ભારતમાં કોરોના સંક્રમિતોના આંકડામાં ભયજનક વધારો
- હવે તો દેશમાં રોજના 30 હજાર કરતા વધારે કોવિડ-19ના કેસો આવવા લાગ્યાં છે
- આપણી બેદરકારી અને ઉદાસિનતા જ આપણને આ હદે લાવી છે વળી, શરૂઆતમાં કોરોનાના સંકટને ન સમજવું, પૂરતા પ્રમાણમાં ટેસ્ટ ન થવા અને અનેક દર્દીઓ દ્વારા કોરોનાનો ચેપ લાગ્યો હોવાની બાબત છુપાવવી ભારે પડી રહી છે
વૈશ્વિક સ્તરે અનેક પ્રયાસો છતાં કોરોના વાઇરસના સંક્રમણનો વ્યાપ ભયજનક રીતે વધી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો પરિસ્થિતિ હજુ પણ વકરવાની આશંકા વ્યક્ત કરી છે. ભારતમાં પણ કોવિડ-૧૯ના કેસ ૧૧ લાખને પાર કરી ગયા છે. ત્રણ દિવસમાં એક લાખ જેટલા મામલા નોંધાવા લાગ્યાં છે.
અગાઉ માત્ર ૨૦ દિવસમાં કોરોના સંક્રમણના મામલા પાંચ લાખથી દસ લાખે પહોંચી ગયા હતાં. કોરોના વાઇરસના મામલે ભારત હવે અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા સ્થાને છે. એમાંયે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મતે દેશમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનની શરૂઆત થઇ ગઇ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મતે દુનિયાના અનેક દેશો કોરોના વાઇરસ સામેની લડતમાં ખોટી દિશામાં જઇ રહ્યાં છે. જેના કારણે કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા અને તેના કારણે મરનારા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સંસ્થાના પ્રમુખ ડો. ટેડ્રોસ એડનૉમ ગેબ્રિયેસસનું કહેવું છે કે કોરોનાથી બચવા માટે સાવચેતીના જે પગલાં સૂચવવામાં આવ્યાં છે એમનું પાલન થતું નથી.
જો સમય રહેતા અસરકારક પગલા ન લેવામાં આવ્યાં તો સ્થિતિ બદતર બની જશે. ખરેખર તો દુનિયા સામે એક જટિલ પડકાર છે કારણ કે હાલની પરિસ્થિતિમાં તમામ દેશો પોતાની સમગ્ર તાકાત કોરોના સામે લડવામાં લગાવી રહ્યાં છે અને આર્થિક મોરચે પરિસ્થિતિ ખરાબ બની રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જણાવ્યા અનેક દેશોમાં કોરોના સામેની લડતમાં આર્થિક ઉપરાંત સામાજિક અને સાંસ્કૃતિક સમસ્યાઓ પણ આવી રહી છે.
હજુ સુધી કોરોનાની કોઇ ચોક્કસ દવા નથી શોધાઇ કે નથી વેક્સિન શોધાઇ એટલા માટે કોરોનાના સંક્રમણથી બચવું એ જ હાલ તો એક માત્ર ઉપાય છે અને એ વધારે મુશ્કેલ પણ નથી. કોરોના વાઇરસ અંગે દેશવિદેશની તબીબી સંસ્થાઓએ જે દિશાનિર્દેશ જાહેર કર્યાં છે એમાં ત્રણ બાબતો પર જોર આપવામાં આવ્યું છે. પહેલું એ કે લોકોએ વારંવાર હાથ સાબુથી ધોવા અથવા સેનિટાઇઝરથી સાફ કરવા.
બીજી જરૂરી બાબત છે માસ્ક પહેરવો અને ત્રીજું એ કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું. વિશ્વ આરોગ્ય સંસ્થા પણ કહેતી આવી છે કે લોકો વચ્ચે ઓછામાં ઓછી ૩.૩ ફૂટનું અંતર જાળવવામાં આવે તો કોરોના વાઇરસનું સંક્રમણ રોકવું શક્ય છે. જોકે વૈજ્ઞાાનિકોના મતે હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા સાવચેતીના પગલા જરૂરી તો છે પરંતુ પૂરતા નથી. બંધ જગ્યાઓએ અને ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓએ અને જ્યાં હવાની અવરજવરની પૂરતી વ્યવસ્થા ન હોય ત્યાં વાઇરસનો ચેપ લાગવાનો ખતરો વધારે છે.
