Get The App

યુદ્ધમાં અમેરિકા બરાબરનું ફસાયું, પેન્ટાગોનને દરરોજ 2 અબજ ડૉલરનો ખર્ચો, અર્થતંત્ર ઘુમરાવે ચઢ્યું

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધમાં અમેરિકા બરાબરનું ફસાયું, પેન્ટાગોનને દરરોજ 2 અબજ ડૉલરનો ખર્ચો, અર્થતંત્ર ઘુમરાવે ચઢ્યું 1 - image

ખાડી દેશોમાં જ્યાં પણ અમેરિકી સૈન્યના ઠેકાણા આવેલા છે તે તમામ દેશોમાં ઈરાને હુમલા કર્યા છે અને તેના મહત્ત્વના સ્થાનોને ધ્વસ્ત કરીને તે દેશને ગોટાળે ચડાવ્યા છે. જાણકારોના મતે ઈરાનના આ વળતા પ્રહારથી અમેરિકાના ઘણા સૈન્ય ઠેકાણા નષ્ટ થઈ ગયા છે અને વ્યાપક નુકસાન થયું છે. યુદ્ધને પગલે અમેરિકાની તિજોરી ઉપર પણ રોજિંદુ ભારણ અધધ રીતે વધી રહ્યું છે : બીજી તરફ અમેરિકાના બજેટ ઉપર તેની અસર જોવા મળી રહી છે. આ સિવાય અત્યંત મોંઘા સૈન્ય ઉપકરણો પણ નષ્ટ થઈ રહ્યા છે અથવા તો તેને નુકસાન થઈ રહ્યું છે. રિપર ડ્રોન તુટી જવાના કારણે અમેરિકાને સીધો જ 330 મિલિયન ડોલર એટલે કે અંદાજે 3000 કરોડ રૂપિયાનો ફટકો પડયો છે. આ સિવાય અમેરિકી યુદ્ધ જહાજો, વિમાનો અને અન્ય સંસાધનોને નુકસાન થવાના કારણે તેનું નુકસાન અબજો ડોલર સુધી પહોંચી ગયું છે  : હાલમાં અમેરિકાનું નેશનલ ડેટ 39 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. અમેરિકી ટ્રેઝરીને આશા છે કે, આ વર્ષે અંદાજે ૧૦ ટ્રિલિયન ડોલરના બોન્ડ ફરી રોકાણ માટે આવશે. આ રીતે અમેરિકાએ મુદત પૂરી થનારા જૂના બોન્ડની જગ્યાએ નવા બોન્ડ ઈશ્યૂ કરવા પડે. જો દેવામાં વધારો થાય તો આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ફજેતી થાય તેમ છે.

Iran vs Israel-USA War : અમેરિકા-ઈઝરાયેલ દ્વારા ઈરાન સામે શરૂ કરાયેલા યુદ્ધનો અંત ક્યારે આવશે અને કેવો આવશે તેના વિશે તો હાલ વિચારી શકાય એમ જ નથી. આ યુદ્ધના કારણે દુનિયા બેહાલ થઈ ગઈ છે તે જોઈ શકાય છે. એક તરફ હોર્મુઝની ખાડી બંધ થવાથી દુનિયાભરના દેશોમાં ક્રૂડ, ગેસ અને અન્ય વસ્તુઓની અછત સર્જાઈ છે. દુનિયાભારના બજારો તણાવમાં આવી ગયા છે, શેરબજારોમાં ઉથલપાથલ થઈ ગઈ છે અને અર્થવ્યવસ્થા ડામાડોળ થવા લાગી છે. અમેરિકાએ જે ઉત્સાહ સાથે ઈરાનને પતાવી દેવાની જે તૈયારી બતાવી હતી તે હવે અટવાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. પેન્ટાગોન દ્વારા ઈરાન સામે યુદ્ધની જે ગણતરીઓ માંડવામાં આવી હતી તે ધીમે ધીમે ખોટી સાબિત થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે. 

