પુતિન માટે આઈસીસીનું એરેસ્ટ વોરંટ ટોઈલેટ પેપર જ છે
- અમેરિકા સહિતના દેશોએ ધરપકડના વોરંટને યોગ્ય ગણાવ્યું છે પણ ધરપકડની વાત તો છોડો પુતિનનો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી
- રશિયા યુક્રેનમાંથી નાનાં બાળકોને રશિયા મોકલી દે છે એ વાતને ધરપકડ વોરંટના પગલે સત્તાવાર સમર્થન મળી ગયું છે. આ દાવ ખેલીને રશિયા યુક્રેનના અત્યાર સુધી પોતે કબજે કરેલા વિસ્તારોમાંથી તેને કદી હટાવી જ ના શકાય એવો પાકો બંદોબસ્ત કરી રહ્યું છે. યુક્રેનથી રશિયા મોકલાયેલાં બાળકો રશિયામાં ઉછરશે તેથી રશિયાના કહેવાતા રાષ્ટ્રવાદના રંગે જ રંગાઈ જશે. આ બાળકોને રશિયા જ પોતાનું વતન માનશે
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી)એ રશિયાના પ્રમુખ પુતિન સામે ધરપકડનું વોરંટ બહાર પાડયું એ મુદ્દો વિશ્વભરમાં ચર્ચામાં છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એ પછી રશિયન લશ્કરે યુક્રેનના નાગરિકો પર કરેલા અત્યાચારો માટે પુતિનને અપરાધી ગણાવીને આ વોરંટ બહાર પડાયું છે. પુતિનની સાથે સાથે રશિયન સરકારની બાળકોના અધિકાર માટે કામ કરતી સંસ્થાનાં પ્રમુખ મારીયા એલેક્સેયેવના લોવા-બેલોવા સામે પણ ધરપકડ વોરંટ બહાર પડાયું છે.
નેધરલેન્ડ્સના હેગમાં હેડક્વાર્ટર ધરાવતી આઈસીસીના આરોપનામા પ્રમાણે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી હજારો બાળકોને યુક્રેનથી રશિયા મોકલી દીધાં છે. આઈસીસીનું કહેવું છે કે, આ બાળકોનું અપહરણ છે અને આ અપરાધ મારીયાની દેખરેખમાં કરાયો છે. મારીયાએ જ તેના માટેની યોજના ઘડેલી ને તેની દેખરેખમાં બાળકોને બળજબરીથી રશિયા મોકલીને દત્તક આપી દેવાનો ખેલ પાર પડાયો છે.
આઈસીસીના નિવેદન પ્રમાણે, રશિયન લશ્કરે ગુજારેલા તમામ યુધ્ધ અપરાધો (વોર ક્રાઈમ્સ) માટે પુતિન જવાબદાર હોવાથી તેમની ધરપકડ કરીને આઈસીસી તેમની સામે કેસ ચલાવશે. મારીયાએ પુતિનના માનવાધિકાર વિરોધી અને ગેકરકાયદેસર કૃત્યમાં સાથ આપ્યો હોવાથી મારીયા પણ અપરાધી છે તેથી તેની સામે પણ કેસ ચલાવીને તેના અપરાધોની સજા અપાશે.
યુનાઈટેડ નેશન્સે પોતાના દ્વારા કરાયેલી તપાસમાં રશિયાના લશ્કરે યુક્રેનમાં તેના કબજા હેઠળના વિસ્તારોમાં અત્યાચારો ગુજાર્યા હોવાના આરોપો સાચા નિકળ્યા હોવાનો દાવો કર્યો પછી આઈસીસીએ આ ધરપકડ વોરંટ બહાર પાડયું છે.
અમેરિકા સહિતના દેશોએ આ ધરપકડ વોરંટને યોગ્ય ગણાવ્યું છે. બીજી તરફ રશિયાએ સત્તાવાર રીતે કહ્યું છે કે, આઈસીસીના આ ધરપકડ વોરંટનો અર્થ નથી કેમ કે રશિયા ૨૦૧૬થી આઈસીસીને માન્યતા આપતી રોમ સંધિનો ભાગ નથી. રશિયા લાંબા સમયથી કહ્યા કરે છે કે, અમે યુક્રેનમાં કોઈ અત્યાચાર કરતા નથી. અત્યારે પણ રશિયાએ આઈસીસીના ધરપકડ વોરંટ મુદ્દે એ જ વાત દોહરાવી છે.
આઈસીસીનો આરોપ એવો પણ છે કે, મારીયાએ રશિયાના આક્રમણ પછી યુક્રેનમાંથી ગેરકાયદેસર રીતે બાળકોને રશિયા મોકલી દીધાં છે. રશિયાએ યુક્રેનમાંથી હજારો બાળકોને બળજબરીથી રશિયા મોકલીને તેમને દત્તક આપી દીધાં હોવાના આક્ષેપ યુક્રેને કર્યા છે. બ્રિટને પણ આ વાતને સાચી ગણાવી છે. યુક્રેન અને બ્રિટનનો આરોપ છે કે, પુતિનના ઈશારે મારીયાએઓ આ ઓપરેશન પાર પાડયું છે. મારીયાના સુપરવિઝન હેઠળ બાળકોને યુક્રેનથી રશિયા મોકલાયાં હતાં.
