Get The App

બરફવર્ષા ઘટી : ગ્લોબલ વોર્મિંગ કાશ્મીરને ભીંસમાં લઈ રહ્યું છે

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
બરફવર્ષા ઘટી : ગ્લોબલ વોર્મિંગ કાશ્મીરને ભીંસમાં લઈ રહ્યું છે 1 - image

હિમાલયના શિખરો ઉપર બરફ પડી રહ્યો છે પણ તળેટીના પ્રદેશો અને મેદાની વિસ્તારોમાં બરફ છવાયો નથી, ખેતી, પર્યટન અને અર્થતંત્રને જોખમ

- આ બરફ શિયાળા દરમિયાન ભેગો થાય છે અને તે કુદરતી પાણીનો સૌથી મોટો સ્રોત છે. શિયાળો પૂરો થયા બાદ ઉનાળા દરમિયાન આ બરફ ધીમે ધીમે ઓળગે છે અને આ પાણી પહાડો ઉપરથી આવતા ઝરણા, નદીઓ અને ભુગર્ભજળના સ્રોતમાં ઉમેરાય છે. જો બરફ ઘટવા લાગે તો પીવાના પાણી, સિંચાઈના પાણીની તંગી ઊભી થશે : જાણકારો સ્પષ્ટ માને છે કે, ગ્લોબલ વોર્મિંગે આ વખતે કાશ્મીરના વાતાવરણને ભરડામાં લીધું છે અને તેના કારણે બરફવર્ષાની આ પ્રાકૃતિક પ્રક્રિયા સક્રિય જ થઈ શકી નથી. તેના કારણે સમગ્ર કુદરતી ચક્ર વિખેરાઈ ગયું છે ઃ કાશ્મીરમાં બરફવર્ષા અહીંયાના પર્યટન ઉદ્યોગ માટે ખૂબ જ જરૂરી છે. અહીંયાના મોટા મોટા અને જાણીતા સ્કી રિસોર્ટ અને બરફ આધારિત પર્યટન કેન્દ્રો દેશ-વિદેશના પર્યટકોને આકર્ષે છે. આ વખતે નીચાણવાળા વિસ્તારોમાં બરફ ઓછો પડયો છે. હવે જો બરફ યોગ્ય પ્રમાણમાં નહીં પડે તો આગામી સમયમાં પર્યટન ઉદ્યોગ પણ મંદીમાં જાય તેમ છે

કાશ્મીરમાં આ વખતે શિયાળો જોઈએ એવો જામ્યો નથી. ડિસેમ્બર મહિનામાં ચિલ્લાઈ કલાનનો સમયગાળો શરૂ થયો હોવા છતાં જોઈએ એવી ઠંડી પડી નથી. 

સામાન્ય રીતે દિવાળી બાદ કાશ્મીર અને હિમાલયન વિસ્તારમાં આવેલા પહાડી રાજ્યોમાં શિયાળો જામતો હોય છે. ખાસ કરીને કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતી હોય છે. છેલ્લાં કેટલાક સમયથી શિયાળાની આ પેટર્ન બદલાઈ રહી છે. જાણકારો માને છે કે, કાશ્મીર ખીણમાં શિયાળામાં હિમવર્ષામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની અસર સમગ્ર કાશ્મીર ઉપર પડી રહી છે. જાણકારો માને છે કે, ગ્લોબલ વાર્મિંગની અસર હિમાલયન ક્ષેત્ર ઉપર પડી છે અન તેના કારણે જ વરસાદ અનિયમિત થઈ ગયો છે અને બરફવર્ષામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 

જાણકારોના મતે કાશ્મીર ખીણની વોટર સિસ્ટમ, ખેતી, ખેત ઉદ્યોગ, બાગયતી ખેતી, પર્યટન સેક્ટર બધા ઉપર તેનો સીધો પ્રભાવ પડી રહ્યો છે. તેમાંય જો આ સ્થિતિ આગામી વર્ષોમાં આવી જ રહી તો તમામ સેક્ટરમાં વ્યાપક પ્રમાણમાં નકારાત્મક અસર જોવા મળશે. 

