ChatGptમાંથી સેમ ઘરભેગા, ટોક્સિક કન્ટેન્ટ સામેનો વાંધો નડયો
Updated: Nov 19th, 2023
- સેમ એલ્ટમેન પોતાની રીતે જ વર્તતા તેથી માઈક્રોસોફ્ટનું બોર્ડ ભડકેલું, તેમાંય એલ્ટમેને સબસ્ક્રીપ્શન રોકવાનો નિર્ણય લીધો તેથી વાત વણસી ગઈ
- ચેટજીપીટીની વિશ્વસનિયતા શંકાસ્પદ છે એવી ટીકા થાય છે. ચેટજીપીટીમાં અલગ અલગ પ્રકારની હિંસા વિશે વિસ્તૃત કન્ટેન્ટ છે. તેમાં સેક્સ્યુઅલ વાયોલન્સ પણ આવી ગઈ. એવું કહેવાય છે કે, સેમ એલ્ટમેંને ચેટજીપીટીમાં રહેલા આ પ્રકારના તમામ ટોક્સિક કન્ટેન્ટને ફિલ્ટર કરવા એટલે કે કાઢી નાંખવા માટેની ક્વાયત હાથ ધરેલી. આ કન્ટેન્ટ દૂર થશે તો ચેટજીપીટીની ટીકા બંધ થશે અને તેની વિશ્વસનિયતા વધશે એ ઉદ્દેશથી એલ્ટમેને ટોક્સિક કન્ટેન્ટ ફિલ્ટર કરવાના કામનું આઉટસોર્સિંગ પણ કરી દીધેલું.
વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દેનારી ઘટનામાં ચેટજીપીટી બનાવનારી કંપની ઓપન એઆઈના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (સીઈઓ) સેમ એલ્ટમેનને રવાના કરી દીધો. એલ્ટમેનના સ્થાને વચગાળાનાં સીઈઓ તરીકે મીરા મુરાતીની નિમણૂક કરાઈ છે. આ આંચકો નાનો હોય એમ સેમની હકાલપટ્ટીના કલાકોમાં ઓપનઆઈના પ્રેસિડેન્ટ ગ્રેગ બ્રોકમેને પણ રાજીનામું ધરી દેતાં સૌ સ્તબ્ધ થઈ ગયા છે.
ઓપનઆઈએ હમણાં જ ચેટજીપીટી ચેટબોટમાં નવાં ફીચર્સ ઉમેરેલાં. તેના કારણે ચેટજીપીટી ચેટબોટની ડીમાન્ડ જોરદાર વધી ગઈ છે અને સબસ્ક્રીપ્શન માટે પડાપડી થઈ રહી છે. સેમ એલ્ટમેને તેનો લાભ લેવા માટે નવાં સબસ્ક્રીપ્શન લેવાનું બંધ કરેલું. ઓપનઆઈ સબસ્ક્રીપ્શન રેટ વધારીને ફરીથી સબસ્ક્રીપ્શન લેવાનું શરૂ કરશે એવી અટકળોના કારણે ઓપનઆઈ ચર્ચામાં હતી જ ત્યાં બેવડાં રાજીનામાં પડતાં ઓપનઆઈની જ સર્વત્ર ચર્ચા છે.
એલ્ટમેને એલન મસ્ક સહિતના લોકો સાથે મળીને ૨૦૧૫માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રે ક્રાંતિ લાવવા ઓપનઆઈની સ્થાપના કરીને ચેટજીપીટી શરૂ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરેલો. એ વખતે સેમ વાય કોમ્બિનેટર ચલાવતો હતો પણ ૨૦૧૯માં ઓપનએઆઈ પર ધ્યાન આપી શકાય એ માટે સેમે વાય કોમ્બિનેટર છોડી દીધેલી. એલ્ટમેને ઓપનઆઈના સીઈઓ તરીકે ચેટજીપીટીના કામને ઝડપભેર આગળ ધપાવીને પ્રોજેક્ટ પૂર કરેલો ને ચેટજીપીટીને કામ કરતું કરી દીધેલું. એ રીતે જોઈએ તો ચેટજીપીટીની સફળતાનો મોટા ભાગનો યશ સેમ એલ્ટમેનને જાય છે.
