Get The App

આરબોનો પાકિસ્તાન પ્રેમ : સાઉદીના બંને બગડે તેવું બની શકે

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
આરબોનો પાકિસ્તાન પ્રેમ : સાઉદીના બંને બગડે તેવું બની શકે 1 - image


- મુસ્લિમ દેશોનું નાટો જેવું સંગઠન બનાવવા ભેગા થયેલા પાકિસ્તાન અને સાઉદીએ એકબીજાને યુદ્ધમાં મદદ કરવાના કરાર કર્યા 

- પાકિસ્તાની પીએમ શાહબાઝ શરિફ અને સાઉદીના વડાએ જે ડીલ કરી તે નાટો જેવી છે. તેમાં સ્પષ્ટતા કરાઈ છે કે, કોઈપણ એક દેશ ઉપર હુમલો થશે કે યુદ્ધની સ્થિતિ ઊભી થશે તો તે બંને દેશો ઉપર હુમલો ગણાશે અને બંને દેશો સાથે યુદ્ધ ગણાશે : પાકિસ્તાને સાઉદી અરબને સૈન્ય સલાહ, પ્રશિક્ષણ અને ન્યૂક્લિયર સુરક્ષા આપવાનું ગાજર લટકાવ્યું છે. બીજી તફ પાકિસ્તાને તેની પાસેથી હથિયારો ખરીદીને આપવાની અને જરૂર પડયે આર્થિક મદદ કરવાની બાંહેધરી લઈ લીધી છે : ભારત સાઉદી અરેબિયાનું બીજા નંબરનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. તેવી જ રીતે ભારત માટે સાઉદી પાંચમા ક્રમનું મોટું ટ્રેડ પાર્ટનર છે. વર્ષ 2023-24 દરમિયાન બંને દેશો વચ્ચે 42.98 અબજ ડોલરનો વેપાર થયો હતો. તેથી જાણકારો માને છે કે, પાકિસ્તાન સાથે વધુ પડતા નજીક જવામાં અને જોડાણો કરવામાં ક્યાંક સાઉદીએ ભારત સાથેના સંબંધોમાં ગુમાવવાનું ન આવે તે જોવું પડશે 

સાઉદી અરબ અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ ડિફેન્સ એગ્રીમેન્ટ થયા છે જેણે ભારત સહિત સાઉદીના બીજા સાથીદારોને આશ્ચર્યમાં મુકી દીધા છે. હકિકતે ઘણા સમયથી સાઉદી અરબ અને પાકિસ્તાન ભેગા થઈને મુસ્લિમ દેશોનું એક નાટો જેવું સંગઠન બનાવવા માટે મથામણ કરી રહ્યા હતા. તાજેતરમાં પાકિસ્તાની નેતાઓની સાઉદી મુલાકાતે પણ એવી જ ચર્ચા છેડી હતી કે, આ બંને દેશો હવે મુસ્લિમ દેશોનું એક વૈશ્વિક સંગઠન ઊભું કરશે જે પારસ્પરિક મદદ કરશે. આ તમામ ચર્ચાઓ અને વાતો વચ્ચે સાઉદી અને પાકિસ્તાને એવું કરી દીધું કે બધા આશ્ચર્યમાં મુકાઈ ગયા. હવે સાઉદી અને પાકિસ્તાન બાકીના ઈસ્લામિક દેશોને છોડીને માત્ર એકબીજાના રક્ષણ માટે કરાર કરીને છુટા પડી ગયા છે. તેમણે માત્ર દ્વિપક્ષિય કરાર કરીને એકબીજાનું ધ્યાન રાખવાની, મદદ કરવાની, સહાય કરવાની અને યુદ્ધમાં સાથ આપવાની સમજૂતી કરી લીધી છે. બાકીના દેશોને આડકતરી રીતે ઠેંગો બતાવી દીધો છે.