ખાસ કરીને પર્યટનમાં મોટાપાયે ઘટાડો થશે તો બાકીના સેક્ટરમાં પણ તેની સીધી કે આડકતરી અસર જોવા મળશે. ચિંતાજનક બાબત એ છે કે, આ વર્ષે કાશ્મીરના મેદાની વિસ્તારોમાં કેટલાક ક્ષેત્રોમાં બરફ પડયો જ નથી અને કેટલાક વિસ્તારોમાં નહીવત પ્રમાણમાં બરફવર્ષા થઈ છે. જાણકારો માને છે કે, નીચાણવાળા વિસ્તારોમાં અને ખીણમાં ઓછો બરફ પડવો તે માત્ર વાતાવરણમાં આવેલો ફેરફાર નથી. પશ્ચિમી હિમાલય વિસ્તારમાં ગ્લોબલ વૉર્મિંગની ગંભીર અસર થઈ રહી છે. તેના કારણે કાશ્મીરના વાતાવરણમાં મોટો પલટો આવી રહ્યો છે. 

આ સ્થિતિ કાબુમાં નહીં આવી તો કાશ્મીર ખીણના વાતાવરણ, જનજીવન અને અર્થવ્યવસ્થાને મોટું નુકસાન કરશે. જાણકારો દ્રઢપણે માને છે કે, કાશ્મીરમાં બરફ ન પડવો તે માત્ર ગ્લોબલ વોર્મિંગની અસર ગણીને બેસી ન રહેવા તેનાથી આગામી સમયમાં મોટું પારિસ્થતિક અને આર્થિક સંકટ આવશે જે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખશે.

સમજવા જેવી બાબત એ છે કે, અહીંયા શિયાળા દરમિયાન થતી બરફવર્ષા માત્ર કુદરતી સૌંદર્ય માટે જ જરૂરી નથી. આ બરફ શિયાળા દરમિયાન ભેગો થાય છે અને તે કુદરતી પાણીનો સૌથી મોટો સ્રોત છે. શિયાળો પૂરો થયા બાદ ઉનાળા દરમિયાન આ બરફ ધીમે ધીમે ઓળગે છે અને આ પાણી પહાડો ઉપરથી આવતા ઝરણા, નદીઓ અને ભુગર્ભજળના સ્રોતમાં ઉમેરાય છે. 

ઝેલમ નદીમાં આ બરફનું જ પાણી મોટા પ્રમાણમાં આવે છે જે તેના કિનારે વિકસેલા ગામડા અને શહેરોને પાણી પહોંચાડે છે. તે ઉપરાંત આ ગામ અને શહેરોમાં વિકસેલી ખેતી માટે સિંચાઈનો પણ પાણી પુરવઠો પૂરો પાડે છે.

કાશ્મીરમાં જો બરફ ઘટવા લાગે તો શિયાળામાં પૂરતો બરફ જામે નહીં. 

જો સિઝનમાં પૂરતો બરફ જામે નહીં તો ઉનાળા દરમિયાન તે ઓળગશે પણ ઓછો અને તેના કારણે નદીઓ, ઝરણા અને અન્ય પાણાના સ્રોતને રિચાર્જ થવામાં મુશ્કેલી સર્જાશે. તેનાથી પીવાના પાણી, સિંચાઈના પાણીની તંગી ઊભી થશે. તે ઉપરાંત ઉંચાઈ ઉપર આવેલા જળવિદ્યુતના જે પ્રોજેક્ટ્સ છે તેના માટે પણ ભય ઊભો થશે. સફરજન અને કેસર જેવી ખેત પેદાશો જેને શિયાળાની ઠંડી, બરફ અને ભેજવાળી જમીનની જરૂર છે તેમને પૂરતું વાતાવરણ મળશે નહીં અને આ ખેત પેદાશોનું ઉત્પાદન ઘટશે. ચિંતાજનક બાબત એ છે કે, ઘણા સમયથી પર્વતીય વિસ્તારોમાં ખેતીની જમીન ઘટી રહી હોવાની ફરિયાદો થઈ રહી છે. 

આ ઉપરાંત આ વિસ્તારોમાં વિકાસના નામે પર્વતો કાપવામાં આવી રહ્યા છે. જંગલોનું પણ આડેધડ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. તેના કારણે ગત વર્ષ પણ સરેરાશ કરતા વધારે ગરમ રહ્યું હતું. 

