For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Explainer : ચીનનો દાવો ખોટો, અરૂણાચલ પ્રદેશ તેનું ક્યારેય નહોતું, તે ભારતનો જ વિસ્તાર છે

Updated: Mar 19th, 2024

Article Content Image

- નવા રાજ્ય તરીકે અરૂણાચલ 20 ફેબ્રુઆરી 1987ના રોજ અસ્તિત્વમાં આવ્યું, 20 જાન્યુઆરી, 1972થી અરૂણાચલ કેન્દ્રશાસિત પ્રદેશ હતો

- ચીન ઈતિહાસનું ખોટું અને વિકૃત અર્થઘટન કરીને અરૂણાચલ પ્રદેશ પર દાવો કરે છે. ચીનનું કહેવું છે કે, અરૂણાચલ પ્રદેશ પહેલાં તિબેટનો પ્રદેશ હતો પણ અરૂણાચલ પ્રદેશ તિબેટનો હિસ્સો જ નહોતો. 1914માં બ્રિટન અને તિબેટ વચ્ચેના સિમલા કરારમાં હાલના અરૂણાચલ પ્રદેશને બ્રિટિશ ઈન્ડિયાના વિસ્તાર તરીકે માન્યતા અપાઈ હતી. બ્રિટિશ ઈન્ડિયામાં જે કંઈ હતું એ ભારતને મળ્યું તેથી અરૂણાચલ ભારતનો જ વિસ્તાર છે.

ચીને ફરી એક વાર અરૂણાચલ પ્રદેશ પોતાના બાપનો માલ હોવાનું વાજું વગાજ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસો પહેલાં સેલા સુરંગના ઉદ્ઘાટન માટે અરૂણાચલ પ્રદેશ ગયા ત્યારે પણ ચીને વાંધો લીધેલો. હવે ચીનના લશ્કરે એ જ રેકર્ડ ફરી વગાડીને જાહેર કર્યું છે કે, અરૂણાચલ પ્રદેશ ચીનનો અવિભાજ્ય હિસ્સો છે. ચીન તિબેટ માટે શિયાંગ શબ્દ વાપરે છે. અરૂણાચલ પ્રદેશ તિબેટનો દક્ષિણનો ભાગ હોવાનું કહે છે. તિબેટ ચીને દાદાગીરી કરીને બથાવી પાડયું છે તેથી અરૂણાચલ પ્રદેશ પણ તેની સાથે ફ્રીમાં મળી જશે એવું ચીના માને છે. 

આપણે જેને અરૂણાચલ પ્રદેશ કહીએ છીએ તેને ચીન ઝાંગનન કહે છે. ચીન પોતાના નકશામાં પણ ઝાંગનનને પોતાનો પ્રદેશ જ ગણાવે છે. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા સીનિયર કર્નલ ઝાંગ શિયાઓગેંગનું કહેવું છે કે, શિયાંગનો દક્ષિણનો પ્રદેશ ઝાંગનન ચીનનો વિસ્તાર છે. આ વિસ્તારમાં ભારતે ગેરકાયદેસર રીતે બનાવેલા રાજ્ય અરૂણાચલ પ્રદેશને ચીને કદી માન્યતા આપી નથી ને તેનો હજુય વિરોધ કરે છે. 

ચીનની વાતમાં કશું નવું નથી ને ભારતને તેનાથી કોઈ ફરક પડતો નથી. નવા રાજ્ય તરીકે અરૂણાચલ પ્રદેશ ૨૦ ફેબ્રુઆરી ૧૯૮૭ના રોજ અસ્તિત્વમાં આવ્યું. એ પહેલાં ૨૦ જાન્યુઆરી, ૧૯૭૨થી અરૂણાચલ પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ હતો. એ પહેલાં અરૂણાચલ પ્રદેશ નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી (નેફા)નો ભાગ હતો. નેફા અંગ્રેજોએ બનાવેલો વહીવટી પ્રાંત હતો તેથી આ આખો પ્રદેશ અંગ્રેજોનું ભારતમાં રાજ હતું ત્યારથી જ ભારતનો હિસ્સો જ હતો. ૧૯૭૨માં નેફાના બે ભાગ કરીને નવો કેન્દ્રશાસિત અરૂણાચલ પ્રદેશ બન્યો ને બાકીનો ભાગ આસામમાં ગયો.