દુનિયાના મોટા ભાગના દેશો લાંબા સમય સુધી લૉકડાઉન અમલમાં મૂકી ચૂક્યાં છે પરંતુ કોરોનાનું સંક્રમણ સતત વધતું જ રહ્યું છે. એવામાં લોકોને એ સવાલ પરેશાન કરી રહ્યો છે કે કોરોનાને નાથવાનો ઉપાય શો છે? કોરોનાથી બચવા માટે અનેક દેશોમાં વેક્સિન ઉપર તેજીથી કામ થઇ રહ્યું છે પરંતુ હજુ સુધી કોઇ પણ દેશ વેક્સિન બનાવવામાં સફળ થઇ શક્યો નથી.
કોરોનાની વેક્સિન બનાવવાની પ્રક્રિયા જટિલ હોવાની સાથે સાથે ધીરજ માંગી લે એવી છે. જોકે અત્યારે કોરોનાની વેક્સિન બનાવવાની કામગીરી જે રીતે પૂરજોશમાં ચાલી રહી છે એ જોતાં આ વર્ષના અંત સુધીમાં તો કોરોનાની વેક્સિન લૉન્ચ થવાની અપેક્ષા છે.
સૌથી તેજ ગતિથી બજારમાં આવનારી વેક્સિન પણ મોટે ભાગે તો ૨૦૨૦ના અંત સુધીમાં આવે એવું દુનિયાભરના સંશોધકો માની રહ્યાં છે. સામાન્ય રીતે કોઇ પણ કંપનીને વેક્સિનની જુદાં જુદાં સ્તરે મંજૂરી લેવામાં જ મહિનાઓ લાગી જાય છે અને એક વેક્સિન તૈયાર થવામાં ત્રણથી ચાર વર્ષ કે એનાથી પણ વધારે સમય લાગી જતો હોય છે. જોકે કોરોના વાઇરસે દુનિયાને જે રીતે બેહાલ કરી છે એના કારણે તેની વેક્સિન શોધવાનું કામ ભારે ઝડપથી ચાલી રહ્યું છે.
તાજ્જુબની વાત છે કે સાર્સ અને મર્સ જેવા ખતરનાક વાઇરસ ઓછોવત્તો કેર મચાવીને શાંત પડી ગયા પરંતુ કોવિડ-૧૯નો પ્રમાણમાં નબળો કહી શકાય એવો વાઇરસ છ મહિનાથી આતંક મચાવી રહ્યો છે અને સતત વધી પણ રહ્યો છે. અમેરિકામાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા ૪૦ લાખને આંબવા આવી છે.
અમેરિકામાં રોજના આશરે ૭૦ હજાર કેસ સામે આવી રહ્યાં છે તો ભારતમાં પણ હવે રોજના ૩૦ હજાર કરતા વધાર સંક્રમિતો સામે આવી રહ્યાં છે. જે રીતે કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે એ જોતાં થોડા દિવસમાં અમેરિકામાં સંક્રમણની ઝડપ ઘટવા લાગશે પરંતુ ભારતમાં એ સ્થિતિ આવતા હજુ સમય લાગશે. આપણે વધારે સાવધાન રહેવાની જરૂર એટલા માટે પણ છે કે ભારતની વસતી અમેરિકા કરતા ચાર ગણી વધારે છે.
કોરોના વાઇરસ ભારે ઝડપથી અને ઘણી આસાનીથી ફેલાઇ રહ્યો છે. કોરોના વાઇરસ સામે લડવામાં સૌથી અસરકારક પગલું અત્યાર સુધી એ રહ્યું છે કે શરૂઆતમાં જ સંક્રમિત વ્યક્તિની ઓળખ કરીને તેને આઇસોલેટ એટલે કે બધાંથી અલગ કરી દેવી. ભારત પણ પહેલેથી આ પદ્ધતિ પર ભારે ધ્યાન આપી રહ્યું છે. બીજું અસરકારક પગલું છે સામાજિક સંપર્ક ઓછો કરવો મતલબ કે ભીડભાડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું અને બને તો આવા સ્થળો જ બંધ કરી દેવા જેથી કરીને વાઇરસને સહેલાઇથી ફેલાતો અટકાવી શકાય.
સામાજિક સંપર્ક ટાળવો એટલા માટે પણ જરૂરી છે કે કદાચ કોરોનાનો ચેપ લાગ્યો હોય એવી વ્યક્તિ પર તેની અસર વધારે ન જણાતી હોય પરંતુ આસપાસ ઉંમરલાયક કે પછી હૃદયરોગ કે ડાયાબિટીસની બીમારી હોય એવા લોકોને કોરોનાનો ચેપ લાગી જાય તો તેમના માટે એ જીવલેણ નીવડી શકે છે.