આ શિયાળામાં હજી સુધી કાશ્મીરમાં જોઈએ તેવો બરફ પડયો નથી. તેના કારણે સ્થિતિ એ આવી છે કે, કાશ્મીર ખીણમાં તાપમાન તો નીચું ગયું છે પણ તેની અસર વર્તાઈ નથી. કાશ્મીર ખીણના પર્વતો ઉપર બરફ પડયો છે પણ તેમાંય ઘટાડો જોવા મળ્યો છે પણ મેદાની વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ નથી. 

હાલમાં ગુલમર્ગ, સોનમર્ગ અને પીર પંજાલ રેન્જમાં બરફ પડયો છે. તે પણ ઉંચાઈ ઉપર પડયો છે. પર્વતીય વિસ્તારોની તળેટીમાં પણ પૂરતા પ્રમાણમાં બરફ પહોંચ્યો નથી. 

આ સિવાય ખીણ પ્રદેશ અને ગામડાઓ તથા મેદાનોમાં સામાન્ય બરફવર્ષા થઈ છે. તેના કારણે સુકી ઠંડી જોવા અને અનુભવવા મળી રહી છે. 

હવામાન ખાતાના સ્થાનિક જાણકારો અને અધિકારીઓ માને છે કે, આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ જ નબળું રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગની અસર તેના ઉપર વધારે વર્તાઈ હોય તેમ લાગ્યું છે. ક્લાઈમેટ ચેન્જ જે રીતે અસર કરી રહ્યું છે તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી યોગ્ય ભેજ ધરાવતી સિસ્ટમ એક્ટિવેટ થઈ જ નથી. તેના કારણે જે પ્રમાણમાં બરફવર્ષા થવી જોઈએ તે થઈ નથી. જાણકારો સ્પષ્ટ માને છે કે, ગ્લોબલ વોર્મિંગે આ વખતે કાશ્મીરના વાતાવરણને ભરડામાં લીધું છે અને તેના કારણે બરફવર્ષાની આ પ્રાકૃતિક પ્રક્રિયા સક્રિય જ થઈ શકી નથી. તેના કારણે સમગ્ર કુદરતી ચક્ર વિખેરાઈ ગયું છે. 

જાણકારો બીજી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે, હવે જો જાન્યુઆરીના અંતમાં અને ફેબુ્રઆરીમાં બરફ પડશે તો પણ તેનો મોટો ફાયદો થવાની શક્યતા ઓછી છે. હવે ઠંડીમાં ઘટાડો થશે અને તેથી આ બરફ જામીને હિમનદીમાં પરિવર્તિત થઈ શકશે નહીં. જોઈએ તે પ્રમાણમાં ગ્લેશિયરનું સર્જન થશે નહીં. 

કાશ્મીર એક એવું રાજ્ય છે જેની કુદરતી રચના જુદી છે. અહીંયાની નદીઓ સંપૂર્ણ રીતે બરફ પીગળવા ઉપર જ આધારિત છે. હાલમાં જે રીતે ઓછો બરફ પડયો છે તે દર્શાવે છે કે, વસંત ઋતુ બાદ ગરમીમાં બરફ ઓછો ઓળગશે અને પાણી પણ ઓછું આવશે. તેમાંય જો તાપમાનમાં ઝડપથી વધારો થયો અને ગરમી વધી ગઈ તો પાણીના સ્ર્રોત ઓછા થવા લાગશે. તેની સીધી જ અસર ખેતી અને સિંચાઈ ઉપર પડશે. હિમનદીઓનું પાણી જ કાશ્મીરી ખેતી અને ખેતપેદાશ ઉદ્યોગના પાયાસમાન છે. આ નદીઓમાં ઓછું પાણી આવશે તો તેમાં વ્યાપક સમસ્યા સર્જાશે.

ખેડૂતો હાલમાં પણ સ્થિતિ ઉપર નજર રાખીને બેઠા છે. જો વસંત બાદ પાણીની તંગી સર્જાશે તો ખેતીને અસર થશે અને ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળશે. 

બાગાયતી ખેતીને પણ વ્યાપક નુકસાન થશે. જાણકારો માને છે કે, ઓછો બરફ પડવાના કારણે નદીઓમાં તો પાણી ઘટવાનું જ છે પણ સાથે સાથે ભૂગર્ભજળ પણ યોગ્ય રીતે રિચાર્જ થશે નહીં. જો કાશ્મીરના ઝરણા અને નદીઓમાં પાણી નહીં આવે તો ભૂગર્ભજળનો વધારે ઉપયોગ થશે. તેના પગલે ભૂગર્ભજળનો સ્રોત ઓછો થશે. આમ બંને સ્તરે પાણી ઓછું થશે જે ભવિષ્યને નુકસાન કરશે. ખેતીને અસર થશે તો કાશ્મીરના અર્થતંત્રને પણ મોટું નુકસાન થશે.

