- શેખ હસીના આઈસીટી એક્ટ 1973ને મજબૂત કરીને વોર ક્રાઈમના અપરાધીઓને ફાંસી અપાવી હતી અને હવે આ જ કાયદો તેમની સામે પડયો
- આ અદાલત નરસંહાર, યુદ્ધ અપરાધ જેવા કેસની સુનાવણી કરે છે. કહેવાય છે કે, આ એ જ અદાલત છે જેણે 1971ના યુદ્ધ અપરાધોના નામે બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામીના ઘણા દિગ્ગજ નેતાઓને ગનેગાર ઠેરવીને ફાંસીની સજા જાહેર કરી હતી: 2024માં બાંગ્લાદેશમાં થયેલા દેશવ્યાપી આંદોલનો દરમિયાન 1400 લોકોનાં મોત થયા હતા. આ મોત માટે શેખ હસીનાને જ દોષિત માનવામાં આવી રહ્યા છે. તેના પગલે આઈસીટીમાં તેમની વિરુદ્ધ કેસ ચલાવવામાં આવ્યો હતો. તેમને ગુનેગાર ગણીને આઈસીટી દ્વારા મૃત્યુ દંડ ફટકારવામાં આવ્યો છે: આઈસીટીના ચુકાદા સામે જો વ્યક્તિ અપીલ કરે તો તેણે રૂબરૂ જ હાજર રહેવું પડે છે, વકીલ દ્વારા તે હાજર રહી શકતા નથી. આ સંજોગોમાં હસીના પાસે આત્મસમર્પણ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. વ્યક્તિ જાતે હાજર ન રહે તો તેની અરજી સ્વીકારાતી નથી
બાંગ્લાદેશના -ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યૂનલ દ્વારા દેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને મૃત્યુ દંડની સજા જાહેર કરવામાં આવી છે. શેખ હસીના હાલમાં ભારતમાં છે અથવા તો બીજા કોઈ સ્થળે છે તેવી ચર્ચાઓ ચાલે છે. તેઓ કદાચ ક્યારેય બાંગ્લાદેશ પરત ફરશે નહીં તેવી પણ સૂત્રોમાં ચર્ચા છે. તેના કારણે જ આઈસીટી દ્વારા આપવામાં આવેલી ફાંસીની સજા કે મૃત્યુદંડ ખરેખર તેમને લાગુ પડશે કે કેમ તે સવાલ છે. કહેવાય છે કે, ત્રણ મુદ્દે આઈસીટીની અદાલત દ્વારા શેખ હસીનાને દોષિત જાહેર કરીને ફાંસીની સજા આપવામાં આવી છે. લોકોમાં ચર્ચા છે કે, શેખ હસીના દ્વારા જ આઈસીટી એક્ટ ૧૯૭૩ને મજબૂત કરીને તેમાં નવા પ્રાણ ફુંકવામાં આવ્યા હતા. હસીનાએ જ આઈસીટી કોર્ટને મજબુત બનાવી અને તેના દ્વારા વોર ક્રાઈમના ગુનગારોને ફાંસીએ ચડાવીને ન્યાય કરાવ્યો હતો. હવે આ કાયદો જ તેમની સામે પડયો છે અને તેઓ ફસાયા છે.
ખાસ વાત એ છે કે, તેમને સૌથી પહેલાં તો માનવતાના ગુનેગાર ગણવામાં આવ્યા છે. તેના કારણે તેમને ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે. આ સજા તેમને ક્યારે અપાશે અને કેવી રીતે અપાશે તેના વિશે પણ કોઈ સ્પષ્ટતા નથી. બીજી બાબત એવી છે કે, શેખ હસીના પાસે આ સજાની વિરુદ્ધ અપિલ કરવાના કયા અને કેવા અધિકારો છે અને વિકલ્પો છે તેના વિશે પણ હજી ખાસ બાબતો બહાર આવી નથી. આ માત્ર આઈસીટી દ્વારા જારી કરાયેલો આદેશ છે. તેના આધારે ફાંસી મળી જ જશે તેમ નક્કી કરી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા વિદ્યાર્થી આંદોલનને પગલે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના ભાગીને ભારત આવી ગયા હતા. તેઓ એક વર્ષ કરતા વધારે સમયથી દેશની બહાર જ છે. તેઓ દેશ પરત જાય તેમ પણ લાગતું નથી. આ બધા વચ્ચે ખરેખર ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યૂનલ શું છે અને તે આ પહેલાં પણ આવા આદેશ આપી ચૂક્યુ છે કે નહીં તેના વિશે ચર્ચા થવી જોઈએ. લોકોમાં પણ ચર્ચા છે કે, આઈસીટીએ આ પહેલાં કોને કોને ફાંસી આપી છે અને કોની કોની સજા ઉપર અમલીકરણ પણ થયું છે. આ કયા લોકો હતા અને તેમને કયા ગુનામાં ફાંસીની સજા જાહેર કરવામાં આવી હતી.
