અફઝલ અને આતિશી, મોદીએ આતંકીઓના વકીલ જેઠમલાણીને રાજ્યસભામાં મોકલેલા
- ભાજપની બે મોંઢાવાળી વાતોના કારણે તેની નીતિની પોલ ખુલ્લી પડી ગઈ, એ પોતે કરે તે દેશપ્રેમ અને બીજા કરે તે દેશદ્રોહ
- ભાજપ આતિશીને દેશદ્રોહી સાબિત કરવા મથી રહ્યો છે પણ એ વાત કરતો નથી કે અફઝલને બચાવવાની આગેવાની લેનારા સૈયદ મુફતી સઈદને ટેકો આપીને ભાજપે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી બનાવેલા. ભાજપ માટે વધારે શરમજનક વાત એ છે કે, અઝફલ સહિતના સંસદ પરના હુમલામાં સામેલ આતંકીઓનો બચાવ કરનારા રામ જેઠમલાણીને નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાંથી રાજ્યસભાના સભ્ય બનાવીને મોકલેલા. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને જેઠમલાણી જામીન પર છોડાવીને જેલમાંથી બહાર લાવેલા. તેનો બદલો રાજ્યસભાના સભ્યપદરૂપે અપાયેલો.
આમ આદમી પાર્ટીએ દિલ્હીનાં મુખ્યમંત્રીપદે અરવિંદ કેજરીવાલના સ્થાને આતિશી માર્લેનાની વરણી કરી એ સાથે જ ભાજપે આતિશીના પરિવારનું અફઝલ ગુરૂ સાથે કનેક્શન હોવાનો કકળાટ શરૂ કર્યો છે. અફઝલને ૨૦૦૧માં સંસદ પર હુમલાના કેસમાં ફાંસી અપાઈ હતી. આતિશીના પિતા વિજયસિંઘ અને માતા ત્રિપ્તા વાહી બંને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. સુપ્રીમ કોર્ટે અફઝલને ફાંસીની સજાને માન્યતા આપી ત્યારે તેને બચાવવા માટે દયાની અરજી કરનારાંમાં વિજયસિંઘ અને ત્રિપ્તા પણ હતાં.
આતિશીના અફઝલ સાથે કનેક્શનનો મુદ્દો આમ આદમી પાર્ટીનાં રાજ્યસભામાં સભ્ય સ્વાતિ માલિવાલે સૌથી પહેલાં ઉઠાવીને લખેલું કે, દિલ્હી માટે આજે અત્યંત દુઃખદ દિવસ છે. દિલ્હીના મુખ્યમંત્રીપદે એવી મહિલાને બેસાડાઈ રહી છે કે જેનો પરિવાર આતંકવાદી અફઝલ ગુરૂને બચાવવા માટે લાંબી કાનૂની લડાઈ લડયો હતો. આતિશીના પરિવારે અફઝલને બચાવવા રાષ્ટ્રપતિને દયાની અરજીઓ કરી હતી. તેમના કહેવા પ્રમાણે, અફઝલ નિર્દોષ હતો અને રાજકીય કાવતરાના ભાગરૂપે ફસાવાયો હતો.
સ્વાતિના પગલે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ સહિતના ભાજપના નેતા મચી પડયા ને આતિશી દેશદ્રોહી હોય એવી વાતો કરવા માંડી છે. ભાજપે તો વિજયસિંહ- ત્રિપ્તા સામ્યવાદી વિચારસરણી ધરાવે છે એ મુદ્દે પણ હોહા મચાવી છે.
સામ્યવાદી પાર્ટી ભારતમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ છે. તેની સાથે જોડાવામાં શું વાંધો એ સમજાતું નથી.
આતિશીએ પોતાનાં માતા-પિતાએ અફઝલ માટે દયાની અરજી કરેલી એ સ્વીકાર્યું છે. સાથે સાથે ચોખવટ પણ કરી છે કે, પોતે તેમના કૃત્યને સમર્થન નહોતી આપતી. આતિશીએ કહ્યું છે કે, મારાં માતા-પિતાના કોઈ પણ રાજકીય પગલા માટે પોતાને જવાબદાર ના ગણી શકાય.
આતિશીની સ્પષ્ટતા યોગ્ય છે કેમ કે આતિશીનાં માતા-પિતા પુખ્ત વ્યક્તિ છે. પરિવારે કરેલાં અપકૃત્યો માટે સંતાનોને પણ દોષિત ગણવાનાં હોય તો ભાજપે મહિલા કુશ્તીબાજ દીકરીઓની જાતિય સતામણી કરનારા બ્રિજભૂષણ શરણ સિંહને બદલે તેના દીકરાને ટિકિટ આપી તેની સામે પણ બોલો ને ?