ખાસ કરીને અમેરિકી પ્રમુખ આ યુદ્ધને ઈરાન સામેનું આક્રમક પગલું કહેતા હતા પણ તેમના આ પગલાએ સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. તેમાંય પશ્ચિમ એશિયા અને યુરોપના કેટલાક દેશોના અર્થતંત્ર ઉપર તેની ગંભીર અસર પડી છે. આગામી સમયમાં યુદ્ધ નહીં અટકે તો તેની વધારે ઘાતક અસર જોવા મળશે. આ યુદ્ધના કારણે અનેક દેશોના એનર્જી સેક્ટરમાં ભડકો થયેલો છે. બીજી તરફ પ્રવાસ અને પર્યટનને મોટી ખોટી પડી રહી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓનો અભાવ આવી રહ્યો છે, વેપાર માર્ગો અને રણનીતિઓ તથા પારસ્પરિક સંબંધો પણ બદલાઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, અમેરિકા અને ઈઝરાયેલ સુધી રીતે ઈરાન સામે યુદ્ધમાં જોડાયેલા છે પણ ઈરાનની રણનીતિએ સમગ્ર મિડલ ઈસ્ટને ચકડોળે ચડાવ્યું છે. ખાડી દેશોમાં જ્યાં પણ અમેરિકી સૈન્યના ઠેકાણા આવેલા છે તે તમામ દેશોમાં ઈરાને હુમલા કર્યા છે અને તેના મહત્ત્વના સ્થાનોને ધ્વસ્ત કરીને તે દેશને ગોટાળે ચડાવ્યા છે. જાણકારોના મતે ઈરાનના આ વળતા પ્રહારથી અમેરિકાના ઘણા સૈન્ય ઠેકાણા નષ્ટ થઈ ગયા છે અને વ્યાપક નુકસાન થયું છે. યુદ્ધને પગલે અમેરિકાની તિજોરી ઉપર પણ રોજિંદુ ભારણ અધધ રીતે વધી રહ્યું છે.

જાણકારો માને છે કે, ઈરાનને દબાવવા અને હંફાવવાની પેન્ટાગોનની ગણતરીઓ ખોટી પડી છે. ઈરાનના વળતા હુમલાના કારણે અને અમેરિકાના યુદ્ધમાં જોર અજમાવવાના પ્રયાસને કારણે અમેરિકી અર્થતંત્ર ઉપર ભારણ વધી રહ્યું છે. હાલમાં પેન્ટાગોનનો યુદ્ધ માટેનો રોજિંદો ખર્ચો ૨ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. આમ તો સૈન્ય અભિયાનો પાછળ અબજો ડોલર ખર્ચવા માટે પેન્ટાગોન સક્ષમ છે પણ આ યુદ્ધે તેની તમામ ગણતરીઓ ખોટી પાડી છે. પેન્ટાગોન માટે ચિંતાજનક બાબત એ થઈ રહી છે કે, દરરોજ અબજો ડોલરનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે છતાં ધારી સફળતા મળી નથી. બીજી તરફ અમેરિકાના બજેટ ઉપર તેની અસર જોવા મળી રહી છે. આ સિવાય અત્યંત મોંઘા સૈન્ય ઉપકરણો પણ નષ્ટ થઈ રહ્યા છે અથવા તો તેને નુકસાન થઈ રહ્યું છે. આ રીતે જો યુદ્ધ લાંબું ચાલ્યું તો અમેરિકી અર્થતંત્ર ઉપર પણ તેની ગંભીર અસર પડે તેમ છે. ક્રૂડની અછતને કારણે મોંઘવારી અને ફુગાવાની આશંકાઓ જોવાઈ રહી છે. જો વધારે ખર્ચ થયા કરશે અને અર્થતંત્ર ડામાડોળ થશે તો વિકાસ રૃંધાવાની પણ શક્યતાઓ છે. અમેરિકાના વિકાસદરને પણ નકારાત્મક અસર પડી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, પેન્ટાગોનને હથિયારો, યુદ્ધ જહાજો, વિમારો અને ડ્રોનને થઈ રહેલા નુકસાને પણ ચિંતામાં મુકી દીધું છે. છેલ્લાં ૧૯ દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાની ઘેટી ફસાઈ છે. અમેરિકાએ પહેલાં ઉત્સાહમાં આવીને ઈરાન ઉપર રીપર ડ્રોન દ્વારા હુમલા કર્યા હતા. ઈરાને અત્યાર સુધીમાં અમેરિકાના ૧૧ રિપર ડ્રોન તોડી પાડયા છે. આ ડ્રોન તૂટી પડતાં જ અમેરિકા હવે રિપરના બદલે લ્યુકાસ ડ્રોનનો ઉપયોગ કરવા લાગ્યું છે. રિપર ડ્રોન તુટી જવાના કારણે અમેરિકાને સીધો જ ૩૩૦ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડયો છે. આ સિવાય અમેરિકી યુદ્ધ જહાજો, વિમાનો અને અન્ય સંસાધનોને નુકસાન થવાના કારણે તેનું નુકસાન અબજો ડોલર સુધી પહોંચી ગયું છે. આ પરિણામો જોતા પણ લાગી રહ્યું છે કે, ઈરાનની સામે પેન્ટાગોનનો દાવ ઉંધો પડી રહ્યો છે. 