ગ્રેગ બ્રોકમેન એલ્ટમેનનો મિત્ર હતો ને ઓપનઆઈનો સહ-સ્થાપક પણ હતો. બ્રોકમેનના ફ્લેટમાં જ ૨૦૧૫માં ઓપનઆઈની શરૂઆત થયેલી તેથી બ્રોકમેન પહેલા દિવસથી કંપની સાથે જોડાયેલો હતો. બ્રોકમેને ઓપનઆઈ છોડવાની જાહેરાત કરી તેમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે, એલ્ટમેનને રવાના કરાયો એ કારણે પોતે ઓપનએઆઈ છોડે છે. આ સંજોગોમાં ઓપનએઆઈમાંથી હજુ બીજાં રાજીનામાં પડી શકે છે.
ઓપનઆઈના બોર્ડે સેમ એલ્ટમેનની હકાલપટ્ટી માટે વાહિયાત કારણો આપ્યાં છે. એલ્ટમેન ડિરેક્ટર્સને હળવાશથી લેતા હતા, બોર્ડ સાથે કોમ્યુનિકેશન નહોતા કરતા, એલ્ટમેનની કંપનીને નેતૃત્વ પૂરું પાડવાની ક્ષમતા સામે શંકા થવા લાગી છે એ બધાં કારણો ગળે ઉતરે એવાં નથી. આ બધાં કારણો નહીં પણ બહાનાં હોય એવું લાગે છે. કોઈ કંપની પોતાના સ્થાપકને આવાં સાવ ફાલતુ કારણસર રવાના ના કરે એ નાના છોકરાને પણ સમજાય એવી વાત છે. આ કારણે એલ્ટમેનને ખરેખર કેમ રવાના કરાયા એ મોટો સવાલ છે.
ટેકનોલોજી વર્લ્ડમાં ચાલતી ચર્ચા પ્રમાણે એલ્ટમેનને રવાના કરવા પાછળ બે મુખ્ય કારણ જવાબદાર હોવાની શક્યતા છે. પહેલું કારણ માઈક્રોસોફ્ટની વધતી દખલ છે. ચેટજીપીટીને વિકસાવવા માટે માઈક્રોસોફ્ટે કરોડો ડોલર ખર્ચ્યા છે. માઈક્રોસોફ્ટને પોતે કરેલા રોકાણનું સંપૂર્ણ વળતર મળે એ માટે તમામ નિર્ણયો પોતાને પૂછીને જ લેવાય એ પ્રકારની ગોઠવણ જોઈતી હતી પણ એલ્ટમેન એ માટે તૈયાર નહોતા.
એલ્ટમેન પોતાની રીતે જ વર્તતા તેથી માઈક્રોસોફ્ટનું બોર્ડ ભડકેલું. તેમાં એલ્ટમેને સબસ્ક્રીપ્શન રોકવાનો નિર્ણય લીધો તેથી વાત વણસી ગઈ. ચેટજીપીટી ચેટબોક્સમાં નવાં ફીચર્સ ઉમેર્યા પછી તાત્કાલિક રોકડી કરી લેવાની માઈક્રોસોફ્ટની ઈચ્છા હતી પણ એલ્ટમેને સબસ્ક્રીપ્શન રોકીને એ ઈચ્છા પૂરી ના થવા દીધી તેથી માઈક્રોસોફ્ટે પોતાનો પાવર બતાવી દીધો એવું કહેવાય છે.
બીજું કારણ વધારે ગંભીર છે. ચેટજીપીટીની વિશ્વસનિયતા શંકાસ્પદ છે એવી ટીકા થાય છે. ચેટજીપીટીમાં અલગ અલગ પ્રકારની હિંસા વિશે વિસ્તૃત કન્ટેન્ટ છે. તેમાં સેક્સ્યુઅલ વાયોલન્સ પણ આવી ગઈ. એવું કહેવાય છે કે, સેમ એલ્ટમેંને ચેટજીપીટીમાં રહેલા આ પ્રકારના તમામ ટોક્સિક કન્ટેન્ટને ફિલ્ટર કરવા એટલે કે કાઢી નાંખવા માટેની ક્વાયત હાથ ધરેલી. આ કન્ટેન્ટ દૂર થશે તો ચેટજીપીટીની ટીકા બંધ થશે અને તેની વિશ્વસનિયતા વધશે એ ઉદ્દેશથી એલ્ટમેને ટોક્સિક કન્ટેન્ટ ફિલ્ટર કરવાના કામનું આઉટસોર્સિંગ પણ કરી દીધેલું.
