- ભારતમાં ક્યાંય લોકલ ટ્રાન્સપોર્ટની સારી વ્યવસ્થા નથી, કાર પુલિંગ કરવાની માનસિકતા નથી અને છતાં પેટ્રોલ-ડીઝલ બચાવવાની સુફિયાણી વાતો થાય છે
- દેશમાં મેટ્રો, લોકલ ટ્રેન, બસો વગેરેની વ્યવસ્થા શહેરોમાં વધી રહી છે પણ ગામડાઓમાં આવી સુવિધા નથી. એક ગામથી બીજા ગામ જવા બસ સેવાઓ છે જે મર્યાદિત છે. બીજી તરફ શહેરોમાં મેટ્રો અને લોકલ ટ્રેનની સુવિધાઓ પણ જે સ્થાને છે ત્યાંથી ઓફિસ જવા માટે કે પછી ઘરે જવા-આવવા માટે ઘણી સમસ્યા થાય છે : દિલ્હી મેટ્રો હોય કે મુંબઈની લોકલ જેમાં પીક અવર્સમાં જ ભયાનક ભીડ હોય છે તેવામાં જો મિડલ ક્લાસના જ તમામ લોકો આ સેવામાં જવા લાગે તો હાલત વધારે કફોડી થઈ જાય. પશ્ચિમી દેશો કે યુરોપની જેમ અહીંયા ઠંડક ધરાવતું વાતાવરણ હોતું નથી. અહીંયા તો 48 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે. તોફાની વરસાદ પડે છે. આવા સંજોગોમાં સાઈકલ લઈને કે ચાલતા ચાલતા ઓફિસ અથવા તો ઘર સુધી જવું અશક્ય છે : સિંગાપુરમાં ગાડી ખરીદતા પહેલાં સર્ટિફિકેટ ઓફ એન્ટાઈટલમેન્ટ લેવું પડે છે. તેના માટે ઘણી વખત 90 લાખ સુધીની ફી ભરવાની આવે છે. તેથી ગાડી કરતા ફીની રકમ વધી જાય છે. બીજી તરફ અહીંયા લાઈસન્સ 10 વર્ષ માટે જ મળે છે. તેના માટે પણ તોતિંગ ફી અને આકરી પરીક્ષાઓ છે. તેથી લોકો હાઈટેક જાહેર પરિવહનને વધારે પસંદ કરે છે
મિડલ ઈસ્ટમાં જે સમસ્યા સર્જાઈ છે તેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ બચાવવાની હાકલ કરવામાં આવી છે. વિદેશી હુંડિયામણ બચાવવા અને અન્ય વસ્તુઓનો મર્યાદિત અને કરકસરયુક્ત ઉપયોગ કરવા માટે લોકોને સામાન્ય જીવન જીવવા અપીલ કરી છે. ખાસ કરીને વર્ક ફ્રોમ હોમ, કાર-પુલિંગ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની પણ અપીલ કરવામાં આવી છે. બીજી તરફ વડા પ્રધાને પોતાના કાફલામાં મોટો કાપ મુકી દીધો છે. તેમના પગલે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓએ કાફલો ઘટાડી દીધો છે. ઘણા અધિકારીઓ, જજ દ્વારા જાહેર પરિવહનનો ઉપયોગ શરૂ કરી દેવાયો છે.
વાસ્તવિકતા એવી છે કે, દેશમાં મોટા શહેરોને બાદ કરતા ક્યાંય જાહેર પરિવહનનું એવું માળખું જ નથી કે જેનો લોકો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે. સમગ્ર વિશ્વમાં નજર કરીએ તો એવા કેટલાય દેશો છે જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ જ એ સ્તરની છે કે લોકો પોતાના વાહનોનો ઉપયોગ ટાળે છે. ક્યાંક નિયમો એવા કડક છે અને ફી એવી તોતિંગ લેવાય છે જેથી લોકો પોતાના વાહનો લેવાનું ટાળે છે. કેટલાક દેશોએ જાહેર પરિવહન સાવ મફત રાખ્યું છે જેથી દેશમાં ગમે ત્યાં અને ગમે ત્યારે લોકો ફરી શકે છે. સૌથી મોટી વાત એ છે કે, સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ પરિવહન સેવાઓ છે. માત્ર નામની કે સ્લોગનો પૂરતી મર્યાદિત નથી. બીજી તરફ ભારતની વાત કરીએ તો અહીંયા શહેરોમાં બસ સેવાઓ છે, કેટલાક શહેરોમાં મેટ્રો છે, ગુજરાતમાં ક્યાંક ક્યાંક બીઆરટીએસ છે. આ સેવાઓ એવી રીતે ગોઠવાયેલી છે કે શહેરના દરેક વ્યક્તિને તેનો લાભ મળી શકે તેમ જ નથી. શહેરોના અનેક વિસ્તારોમાં મેટ્રો હોય તો બીઆરટીએસ ન હોય કે પછી સિટી બસ ન આવતી હોય. સિટી બસ આવતી હોય તો બાકીની સેવા ન હોય.