વાત આટલેથી જ અટકતી નથી. ઈરાન દ્વારા હવે આર્થિક યુદ્ધની પણ તૈયારીઓ કરવામાં આવી છે. ઈરાનના એક મંત્રીએ થોડા દિવસ પહેલાં જ જણાવ્યું હતું કે, તે હોર્મુઝની ખાડીમાંથી તમામ આવનજાવન ફરી શરૂ કરવામાં આવશે પણ તેના માટે કેટલીક શરતો છે. આ શરતોમાં સૌથી મોટી શરત ક્રૂડ અને ગેસના ટેન્કરોને જવા દેવા માટે મુકાઈ છે. ઈરાને કહ્યું છે કે, તે ક્રૂડ અને ગેસના તમામ ટેન્કર જવા દેવા તૈયાર છે પણ આ ક્રૂડ અને ગેસનું પેમેન્ટ ડોલરમાં નહીં પણ યુઆનમાં કરવામાં આવે. જાણકારો માને છે કે, ઈરાનને અમેરિકા સામે વાંધો છે અને જે સ્થિતિ છે તેમાં ચીન તેને પડદા પાછળ મદદ કરી જ રહ્યું હશે. તેમાંય જો યુઆનમાં પેમેન્ટ કરવાની વાત આવે એટલે સીધો જ ચીનને ફાયદો થવાનો છે. બીજી તરફ ક્રૂડના બિઝનેસમાં અમેરિકી ડોલરની ઈજારાશાહીનો અંત આવી જાય. આ રીતે બંને તરફ ઈરાનને ફાયદો થાય તેમ છે. 

ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં મોટાભાગે ક્રૂડનો વેપાર અમેરિકન ડોલરમાં જ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રશિયા ઉપર અમેરિકા અને પશ્ચિમી દેશોએ પ્રતિબંધ મુક્યા બાદ ઘણા સમય સુધી રશિયા અને તેના સાથી દેશોએ રૂબલ અને યુઆનમાં પણ ક્રૂડ વેચ્યું હતું, રશિયાએ તો ઘણા સમય સુધી ભારત સાથે ક્રૂડ મુદ્દે રૂપિયામાં જ વ્યવહાર કર્યો હતો. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, ચીન હવે પોતાની કરન્સીને આંતરરાષ્ટ્રીય બજારમાં વધારે મજબૂત કરવા માગે છે. તે ક્રૂડના બિઝનેસમાં તેનો ઉપયોગ થાય તેમ ઈચ્છે છે. જાણકારોના મતે ઈરાનમાં અબજો રૂપિયાનું રોકાણ કરીને કદાચ હવે ચીન તેના થકી પોતાની મનમાની કરાવી રહ્યું હોય તો પણ નવાઈ પામવા જેવું નથી. 

હકિકત એવી છે કે, ઈરાને હાલમાં અમેરિકા અને ઈઝરાયેલા હથિયારોના યુદ્ધ સામે પેટ્રોડોલર યુદ્ધ કરવાની તૈયારીઓ કરી લીધી છે. જો ઈરાન દ્વારા યુઆનમાં જ પેમેન્ટ લેવાની ફરજ પાડવામાં આવશે તો મોટી સમસ્યા થવાની છે. ખાસ કરીને અમેરિકા માટે ઐતિહાસિક ફટકો પડે તેવી સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા પોતાના ડોલરને બચાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું પ્રભુત્વ રાખવા મથતું રહે છે. પેન્ટાગોન દ્વારા દાયકાઓ પહેલાં ડોલરને મજબૂત બનાવવા અને આંતરરાષ્ટ્રીય સોદામાં ઉપયોગમાં લેવા માટે આયોજનો કરી લેવાયા હતા. ત્યારબાદ અમેરિકાએ ક્રૂડના વેપાર ઉપર પોતાનો શકંજો જમાવી લીધો હતો. જે પણ દેશ આ વ્યવસ્થાની બહાર જવા માગે એટલે અમેરિકા તેના ઉપર હુમલો કરી દેતું હતું. 