કહેવાય છે કે, બાંગ્લાદેશ સરકાર દ્વારા ૧૯૭૧ના યુદ્ધ અપરાધની સુનાવણી માટે ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યૂનલ એક્ટ ૧૯૭૩ બનાવવામાં આવ્યો હતો. આ ટ્રિબ્યુનલ ટેકનીકલી બાંગ્લાદેશની અદાલત જ છે પણ તેનું નામ ઈન્ટરનેશનલ રાખવામાં આવ્યું છે કારણ કે તેનું સ્ટ્રક્ચર વોર ક્રાઈમની કોર્ટ જેવું છે. ૨૦૧૦ પછી શેખ હસીના સરકારે આ કાયદામાં પ્રાણ પૂર્યા હતા અને જુના કેસ ખોલીને તેની ઝડપથી સુનાવણી હાથ ધરીને બધાને સજા ફરમાવાનું શરૂ કરાવ્યું હતું. આ અદાલત નરસંહાર, યુદ્ધ અપરાધ જેવા કેસની સુનાવણી કરે છે. કહેવાય છે કે, આ એ જ અદાલત છે જેણે ૧૯૭૧ના યુદ્ધ અપરાધોના નામે બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામીના ઘણા દિગ્ગજ નેતાઓને ગનેગાર ઠેરવીને ફાંસીની સજા જાહેર કરી હતી.
અબ્દુલ કાદર મોલ્લાહ કે જેને મીરપુરના કસાઈના નામે પણ ધિક્કારવામાં આવતા હતા તેમને આ કોર્ટ દ્વારા પહેલી વખત સજા જાહેર કરવામાં આવી હતી. ૨૦૧૩માં જમાત-એ-ઈસ્લામીના સીનિયર નેતા અબ્દુલ કાદરને ફાંસી આપવામાં આવી હતી. ૧૯૭૧માં ઢાકામાં સામુહિક હત્યાઓ, બળાત્કાર અને લોકોને પીડા આપવાના ગુનામાં તેને દોષિત જાહેર કરાયા હતા. તેના કારણે તેને મીરપુરનો કસાઈ પણ કહેતા હતા. તેની સામે ૩૪૪ લોકોની હત્યાના ગુના સાબિત થયા હતા. આઈસીટી કોર્ટ દ્વારા પહેલા ચુકાદા તરીકે અબ્દુલ કાદર મોહલ્લાહને ૧૨ ડિસેમ્બર ૨૦૧૩માં ફાંસી આપવામાં આવી હતી.
ત્યારબાદ બાંગ્લાદેશના બિઝનેસ ટાયકૂન મીર કાસિમ અલી કે જેઓ જમાત-એ-ઈસ્લામીના ફાઈનાન્સર હતા તેમને પણ ૨૦૧૬માં મૃત્યુ દંડ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનના સમર્થક અલ બદ્ર મિલિશિયા સાથે જોડાઈને ફંડિંગ કરવા માટે અને યુદ્ધ અપરાધમાં જોડાવાનો આરોપ મુકાયો હતો. એટલું જ નહીં તેમની સામે ચિતાગોંગમાં ટોર્ચર કેમ્પ ચલાવવાનો અને નિર્દોષ લોકોની હત્યા કરવાનો પણ આરોપ હતો. મીર કાસિમ અલીને ૨ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ મૃત્યુ દંડ આપવામાં આવ્યો હતો.
ઈસ્લામિક ઉપદેશક અને જમાત-એ-ઈશ્લામીના ઉપાધ્યક્ષ દિલવાર હુસૈન સૈયદીને પણ ૨૦૧૩માં જ મૃત્યુ દંડ આપવામાં આવ્યો હતો પણ સજાનું અમલીકરણ થયું નહોતું. તેમને ત્યારબાદ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ૧૯૭૧માં હિન્દુ અને બંગાળી નાગરિકો વિરુદ્ધ હત્યા, ધાર્મિક પીડા અને અમાનવીય કૃત્યોના ગુના નોંધાયા હતા. ત્યારબાદ તેમને આઈસીટી દ્વારા આ સજા કરવામાં આવી હતી. તેઓ ૨૦૨૩માં જેલમાં જ મૃત્યુ પામ્યા હતા. આ પહેલો કેસ હતો જેમાં મૃત્યુ દંડને આજીવન કેદમાં બદલવામાં આવ્યો હતો.