એલ્ટમેન પહેલેથી એઆઈનો ઉપયોગ હકારાત્મક રીતે થવો જોઈએ તેની તરફેણ કરે છે પણ એક મોટું પ્લેટફોર્મ ઝડપથી ઉભું કરવાની લાલચમાં તમામ પ્રકારનું કન્ટેન્ટ આપી દેવાયું. આ કન્ટેન્ટ સોનાની ખાણ સાબિત થઈ રહ્યુ છે કેમ કે ચેટજીપીટીમાં અત્યારે સૌથી વધારે કમાણી આ ટોક્સિક કન્ટેન્ટમાંથી જ થાય છે તેથી બોર્ડને તે દૂર કરવા સામે વાંધો હતો. તેમની દલીલ એવી હતી કે, કંપની બિઝનેસ કરે છે ને તેનો ઉદ્દેશ કમાણીનો છે, તેમાં નૈતિકતાની વાત ન ઘૂસેડવ જોઈએ. સેમ એલ્ટમેન નૈતિકતા જાળવવાની તરફેણમાં હતો તેમાં સંઘર્ષ થયો ને છેવટે એલ્ટમેનને ફાયર કરી દેવાયો. ઓપનઆઈ ખરાબ કન્ટેન્ટ કાઢવાના બદલે એ કાઢવાની તરફેણ કરનારા માણસને જ કાઢી મૂકે એ ખરાબ કહેવાય. કંપનીના ઈરાદા ખતરનાક કહેવાય.
એલ્ટમેનની કારકિર્દી ઉજળી છે તેથી તેને બહુ ફરક નહીં પડે. માત્ર ૩૮ વર્ષના સેમ એલ્ટમેને ૨૦૦૫માં ૧૯ વર્ષની ઉંમરે તો પોતાની પહેલી કંપની લૂપ્ટ બનાવેલી ને તેના માટે બજારમાંથી ૩ કરોડ ડોલર ઉભા કરેલા. સાત વર્ષ પછી તેણે આ કંપની ૪.૩૪ કરોડ ડોલરમાં વેચી હતી. સેમે પોતાના ભાઈ જેક સાથે બનાવેલી હાઈડ્રાઝિન કેપિટલ ધૂમ ચાલે છે. સેમની પોતાની વાય કોમ્બિનેટરે ૪૦૦૦ કંપનીઓ ઉભી કરવામાં મદદ કરી છે ને તેમનું મૂલ્ય ૨૦૦ અબજ ડોલરથી વધારે છે.
એલ્ટમેને કોઈને એઆઈમાં ભવિષ્ય નહોતું લાગતું ત્યારે ઓપનઆઈ સ્થાપેલી એ જોતાં તેના માટે નવું કશું કરવું મુશ્કેલ નથી પણ ઓપનઆઈ કઈ દિશામાં જશે એ મહત્વનું છે. ઓપનઆઈ ટોક્સિક કન્ટેન્ટને જ વળગી રહે તો ભવિષ્યમાં એ સમાજ માટે ખતરનાક બની જશે.
સેમની સ્ટીવ જોબ્સની એપલમાંથી હકાલપટ્ટી સાથે સરખામણી
ટેકનોલોજીના નિષ્ણાતો ચેટજીપીટીમાંથી સેમ એલ્ટમેનની હકાલપટ્ટીને એપલમાંથી સ્ટીવ જોબ્સની હકાલપટ્ટી સાથે સરખાવી રહ્યા છે. જોબ્સે સ્ટીવ વોઝનિયાક સાથે મળીને ૧૯૭૦ના દાયકામાં એપલની સ્થાપના કરીને દુનિયામાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવી દીધી હતી. એપલનાં કોમ્પ્યુટર ધૂમ મચાવવા માંડયાં તેથી ૧૯૮૦નો દાયકો આવતાં સુધીમાં એપલ મોટી કંપની બની ચૂકી હતી.
એપલને મોટી કંપની બનાવવા જોબ્સ અને વોઝનિયાકે બહારના ઈન્વેસ્ટર્સને લાવવા પડયા તેથી એપલના બોર્ડમાં જેમને કમાણીમાં રસ હતો એવા ધનિકો વધી ગયા. બાકી હતું તે જોબ્સ પેપ્સીમાંથી જોન સ્કલીને સીઈઓ તરીકે લઈ આવ્યો.