દેશના ગામડાઓની તો વાત જ થાય એવી નથી. અહીંયા આજેય અનેક અંતરિયાળ ગામો છે જ્યાં પરાણે એકાદી બસ આવે છે. લોકો પોતાના વાહનો રાખ્યા સિવાય ક્યાં જઈ શકતા જ નથી. માણસ બિમાર પડે તો એમ્બ્યુલન્સની સેવા પણ મળતી નથી. અનેક ગામડા અને વિસ્તારો એવા છે જ્યાં લોકો જાતે નદી પાર કરીને જાય છે. અહીંયા સરકાર હોડીની સેવા પણ આપી શકી નથી કે નદી ઉપર પુલ પણ બનાવી શકી નથી. શહેરોમાં પણ મૂડીવાદ, દેખાદેખી, સ્પર્ધાત્મકતા એવા મગજમાં ચડી ગયા છે કે લોકો પોતાના વાહનો લેવા પડાપડી કરી રહ્યા છે. એક જ ઘરમાં બે-ત્રણ ગાડીઓ, ચાર-પાંચ ટુ વ્હીલર હોય છે. સરવાળે લાખો રૂપિયાના પેટ્રોલનો ધુમાડો થાય છે.
પીએમ મોદી દ્વારા અપીલ કરવામાં આવે કે તેઓ પોતે ઉદાહરણ પૂરું પાડે પણ સ્થિતિ બદલાય તેવી શક્યતાઓ નહીવત છે. આપણે ત્યાં પ્રાઈવેટ વાહનો હોવા, મોંઘી ગાડીઓ હોવી અને ખાસ કરીને નેતાઓ, મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા મોંઘીદાટ ગાડીઓ સાથે સ્ટેટસ બતાવવું એક સામાન્ય બાબત થઈ ગઈ છે. લોકો પણ તેમાં જોડાતા જાય છે. બીજી તરફ યુરોપ અને પશ્ચિમી દેશો જેવી લાઈફસ્ટાઈલ ભારતમાં નથી. અહીંયા તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી. તેના કેટલાક મહત્ત્વના કારણો પણ છે.
સૌથી પહેલું કારણ એવું છે કે, દેશમાં મેટ્રો, લોકલ ટ્રેન, બસો વગેરેની વ્યવસ્થા શહેરોમાં વધી રહી છે પણ ગામડાઓમાં આવી સુવિધા નથી. એક ગામથી બીજા ગામ જવા બસ સેવાઓ છે જે મર્યાદિત છે. બીજી તરફ શહેરોમાં મેટ્રો અને લોકલ ટ્રેનની સુવિધાઓ પણ જે સ્થાને છે ત્યાંથી ઓફિસ જવા માટે કે પછી ઘરે જવા-આવવા માટે ઘણી સમસ્યા થાય છે. અહીંયા પણ રીક્ષાઓ મળતી નથી, જે મળે છે તેઓ બેફામ પૈસા માગતા હોય છે. ગ્રાહકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે. વિદેશોમાં એવું જરાય નથી. ત્યાં સારામાં સારા વોક વે છે. તે ઉપરાંત ફીડર બસો અને અન્ય વ્યવસ્થા અદભૂત રીતે ગોઠવાયેલી હોય છે. તેમાં અંતિમ માઈલ સુધી કનેક્ટિવિટી મળે છે જે ભારતમાં મળવી અશક્ય છે. તેથી જ લોકો ખાનગી વાહનો ઉપર વધારે આધાર રાખે છે.
