FOLLOW US

મહાદેવનું 5000 કરોડનું કૌભાંડ મોટો રાજકીય ભૂકંપ સર્જશે

Updated: Sep 19th, 2023


- છત્તીસગઢના બે ભેજાબાજ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ નામના ઓનલાઈન સટ્ટો રમાડવા માટે બનાવેલા ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું હતું

- મહાદેવ એપ કૌભાંડમાં છત્તીસગઢમાં સૌથી પહેલી ફરિયાદ 2021માં નોંધાઈ હતી. મહાદેવ એપની જુગારની લતે ચડીને બરબાદ થયેલા લોકોએ ગેરકાયદેસર રીતે ચલાવાતા ઓનલાઈન સટ્ટા અને જુગારની એપ સામે 75 જેટલી એફઆઈઆર કરી હતી. પોલીસે 429 લોકોની ધરપકડ કરી હતી. આ ગેરકાયદેસર સટ્ટો-જુગાર ચલાવવા 3000 જેટલાં બેંક ખાતાંનો ઉપયોગ થયો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવેલું પણ પછી અચાનક તપાસ ઠંડી પડી ગઈ. તેનું કારણ નેતાઓ અને અધિકારીઓને મળવા માંડેલા હપ્તા હતા.

સંસદના વિશેષ સત્ર અને કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠક જેવી રાજકીય ઘટનાઓના કારણે મહાદેવ ઓનલાઈન બુક એપનો મુદ્દો બહુ ચર્ચામાં નથી પણ આ મુદ્દે જે રીતે તપાસ આગળ વધી રહી છે એ જોતાં નજીકના ભવિષ્યમાં જ મોટો રાજકીય ભૂકંપ સર્જાશે એવું લાગે છે. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ નામના છત્તીસગઢના બે ભેજાબાજે ઓનલાઈન સટ્ટો રમાડવા માટે બનાવેલા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ૫૦૦૦ કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ કૌભાંડ આચરાયું હોવાનો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો દાવો છે.

ઈડી અને બીજી કેન્દ્રીય એજન્સીઓ લાંબા સમયથી મહાદેવના નામે ચલાવાયેલા સટ્ટાખોરીના રેકેટની તપાસ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તપાસ ઝડપી બની છે ને દરોડ પર દરોડા પડી રહ્યા છે. ઈડીએ આ દરોડામાં ૪૧૭ કરોડ રૂપિયાની રોકડ અને સંપત્તિ જપ્ત કરી છે. આ કૌભાંડનો રેલો સન્ની લીયોની, ટાઈગર શ્રોફ, નુસરત ભરૂચા, વિશાલ દદલાની, ભાગ્યશ્રી સહિતના ફિલ્મ સ્ટાર્સના પગ તળે પણ પહોંચ્યો છે. સૌરભ ચંદ્રાકરે ૨૦૨૩ના ફેબ્રુઆરીમાં યુએઈમાં રસ અલ-ખૈમાહમાં લગ્ન કર્યાં ત્યારે તેમાં આ સ્ટાર્સ હાજર રહ્યા હતા ને હવાલા મારફતે તેમને ૧૧૭ કરોડ રૂપિયા ચૂકવાયેલા એવું ઈડીની તપાસમાં બહાર આવ્યું છે.

ભારતમાં ફિલ્મ સ્ટાર્સની ગુનાખોરીમાં સંડોવણીની વાત આવે એટલે કોઈ પણ કેસ એ તરફ ડાયવર્ટ થઈ જાય છે. આ કેસમાં પણ એવું જ થયું છે ને સૌરભ ચંદ્રાકરના લગ્નમાં નાચનારા ફિલ્મ સ્ટાર્સ કેન્દ્રસ્થાને આવી ગયા છે પણ વાસ્તવમાં મહાદેવ એપ સાથે સંકળાયેલાં લોકોમા આ ફિલ્મ સ્ટાર્સ તો નાની માછલીઓ છે. આ ફિલ્મ સ્ટાર્સને ચૂકવાયેલી કરોડોની રકમ સામાન્ય માણસ માટે મોટી છે પણ આખા કૌભાંડના સંદર્ભમાં બહુ નાની છે. આ એપના માધ્યમથી ૫૦૦૦ કરોડ રૂપિયાનું તો મની લોન્ડરિંગ જ થયું છે. ૨૦૧૭થી એપ ચાલતી હતી ને કોરોના કાળમાં લોકો નવરાં હતાં ત્યારે તો એપ પર ધૂમ સટ્ટો રમ્યાં એ જોતાં આખું કૌભાંડ તો અબજોનું છે.

આ અબજો રૂપિયા મહાદેવ એપના કર્તાહર્તા સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ પાસે આવતા પણ બધાં નાણાં એ લોકો ઓળવી ગયા નથી. સૌરભ અને રવિએ બનાવેલા પેનલ્સના નેટવર્ક સાથે સંકળાયેલા લોકોને તેમણે નાણાં આપેલાં પણ નેતાઓ અને મોટા ઓફિસરોને પણ કરોડ રૂપિયા આપ્યા છે. ઈડીનો તો દાવો છે કે, વિનોદ વર્મા મારફતે છત્તીસગઢ સરકારમાં બેઠેલા ટોચના અધિકારીઓ અને નેતાઓને નિયમિત હપ્તા મળે એવી ગોઠવણ કરી દીધેલી. વિનોદ વર્મા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના રાજકીય સલાહકાર હતા. 

ઈડીનો દાવો છે કે, દુબઈથી હવાલા મારફતે સુનિલ દામાણી અને અનિલ દામાણી એ બે હવાલા ઓપરેટર ભાઈઓ નાણાં આવતાં. આ નાણાં સતિષ ચંદ્રાકરને અપાતાં કે જે સૌરભ ચંદ્રાકરનો સગો છે. સતિષ છત્તીસગઢ પોલીસના આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર ચંદ્રભૂષણ વર્મા મારફતે ટોચના અધિકારીઓ અને ચીફ મિનિસ્ટરની ઓફિસમાં બેસનારા ટોચના નેતાઓને કરોડોના હપ્તા પહોંચાડતો. ઈડીએ આ કેસમાં દામાણી બંધુઓ, વર્મા અને ચંદ્રાકરની ધરપકડ કરી છે.

વિનોદ વર્માએ પોતાને આ કૌભાંડ સાથે કંઈ લેવાદેવા નહીં હોવાનો દાવો કર્યો છે પણ ઈડીનું કહેવું છે કે, વર્મા છત્તીસગઢમાં સૌરભ અને ચંદ્રાકરને છાવર્યા છે. બાકી આ કૌભાંડમાં છત્તીસગઢમાં સૌથી પહેલી ફરિયાદ ૨૦૨૧માં નોંધાઈ હતી. મહાદેવ એપની જુગારની લતે ચડીને બરબાદ થયેલા લોકોએ ગેરકાયદેસર રીતે ચલાવાતા ઓનલાઈન સટ્ટા અને જુગારની એપ સામે ફરિયાદ કરતાં ૭૫ જેટલી એફઆઈઆર નોંધાઈ હતી. પોલીસે ૪૨૯ લોકોની ધરપકડ કરી હતી. આ ગેરકાયદેસર સટ્ટો-જુગાર ચલાવવા ૩૦૦૦ જેટલાં બેંક ખાતાંનો ઉપયોગ થયો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવેલું પણ પછી અચાનક તપાસ ઠંડી પડી ગઈ. તેનું કારણ નેતાઓ અને અધિકારીઓને મળવા માંડેલા હપ્તા હતા.

ઈડીના દાવા પ્રમાણે, પોલીસ ઓફિસર ચંદ્રભૂષણ વર્માએ પોતાને દુબઈથી ૬૫ કરોડ રૂપિયા મળ્યા હોવાની કબૂલાત કરી છે. વર્મા તેમાંથી પોતાનો હિસ્સો રાખીને નેતા અને અધિકારીઓને વહેંચી દેતો એવું પણ કબૂલી ચૂક્યો હોવાનો ઈડીનો દાવો છે. ઈડીએ ક્યા નેતા કે અધિકારીઓને નાણાં મળ્યાં તેનો ફોડ પાડયો નથી પણ ઈડી અત્યારે જે રીતે મચી છે એ જોતાં નજીકમાં મોટા ધડાકા કરશે એવું લાગે છે. 

મહાદેવ એપ છીંડે ચડેલો ચોર છે પણ ભારતમાં બીજાં પણ આ પ્રકારનાં પ્લેટફોર્મ છે જ કે જે લોકોને સટ્ટા અને જુગારની લત લગાડીને તેમને બરબાદ કરે છે. ઈઝી મની કમાવાની લાલચમાં લોકો આ એપ કહે ત્યાં નાણાં જમા કરાવે છે ને અંતે લાખના બાર હજાર થઈને ઉભા રહે છે ત્યારે રાતા પાણીએ રડે છે.  મહાદેવ એપવાળા ઝપટે ચડી ગયા પણ બીજાંનો ધંધો ધમધોકાર ચાલે છે. તેનું કારણ એ જ હશે કે, મહાદેવ એપની જેમ તેમને પણ મોટાં માથાં તરફથી પ્રોટેક્શન મળતું હશે. ઈડી સહિતની 

ચંદ્રાકર નહીં, એન્જીનિયર ઉપ્પલ અસલી ખેલાડી

સૌરભ ચંદ્રાકરે પોતાના લગ્નમાં ૨૦૦ કરોડ રૂપિયાનો ધુમાડો કરીને સન્ની લીયોની, ટાઈગર શ્રોફ સહિતના ફિલ્મ સ્ટાર્સને બોલાવ્યા હતા. આ ફિલ્મ સ્ટાર્સને કરોડો રૂપિયા ચૂકવાયા હતા એનો ઈડીનો દાવો છે. ઈડી આ સ્ટાર્સની પૂછપરછ પણ કરવાની છે. સ્ટાર્સની સાથે નામ સંકળાયું તેના કારણે સૌરભ ચંદ્રાકર ચર્ચામાં આવી ગયો છે. મહાદેવ ઓનલાઈન બુકનો મુખ્ય માણસ સૌરભ હોય એવું ચિત્ર ઉભું કરાઈ રહ્યું છે પણ વાસ્તવમાં રવિ ઉપ્પલ મહાદેવ એપનું મુખ્ય ભેજું છે. 