મતલબ કે એકની લાપરવાહી બીજા માટે જીવલેણ નીવડી શકે છે. અમુક લોકોનો દાવો છે કે કોરોના વાઇરસનો ચેપ સામાન્ય શરદી-ખાંસી જેવો જ હશે અને આનો મૃત્યુ દર પણ ત્રણ ટકા જેટલો ઓછો છે. પરંતુ ભારત જેવા દેશમા કે જ્યાંની વસતી સવાસો કરોડ કરતાં વધારે હોય ત્યાં આટલો મૃત્યુદર લાખો લોકોને મોતને હવાલે કરી શકે છે.
વૈજ્ઞાાનિકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટ તેમજ અન્ય જાહેર સ્થળોએ વધારે ભીડભાડ ન કરવાની સલાહ આપી છે. તેમના મતે માસ્ક પહેરવો ફરજિયાત કરવાની જરૂર છે અને એમાં પણ સર્જિકલ એટલે કે સાદો માસ્ક ચાલે એમ નથી. બચાવ માટે એન-૯૫ માસ્ક જ અનિવાર્ય છે.
હજુ પણ ઘણાં લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે. સરકારે માસ્ક પહેરવા અંગેના કાયદા વધારે કડક કરવાની પણ જરૂર છે. શરૂઆતમાં તો દેશમાં કોરોનાના સંક્રમણ અંગે આશા જાગી હતી. કોરોનાના સંક્રમણમાં આપણે લગભગ ૫૦ દેશોથી પાછળ હતાં પરંતુ હવે આપણે ત્રીજા સ્થાને આવી ગયા છીએ અને ભારતની વિશાળ વસતી જોતાં આપણે ક્યાં પહોંચી શકીએ છીએ એની તો કલ્પના પણ કરવાથી કંપારી છૂટે છે.
ભારતની વસતી તેની તાકાત છે તો તેની મર્યાદા પણ છે. આજે આપણે એવા જોખમ સામે ઊભા છીએ જેની સામે સાવધાનીપૂર્વક ન લડયાં તો બહુ મોટું નુકસાન ભોગવવું પડે એમ છે. એમાં કોઇ શંકાને સ્થાન નથી કે કોરોના સામેનો મુકાબલો આપણે જીતી શકીએ એમ છીએ. આપણે સમગ્ર ધ્યાન બચાવના ઉપાયો પર કેન્દ્રિત કરવું પડશે. આખા દેશે રક્ષાત્મક મુદ્રામાં આવવું પડશે. એ તો નકારી શકાય એમ નથી કે આપણી બેદરકારી અને ઉદાસિનતા જ આપણને આ હદે લાવી છે.
શરૂઆતમાં કોરોનાના સંકટને ન સમજવું, પૂરતા પ્રમાણમાં ટેસ્ટ ન થવા અને અનેક દર્દીઓ દ્વારા કોરોનાનો ચેપ લાગ્યો હોવાની બાબત છુપાવવી ભારે પડી રહી છે. પરંતુ હવે ૨૫ હજારથી વધારે લોકોના જીવ ગુમાવ્યા બાદ આપણે આ સંકટની ભયાનકતા સમજવાની જરૂર છે. જે લોકો કોરોનાને હજુ પણ હળવાશમાં લઇ રહ્યાં છે તેમણે કોરોના સામેની લડાઇમાં શહીદ થયેલા ડોકટરો અને અન્ય વૉરિયર્સનો વિચાર કરવો જોઇએ.
દેશના દરેક નાગરિકે જવાબદાર બનીને વિચારવું પડશે કે તે કોરોનાની ચેઇન આગળ વધારી રહ્યો છે કે પછી તોડી રહ્યો છે? દરેકે ચહેરા પર યોગ્ય રીતે માસ્ક પહેરવો પડશે. આવશ્યક સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું પડશે. કોરોનાથી બચવા માટે તંત્રએ જે આકરા નિયમો બનાવ્યાં છે એ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પાલન કરવા પડશે.
પ્રશાસને પણ દિશાનિર્દેશોનું પાલન કરાવવામાં ચોકસાઇ રાખવી પડશે. લોકોએ જાતે એ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ ભીડભાડ ન કરે અને છતાં કામ કરતા રહે. સરકારી અને ખાનગી ઓફિસોમાં કામકાજની વ્યવસ્થામાં બદલાવ કરવાની જરૂર છે. સરકારી ખાતાઓમાં લોકોને વારંવાર ધક્કા ન ખાવા પડે એવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે.