Get The App

ભારતનું ડિપ્લોમેટિક ઓપરેશન સિંદૂર પાક.ની કરતૂતો વિશ્વ સમક્ષ ઉઘાડી પાડશે

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
ભારતનું ડિપ્લોમેટિક ઓપરેશન સિંદૂર પાક.ની કરતૂતો વિશ્વ સમક્ષ ઉઘાડી પાડશે 1 - image


- 59 નેતા અને વરિષ્ઠ રાજદ્વારીઓ ત્રાસવાદ સામે મક્કમ ભારતનો સંદેશો 32 દેશોમાં પહોંચાડશે

- ત્રાસવાદને જન્મ, પોષણ અને રક્ષણ આપતા પાકિસ્તાનની કરતૂતો ખુલ્લી પાડવા માટે ભારતે વિરાટ કદમ ઉઠાવ્યું છે. ભારતના સાંસદો, પૂર્વ મંત્રીઓ અને વરિષ્ઠ પદ ઉપરથી નિવૃત્ત થયેલા રાજદ્વારીઓ દુનિયાના ૩૨ દેશોમાં ફરી વળશે. દરેક દેશોમાં ત્રાસવાદ સામેની લડાઈમાં ભારત ધર્મ, જાતિ કે રાજકીય રીતે એક છે એવો સંદેશ પહોંચાડશે. આ ઉપરાંત, આ ટીમ પહલગામ હુમલામાં પાકિસ્તાનનો હાથ, ભારતે ઓપરેશન સિંદૂરમાં લીધેલા લશ્કરી પગલાં અંગે પણ વિશ્વને માહિતગાર કરશે. અને સૌથી મહત્વનો મેસેજ હશે કે પાકિસ્તાન ફરી આતંકી હુમલો કરાવશે તો ભારત ફરી લશ્કરી પગલાં લેશે..

પહલગામ ખાતેના ત્રાસવાદી હુમલા બાદ ભારતે આક્રમક રીતે ડિપ્લોમેટિક અને મિલીટરી એક્શન લીધા છે. ઓપરેશન સિંદુર દરમિયાન ભારતે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર અને પાકિસ્તાનની અંદરના કેટલાક ત્રાસવાદી કેમ્પ નષ્ટ કર્યા છે. ભારત અને દુનિયામાં વોન્ટેડ કેટલાક આતંકી આકાઓ ઢેર થઇ ગયા છે. પાકિસ્તાને ભારત ઉપર કરેલા જવાબી હુમલા બાદ ભારતે પાકિસ્તાની વાયુસેનાના મથકો, મિસાઈલ્સ ડિફેન્સ સિસ્ટમ અને સરહદે પાક સેનાના થાણાને ભારે નુકસાન કર્યું છે. 

જોકે, અત્યારે બન્ને દેશો વચ્ચે યુદ્ધ વિરામ છે પણ જો પાકિસ્તાન કે પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓ ફરી કોઈ ટીખળ કરે, હુમલો કરે તો ભારત ફરી જવાબ આપશે એવી ચેતવણી પણ ઇસ્લામાબાદ અને દુનિયાને આપી દેવામાં આવી છે.

યુદ્ધની તારાજી વધે નહી અને પાકિસ્તાનને કાયમી બોધપાઠ મળે એટલે ભારતે બીજો મોરચો પણ ખોલેલો જ છે. 

પહલગામ પછી સિંધુ જળ સંધિ સ્થગિત કરવાની ઘોષણા, પાકિસ્તાનથી એક પણ ચીજ આયાત કરવી કે નિકાસ કરવા પર પ્રતિબંધ, પાસપોર્ટ અને વિઝા લઇ ભારત આવેલા પાકિસ્તાની નાગરીકોને પરત મોકલી દેવા, ભારતની હવાઈ સેના પાક વિમાની સેવાઓ માટે બંધ કરવી જેવા પગલાં ઓપરેશન સિંદુર પહેલા લેવામાં આવ્યા હતા. હવે યુદ્ધવિરામની સાથે ભારતે વધારે આક્રમક રીતે પાકિસ્તાનને દુનિયા સમક્ષ ઉઘાડું પાડી દેવા માટે પગલું ભર્યું છે.

ભારત સરકારે સાત જેટલા પ્રતિનિધિમંડળ વિશ્વના ૩૨ દેશોમાં મોકલવાની જાહેરાત થઇ ગઈ છે. દરેક ડેલીગેશનન નેતૃત્વ એક વરિષ્ઠ રાજકીય નેતાને સોંપવામાં આવ્યું છે અને દરેકમાં એક વરિષ્ઠ ડિપ્લોમેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત રાજદ્વારી રીતે પાકિસ્તાનના ત્રાસવાદીઓ સાથેના સંબંધો, ઓપરેશન સિંદુરમાં ત્રાસવાદી માળખા તોડી પાડવા અંગેના પુરાવા અને પાકિસ્તાન કઈ રીતે ત્રાસવાદને પોષી રહ્યું છે તેની દુનિયાભરને જાણ કરશે.

જોકે, આ પહેલો પ્રયાસ નથી. અગાઉ વડાપ્રધાન તરીકે પી. વી. નરસિહા રાવે કાશ્મીરમાં માનવ અધિકારના ઉલ્લંઘન અંગે પાકિસ્તાને ભારત સામે દુનિયામાં બુમરાણ મચાવી હતી. આજની ભાષામાં જેને ફેક ન્યૂઝ કહે છે એ રીતે અપપ્રચાર કરેલો. વડાપ્રધાન રાવે એ સમય વિરોધ પક્ષના નેતા અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં જીનિવા ખાતે યુનાઈટેડ નેશન્સની હ્યુમન રાઈટ્સ કમિશનમાં મોકલેલું. પાકિસ્તાનના અપપ્રચારની વાજપેયીએ બોલતી બંધ કરી દીધી હતી. 

આવી જ રીતે ૨૦૦૮માં મુંબઈ ઉપરના ત્રાસવાદી હુમલા બાદ ડો. મનમોહન સિંધે પણ એક સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ  મોકલ્યું દુનિયાભરમાં મોકલ્યું હતું. એ સમયે લશ્કરી હુમલા ન થયા પણ ત્રાસવાદ, ત્રાસવાદી સંગઠનો અને ભારત ઉપરના હુમલાના પુરાવાઓના કારણે પાકિસ્તાનનો સમાવેશ ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લીસ્ટમાં થયો હતો અને તે ૨૦૨૨ સુધી આ લીસ્ટમાં સામેલ હતું. ત્રાસવાદી સંગઠનોને મળતા નાણા, હવાલા અને તેના નેટવર્ક સામે પગલાં લેવામાં નિષ્ફળ રહેનાર અથવા તેની મદદગારી કરતા દેશોનો સમાવેશ આ યાદીમાં કરવામાં આવે છે.

જોકે, આવતા સપ્તાહથી વિદેશ ભ્રમણ કરી પાકિસ્તાનની પોલ ખોલવા માટે જવાબદારી સોંપવામાં આવી છે તેનો વિસ્તાર અને ફલક ભૂતકાળ કરતા ઘણો વિશાળ છે. વિવિધ રાજકીય પક્ષોના સાંસદો, પૂર્વ મંત્રી કે રાજદ્વારીની બનેલી આ સાત ટીમ રાષ્ટ્રીય અભિયાન તરીકે દુનિયાને નાપાક કરતૂતોથી ઉજાગર કરશે. પાકિસ્તાન જ ત્રાસવાદનું જન્મ અને પોષણ સ્થાન છે અને તે આ ત્રાસવાદી સંગઠનોનો ઉપયોગ ભારતને, ભારતીય નાગરિકો સામે કરી રહ્યું છે એવું પુરવાર થાય, વિશ્વમાં પાકિસ્તાનની વિરુદ્ધ ડિપ્લોમેટિક દબાણ વધે તો એવી સ્થિતિ ઉભી કરવા માટેનો આ એક પ્રયાસ છે.

સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના વર્તમાન અને પૂર્વ સાંસદ ઉપરાંત, વિરોધ પક્ષના સાંસદો અને ભારતના વિદેશ મંત્રાલયના મંત્રી તરીકે કે રાજદ્વારી તરીકે કામ કરેલા નિવૃત્ત અધિકારીઓના પ્રતિનિધિમંડળ દુનિયા સમક્ષ પાકિસ્તાનની ત્રાસવાદમાં ભૂમિકા ઉપરાંત પણ બીજા બે સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે. એક, ત્રાસવાદ સામેની લડાઈમાં ભારત એક છે અને તેમાં કોઈ રાજકીય વિવાદ નથીઃ. અને બીજું, કે ત્રાસવાદ સામેની લડાઈમાં ભારત પોતાની રીતે મક્કમ પગલાં લઇ લડી શકે છે અને ભવિષ્યમાં પણ જરૂર પડશે તો લડશે. 

રાજકીય રીતે કોંગ્રેસના થીરુવનંતપુરમના સાંસદ, ગ્લોબલ ડિપ્લોમસીમાં બહોળો અનુભવ ધરાવતા, એક સમયે યુનાઈટેડ નેશન્સના અન્ડર-સેક્રેટરી જનરલ (યુનોના ત્રીજો સર્વોચ્ચ હોદ્દો) રહી ચૂકેલા અને યુપીએ સરકારમાં પૂર્વ વિદેશ રાજ્ય મંત્રી શશી થરૂરનો સમાવેશ થયો છે. રાજકીય રીતે આ અંગેની અટકળોની ચર્ચા વગર, થરૂરને અમેરિકા જતા મંડળની આગેવાની સોંપવામાં આવી છે. અમેરિકા વિશ્વનું સૌથી શકિતશાળી રાષ્ટ્ર છે. 

એક સમયે પાકિસ્તાનને સૌથી વધુ નાણાકીય અને લશ્કરી મદદ આપતું અમેરિકા અત્યારે ભારતના પક્ષે છે ત્યારે આ સંબંધો મજબૂત બને, ભારતના મિત્ર તરીકે અમેરિકા વધારે પ્રભાવી રહી દુનિયા સમક્ષ પાકિસ્તાનને ખુલ્લું પાડવામાં મદદ કરે એ મુખ્ય ઉદ્દેશ છે. યુરોપમાં યુનાઇટેડ કિંગડમ, જર્મની, ફ્રાંસ, યુરોપીયન યુનિયન, ઇટાલી અને ડેન્માર્કની જવાબદારી પૂર્વ મંત્રી રવિ શંકર પ્રસાદની ટીમને સોંપવામાં આવી છે. 

પ્રસાદ સાથે ભારતના પૂર્વ રાજદૂત પંકજ સરન અને મોદી કેબીનેટમાં પૂર્વ વિદેશ રાજ્ય મંત્રી એમ.જે. અકબર પણ છે. સરન રશિયા, બાંગ્લાદેશ જેવા દેશોમાં ભારતના રાજદૂત રહેલા છે એ ઉપરાંત, અજીત દોભાલના ડેપ્યુટી તરીકે મોદી સરકારની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ટીમમાં પણ હતા.

આ બંને સિવાય ઈલામિક દેશોના પ્રતિનિધિ મંડળ ઉપર પણ નજર રહેશે. 

ઓપરેશન સિંદુર સમયે ભારત સામે બાથ ભીડવા માટે ઇસ્લામાબાદે ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝમાં નિષ્ફળ ગુહાર લગાવી હતી. માત્ર તુર્કી જ પાકિસ્તાનના પડખે છે. ભારતે સાઉદી અરબ, આરબ અમીરાત, કુવૈત, બાહરીન, ઇન્ડોનેશિયા, મલેશિયા જેવા દેશો સુધી પોતાનોસ સંદેશ પહોચાડવાનું નક્કી કર્યું છે. આ માટે અલગ-અલગ પ્રતિનિધિમંડળ પશ્ચિમ એશિયા, પૂર્વ એશિયા એ રીતે જશે પણ એક ભારત, એક રાષ્ટ્ર તરીકે ત્રાસવાદ સામે ભારત મક્કમ છે એ સંદેશ જ પહોચાડવામાં આવશે. આ ટીમમાં અમેરિકા ખાતેના પૂર્વ ભારતીય રાજદૂત હર્ષ શ્રીન્ગલા છે અને રાજકીય નેતા તરીકે દેશના સૌથી વાચાળ મુસ્લિમ નેતા અસાદુદિન ઓવૈસી પણ છે.

બીજું મહત્વનું છે કુલ સાત પ્રતિનિધિમંડળ છે અને દરેકમાં એક પૂર્વ નિવૃત્ત રાજદ્વારી અધિકારીની પસંદ કરવામાં આવી છે. પસંદ કરવામાં આવેલ રાજદ્વારીઓ બાંગ્લાદેશ, અમેરિકા, ચીન, રશિયા જેવા સ્થળોએ ભારતનું પ્રતિનિધિત્વ કરી આવ્યા છે. 

જી૨૦ રાષ્ટ્ર સમૂહના મેજબાન તરીકે ભાગ લઇ રહેલા દેશો વચ્ચે, દેશના મહાનુભાવો માટે સંકલનની કામગીરીનો અનુભવ પણ ધરાવે છે. દરેક રાજદ્વારી પોતના અનુભવના આધારે સાંસદોને રજૂઆત, મંત્રણા અને ભારતનો પક્ષ રજૂ કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે જેથી ભારતનો ત્રાસવાદ સામેનો મક્કમ સંદેશ સામે પક્ષે પહોચાડી શકાય.

- બિલાવલ ભુટ્ટોને ભારત સામે ઉતારી પાકિસ્તાને ભારતની નકલ કરી

ભારતે વિશ્વભરમાં ત્રાસવાદ સામેની લડાઈ અને પાકિસ્તાનની નાપાક હરકતો ખુલ્લી પાડવા એક પ્રતિનિધિમંડળની જાહેરાત કરી એટલે ઇસ્લામાબાદે પણ નકલ કરી છે. પાકિસ્તાને પોતાની રીતે એક ટીમની જાહેરાત કરી છે. આ ટીમનું સુકાન પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટોને સોંપવામાં આવ્યો છે. ભારત સામે ઝેર ઓકવામાં, પાકિસ્તાનના ત્રાસવાદીઓના ખુલ્લા સમર્થક ભુટ્ટો ભારત સામે પ્રચાર કરવા મેદાનમાં નીકળી પડવાના છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતના પ્રચારની વિરુદ્ધ ડેલીગેશન કામ કરશે એવી જાહેરાત કરી છે જેમાં પૂર્વ વિદેશ સચિવ હીના રબ્બાની, મુસ્લિમ લીગ અને અન્ય રાજકીય પક્ષના નેતાઓનો સમાવેશ થાય છે. અહીં ખાસ નોંધવું જોઈએ કે પહલગામ હુમલા બાદ સ્કાય ન્યુઝ સાથેની ચર્ચામાં બિલાવલે સ્વીકાર્યું હતું કે ત્રાસવાદી સંગઠનો પાકિસ્તાનમાં છે, ઇસ્લામાબાદ તેને રક્ષણ આપે છે તે દુનિયાથી છુપાયેલી વાત નથી.

૩૬ વર્ષીય ભુટ્ટોની લાયકાત એટલી જ છે કે ૨૦૨૧-૨૨માં દોઢ વર્ષ માટે વિદેશ મંત્રી તરીકે તેમણે કામગીરી કરેલી. પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર ભુટ્ટોના દોહિત્ર થાય માતા બેનઝીર વડાપ્રધાન હતા અને પિતા આસિફ અલી ઝરદારીએ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરેલું વારસાઈ રીતે બિલાવલની પસંદગી કરવામાં આવી હોય એવી શક્યતા છે. પાકિસ્તાને પોતાનું પ્રતિનિધિમંડળ આંતરરાષ્ટ્રીય શાંતિનો સંદેશ દુનિયાને પહોચાડશે એવી પણ જાહેરાત કરી છે. વક્રતા જુઓ, ત્રાસવાદને જન્મ, પોષણ અને રક્ષણ આપતો દેશ દુનિયામાં શાંતિનો સંદેશ આપશે.


Tags :