બીજું કારણ એવું છે કે, માત્ર મિડલ ક્લાસ જો પોતાના ટૂ વ્હીલર બંધ કરીને બસો, મેટ્રો અને અન્ય જાહેર પરિવહનોમાં જવા લાગે તો સ્થિતિ એવી આવે કે, ચારે તરફ ભીડ થઈ જાય. તમામ સેવાઓ ઓવરક્રાઉડેડ થઈ જાય. દિલ્હી મેટ્રો હોય કે મુંબઈની લોકલ જેમાં પીક અવર્સમાં જ ભયાનક ભીડ હોય છે તેવામાં જો તમામ લોકો આ સેવામાં જવા લાગે તો હાલત વધારે કફોડી થઈ જાય.
ત્રીજું અને સૌથી મોટું કારણ ભારતનું વાતાવરણ છે. પશ્ચિમી દેશો કે યુરોપની જેમ અહીંયા ઠંડક ધરાવતું વાતાવરણ હોતું નથી. અહીંયા તો ૪૮ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે. તોફાની વરસાદ પડે છે. આવા સંજોગોમાં કઈ વ્યક્તિ સાઈકલ લઈને કે ચાલતા ચાલતા ઓફિસ અથવા તો ઘર સુધી જઈ શકે. બીજી તરફ ચાલતા જવા માટે પણ ફુટપાથ વધ્યા નથી. લોકો ટ્રાફિકમાં ફૂટપાથ ઉપર વાહનો ચલાવે છે. બાકી મોટાભાગના શહેરોમાં તો ફુટપાથ ઉપર દબાણ જ હોય છે. ઝિબ્રા ક્રોસિંગ જેવું કલ્ચર પણ લોકો સ્વીકારતા કે સમજતા નથી.
ચોથું મોટું કારણ છે, સ્ટેટસ સિમ્બોલ બનવાના માટેના ધખારા. લોકો ગાડીઓને, વાહનોને પોતાની જરૂરિયાત નહીં પણ પોતાના સ્ટેટસ અને સફળતાના પ્રતિક સમાન માને છે. આપણે ત્યાં વાહન ન ખરીદે ત્યાં સુધી તેને સફળ માનવામાં આવતો નથી. સફળ વ્યક્તિ પાસે મોટી ગાડીઓ અથવા તો એક કરતા વધારે ગાડીઓ હોવી જોઈએ, બે-ચાર ટૂ વ્હીલર હોવા જોઈએ તેવી માનસિકતા થઈ ગઈ છે. સમાજને બતાવવા માટે મોટી અને મોંઘી ગાડીઓ લેવાનો ક્રેઝ ચાલ્યો છે. તેના કારણે સ્થિતિ એવી થઈ છે કે, રસ્તા ઉપર વાહનોની ભીડ વધી ગઈ છે.
મૂળ વાત એવી છે કે, હાલમાં જે પગલાં લેવાઈ રહ્યા છે તે માત્ર કામચલાઉ અને શોર્ટ ટર્મ ઉકેલ આપે તેવા છે. લાંબાગાળા માટે તો મજબૂત માળખાની રચના કરવી પડશે અને નાગરિકોને જાગ્રત કરવા પડશે. જાહેર સેવાઓમાં જ્યાં સુધી યોગ્ય વધારો નહીં થાય, મજબૂત સવલતો નહીં મળે ત્યાં સુધી લોકો ખાનગી વાહનો જ ચલાવતા રહેશે. સરકારે ખરેખર લાઈટ માઈલ કનેક્ટિવિટી આપવાની સાથે સાથે સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ જાહેર પરિવહન સિસ્ટમ ગોઠવવી પડશે તો જ લોકો ખાનગી વાહનો છોડીને તેના તરફ વળશે અને ફ્યૂઅલ બચશે.