અફઝલ ગુરૂના મુદ્દે ભાજપનાં વલણ તેનાં ડબલ સ્ટાન્ડર્ડનો વધુ એક પુરાવો છે. ભાજપ આતિશીને દેશદ્રોહી સાબિત કરવા મથી રહ્યો છે પણ એ વાત કરતો નથી કે અફઝલને બચાવવાની આગેવાની લેનારા સૈયદ મુફતી સઈદને ટેકો આપીને ભાજપે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી બનાવેલા.
ભાજપ સઈદની સરકારમાં ભાગીદાર હતો ને પછી તેમનાં દીકરી મહેબૂબા મુફતીને પણ મુખ્યમંત્રી બનાવેલાં. અફઝલને ફાંસી આપીને તિહાર જેલમાં જ દફનાવી દેવાયેલો. અફઝલના પરિવારને તેના અવશેષો અપાવવાની ઝુંબેશ પણ સઈદે ચલાવેલી ને મહેબૂબા એ વાતો કરી જ રહ્યાં છે.
ભાજપ માટે વધારે શરમજનક વાત એ છે કે, અઝફલ ગુરૂ સહિતના સંસદ પરના હુમલામાં સામેલ આતંકવાદીઓનો બચાવ કરનારા રામ જેઠમલાણીને નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાંથી રાજ્યસભાના સભ્ય બનાવીને મોકલેલા. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહ જેલભેગા થયા ત્યારે તેમને છોડાવવા માટે રામ જેઠમલાણીને વકીલ રખાયેલા. જેઠમલાણી અમિત શાહને જામીન પર છોડાવીને જેલમાંથી બહાર લાવેલા.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી અને લાલકૃષ્ણ અડવાણી ભાજપ પ્રમુખ હતા. અડવાણી ત્યારે મોદીનું કહ્યું કરતા તેથી શાહને છોડાવવાના બદલામાં જેઠમલાણીને ભાજપે રાજસ્થાનમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા. એ વખતે ભાજપને જેઠમલાણી આતંકવાદીઓને બચાવવા મેદાનમાં ઉતરેલા એ યાદ નહોતું. ભાજપ બીજાંને નૈતિકતા અને દેશપ્રેમના પાઠ ભણાવે છે પણ પોતાની લીલાઓની વાત કરતો નથી.
ભાજપની આ બેશરમીની વાતને સમજવા સંસદ પરના આતંકવાદી હુમલાના કેસને સમજવો જરૂરી છે. કેન્દ્રમાં ભાજપની સરકાર હતી ત્યારે ૧૩ ડીસેમ્બર, ૨૦૦૧ના રોજ સંસદ પર થયેલા આતંકવાદી હુમલામાં ૯ લોકો મરાયેલાં જ્યારે હુમલો કરનારા પાંચેય આતંકવાદી પણ મરાયેલા. આ કેસનું કાવતરૃં ઘડીને પાર પાડવા બદલ મોહમ્મદ અફઝલ ગુરૂ, અફઝલના પિતરાઈ શૌકત સુસૈન ગુરૂ, શૌકતની પત્ની અફસાન અને સૈયદ અબ્દુલ રહેમાન ગિલાની સામે કેસ ચાલ્યો હતો.
પોટા કોર્ટે ગિલાની, અફઝલ તથા શૌકતને ફાંસીની સજા ફટકારેલી. અફસાનને હુમલાના કાવતરામાં સંડોવણી સહિતના આરોપોમાંથી મુક્તિ મળેલી પણ કાવતરાની જાણ હોવા છતાં માહિતી છૂપાવવા બદલ પાંચ વર્ષની સજા થઈ હતી. આ સજા સામે આરોપીઓએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી ત્યારે રામ જેઠમલાણી આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ ગિલાનીનો કેસ લડયા હતા. અફઝલને ફાંસીની સજા સામે ઘણાં માનવાધિકારવાદીઓ ને વકીલોએ વાંધો લીધેલો. જેઠમલાણી તેમાંથી એક હતા. જેઠમલાણીએ અફઝલને ફાંસીનો વિરોધ કરીને કહેલું કે, અફઝલને યોગ્ય વકીલ નહોતા મળ્યા તેથી તેને ફાંસી ના આપવી જોઈએ. આતિશી પોતે અફઝલનો બચાવ કરવામાં નહોતાં જ્યારે જેઠમલાણી તો સીધો આતંકવાદીઓનો કેસ લડેલા અને અફઝલનો બચાવ પણ કરેલો. એ છતાં મોદીને તેમને રાજ્યસભાના સાંસદ બનાવવામાં શરમ નહોતી આવી કેમ કે ભાજપ અત્યંત દંભી છે. ભાજપને પોતે કર્યું તેની કોઈ શરમ નથી અને આતિશીને દેશપ્રેમના પાઠ ભણાવવા નિકળ્યો છે.
અફઝલ એમબીબીએસ છોડીને આતંકવાદી બનેલો, ગિલાની સાથે મળીને સંસદને ટાર્ગેટ કરી
અઝફલ ગુરૂ એમબીબીએસનો વિદ્યાર્થી હતો પણ કટ્ટરવાદના રવાડે ચડી ગયેલો. ૧૯૮૬માં એમબીબીએસના પહેલા વર્ષમાં હતો ત્યારે જ અફઝલ ભણવાનું છોડીને પાકિસ્તાનમાં આતંકવાદની ટ્રેઈનિંગ લેવા જતો રહેલો. ટ્રેઈનિંગ લીધા પછી કાશ્મીર આવ્યો અને દિલ્હી યુનિવર્સિટીમાંથી ૧૯૯૪માં ગ્રેજ્યુએશન કર્યું. દિલ્હીમાં અફઝલ તેના કઝિન શૌકત હુસૈન સાથે રહેતો. શૌકત દિલ્હી યુનિવર્સિટીની એક કોલેજમાં અરબી ભાષા ભણાવતા સૈયદ અદુલ રહેમાન ગિલાની ઉર્ફે એસ.એ.આર. ગિલાનીને ઓળખતો હતો. ગિલાની પણ કાશ્મીરને આઝાદ કરાવવાનાં દિવાસ્વપ્નો જોતો તેથી અફઝલ અને ગિલાનીની દોસ્તી જામી ગઈ. અફઝલનું નામ ટ્રેઈનિંગ માટે પાકિસ્તાન ગયેલા યુવકોમાં હતું તેથી આર્મી તેના વિશે પૂછપરછ કરતી. પરિવારે પૂછપરછથી બચવા અફઝલનું બોર્ડર સીક્યુરિટી ફોર્સ સામે સરેન્ડર કરાવી દીધું હતું.
અફઝલ સામે આતંકવાદમાં સંડોવણીના સીધા કોઈ પુરાવા નહોતા તેથી થોડા સમય પછી છૂટી ગયો અને દિલ્હી આવીને ફાર્માસ્યુટિલ કંપનીમાં નોકરી શરૂ કરી અને એરીયા મેનેજર બની ગયેલો.
૧૯૯૬માં અફઝલે નોકરી છોડીને મેડિકલ અને સર્જિકલ ગુડ્ઝના કમિશન એજન્ટ તરીકે કામ શરૂ કર્યું. ૧૯૯૮માં બારામુલ્લાની તબસ્સુમ સાથે તેના નિકાહ થયા હતા.
જેએનયુના કારણે અફઝલ ગુરૂ સતત ચર્ચામાં
નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ૨૦૧૬માં પાકિસ્તાનના દલાલોએ કરેલા કાર્યક્રમ પછી અફઝલ ગુરૂ સતત ચર્ચામાં રહે છે. જેએનયુમાં થયેલી બબાલના મૂળમાં અફઝલ ગુરૂ અને મકબૂલ ભટ્ટ જેવા આતંકવાદીઓને હીરો બનાવવાની ચળ હતી.
જેએનયુમાં સંસદ પર આતંકવાદી હુમલાના ગુનેગાર અફઝલ ગુરૂ અને ઈન્દિરા ગાંધીએ જેને ફાંસીએ લટકાવી દીધો તેને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેએનયુના કેટલાક વિદ્યાર્થીઓએ ધ કન્ટ્રી વિધાઉટ એ પોસ્ટ ઓફિસ નામનો કરીને આતંકવાદીઓની વાહવાહી કરેલી.
આ કાર્યક્રમમાં કટ્ટરવાદી પરિબળોએ ખુલ્લેઆમ 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા લગાવ્યા હતા. ગો ઈન્ડિયા ગો બેક, ભારત તેરે ટુકડે હોંગેં, ભારત કી બરબાદી તક જંગ યે જારી રહેગી, અફઝલ હમ શર્મિન્દા હૈ, તેરે કાતિલ જિંદા હૈં, તુમ કિતને અફજલ મારોગે, હર ઘર સે અફજલ નિકલેગા તથા અફઝલ તેરે ખુન સે ઈન્કલાબ આયેગા જેવા હળાહળ ભારત વિરોધી નારા લગાવાયા હતા.