આ ઈતિહાસ છે કે જેને કોઈ નકારી શકે તેમ નથી. આ કારણે ભારત અરૂણાચલ પ્રદેશ પરના ચીનના દાવાની વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે છે પણ એક ભારતીય તરીકે ચીન આવો વાહિયાત દાવો કેમ કરે છે એ જાણવું જરૂરી છે. ચીનનો ઈતિહાસ બીજાના પ્રદેશો પચાવી પાડવા માટે આક્રમણો કરવાનો છે. અરૂણાચલ પ્રદેશના મુદ્દે ચીન ૧૯૬૨માં ભારત પર એક વાર આક્રમણ કરી ચૂક્યું છે. ચીન બીજી વાર પણ આક્રમણ કરી શકે એ જોતાં ભારત માટે આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષાનો છે. આ કારણે પણ ચીનના બકવાસ પાછળનું કારણ જાણવું જરૂરી છે. 

ચીન ઈતિહાસનું ખોટું અને વિકૃત અર્થઘટન કરીને અરૂણાચલ પ્રદેશ પર દાવો કરે છે. ચીનનું કહેવું છે કે, અરૂણાચલ પ્રદેશ પહેલાં તિબેટનો પ્રદેશ હતો અને આખું તિબેટ ચીનનું છે તેથી અરૂણાચલ પ્રદેશ પણ ચીનને મળવું જોઈએ. ચીન અરૂણાચલ પ્રદેશને તિબેટનો પ્રદેશ ગણાવે છે એ જૂઠાણું છે. પહેલી વાત એ કે, ચીને તિબેટ જ લુચ્ચાઈ કરીને લશ્કરી જોરે પચાવી પાડયું છે. ચીનની લુચ્ચાઈ સામે દુનિયાના બીજા દેશો ચૂપ રહ્યા તેથી તિબેટ હવે સંપૂર્ણપણે ચીનનું તાબેદાર છે એ અલગ વાત છે પણ તાઈવાનની જેમ તિબેટીયનો પોતાની આઝાદીની રક્ષા ના કરી શક્યા તેથી તિબેટ ચીનના બાપનો માલ બની જતું નથી. 

બીજી સૌથી મહત્વની વાત એ કે, અરૂણાચલ પ્રદેશ તો તિબેટનો હિસ્સો પણ નહોતો. ૧૯૧૪માં બ્રિટન અને તિબેટના પ્રતિનિધીઓએ આઉટર તિબેટની સરહદ નક્કી કરી તેમાં હાલના અરૂણાચલ પ્રદેશના વિસ્તારને બ્રિટિશ ઈન્ડિયાના વિસ્તાર તરીકે માન્યતા અપાઈ હતી. સર હન્રી મેકમોહને ૮૯૦ કિલોમીટર લાંબી  સરહદ બનાવી એ મેકમોહન લાઈન તરીકે ઓળખાઈ. આ મેકમોહન લાઈનની પેલી તરફ હાલના તિબેટના વિસ્તારો છે જ્યારે આ તરફ તવાંગ સહિતના વિસ્તારો છે કે જે બ્રિટિશ ઈન્ડિયાનો હિસ્સો બન્યા. 

એ રીતે જોઈએ તો ૧૯૧૪થી તો અરૂણાચલ પ્રદેશ સત્તાવાર રીતે જ ભારતનો ભાગ બની ગયો. બ્રિટિશ ઈન્ડિયામાં જે કંઈ હતું એ ભારતને મળ્યું તેથી અરૂણાચલ ભારતનો જ વિસ્તાર છે. ચીને અરૂણાચલ પ્રદેશનો ૨૮ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પચાવી પાડયો છે. વાસ્તવિક રીતે તો ચીને એ પ્રદેશ પણ ભારતને પાછો સોંપવો જોઈએ પણ તેના બદલે ચીન ચોરી પર સિનાજોરી કરીને આખા અરૂણાચલ પર દાવો કરે છે.