એમ્સ્ટર્ડેમ, ઓસ્લો, બર્લિન અને લંડનમાં પણ શ્રેષ્ઠ જાહેર પરિવહન
દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં લોકો ખાનગી વ્હીકલ લેવાનું પસંદ જ કરતા નથી. તેમના માટે આવા વાહનો લેવા તે પૈસાની, સમયની અને ફ્યૂઅલની બરબાદી જેવું છે. આ દેશની સરકારો અને રાજ્યો તથા શહેરોના તંત્ર દ્વારા એવી સુવિધાઓ આપવામાં આવી છે કે, લોકો ખાનગી વાહનો ઓછા પસંદ કરે છે. નેધરલેન્ડના એમ્સ્ટર્ડેમમાં શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવાઓ છે. અહીંયા મેટ્રો, બસો, ટ્રામ, ફેરી અને ટ્રેન દ્વારા લોકોને જાહેર પરિવહન માળખું આપવામાં આવ્યું છે. તેમાં સતત સુધારો કરીને લોકોને ખાનગી વાહનોથી દૂર રહેવા પ્રેરિત કરવામાં આવે છે. તેવી જ રીતે નોર્વેના ઓસ્લોની પણ સ્થિતિ છે. સતત ગતિશિલતા સુચકાંક ઉપર તે પહેલા ક્રમે આવે છે. અહીંયા ભવિષ્યની પણ સુવિધાઓને ધ્યાનમાં રાખીને માળખું ગોઠવવામાં આવ્યું છે. માત્ર એક જ ટિકિટ દ્વારા તમામ જાહેર પરિવહન સંસાધનોનો ઉપયોગ કરી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. તેના કારણે લોકોને વધારે હાલાકી ભોગવવી પડતી નથી અને કામગીરી સરળતાથી ચાલે છે. જાર્મનીના બર્લિનનું જાહેર પરિવહન નેટવર્ક દુનિયાભરમાં વખણાય છે. તેમાં અંડરગ્રાઉન્ડ ટ્રેન, લાઈટ રેલ ટ્રેન, બસો અને ટ્રામનો સમાવેશ થાય છે. શહેરમાં ૧૫૦થી વધારે બસસ્ટોપ છે. સરકાર તેને યોગ્ય રીતે કાર્યાન્વિત રાખવા સતત પ્રયત્નશીલ હોય છે. બ્રિટનના જાણીતા શહેર લંડનમાં પણ દુનિયાના શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવાઓ છે. અહીંયા અંડરગ્રાઉન્ડ રેપીડ ટ્રાન્ઝિટ સિસ્ટમ તો જાણીતી છે. બીજી તરફ અહીંયાની લાલ ડબલડેકર બસો પણ ખૂબ જ જાણીતી છે. અહીંયા ખાનગી વાહનો કરતા જાહેર પરિવહનથી કોઈપણ સ્થળે પહોંચવામાં બમણા કરતા ઓછો સમય લાગતો હોવાથી લોકો તેને પ્રાથમિકતા આપે છે.
ગત વર્ષે ભારતમાં 46.43 લાખ પેસેન્જર કાર, 2.17 કરોડ ટૂવ્હિલર વેચાયા
ભારતમાં ખાનગી વાહનોની સ્થિતિ અત્યંત આંચકાજનક છે. હવે તો દસ-બાર વર્ષના બાળકોને પણ માતા-પિતા વાહનો આપી દેતા હોય છે. પંદર-સત્તર વર્ષના કિશોરો તો ગાડીઓ ચલાવતા થઈ ગયા છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સનો એક અહેવાલ જણાવે છે કે, ભારતમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ૪૬.૪૩ લાખ પેસેન્જર કાર વેચાઈ હતી. તેનો અર્થ એ થયો કે, રોજની ૧૨,૭૦૦ ગાડીઓ વેચાઈ હતી. બીજી તરફ એક વર્ષમાં ૨.૧૭ કરોડ ટૂવ્હીલર વેચાયા હતા. લોકો દરરોજ ૫૯,૦૦૦ ટૂવ્હીલર ખરીદતા હતા. આટલા મોટા પ્રમાણમાં ખાનગી વાહનોની ખરીદીના કારણે ભારતીય રસ્તા ઉપર ભારે ભીડ જોવા મળે તે સ્વાભાવિક છે. અન્ય એક અહેવાલ જણાવે છે કે, દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગ્લુરુ જેવા ત્રણ મોટા શહેરોમાં દરરોજ ૩ કરોડ કરતા વધારે ખાનગી વાહનો રસ્તા ઉપર ફરતા હોય છે.