સ્કલીએ કોર્પોરેટ સ્ટાઈલમાં કંપની પર વર્ચસ્વ જમાવવાના કાવાદાવા શરૂ કરીને જોબ્સની પાંખો કાપી નાંખી. જોબ્સ પાસેથી મહત્વના પ્રોજેક્ટ લઈ લઈને તેની પાસે કોઈ સત્તા ના હોય એવા ડીપાર્ટમેન્ટમાં મૂકીને સ્કલીએ જોબ્સને નવરો કરી દીધો. સ્કલીએ જોબ્સની હકાલપટ્ટીનો તખ્તો ઘડી કાઢેલો તેથી બેઆબરૂ થવાય એ પહેલાં જોબ્સે ૧૯૮૫માં રાજીનામું ધરી દીધેલું. બોર્ડે જોબ્સનું રાજીનામું ના સ્વીકાર્યું પણ જોબ્સને સત્તા પણ ના આપી. અકળાયેલા જોબ્સે છ મહિના પછી ફરી રાજીનામું ધરી દીધું ને એ વખતે તેનું રાજીનામું સ્વીકારી લેવાયું.
જોબ્સની વિદાય પછી એપલનાં વળતાં પાણી શરૂ થયાં. એક દાયકામાં તો કંપની ડચકાં ખાવા માંડેલી. સ્કલીએ કંપનીની ઘોર ખોદી નાંખતાં ૧૯૯૩માં તેને રવાના કરવો પડયો. કંપનીએ બીજા સીઈઓ લાવી જોયા પણ મેળ ના પડતાં છેવટે ૧૯૯૬માં ફરી સ્ટીવ જોબ્સને સીઈઓ બનાવવો પડયો.
સેમ એલ્ટમેનના કિસ્સામાં જોબ્સના કિસ્સાનું પુનરાવર્તન થાય છે કે નહીં એ જોવાનું છે.
મીરા મુરાતી આલ્બેનિયન, ભારત સાથે લેવાદેવા નથી
સેમ ઓલ્ટમેનના સ્થાને વચગાળાનાં સીઈઓ નિમાયેલાં મીરા મુરાતી ભારતીય છે એવા દાવા ભારતીય મીડિયામાં કરાયેલા પણ વાસ્તવમાં મીરા આલ્બેનિયન છે, ભારત સાથે તેમને કંઈ લેવાદેવા નથી. ૩૫ વર્ષનાં મીરાનાં માતા-પિતા આલ્બેનિયાનાં છે. સ્કૂલનું શિક્ષણ આલ્બેનિયામાં લીધા પછી મીરા કેનેડામાં
ભણ્યાં અને મીકેનિકલ એન્જીનિયર બન્યાં.
મીરાએ ૨૦૧૧માં ગોલ્ડમેન સાક્સમાં ઈન્ટર્ન તરીકે જોડાઈને કારકિર્દી શરૂ કરેલી. ૨૦૧૨માં એન્જીનિયરિંગ પૂરું કર્યા પછી મીરા ઝોડિયાક એરોસ્પેસમાં જોડાયેલાં. એ પછી ટેસ્લા, લીપ મોશન વગેરે કંપનીઓમાં કામ કર્યા પછી મીરા ૨૦૧૮માં ઓપનઆઈમાં જોડાયાં હતાં. ચેટજીપીટી પર કામ શરૂ થયું ત્યારથી તેના પર કામ કરનારાં મીરાને પછી પ્રમોશન આપીન ઓપનએઆઈમાં ચીફ ટેકનોલોજી ઓફિસર બનાવાયેલાં.
મીરાંને ટેકનોલોજીમાં ખાં માનવામાં આવે છે. ડાર્ટમાઉથ કોલેજમાં ભણતાં હતાં ત્યારે મીરાએ હાયબ્રિડ રેસ કાર બનાવેલી. ટેસ્લામાં પણ મોડલ એક્સના ડેવલપમેન્ટમાં યોગદાન આપેલું. લીપ મોશન સ્ટાર્ટ અપ હતું ને તેમાં મીરાએ હાથ અને આંગળાં ક્યાં ફરે છે એ ટ્રેક કરવાની કોમ્પ્યુટિંગ સિસ્ટમ વિકસાવેલી.