બીજી ચિંતાજનક બાબત એ છે કે, માત્ર ખેતી જ નહીં, ઓછો બરફ પડવાના કારણે કાશ્મીરના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા પર્યટન ઉદ્યોગને પણ મોટી અસર થશે. કાશ્મીરમાં બરફવર્ષા અહીંયાના પર્યટન ઉદ્યોગ માટે ખૂબ જ જરૂરી છે. 

અહીંયાના મોટા મોટા અને જાણીતા સ્કી રિસોર્ટ અને બરફ આધારિત પર્યટન કેન્દ્રો દેશ-વિદેશના પર્યટકોને આકર્ષે છે. આ વખતે નીચાણવાળા વિસ્તારોમાં બરફ ઓછો પડવાના કારણે જોઈએ તેવા બુકિંગ આવ્યા નથી. હોટેલ, ટૂર ઓપરેટર, સ્કી ટ્રેનર અને અન્ય એક્ટિવિટીમાં તેની અસર જોવા મળી રહી છે. હવે જો બરફ યોગ્ય પ્રમાણમાં નહીં પડે તો આગામી સમયમાં પર્યટન ઉદ્યોગ પણ મંદીમાં જાય તેમ છે.

- ગુજરાતના ભોગે થયેલો અંધાધૂંધ વિકાસ કાશ્મીરના કાંડા કાપી રહ્યો હોવાની ચર્ચા

વૈજ્ઞાાનિકો માને છે કે, ગ્લોબલ વોર્મિંગની જે અસર ઊભી થઈ છે તે સમગ્ર ભારતના વાતાવરણને પલટાવી રહી છે. સ્થિતિ એવી થઈ રહી છે કે ક્યારેક કોઈ વિસ્તારમાં અતિશય વરસાદ પડી જાય છે તો ક્યાંક આકરો તાપ પડી રહ્યો છે. આ વખતે ચોમાસું પણ લાંબું ખેચાયું હતું. 

ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન પણ ઉત્તરના રાજ્યો અને દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ આવી હતી. તેવી જ રીતે હવે ક્લાઈમેટ ચેન્જની અસર હિમાલયના પર્વતીય વિસ્તારોમાં જોવા મલી રહી છે. વૈશ્વિક સ્તરે જે તાપમાનમાં વધારો થયો છે તેની અસર આલ્પ્સની જેમ હિમાલયની ટેકરીઓ અને શિખરો ઉપર જોવા મલી રહી છે. તેના કારણે જ આ વખતે ઉંચા શિખરો અને ટેકરીઓ ઉપર વધારે બરફ પડયો છે. જેમ જેમ નીચેનો વિસ્તાર આવતો ગયો છે તેમ તેમ બરફ ઘટયો છે. 

જાણકારો સ્પષ્ટ માને છે કે, કપાયેલા જંગલો, તોડાયેલા પર્વતો અને કુદરતના ભોગે પહાડોમાં થયેલો અંધાધૂંધ વિકાસ કાશ્મીરના કાંડા કાપતો હોય તેમ લાગી રહ્યું છે. તેના કારણે બરફવર્ષા ઘટી રહી છે અને અનિયમિત પણ થઈ ગઈ છે. આ વખતે પારંપરિક રીતે શિયાળામાં પણ જોઈએ તેટલા પ્રમાણમાં બરફ પડયો નથી અને ઠંડી પણ જોવા મળી નથી. જે-તે વિસ્તારોમાં માત્ર સુકી ઠંડી પડી રહી છે. 

કાશ્મીરમાં ઘટી રહેલો બરફ સંકેત આપી રહ્યો છે કે, ગ્લોબલ વોર્મિંગ હવે પાણી, ખેતી અને લોકોની આજિવિકા અને જીવન ઉપર મોટી અને ગંભીર અસર પાડી શકે તેમ છે. આ વિસ્તારોમાં અસરો અટકાવવાના ઝડપી અને નક્કર પગલાં નહીં લેવામાં આવ્યા તો ભવિષ્યમાં સ્થિતિ વધારે ખરાબ થશે.