ચીન અરૂણાચલ પ્રદેશની જેમ સિક્કિમને પણ તિબેટનો હિસ્સો ગણાવીને તેના પર પણ દાવો કરે છે. ચીન એવું જૂઠાણું ચલાવે છે કે, ૧૮૯૦માં અંગ્રેજોની ચીન સાથેની સંધિમાં સિક્કિમને તિબેટના પ્રદેશ તરીકે સ્વીકારાયો છે તેથી સિક્કિમ ચીનને મળવું જોઈએ.  વાસ્તવમાં ૧૮૯૦ની ચીન અને અંગ્રેજોની સંધિમાં ચીને સિક્કિમને અંગ્રેજોના પ્રદેશ તરીકે સ્વીકાર્યો હતો. અંગ્રેજો ગયા પછી તેમના તાબા હેઠળના પ્રદેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચાયા તેથી ચીનનો અંગ્રેજોના પ્રદેશો પર કોઈ અધિકાર નથી. 

અંગ્રેજોના સમયમાં સિક્કિમ  સંરક્ષિત (પ્રોટેક્ટોરેટ) રાજ્ય હતું. સિક્કિમના શાસક તરીકે ચોગ્યાલ તરીકે ઓળખાતા નામગ્યાલ વંશના રાજા રાજ કરતા. ભારત આઝાદ થયું ત્યારે સિક્કિમે ભારતમાં ભળવું કે નહીં તે માટે જનમત લેવાયેલો. સિક્કિમની પ્રજાએ ભારતમાં ભળવાનો ઈન્કાર કરતાં સિક્કિમ સ્વતંત્ર રહેલું. જવાહરલાલ નહેરૂએ સિક્કિમને ભારત તરફ ખેંચવાની મથામણ શરૂ કરીને ૧૯૫૦માં સિક્કિમને ભારતના સંરક્ષિત રાજ્ય તરીકે સમાવવાના કરાર કર્યા.  

સિક્કિમની વિદેશ નીતિ, સંરક્ષણ, રાજદ્વારી બાબતો તથા સંદેશાવ્યવહાર નીતિ ભારત નક્કી કરે જ્યારે આંતરિક સુરક્ષા સહિતની બાબતો સિક્કિમ હસ્તક રહે તેવી ગોઠવણ કરાઈ. સ્વાયત્ત સિક્કિમની વહીવટ માટે ૧૯૫૩માં સ્ટેટ કાઉન્સિલ રચાઈ. તેની ભલામણો પ્રમાણે વિધાનસભા અને સરકાર રચાઈ કે જેના  વડા સિક્કિમના રાજા તાશિ નામગ્યાલ હતા. તેમના પછી તેમના પુત્ર પાલડેન થોંડયુપ નામગ્યાલ રાજા બન્યા. 

નામગ્યાલે સિક્કિમનો વિકાસ કરીને સૌથી વધારે સાક્ષરતા દર અને સમગ્ર દક્ષિણ એશિયામાં સૌથી વધારે માથાદીઠ આવક ધરાવતું રાજ્ય બનાવ્યું.  ચીને ૧૯૫૮માં અરૂણાચલ પ્રદેશ પર દાવો કરીને આક્રમક વલણ અપનાવ્યું ત્યારે સિક્કિમ પર પણ દાવો કરેલો  નહેરૂએ એ દાવાને ફગાવી દીધેલો. ચીને ઘણી વાર આ મુદ્દો ઉઠાવવા ફાંફાં મારી જોયાં પણ ભારત મચક આપતું નથી તેથી ચૂપ થઈ જાય છે પણ ભવિષ્યમાં અરૂણાચલ પ્રદેશની જેમ સિક્કિમ હડપવા પણ કારસા કરી શકે. 