ભૂતકાળમાં ઈરાક અને લિબિયા દ્વારા ડોલર સિવાયના ચલણમાં પણ ક્રૂડનો વેપાર કરવામાં આવતો હતો. અમેરિકાએ તેમને પણ બરબાદ કરી નાખ્યા હતા. ઈરાને પણ હાલમાં યુઆનમાં વેપાર કરવાની શરત મૂકી છે. હવે જો યુઆનમાં વેપાર થઈ જાય તો ક્રૂડ સેક્ટરમાં ડોલરના દબદબાને મોટો ફટકો પડે તેમ છે. ઈરાન બાદ અન્ય દેશો પણ બીજી કરન્સીમાં વેપાર કરવા લાગી જાય તેમ છે. જો ખરેખર ડોલર સિવાયની કરન્સીમાં વેપાર થવા લાગે તો વિદેશી સરકારો અને સેન્ટ્રલ બેન્ક જે યુએસ ટ્રેઝરી બોન્ડમાં મોટાપાયે રોકાણ કરે છે તેમાંથી ખસવા લાગે. તેના કારણે ડોલર ઉપર દબાણ વધવા લાગે. તેમાંય યુએ બોન્ડનું ચલણ ઘટી જાય તો આપોઆપ એનર્જી સેક્ટરમાં ડોલરનું અસ્તિત્વ જોખમાવા લાગે. અમેરિકા આવું થાય તેમ ઈચ્છતું નથી.

અમેરિકન ટ્રેઝરી ઉપર દબાણ આવે અને પેન્ટાગોનના પણ કાંડા કપાવા લાગે 

જાણકારોના મતે અમેરિકાએ 1971 સુધી ડોલરને ગોલ્ડ સ્ટાન્ડર્ડ સાથે જોડી રાખ્યા હતા. તેના કારણે તે સોનાની કિંમત વધે તેમ સોનું આપીને સામે ડોલર છાપતું હતું. ધીમે ધીમે પેન્ટાગોને ડોલરને મજબૂત બનાવવા અને અમેરિકાની સૌથી મજબૂત કરન્સી બનાવવા માટે આયોજન કર્યું. ૧૯૭૪માં અમેરિકાએ સાઉદીના રાજાને ક્રૂડનો વેપાર ડોલરમાં જ કરવા માટે સમજાવ્યા. તેના બદલમાં સાઉદીને સુરક્ષા, ટેક્નોલોજી અને નવા સંસાધનો આપવાનો વાયદો કર્યો. બીજી તરફ તેની પાસે જે ડોલર આવે તે અમેરિકામાં જ રોકીને તેના ઉપર યોગ્ય વ્યાજ અને વળતર આપવાની પણ શરૂઆત કરાવી. આ રીતે એનર્જી સેક્ટરમાં પેટ્રોડોલરનો દબદબો શરૂ થયો. હવે આ સ્થિતિ પલટાય તો અમેરિકાનું નાક દબાય તેમ છે. હાલમાં અમેરિકાનું નેશનલ ડેટ ૩૯ ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. અમેરિકી ટ્રેઝરીને આશા છે કે, આ વર્ષે અંદાજે 10 ટ્રિલિયન ડોલરના બોન્ડ ફરી રોકાણ માટે આવશે. આ રીતે અમેરિકાએ મુદત પૂરી થનારા જૂના બોન્ડની જગ્યાએ નવા બોન્ડ ઈશ્યૂ કરવા પડે. હવે જો વૈશ્વિક બજારમાં ડોલરની માગ ઘટે તો આપોઆપ રોકાણકારો ડોલર બોન્ડના બદલે વધારે વ્યાજની માગણી કરવાના છે. જો તેમાં સામાન્ય વધારો પણ થાય તો સરકારી ડેટની રકમમાં ઉછાળો આવે.

 તેના કારણે તેના વ્યાજની રકમ જ ૧ ટ્રિલિયન ડોલર પહોંચી જાય તેમ છે. જાણકારો માને છે કે, ઈરાનનો આ દાવ જો ખરો ઉતરે તો અમેરિકાની આથક હાલત ખરાબ થઈ જાય. પેન્ટાગોનના તમામ આયોજનો પર હાલ તો પાણી ફરતું હોય તેમ દેખાઈ રહ્યું છે.