધરી, તે ઉપરાંત ડિફેન્સ અને સિક્યોરિટી સેક્ટરમાં નવી ટેક્નોલોજી અને સાધનો બનાવવા તથા એકબીજાને આપવા અંગે પણ જોડાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈન્ડો-જાપાન હ્યુમન રિસોર્સ એક્સચેન્જ અંગે પણ એમઓયુ કરાયા છે. તે ઉપરાંત મિનરલ્સ રિસોર્સિંસ અંગે પણ કરાર થયા છે અને ડિજિટલ પાર્ટનરશિપ ૨.૦ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. તે સિવાય ક્લિન હાઈડ્રોજન અને એમોનિયા વિશે પણ કરાર કરવામાં આવ્યા છે. આર્થિક બાબતોની વાત કરીએ તો જાપાન દ્વારા આગામી એક દાયકામાં ભારતમાં ૧૦ ટ્રિલિયન જાપાની યેન એટલે કે અંદાજે ૬૭ બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવશે. તે ઉપરાંત જાપાનની પ્રાઈવેટ કંપનીઓ પણ ભારતમાં રોકાણ કરવા સજ્જ થઈ ગઈ છે. તે ઉપરાંત પ્રાઈવેટ પ્લેયર્સની એન્ટ્રીથી એઆઈ ટેક્નોલોજી અને નેક્સ્ટ જનરેશન મોબિલિટી અંગે પણ ભાગીદારી કરાઈ છે. તે ઉપરાંત સ્મોલ અને મીડિયમ સેક્ટરમાં પણ મજબૂતી આવે તથા રોજગારી ઊભી થાય તેના માટે જાપાને કામગીરીની બાંયધરી આપી છે. ભારતના ઘણા રાજ્યોમાં જાપાન દ્વારા રોકાણ કરાશે અને રોજગારી આપવામાં આવશે. તે ઉપરાંત સક્ષમ યુવાનોને જાપાન પણ લઈ જઈને તાલિમબદ્ધ અને વધુ સક્ષમ બનાવાશે. બંને દેશોના વડાના જે નિવેદનો હતા તેમાં સ્પષ્ટ જણાતું હતું કે, આ નવી ભાગીદારી અને જોડાણા ત્રણ પાસા છે, ડિફેન્સ અને સિક્યોરિટી, આર્થિક જોડાણ તથા વિવિધ દ્વિપક્ષિય અને વૈશ્વિક મુદ્દે પણ જોડાણ. 

અમદાવાદ અને મુંબઈ વચ્ચે જે હાઈસ્પીડ રેલ નેટવર્ક બની રહ્યું છે તે આ જોડાણનું ઉત્તમ ઉદાહરણ છે. આ નેટવર્કની આસપાસ ઉભી થયેલી સમસ્યાઓ અને અડચણો દૂર કરીને આ કામગીરીને વધારે ઝડપી બનાવવા પ્રયાસ થઈ રહ્યા છે. જાપાનની શિન્કાન્સેન ટેક્નોલોજી આ માટે કામગીરી કરવા પ્રતિબદ્ધ રહી છે. 

વૈશ્વિક સ્તરે જાપાન કાયમ ભારતની પડખે હતું અને રહેશે 

જાણકારોના મતે મોદીની આ મુલાકાત બાદ એક સંદેશ પશ્ચિમના દેશોને સ્પષ્ટ પહોંચી ગયો છે કે, ભારતનું કદ તેઓ ધારે છે તેવું નાનું નથી. આ ઉપરાંત મોદીની આ મુલાકાતે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને તો વધારે મજબૂત કરીને આગળ લઈ જવાની ભૂમિકા બાંધી જ છે પણ તેનાથી અન્ય ફાયદા થયા છે. જાણકારો માને છે કે, જાપાને આ મુલાકાત થકી સંદેશ આપી દીધો છે કે, ભારત અને જાપાન જૂના મિત્રો છે. ભારત સાથે જાપાનનું જોડાણ પહેલાં પણ હતું, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ એટલું જ મજબૂત રહેવાનું છે. અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો તથા યુરોપને આ સ્પષ્ટ સંદેશ સંભળાઈ અને સમજાઈ ગયો છે. બંને દેશોએ ક્વાડનું જોડાણ પણ મજબૂત રાખવાનું અને તેમાં સંયુક્ત કામ કરવાનું નક્કી રાખ્યું છે. ભારતમાં જ ૨૦૨૫ના અંતમાં ક્વાડની સમિટ યોજાવાની છે અને તેમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પ આવશે કે નહીં આવે તેની અનિશ્ચિતતા વચ્ચે જાપાને તો ભારત સાથે જોડાણ યથાવત રાખવાનું કહ્યું છે. આ બંને નેતાઓ દ્વારા ક્વાડની બેઠકમાં ટ્રમ્પ હાજર નહીં રહે તો શું કરવું તે અંગે કશું જ કહેવાયું નથી. નવા સમીકરણોની કોઈ ચર્ચા થઈ નથી. તેમણે આ સમિટ ઉપરાંત ઓપન ઈન્ડો પેસિફિક તથા ઈન્ડો પેસિફિક ઓસન્સ ઈનિશિયેટિવ જેવા મુદ્દે પણ જોડાણ કરવા અને કામ આગળ વધારવાની વાત કરી હતી. 

જાણકારોના મતે એવું કહી શકાય કે એકંદરે આ પ્રવાસ ભારત અને જાપાનના સંબંધને મજબૂત બનાવશે તથા એશિયામાં અને વૈશ્વિક સ્તરે ભારતનું જે કદ છે તેનો પણ પરિચય આપશે.

Tags :