ભારતે સતર્કતા બતાવીને સેલા સુરંગ જેવાં પગલાં લેવા માંડયાં છે. ૧૩ હજાર ફૂટની ઉંચાઈએ બનેલી સેલા સુરંગ આસામના તેજપુરને અરૂણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લા સાથે જોડે છે. તેના કારણે ભારત માટે સૈનિકોને તાત્કાલિક સરહદે પહોંચવામાં સરળતા રહેશે. ભારતે બીજાં પગલાં પણ લીધાં છે પણ ચીનની રાક્ષસી તાકાત જોતાં ભારતે સુરક્ષા વધારવી જરૂરી છે કેમ કે ચીન ગમે તે કરી શકે છે.

ઈન્દિરાએ સિક્કિમને હડપવાના ચીનના કારસાને નિષ્ફળ બનાવેલો

ચીને એક તબક્કે સિક્કિમને ભારતથી અલગ કરવાનો કારસો કરેલો પણ ઈન્દિરા ગાંધીએ કડહ હાથે કામ લઈને ચીનને મોટો પાઠ ભણાવેલો. સિક્કિમમાં સિક્કિમ નેશનલ કોંગ્રેસે પ્રજામાં ભારત તરફી માહોલ પેદા કરીને ૧૯૭૪ની ચૂંટણીમાં બહુમતી મેળવીને સરકાર રચી હતી. સિક્કિમ કોંગ્રેસે એ વખતે વિધાનસભામાં ઠરાવ પસાર કરીને સિક્કિમને ભારતના રાજ્ય તરીકે સમાવી લેવા કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. લોકસભાએ સિક્કિમને ભારતના રાજ્ય તરીકે સ્વીકારવાનો ઠરાવ પસાર કર્યો પણ રાજા આડા ફાટયા. 

રાજાએ જનમત લેવાની દરખાસ્ત મૂકી અને સાથે સાથે ચીન સાથે ખાનગીમાં મંત્રણા શરૂ કરીને ચીનમાં ભળવાની મથામણ શરૂ કરી. એ વખતે ચીને સિક્કિમ તિબેટનો હિસ્સો હોવાનું જૂઠાણું ફરી શરૂ કર્યું. ઈન્દિરાને ચીનના બદઈરાદાની ગંધ આવી ગયેલી તેથી  તાત્કાલિક ભારતીય લશ્કરને ગંગટોક મોકલીને ભારત સાથે ગદ્દારી કરનારા રાજાને પદભ્રષ્ટ કરી દીધા. સિક્કિમમાં ૧૯૭૫માં જનમત લેવાયો તેમાં ૯૮ ટકા લોકોએ ભારતમાં ભળવાની તરફેણ કરતાં સિક્કિમ ભારતનું બાવીસમું રાજ્ય બન્યું.

ભારતના 8 પ્રદેશો પર ચીનનો દાવો

ચીને અરૂણાચલ પ્રદેશ અને લેહૃલદાખમાં ભારતનો મોટો પ્રદેશ પચાવી પાડયો છે. આ બંને પ્રદેશો આખેઆખા પોતાના હોવાનો ચીનનો દાવો છે. ચીન  ઉત્તરાખંડ, સિક્કિમના બીજા વિસ્તારો મળીને ૮ વિસ્તારો પર દાવો કરે છે. ભારત-ચીનનો સરહદી વિસ્તાર ઈસ્ટર્ન, મિડલ અને વેસ્ટર્ન એમ ત્રણ સેક્ટરમાં છે. આ ત્રણ સેક્ટરમાં   ઈસ્ટર્ન સેક્ટર સિક્કિમથી મ્યાનમારની સરહદ સુધી છે.  લદાખના ડેમચોકથી નેપાળ સુધીની ૫૪૫ કિલોમીટર લાંબી સરહદમા વિસ્તરેલા મિડલ સેક્ટરમાં હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડ એ ત્રણ રાજ્યોના વિસ્તારો છે. વેસ્ટર્ન સેક્ટકમાં કારાકોરમ ઘાટની ઉત્તર-પશ્ચિમથી ડેમચોક સુધીનો વિસ્તાર આવે છે. કાશ્મીરનું લેહ-લદાખ અને ગલવાન ખીણ વેસ્ટર્ન સેક્ટરમાં છે.

Gujarat