જાણકારના મતે ખાલિદા જિયાની પાર્ટી બીએનપીના સાંસદ સલાઉદ્દીન કાદર ચૌધરીને ૨૦૧૩માં મૃત્યુ દંડની સજા આપવામાં આવી હતી. તેની સામે પાકિસ્તાની સેનાની સાથે જોડાઈને નરસંહાર કરવાનો, લોકોના ઘર સળગાવવાનો અને બાળત્કાર કરવાનો આરોપ મુકાયો હતો.
૨૨ નવેમ્બર ૨૦૧૫ના રોજ તેને ફાંસી આપવામાં આવી હતી. તેની સજાની જાહેરાત બાદ બીએનપીએ આઈસીટી ઉપર રાજકીય બદલો લેવાના આરોપો મુક્યા હતા. બીજી તરફ અદાલતે પ્રમાણોના આધારે જ ચુકાદા આપ્યાની સ્પષ્ટતા કરી હતી. તેવી જ રીતે જમાન નેતા મોહમ્મદ કમરુજ્જમાનને ૨૦૧૨માં મૃત્યુ દંડ ફટકારવામાં આવ્યો હતો. તે પાકિસ્તાની આર્મી સમર્થિત આતંકી સંગઠન અલ બદ્રનો કમાન્ડર હતો. તેની સામે ૧૨૦ લોકોની હત્યાના ગુના દાખલ કરવામાં આવ્યા હતા. એપ્રિલ ૨૦૧૫માં તેને ફાંસી આપી દેવાઈ હતી. તેને પણ લોકો ખુંખાર વ્યક્તિ તરીકે જાણતા હતા અને તેનાથી ડરતા હતા. બાંગ્લાદેશીઓ આજે પણ આ તમામ લોકોને આજે પણ ધિક્કારે છે અને તેમના વિશે અપશબ્દો કહે છે.
ખાસ વાત એ છે કે, એવા ઘણા નેતા હતા જેમની ધરપકડ પણ થઈ નહીં અને તેમને સજા પણ થઈ શકી નહીં. જમાત-એ-ઈસ્લામીના નેતા અલી અહસાન મુહમ્મદ મુજાહિદને સજા જાહેર કરવામાં આવી હતી. તેમને ૨૦૧૫માં ફાંસી આપી દેવાઈ પણ તેમના કમાન્ડર ચૌધરી મોઈનુદ્દીનને પણ દોષિત જાહેર કરીને ફાંસીની સજા જાહેર કરાઈ હતી.
જોકે તેઓ ક્યારેય પકડમાં આવ્યા જ નહોતા. પોલીસ તેમને પકડી શકી નહોતી અને ત્યારબાદ તેમના મૃત્યુના સમાચાર મળ્યા હતા. અલ-બદ્રનો જ એક કમાન્ડર અશરફુજ્જમાં ખાનને પણ મૃત્યુ દંડ અપાયો હતો. જો કે, તેની પણ ધરપકડ થઈ શકી નહોતી અને ત્યારબાદ તેના મૃત્યુના જ સમાચાર આવ્યા હતા. જમાતના નેતા એટીએમ અજહરુમલ ઈસ્લામને પણ મૃત્યુ દંડની સજા અપાઈ હતી. થોડા સમય પછી તેમની સજા રદ કરવામાં આવી હતી. આ સિવાય પણ ઘણા નેતાઓ અને લોકો હતા જેમને આઈસીટી દ્વારા મૃત્યુ દંડ ફટકારાયો હતો પણ તેઓ પકડાયા નહોતા.મહત્ત્વનું એ છે કે, શેખ હસીનાની સામે પણ આવા જ ગુના લાગુ કરવામાં આવ્યા છે. કહેવાય છે કે, ૫ ઓગસ્ટ ૨૦૨૪માં બાંગ્લાદેશમાં જે વિદ્યાર્થી આંદોલન અને વિદ્રોહ થયો ત્યારબાદ જે સ્થિતિ ઊભી થઈ તેના પગલે શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારતમાં શરણું લેવા આવી ગયા હતા. બાંગ્લાદેશની વર્તમાન સરકાર અને તંત્ર આ કેસમાં હસીનાને દોષિત માને છે. ૨૦૨૪માં બાંગ્લાદેશમાં થયેલા દેશવ્યાપી આંદોલનો દરમિયાન ૧૪૦૦ લોકોનાં મોત થયા હતા. આ મોત માટે શેખ હસીનાને જ દોષિત માનવામાં આવી રહ્યા છે. તેના પગલે આઈસીટીમાં તેમની વિરુદ્ધ કેસ ચલાવવામાં આવ્યો હતો. ૧૪૦૦ લોકોનાં મોતના ગુનેગાર ગણીને આઈસીટી દ્વારા તેમને મૃત્યુ દંડ ફટકારવામાં આવ્યો છે.