મારીયાએ પોતે યુક્રેનથી બાળકો મોકલ્યાં તેનો ઈન્કાર પણ કર્યો નથી પણ તેનું કહેવું છે કે, વાસ્તવમાં યુધ્ધમાં ફસાયેલા પ્રદેશમાંથી બાળકોને બહાર કાઢીને પોતે બાળકોનું ભલું કર્યું છે. આ બાળકોને સારા અને સલામત વાતાવરણમાં મોકલીને બહેતર ભવિષ્ય આપ્યું છે. યુધ્ધન કારણે સતત ફફડતા જીવે રહેતાં બાળકોને સારાં લોકોની વચ્ચે મોકલ્યાં છે.
રશિયન સરકારની સત્તાવાર પ્રતિક્રિયા મોળી છે ને મારીયાએ પણ સારી ભાષામાં પોતાની વાત મૂકી છે પણ રશિયાના નેતાઓએ આ ધરપકડ વોરંટ સામે બહુ આકરી પ્રતિક્રિયા આપી છે. રશિયાના પ્રમુખ રહી ચૂકેલા દમિત્રી મેડવેવે તો કહી જ દીધું છે કે, આ ધરપકડ વોરંટની કિંમત ટોઈલેટ પેપરથી વધારે કંઈ નથી એવું કહી દીધું છે.
આ વાત સાચી પણ છે કેમ કે આઈસીસી પુતિનની ધરપકડની વાત તો છોડો પણ તેનો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. આઈસીસી તેના સભ્ય દેશોના અપરાધીઓ સામે પણ કશું કરી શકતું નથી ત્યારે અહીં તો સામ પુતિન છે. પુતિન આખ દુનિયાને ઘોળીને પી ગયા છે ને યુક્રેન યુધ્ધના મામલે કોઈને ગણકારતા નથી ત્યારે આઈસીસીના ધરપકડ વોરંટને ધ્યાનમાં લે એવી આશા રાખવી જ મૂર્ખામી છે.
યુક્રેન પર આક્રમણને પગલે રશિયા પર અમેરિકા સહિતના દેશોએ જાત જાતના પ્રતિબંધ મૂક્યા છે. રશિયાનું નાક દબાવવા માટે તેના ક્રૂડ ઓઈલની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું એલાન પણ કર્યું પણ પુતિન મચક આપતા નથી ત્યારે નહોર વિનાના વાઘ જેવી આઈસીસીના ફરફરિયાથી પુતિન ડરી જાય એ વાતમાં માલ નથી.
આઈસીસી પાસે એવી કોઈ સત્તા પણ નથી કે આ વોરંટ બજાવીને પુતિનની ધરપકડ કરી શકે. આઈસીસીના સભ્ય હોય એવા દેશોમાં કોઈની ધરપકડ કરતાં આઈસીસીને ફીણ પડી જાય છે ત્યારે પુતિનના ગઢમાં જઈને વોરંટ બજાવવાની તો કલ્પના જ ના થાય. આ સંજોગોમાં ધરપકડ વોરંટ બહાર પડાવીને અમેરિકા સહિતના દેશો ભલે ખુશ થાય પણ આઈસીસીના ધરપકડ વોરંટની કાગળિયા સિવાય કોઈ કિંમત નથી.
જો કે આ ધરપકડ વોરંટે રશિયા અને યુક્રેન યુધ્ધ સાથે સંકળાયેલા એવા પાસાને દુનિયા સામે ખુલ્લું મૂક્યું છે કે જેની મોટા ભાગનાં લોકોને ખબર જ નથી. રશિયા યુક્રેનમાંથી નાનાં બાળકોને રશિયા મોકલી દે છે એવા આક્ષેપો થયા કરતા હતા પણ આ ધરપકડ વોરંટના પગલે એ વાતને સત્તાવાર સમર્થન મળી ગયું છે.
આ દાવ ખેલીને રશિયા યુક્રેનના અત્યાર સુધી પોતે કબજે કરેલા વિસ્તારોમાંથી તેને કદી હટાવી જ ના શકાય એવો પાકો બંદોબસ્ત કરી રહ્યું છે. યુક્રેનથી રશિયા મોકલાયેલાં બાળકો રશિયામાં ઉછરશે તેથી રશિયાના કહેવાતા રાષ્ટ્રવાદના રંગે જ રંગાઈ જશે. આ બાળકોને રશિયા જ પોતાનું વતન માનશે.
