શુકનવંતા સુનક ફળ્યા : ભારતીયો માટે યુકેના દરવાજા ખોલ્યા

Updated: Jan 19th, 2023


- યંગ પ્રોફેશનલ સ્કીમ : 18 વર્ષથી 30 વર્ષની ઉંમરના 3000 ભારતીયોને બ્રિટનમાં રહેવા માટેના વિઝા આપશે

બ્રિટનને અચાનક જ ભારતીયો પર હેત ઉભરાયું છે તેનું કારણ બ્રેક્ઝિટ એટલે કે યુરોપીયન યુનિયનમાંથી બ્રિટન બહાર નિકળી જતાં સર્જાયેલી માણસોની કટોકટી છે. અત્યાર સુધીમાં ૩.૩૦ લાખ લોકો બ્રેક્ઝિટના કારણે બ્રિટન છોડી ગયા છે. તેમની જગા ભરવા બ્રિટને નવા માણસોને લેવા પડે કે જે ભારત અને ચીન સિવાય બીજે ક્યાંયથી મળે તેમ નથી. સુનકને ચીન માટે અણગમો છે તેથી ભારત પર વરસ્યા છે.

ભારતીય મૂળના ઋષિ સુનક યુ.કે.ના વડાપ્રધાન બનશે તો ભારતીયોને ફાયદો થશે અને યુ.કે.ના દરવાજા ભારતીયો માટે ખૂલશે એવી અપેક્ષા રખાતી હતી. આ અપેક્ષા સાચી પડી રહી હોય એવું લાગી રહ્યું છે કેમ કે યુ.કે.ની સુનક સરકારે ભારતીય યુવાનો  બ્રિટનમાં માત્ર પ્રવેશી જ ના શકે પણ નોકરી કે કામ-ધંધા વિના બે વર્ષ લગી રહી પણ શકે એવા બહુ મહત્વપૂર્ણ કરાર કર્યા છે. 

ભારત અને યુકે સરકાર વચ્ચે 'યંગ પ્રોફેશનલ સ્કીમ' હેઠળ થયેલા કરાર પ્રમાણે બ્રિટન ૧૮ વર્ષથી ૩૦ વર્ષની ઉંમરના ૩૦૦૦ ભારતીયોને બ્રિટનમાં રહેવા માટેના વિઝા આપશે. ભારતમાં ડીગ્રી મેળવનારા આ યુવાનોએ બ્રિટન જવું હશે તો વર્ક પરમિટ, બ્રિટનમાં કામ કરવા માટે ઓફર લેટર કે સ્પોન્સરની જરૂર નહીં પડે. બ્રિટન તેમની ડીગ્રીના આધારે તેમને બ્રિટનમાં કામ કરવાના અને રહેવાના વિઝા આપશે. 'યંગ પ્રોફેશનલ સ્કીમ' હેઠળ વિઝા મેળવનારા ભારતીય યુવાનો બે વર્ષ સુધી યુ.કે.માં રહી શકશે. 

બ્રિટન વરસોથી વિદેશોના ટેલેન્ટેડ યુવાઓને બ્રિટનમાં કામ કરવાની સ્વતંત્રતા આપવા માટે 'યંગ પ્રોફેશનલ સ્કીમ' ચલાવે છે. 'યંગ પ્રોફેશનલ સ્કીમ' હેઠળ અત્યાર સુધી કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, તાઈવાન, આઈલેન્ડ, સાન મરીનો, મોનેકો, દક્ષિણ કોરીયા અને હોંગકોંગના યુવાઓને બ્રિટનમાં નોકરી કે સ્પોન્સર વિના બે વર્ષ સુધી રહેવાની છૂટ મળતી હતી પણ ભારતનો સમાવેશ નહોતો કરાયેલો. 

બ્રિટને છેલ્લાં કેટલાંક વરસોથી ભારતીયોને વિઝા આપવામાં કડક નીતિ અપનાવી છે. ભારતીયો એક વાર બ્રિટન આવે પછી ગેરકાયદેસર રીતે જામી જવામાં પાવરધા છે એવી છાપ ઉભી કરાઈ છે તેથી 'યંગ પ્રોફેશનલ સ્કીમ'માં ભારતીયોનો સમાવેશ કરાશે એવી કોઈને આશા જ નહોતી પણ સુનક આવ્યા ને ચિત્ર બદલાઈ ગયું. 

અત્યાર સુધી જે દેશના યુવાઓને આ સ્કીમનો લાભ અપાતો હતો એ બધા દેશો સમૃધ્ધ ને વિકસિત દેશો છે. આ દેશના નાગરિકોએ યુ.કે. આવવું હોય તો પહેલાંથી વિઝા લેવા નથી પડતા. આ દેશોના નાગરિકોને યુ.કે.માં વિઝા ઓન એરાઈવલ મળે છે જ્યારે ભારતીયોને વિઝા વિના એન્ટ્રી જ નથી. સુનકે 'યંગ પ્રોફેશનલ સ્કીમ'માં ભારતનો સમાવેશ કરતાં ભારત દુનિયામાં યુ.કે. જવા માટે પણ વિઝા ફરજિયાત હોવા છતાં આ સ્કીમનો લાભ મેળવનારો પહેલો દેશ બન્યો છે.  