સૌરભ ચંદ્રાકર ૨૮ વર્ષનો છે અને દસમા ધોરણ સુધી જ ભણેલો છે જ્યારે ૪૩ વર્ષનો રવિ ઉપ્પલ એન્જીનિયર છે. ભિલાઈમાં સૌરભના પિતા રમેશ ચંદ્રાકર નગર પાલિકામાં પંપ ઓપરેટર છે ને સૌરભ પોતે જ્યુસની દુકાન ચલાવતો હતો. ઉપ્પલના પિતાની પાસે જ પંક્ચરની દુકાન હતી તેથી એન્જીનિયર રવિ ત્યાં આવતો. આ કારણે રવિ અને સૌરભ સંપર્કમાં આવ્યા. સૌરભને રાતોરાત પૈસા કમાવાની તલપ હતી તેથી ઉપ્પલ સાથે પૈસા કમાવાના રસ્તા શોધ્યા કરતો. તેમાંથી રવિએ તેને સટ્ટાની એપ બનાવવાનો આઈડિયા આપ્યો હતો. સૌરભ દુબઈ ગયો પછી તેણે એક શેખને આ વિચાર કહ્યો ને તેને રસ પડી ગયો. શેખે બે પાકિસ્તાની ફાયનાન્સર શોધ્યા. ચંદ્રાકરે રવિને પણ દુબઈ બોલાવી લીધો. રવિએ પ્રોગ્રામર્સને પકડીને એપ બનાવડાવી અને એ રીતે મહાદેવ ઓનલાઈન બુક શરૂ થઈ.

મહાદેવ એપ પાસે કઈ રીતે નાણાં આવતાં ? 

મહાદેવ ઓનલાઈન બુક ક્રિકેટ, બેડમિંટન, ફૂટબોલ, ટેનિસ સહિતની લાઈવ ગેમ્સ પર ગેરકાયદેસર રીતે સટ્ટો રમવા ઉપરાંત પોકર, પત્તાં, ચાન્સ ગેમ્સ વગેરે રમવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડતી હતી. યુઝર્સ વર્ચ્યુઅલ ક્રિકેટ સિવાય તીન પત્તી, પોકર, ડ્રેગન ટાઈગર વગેરે કાર્ડ ગેમ્સ પણ રમી શકતા. આ સિવાય ભારતમાં જુદાં જુદાં થતી ચૂંટણીઓ પર પણ સટ્ટો રમાડાતો હતો.  આ માટે મહાદેવ ઓનલાઈ બુક દ્વારા અલગ અલગ વેબસાઈટ્સ બનાવાઈ હતી. આ સિવાય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ પર પેનલ ઓનર્સ દ્વારા બહુ મોટી સંખ્યામાં ક્લોઝ્ડ ગ્રુપ્સ બનાવાયાં હતા કે જે અંદરોઅંદર જુગાર રમ્યા કરતા હતા.

કોઈ પણ વ્યક્તિ મહાદેવ ઓનલાઈન બુકની વેબસાઈટ પર આવતી જાહેરખબર પર ક્લિક કરે એટલે તેને ચોક્કસ વોટ્સએપ નંબર પર સંપર્ક કરવાનું કહેવાતું. યુઝર એ નંબર પર સંપર્ક કરે એટલે બે અલગ નંબર અપાતા. એક નંબર પર નાણાં જમા કરાવવાનાં રહેતાં ને યુઝર આઈડી અપાતું. આ યુઝર આઈડી સાથેના એકાઉન્ટમાં જેમાં સટ્ટો રમ્યા હો તેના આધારે મળતા પોઈન્ટ્સ જમા થતા. 

બીજો નંબર આ પોઈન્ટ્સને કેશમાં કન્વર્ટ કરવા માટેનો રહેતો. યુઝરે જમા કરાવેલાં નાણાં બેનામી એકાઉન્ટમાં જતાં ને તરત જ તેમાંથી ઉપાડી લેવાતાં. સામાન્ય રીતે યુઝર જમા કરાવે તેની વીસેક ટકા રકમ અર્ન્ડ પોઈન્ટ્સના રૂપમાં તેને પાછી મળતી જ્યારે ૮૦ ટકા રકમ ચંદ્રાકર અને ઉપ્પલ પાસે પહોંચી જતી.

Gujarat
English
Magazines