જાણકારોના મતે આઈટીસી આ ચુકાદો આપશે તેનો પહેલેથી જ લોકોને અંદાજ હતો. લોકો તેને રાજકીય નિર્ણય માની રહ્યા છે તો કેટલાક તેને ન્યાય ગણાવી રહ્યા છે.
શેખ હસીના પાસે ચુકાદાની વિરુદ્ધ જવાના વિકલ્પો છે પણ પ્રત્યર્પણનું જોખમ
જાણકારોના મતે શેખ હસીના પોતાને જાહેર થયેલી સજાની વિરુદ્ધ અપીલ કરી શકે છે. તેઓ આઈસીટી એક્ટ ૧૯૭૩ની કલમ ૨૧ હેઠળ બાંગ્લાદેશમાં જ અપીલ કરી શકે છે. તેના માટે તેમની પાસે ૬૦ દિવસનો સમય પણ છે. તેમણે બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટની અપીલીય ડિવિઝનમાં અરજી કરવી પડશે. હાલમાં તેઓ ભારતમાં શરણું મેળવીને રહે છે તેથી તેમના બદલે તેમના વકીલો અરજી કરી શકે છે. જાણકારોના મતે આઈસીટી દ્વારા અપાયેલા મૃત્યુદંડની સામે સુપ્રીમમાં જવા માટે કદાચ હસીનાને આત્મસમર્પણ કરવું પડશે અથવા તેમની ધરપકડ કરવી પડશે. હાલમાં હસીના તે કરી શકે તેમ જ નથી.
જાણકારો માને છે કે, આઈસીટીના ચુકાદા સામે જો વ્યક્તિ અપીલ કરે તો તેણે રૂબરૂ જ હાજર રહેવું પડે છે, વકીલ દ્વારા તે હાજર રહી શકતા નથી. આ સંજોગોમાં હસીના પાસે આત્મસમર્પણ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. વ્યક્તિ જાતે હાજર ન રહે તો તેની અરજી સ્વીકારાતી નથી. તેથી તેમણે સુપ્રીમમાં જવા માટે તો બાંગ્લાદેશ પરત જ જવું પડશે. બીજી તરફ એવું પણ કહેવાય છે કે, બાંગ્લાદેશ આઈસીટીના ચુકાદાની વિરુદ્ધ તે સીધા જ યુએનના માનવાધિકાર સમિતિમાં જઈ શકે છે અને અન્ય આંતરરાષ્ટ્રીય સમિતિઓમાં અપીલ કરી શકે છે. અહીંયા માત્ર માનવાધિકારને ધ્યાનમાં રાખીને કામગીરી થઈ શકે છે પણ કાયદા મુદ્દે તો બાંગ્લાદેશ જ જવું પડે. લોકો માને છે કે, હસીનાની ધરપકડ કરવામાં આવશે પણ હાલમાં તે શક્ય નથી. તેઓ હાલમાં ભારતમાં છે અને તેથી તેમની ધરપકડ શક્ય નથી. કોર્ટ તેમની ગેરહાજરીમાં અપીલ સ્વીકારી લે તો તેમની સજા ઉપર ફેરસુનાવણી થઈ શકે છે. બીજી તરફ એવું પણ મનાય છે કે, બાંગ્લાદેશે ગત વર્ષે નોટ વર્બલ મોકલીને શેખ હસીનાના પ્રત્યર્પણ માટે અપીલ કરી હતી. ભારતે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. બાંગ્લાદેશે આ વર્ષે હસીના વિરુદ્ધ પુરાવા પણ આપ્યા હતા. જો કે ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો નથી. બાંગ્લાદેશ ફરીથી પ્રત્યર્પણ માટે અપીલ કરે અને ભારત સાથે વાટાઘાટ થાય તેવું બની શકે. એક વાત નક્કી છે કે, હાલમાં સજાનું અમલીકરણ થવાની શક્યતા નથી.