અત્યારે જે દેશોને આ સ્કીમનો લાભ મળે છે તેમાં ઓસ્ટ્રેલિયાના ૩૦ હજાર, ન્યુઝીલેન્ડના ૧૩ હજાર અને કેનેડાના ૬ હજાર યુવાઓને યુ.કે.માં બે વરસ રહેવાની છૂટ મળે છે. ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા સમૃધ્ધ દેશો છે. આ દેશો પોતે જ બહારનાં લોકોને બોલાવે છે તેથી આ દેશોના યુવા બહુ તેનો લાભ નથી લેતા. જાપાનના ૧૫૦૦ યુવાઓને જ્યારે બાકીના દેશોને હજાર-હજાર યુવાઓને બ્રિટનમાં એન્ટ્રી મળે છે. તેની સામે ભારતના ૩૦૦૦ યુવાઓને તક મળશે એ મોટી વાત છે. 

છેલ્લાં કેટલાંક વરસોમાં બ્રિટન જ નહીં પણ દુનિયાના મોટા ભાગના સમૃધ્ધ દેશોમાં ભારતીયો માટે પ્રવેશના નિયમો આકરા બની ગયા છે. અમેરિકામાં તો અત્યારે પણ એ જ સ્થિતી છે. અમેરિકા ફરવા જવા માંગતા ભારતીયોએ ટુરિસ્ટ વિઝા માટે બે વર્ષ રાહ જોવી પડે છે તેના પરથી જ સ્થિતી શું છે એ સમજાઈ જાય. 

બ્રિટનમાં પણ ભારતીયોને બહુ પસંદ નહોતા કરાતા. ભારતથી બ્રિટન ભણવા જતા વિદ્યાર્થીઓ નાણાં ખર્ચીને ભણતા હોય છે. તેના કારણે બ્રિટનને આર્થિક ફાયદો થાય છે છતાં બ્રિટન ભારતીય વિદ્યાર્થીઓને વિઝાના નિયમો સરળ બનાવવા તૈયાર નહોતું. યુ.કે.ની યુનિવર્સિટીમાં ભણ્યા પછી નોકરી મળવાની શક્યતા હોય તો જ વિઝા, નર્સિંગ-ફાર્મા જેવા હાઈ ડીમાન્ડ સેક્ટર્સ સિવાય બીજાં સેક્ટરમાં નો-એન્ટ્રી, યુ.કે.ની બેંકમાં લાખો પાઉન્ડ જમા કરાવવાની શરત સહિતનાં આકરાં નિયંત્રણો મૂકાયેલાં હતાં. 

યુ.કે.એ ૨૦૧૮માં જે વિદ્યાર્થીઓની વિઝા અરજીઓનો ઝડપથી અને સરળતાથી નિકાલ કરાશે એવા દેશોની યાદી બહાર પાડી તેમાં ભારતનો સમાવેશ પણ નહોતો કર્યો. યુ.કે.નું કહેવું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટન માટે 'લો રિસ્ક' કેટેગરીમાં નથી આવતા. મતબલ કે, ભારતીય વિદ્યાર્થીઓ એક વાર બ્રિટનમાં આવી જાય પછી સરકારના માથે પડશે એવું જોખમ વધારે છે. મોદી સરકારે તેની સામે વાંધો લીધેલો પણ બ્રિટન કોઈ વાત સાંભળવા તૈયાર નહોતું.

હવે બ્રિટનને અચાનક જ ભારતીયો પર હેત ઉભરાયું છે. ભારતીય યુવાઓ માટે લાલ જાજમ પાથરવામાં આવી છે તેનું કારણ બ્રેક્ઝિટ એટલે કે યુરોપીયન યુનિયનમાંથી બ્રિટન બહાર નિકળી જતાં સર્જાયેલી માણસોની કટોકટી છે. બ્રિટન યુરોપીયન યુનિયનમાં હતું ત્યારે બ્રિટનમાં યુરોપના બીજા દેશોના ૫.૬૦ લાખ લોકો કામ કરતા હતા. બ્રિટને યુરોપીયન યુનિયનથી ફારગતિ લેતાં આ બધા પોતપોતાના દેશ પાછા જઈ રહ્યા છે કેમ કે તેમના દેશોમાં પણ નોકરીની કમી નથી. માનો કે, નોકરી ના મળે તો પણ સોશિયલ સીક્યુરિટી છે જ તેથી ઘેરબેઠાં સરકાર ખવડાવશે.  

અત્યાર સુધીમાં ૩.૩૦ લાખ લોકો બ્રેક્ઝિટના કારણે બ્રિટન છોડી ગયા છે. ઘણાંના કોન્ટ્રાક્ટ પત્યા નથી તેથી રહી ગયા છે પણ એ બધા પણ ધીરે ધીરે જશે જ. તેમની જગા ભરવા બ્રિટને નવા માણસોને લેવા પડે કે જે ભારત અને ચીન સિવાય બીજે ક્યાંયથી મળે તેમ નથી. 

સુનકને ચીન માટે અણગમો છે કેમ કે ચીના બીજા દેશમાં રહીને જાસૂસી સહિતના આડાઅવળા ધંધા કરે છે. આ કારણે સુનક ચીનાઓને દૂર જ રાખવા માગે છે તેથી ભારત પર વરસ્યા છે. ભારતીયો હોંશિયાર છે ને યુકેમાં તેમના નામનો ત્રાસ નથી તેથી સુનક માટે ભારતીયો સેફ ઓપ્શન છે. 

આ સ્કીમની શરૂઆત માર્ચથી થવાની છે. એ પહેલાં કોણ અરજી કરી શકે તેના નિયમો પણ જાહેર થઈ જશે. આ નિયમો શું હશે એ ખબર નથી પણ ભારતીયો માટે આ મોટી તક છે તેમાં બેમત નથી. અત્યારે જે દેશોને લાભ અપાય છે એ દેશોમાંથી સમૃધ્ધ દેશોનો ક્વોટા તો પૂરો ભરાતો નથી તેથી ભવિષ્યમાં ભારતનો ક્વોટા વધારાય એવું બને. ભારત પણ ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડની જેમ દસ હજારથી વધારે વિઝા મેળવતો દેશ બની શકે. 

ન્યુઝીલેન્ડના કિસ્સામાં ૩૫ વર્ષ સુધીના યુવાઓને વિઝાની છૂટ અપાઈ છે. ભારતના કિસ્સામાં પણ એવું બની શકે એ જોતાં ભવિષ્યમાં વધારે ભારતીયોને તેનો લાભ મળે એ શક્યતા પણ છે. 

આ સ્કીમથી ભારતને આર્થિક ફાયદો તો છે જ પણ બીજો પણ ફાયદો છે. વિશ્વમાં અત્યારે ભારત સૌથી વધારે યુવા ધરાવતો દેશ છે એ જોતાં દરેક દેશે ભવિષ્યમાં યુ.કે.ને અનુસરવું પડે એવું બને. 

પ્રીતિ પટેલે ભારતીયો માટે દરવાજા ખોલવાનો તખ્તો ઘડેલો

ભારત અને યુ.કે.ના નાગરિકો એકબીજાના દેશમાં છૂટથી આવી શકે એ માટેનો તખ્તો મૂળ ગુજરાતી પ્રીતિ પટેલ યુ.કે.નાં ગૃહ મંત્રી હતાં ત્યારે ઘડાયેલો. ૨૦૨૧ના મેમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને પ્રીતિ પટેલ વચ્ચે દિલ્હીમાં 'માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ' કરાર થયેલા. 

ભારતે ત્યારે 'યંગ પ્રોફેશનલ સ્કીમ' હેઠળ ભારતના યુવાઓને બીજા દેશોના યુવાઓની જેમ બ્રિટનમાં રહેવાની છૂટ આપવા પર ભાર મૂક્યો હતો. ભારતીય વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને એન્ટરપ્રીન્યોર્સને પણ વધારે પ્રમાણમાં વિઝા આપવાની પણ ભારતની માગ હતી. 

બ્રિટન સૈધ્ધાંતિક રીતે તેના માટે સહમત થયેલું પણ બ્રિટનમાં રાજકીય અસ્થિરતાનો માહોલ સર્જાતાં આ કરારનો અમલ માટેની પ્રક્રિયા ઘાંચમાં પડી ગઈ હતી. 

પ્રીતિ પટેલ પછી ભારતીય મૂળનાં જ સુએલ્લા બ્રેવરમેન ગૃહ મંત્રી બન્યાં પણ સુએલ્લાના વિચારો પ્રીતિ પટેલથી બિલકુલ વિપરીત હતા. સુએલ્લા ભારતીયો માટે બ્રિટનના દરવાજા ના જ ખોલવા જોઈએ એવો કટ્ટર મત ધરાવતાં હતાં. તેના કારણે તેમણે ગૃહ મંત્રીપદ છોડવું પડેલું. 

સુનકે સુએલ્લાને લીધાં છે પણ વિદેશ મંત્રાલય ફિલિપ બાર્ટનને આપ્યું છે. બાર્ટને સમજદારી બતાવીને ભારત સાથેના સંબંધો મજબૂત કરવાનું વલણ અપનાવતાં ધીરે ધીરે ભારતીયો માટે યુ.કે. જવું એકદમ સરળ બની જશે એવો માહોલ સર્જાઈ રહ્યો છે. યુકેમાં ગયા વરસે સ્ટુડન્ટ વિઝા લેવામાં ભારતીયો ચીનને ટપી ગયેલા. યુકે આ રીતની નિતી અપનાવે તો બિજા વિઝામાં પણ ભારત આગળ નિકળી જશે.

    Sports

    RECENT NEWS