ભવિષ્યમાં રશિયા તેમને ફરી યુક્રેન મોકલશે કે નહીં એ ખબર નથી પણ યુક્રેન સાથેના યુધ્ધના કારણે થયેલી ખુવારી રશિયા સરભર કરી દેશે. બલ્કે તેના કરતાં વધારે યુવાનો તેની પાસે હશે કેમ કે અત્યાર સુધીમાં રશિયાએ ૧૦ લાખથી વધારે બાળકોને મોકલીને રશિયન પરિવારોને દત્તક આપી દીધાં હોવાનું કહેવાય છે. આ ૧૦ લાખ બાળકો ભવિષ્યમાં રશિયાની આર્મી બનશે કે જેમનો ઉપયોગ રશિયા યુક્રેન સામ જંગ માટે કરશે.
પાંચ સંતોનાની માતા મારીયા પુતિનની ગર્લફ્રેન્ડ હોવાના દાવા
આઈસીસીએ પુતિનની સાથે સાથે મારીયા એલેક્સેયેવના લોવા-બેલોવા સામે પણ ધરપકડ વોરંટ બહાર પાડયું છે. મારીયા રશિયાની બાળકોના અધિકાર માટેની સંસ્થાની પ્રેસિડેન્શિયલ કમિશનર છે. આ ધરપકડ વોરંટના કારણે મારીયા પણ ઈન્ટરનેશનસલ સેલિબ્રિટી બની ગઈ છે.
માત્ર ૩૮ વર્ષની મારીયા મૂળ મ્યુઝિશિયન છે. મ્યુઝિકમાં જ ગ્રેજ્યુએશન કરનારી મારીયાએ કારકિર્દીની શરૂઆત બાળકોની સ્કૂલમાં ગિટાર ટીચર તરીકે શરૂ કરી હતી. આ દરમિયાન મારીયા જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાઈ અને છેવટે વ્લાદિમિર પુતિનની પાર્ટીની સભ્ય બની.
પુતિન રંગીન મિજાજના માણસ છે અને સંખ્યાબંધ ગર્લફ્રેન્ડ્સ ધરાવે છે. મારીયા પણ તેમની ગર્લફ્રેન્ડમાંથી એક હોવાનું કહેવાય છે. આ કારણે જ પુતિનની પાર્ટી યુનાઈટેડ રશિયા પાર્ટીમાં તેનો ઝડપથી ઉદય થયો. મારીયાને પુતિને સેનેટર બનાવી અને મહત્વની સંસ્થામાં પ્રમુખ પણ નિમી.
મારીયાએ રશિયન ઓર્થોડોક્સ ચર્ચના પાદરી પાવેલ કોગેલમેન સાથે લગ્ન કર્યાં છે. પોવેલ પહેલાં કોમ્પ્યુટર પ્રોગ્રામર હતો પણ પછી આધ્યાત્મિક રસ્તો અપનાવીને પાદરી બની ગયો. ૨૦૦૩માં બંનેનાં લગ્ન થયાં અને આ લગ્નથી મારીયાને પાંચ સંતાનો થયાં છે. આ ઉપરાંત મારીયા-પોવેલે ૧૮ બાળકોને દત્તક પણ લીધાં છે. યુક્રેનના મારીયુપોલના એક ૧૫ વર્ષના છોકરાને મારીયા-પોવેલે ગયા વરસે દત્તક લીધો હતો. આ છોકરાનું યુક્રેનથી અપહરણ કરીને લવાયો હોવાનો વિવાદ ઉભો થયો હતો. મારીયા સામે ધરપકડ વોરંટ આ વિવાદના કારણે જ નિકળ્યું છે.
આઈસીસીમાં 123 સભ્ય દેશો પણ ભારત સભ્ય નથી
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી) નેધરલેન્ડસના હેગમાં બેસે છે અને દુનિયાના દેશોએ ભેગા મળીને બનાવેલી કોર્ટ છે. ૧૯૯૮માં બનેલી આ કોર્ટને દુનિયાના ૧૨૩ દેશો દ્વારા માન્યતા અપાઈ છે. આઈસીસી રોમ કરાર હેઠળ કામ કરે છે. ભારત આઈસીસીનું સભ્ય નહીં હોવાથી ભારતમાં પણ આઈસીસીની સત્તા ના ચાલે.
માનવતા વિરૂધ્ધના અત્યાચારો, જીનોસાઈડ એટલે કે કોઈ સમાજનું નિકંદન કાઢી નાંખવા કરાતા હત્યાકાંડ, યુધ્ધ સમયના અપરાધો, આક્રમણ વગેરે અપરાધો અંગે જે તે દેશના વડાઓ કે ઉચ્ચ અધિકારીઓ સામે કેસ ચલવાતી આ દુનિયાની એક માત્ર કોર્ટ છે. બે દેશો વચ્ચેના વિવાદો ઉકેલવા માટે યુનાઈટેડ નેશન્સ દ્વારા સ્થપાયેલી ઈન્ટરનેશલ કોર્ટ એફ જસ્ટિસ અને ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ અલગ અલગ છે.
આ કોર્ટ દેશના વડાઓ, લશ્કરી વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત મોટી કંપનીઓ તથા સંગઠનો સામે પણ કેસ ચલાવી શકે છે.