આમ જોવા જઈએ તો સાઉદી અને પાકિસ્તાન વચ્ચે દાયકાઓ જૂનું જોડાણ છે. ખાસ કરીને ઈસ્લામિક જોડાણ વધારે છે અને ત્યારબાદ સરહદોનું રક્ષણ અને આર્થિક જોડાણ આવે છે. પાકિસ્તાને સાઉદી અરબને સૈન્ય સલાહ, પ્રશિક્ષણ અને ન્યૂક્લિયર સુરક્ષા આપવાનું ગાજર લટકાવ્યું છે. બીજી તફ પાકિસ્તાને તેની પાસેથી હથિયારો ખરીદીને આપવાની અને જરૂર પડયે આર્થિક મદદ કરવાની બાંહેધરી લઈ લીધી છે. બંને એકબીજાની સાથે જોડાઈને યુદ્ધાભ્યાસ કરશે, ગુપ્ત માહિતીનું આદાન-પ્રદાન કરશે અને સંરક્ષણ મુદ્દે એકબીજાને મદદ કરશે. પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ અને સાઉદીના વડાએ જે ડીલ કરી તે નાટો જેવી છે. તેમાં સ્પષ્ટતા કરાઈ છે કે, કોઈપણ એક દેશ ઉપર હુમલો થશે કે યુદ્ધની સ્થિતિ ઊભી થશે તો તે બંને દેશો ઉપર હુમલો ગણાશે અને બંને દેશો સાથે યુદ્ધ ગણાશે. આમ જોવા જઈએ તો આ કરાર ભારત માટે સૌથી વધારે ચિંતાજનક અને વિચારવાલાયક છે. તેના કારણે માત્ર ભારતને જ નહીં પણ વૈશ્વિક સ્તરે પણ અસર થાય તેમ છે. 

જાણકારો માને છે કે, સાઉદીના પ્રવાસે ગયેલા શરિફ અને સાઉદીના વડા વચ્ચે જે ચર્ચા થઈ અને કરાર થયા તેના બેકગ્રાઉન્ડમાં ઓઆઈસીની બેઠક હતી. દોહા ખાતે યોજાયેલી આ બેઠકમાં મોટો મુદ્દે હમાસ નેતાઓ ઉપર કતાર ખાતે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલો હુમલો હતો. ગાઝામાં સિઝફાયર થાય અને ઈસ્લામિક દેશોમાં શાંતિ સ્થપાય તથા એકબીજાને મદદ મળે તે માટે આ બેઠક યોજાઈ હતી. બીજી તરફ એવું પણ માનવામાં આવે છે કે પાકિસ્તાનની ઉંઘ ઉડી ગયેલી છે. પહલગામ આતંકી હુમલા બાદ ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂરમાં જે રીતે ભારતે પાકિસ્તાનમાં ઘુસીને આતંકી ઠેકાણાઓ નષ્ટ કરી દીધા છે તેણે પાકિસ્તાનની હાલત ખરાબ કરી નાખી છે. સાઉદી અને પાકિસ્તાને આ જોડાણ કર્યું છે તેના કારણે તેમની સૈન્ય તાકાતમાં શું ફેરફાર આવશે, તેમના ઈન્ટેલિજન્સ નેટવર્કમાં, હથિયારોમાં, આથક બાબતોમાં જે ફેરફાર આવશે તેના ઉપર ભારતની નજર રહેશે. ખાસ કરીને જાણકારો માને છે કે, આરબોને અચાનક ઉપડેલો પાકિસ્તાન પ્રેમ કદાચ સાઉદીના બંને બગાડે તેમ છે. તે પાકિસ્તાનની જોડે રહી નહીં શકે અને ભારતને કદાચ ગુમાવી દે તેવી પણ સ્થિતિ આવી જાય.

આ માટે સૌથી પહેલાં તો સાઉદી અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર ઉપર એખ નજર કરવી જોઈએ. હવે વાત એવી છે કે, સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ ઉપર પાકિસ્તાની વડા પ્રધાન શરીફ અને પાકિસ્તાની સૈન્ય વડા આસિમ મુનિર સાઉદીના પ્રવાસે ગયા હતા. ત્યાં આ ત્રણેયની મુલાકાત થઈ અને તેમની વચ્ચે કરાર થયા. પાકિસ્તાન અને સાઉદીએ જાહેરાત કરી કે છેલ્લાં સાત દાયકાથી ચાલી આવતી ભાગદારી, મિત્રતા અને જોડાણને હવે નવા સ્તરે આગળ લઈ જઈ રહ્યા છીએ. ભાઈચારા અને ઈસ્લામિક જોડાણથી સંકળાયેલા આ બંને દેશો હવે ડિફેન્સ સેક્ટરમાં પણ એકબીજાની સાથે ઊભા રહેશે. બંને દેશો એકબીજાને સુરક્ષા પૂરી પાડશે અને એકબીજાના દેશમાં શાંતિ સ્થપાય તેના માટે પ્રયાસરત રહેશે. બંનેમાંથી કોઈપણ દેશ ઉપર થયેલો હુમલો બંને દેશો ઉપર થયેલો હુમલો જ ગણાશે અને બંને સાથે મળીને આ હુમલાનો જવાબ આપશે. 

ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયાએ જોડાણ કર્યા પછી પણ બાજી સંભાળવા પ્રયાસ કર્યા છે. તેનું કહેવું છે કે, આ જોડાણ માત્ર એકબીજાને મદદ કરવાની ભાવના છે. તેના દ્વારા અન્ય કોઈ સંદેશ આપવા માગતા નથી. આવા જોડાણ અંગે ઘણા વખતથી ચર્ચા થતી હતી અને વાતો થતી હતી તેને હવે આખરી ઓપ આપ્યો છે. બંને દેશો દાયકાઓથી એકબીજાના સુરક્ષા મુદ્દે ભાગીદાર છે અને આ ભાગીદારીને જ આગળ વધારી છે. ખાસ વાત એ છે કે, પાકિસ્તાન દ્વારા ૧૯૬૭થી અત્યાર સુધી સાઉદીના ૮,૨૦૦ જવાનોને તાલીમ  આપવામાં આવી છે. બંને દેશો દ્વારા સંયુક્ત રીતે થતી મિલિટરી એક્સરસાઈઝ થકી આ તાલીમ૨ આપવામાં આવી છે. બીજી તરફ સાઉદી દ્વારા પાકિસ્તાનને ક્રૂડ અને અન્ય આર્થિક સહાય કરવામાં આવી છે.

બીજી તરફ જાણકારો માને છે કે, પાકિસ્તાન સાથે વધુ પડતા નજીક જવામાં અને જોડાણો કરવામાં ક્યાંક સાઉદીએ ભારત સાથેના સંબંધોમાં ગુમાવવાનું ન આવે તે જોવું પડશે. ભારત એશિયામાં અને વૈશ્વિક ધોરણે ખૂબ જ મોટો દેશ છે અને તેની ઈકોનોમી અને સૈન્યબળ આગળ પાકિસ્તાન કશું જ નથી. હવે જો ત્રણેય દેશોના ડિફેન્સ બજેટ ઉપર નજર કરીએ તો ભારત અને સાઉદીનું બજેટ લગભગ ૭૮.૩ અબજ ડોલરની આસપાસ છે. બંને અંદાજે ૬.૮૯ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. 

બીજી તરફ પાકિસ્તાનનું બજેટ માત્ર ૯ બિલિયન ડોલર છે. સાઉદી પોતાના જીડીપીના આશરે સાત ટકા જટેલી ચાર ટકા જેટલી રકમ ડિફેન્સ પાછળ ખર્ચ કરે છે. બીજી તરફ પાકિસ્તાન પોતાના જીડીપીના ચાર ટકા જેટલી રકમ ડિફેન્સ પાછળ ખર્ચ કરે છે. તેમની સામે ભારત માત્ર ૨ ટકા રકમ જ ડિફેન્સ પાછળ ખર્ચ કરે છે. થોડા સમય પહેલાં આવેલા ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ ૨૦૨૬માં જણાવાયું હતું કે, વૈશ્વિક ધોરણે સાઉદી ૨૪મા ક્રમે છે, પાકિસ્તાન ૧૨મા ક્રમે છે જ્યારે ભારત મહાસત્તાઓ સાથે ૪ નંબરે આવે છે. તેવી જ રીતે જો સૈન્યના જવાનોની વાત કરીએ તો સાઉદી પાસે માત્ર ૨.૫૭ લાખ જવાનો છે. બીજી તરફ પાકિસ્તાન પાસે ૬.૫૪ લાખ જવાનો છે. તેમની સામે ભારત પાસે ૧૪ લાખ જવાનો છે. સાઉદી પાસે કોઈ રિઝર્વ મિલિટરી પર્સન નથી. પાકિસ્તાન પાસે ૫.૫૦ લાખ મિલિટરી રિઝર્વ છે. ભારત પાસે ૧૧.૫ લાખ જવાનો મિલિટરી રિઝર્વમાં છે. મિલિટરી, પેરામિલિટરી, ટેન્ક, ફાઈટર પ્લેન, રિઝર્વ ફોસસ કોઈપણ મુદ્દે સાઉદી કે પાકિસ્તાન ભારતની તોલે આવી શકે તેમ જ નથી.

ભારતની નારાજગી સાઉદીને મોટું આર્થિક સંકટ લાવે તેમ છે 

ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ૧૯૪૭થી મિત્રતાના, ભાગીદારીના અને વેપારના સંબંધો છે. સાઉદીના કિંગ અબ્દુલ્લા જ્યારે ૨૦૦૬માં ભારત આવ્યા ત્યારે આ સંબંધો વધારે ગાઢ થયા હતા. ત્યારબાદ ૨૦૧૦માં ભારતના પૂર્વ પીએમ મનમોહનસિંહ પણ રિયાધની મુલાકાતે ગયા હતા. ભારતના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના કાર્યકાળમાં ચાર વખત સાઉદીની મુલાકાતે ગયા છે. ૨૦૧૪માં તેઓ પહેલી વખત સાઉદી ગયા હતા. ત્યારબાદ ૨૦૧૬ અને ૨૦૧૯માં પણ સાઉદીનો પ્રવાસ કરી આવ્યા હતા. તાજેતરમાં ૨૦૨૫માં પણ તેઓ સાઉદીની મુલાકાતે જઈ આવ્યા હતા. તે દરમિયાન ૨૦૧૯માં સાઉદીના વડા પ્રિન્સ સલમાન ભારત આવ્યા ત્યારે તેમણે ભારતમાં ૧૦૦ મિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. ભારત સાથે ઘણા કરાર કર્યા હતા. હાલની વાત કરીએ તો ભારત સાઉદી અરેબિયાનું બીજા નંબરનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. તેવી જ રીતે ભારત માટે સાઉદી પાંચમા ક્રમનું મોટું ટ્રેડ પાર્ટનર છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન બંને દેશો વચ્ચે ૪૨.૯૮ અબજ ડોલરનો વેપાર થયો હતો. તેમાં ભારતે ૧૧.૫૬ અબજ ડોલરના માલની નિકાસ કરી હતી જ્યારે ૩૧.૪૨ અબજ ડોલરના માલની સાઉદીથી આયાત કરી હતી. ગત વર્ષે ફેબુ્રઆરીમાં ભારત અને સાઉદી દ્વારા બે મોટી મિલિટરી જોઈન્ટ એક્સરસાઈઝ પણ કરવામાં આવી હતી. ભારત અને સાઉદીએ બે મોટી નેવલ એક્સરસાઈઝ કરી હતી. તે જ વખતે મ્યુનિશન ઈન્ડિયા લિમિટેડ દ્વારા સાઉદી સાથે ૨૨૫ મિલિયન ડોલરના કરાર કરવામાં આવ્યા હતા. સાઉદી હવે સ્થિતિ કાબુમાં કરવા પ્રયાસ કરી રહ્યું છે પણ તે જોખમી છે. તાજેતરમાં જ મોદીના સાઉદી પ્રવાસ દરમિયાન પહલગામ હુમલો થયો હતો. સાઉદીએ તેને વખોડયો હતો. નવાઈની વાત એવી છે કે, ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણા ધ્વસ્ત કર્યા ત્યારબાદ સાઉદીએ સ્થિતિ જોવા અને જાણવા વિદેશ મંત્રી આદીલ-અલ-ઝુબૈરને ભારતના પ્રવાસે પણ મોકલ્યા હતા. છેલ્લાં કેટલાક સમયમાં ભારત અને સાઉદી વચ્ચે જે રીતે સંબંધ અને વેપાર વિકસ્યા છે તે જોતાં લાગી રહ્યું છે કે, સાઉદી સ્થિતિ સમજીને આગળ વધશે. ભારતે સાઉદીના નવા જોડાણો અંગે ચિંતા કરવાની આવશે નહીં. જાણકારે એક વાત સ્પષ્ટ માને છે કે, ભારત પોતાના સાર્વભૌમત્વ માટે મક્કમ છે અને દેશની સુરક્ષાની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ કરતું નથી. આ સંજોગોમાં પાકિસ્તાનની આડોડાઈ ક્યાંક હવે સાઉદીને મોટું આર્થિક નુકસાન ન કરાવી દે અને ભારત જેવો મિત્ર ગુમાવવાનો વારો ન આવે તે જોવું પડશે. 

Tags :