Get The App

બાંગ્લાદેશમાં નવી સરકાર, ભારત સામે ઘણા પડકારો રહેલા છે

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં નવી સરકાર, ભારત સામે ઘણા પડકારો રહેલા છે 1 - image

- રહમાન તારિકની બહુમત, સંસદમાં કટ્ટરવાદીઓની વધારે સંખ્યા અને શેખ હસિનાનું ભારતમાં શરણું દ્વિપક્ષીય સંબંધોને ઘણી અસર કરશે

- બીએનપીની વાત કરીએ તો તેની સાથે ભારતનું જોડાણ ખાસ રહ્યું નથી. 1978માં ઝિયા ઉર રહમાન દ્વારા બીએનપીની સ્થાપના કરાઈ ત્યારથી ભારત સાથે આકરા સંબંધ રહ્યા છે. તેમના પછી ખાલિદા ઝિયાની સરકારમાં પણ ભારત સાથેના સંબંધો બગડયા હતા. આ સંજોગોમાં બાંગ્લાદેશે સુરક્ષા મુદ્દે મજબૂત સહયોગની ખાતરી આપવી પડશે તો જ સંબંધ સુધરે તેમ છે : હસીના સરકારનું પતન થયા બાદ લઘુમતીઓ ઉપર અને ખાસ કરીને હિંદુઓ ઉપર જે અત્યાચાર થયા, જે હિંસા થઈ અને હત્યાનું તાંડવ કરવામાં આવ્યું તે મુદ્દે પણ બંને દેશો વચ્ચે ઘર્ષણ છે. જો નવી સરકારના કાર્યકાળમાં સામાજિક અને ધાર્મિક સ્થિરતા નહીં આવે તો ઘણી સમસ્યા થશે : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી ગંગા જળસંધિ ડિસેમ્બર 2026માં પૂર્ણ થાય છે. આ મુદ્દે નવેસરથી વાતચીત કરવાને અને વિશ્વાસ વધારવાને પ્રાધાન્ય આપવું પડશે. આ બંને મુદ્દે બાંગ્લાદેશે વધારે વિશ્વાસ ઊભો થાય તેવી કામગીરી કરવી પડશે

ભારતના પાડોશી દેશમાં ચાલી રહેલા પોલિટિકલ ડ્રામાનો અંત આવ્યો હોય તેમ દેખાઈ રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તારિક રહમાનની આગેવાની હેઠળની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ પ્રચંડ બહુમતી મેળવી હતી. તેના પગલે જ તારિક રહમાન બાંગ્લાદેશના નવા વડા પ્રધાન બન્યા છે. બીજી તરફ બાંગ્લાદેશની સંસદમાં જમાત-એ-ઈસ્લામી નામના કટ્ટરવાદી વિચારસરણી ધરાવતા પક્ષના સાંસદોની સંખ્યા પણ વધી છે. આ નવા સમીકરણોમાં ભારત સાથે બાંગ્લાદેશના સંબંધો કેવા રહેશે અને તેનું ભવિષ્ય કેવું રહેશે તે એક વિચારવા યોગ્ય મુદ્દો છે. આ નવા રાજકીય સમીકરણો ઉપરાંત બીજો મોટો મુદ્દો જે દ્વિપક્ષીય સંબંધોને અસર કરે તેવો છે શેખ હસીનાનો. શેખ હસીનાની સરકારનું પતન થયું અને તેઓ ભાગીને ભારતમાં આવીને શરણું લઈ રહ્યા છે. તેના કારણે ભારત અને બાંગ્લાદેશના સંબંધો વધારે સંવેદનશીલ બની ગયા છે. બીજી તરફ વચગાળાની સરકાર અને નેતાઓ દ્વારા ચીન સાથે જે ભાગીદારી અને જોડાણ કરવામાં આવ્યા તે પણ એક મોટો મુદ્દો છે. 

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી દ્વારા રહમાનને નવા વડા પ્રધાન બનવાની શુભેચ્છા આપવામાં આવી હતી. આ ઉપરાંત ઓમ બિરલા અને વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી ત્યાં પહોંચી ગયા હતા. હાલમાં તો ભારત દ્વારા બાંગ્લાદેશ સાથે સંબંધ સામાન્ય કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પણ વાસ્તવિકતા ઘણી અલગ છે. ભવિષ્ય ઘણું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. નવી સરકાર, નવા નેતા, નવા સમીકરણો અને વર્તમાન પડકારોની સાથે સાથે નવી કૂટનીતિની પણ જરૂર પડવાની છે. તે ઉપરાંત શેખ હસીનાનું પ્રત્યાર્પણ, બાર્ડર સુરક્ષા, જળ વિવાદ, વેપાર, અન્ય કૂટનીતિક અને કટ્ટરવાદી સમસ્યાઓ, બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા, ચીન અને પાકિસ્તાન પ્રત્યેનો બાંગ્લાદેશનો પ્રેમ જેવા ઘણા મુદ્દા છે જે ભારત અને બાંગ્લાદેશના સંબંધોને અસર કરશે. 

જાણકારોના મતે બંને દેશોના સંબંધો પાટા ઉપર પાછા આવે તે પહેલાં ઘણા પડકારોનો સામનો કરવો પડશે.

ભારત અને બાંગ્લાદેશના સંબંધો ઉપર નજર કરીએ તો માત્ર શેખ હસીનાના નેતૃત્ત્વમાં જ સંબંધો સારા રહ્યા છે. ૨૦૦૮થી ૨૦૨૪ દરમિયાન બંને દેશોમાં સુરક્ષા, સહયોગ, સ્થાનિક કનેક્ટિવિટી અને વ્યાપારને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત હસીના સરકારે ઉગ્રવાદી નેટવર્ક અને આતંકવાદીઓ સામે પગલા લેવામાં ભારતને મદદ કરી હતી અને પૂર્વોત્તરમાં ભારતની ચિંતા હળવી કરી હતી. ૨૦૨૪માં હસીના સરકારનું પતન થતા જ સ્થિતિ અત્યંત કફોડી થઈ ગઈ છે. બીજી તરફ બીએનપીની વાત કરીએ તો તેની સાથે ભારતનું જોડાણ ખાસ રહ્યું નથી. ૧૯૭૮માં ઝિયા ઉર રહમાન દ્વારા બીએનપીની સ્થાપના કરાઈ ત્યારથી ભારત સાથે આકરા સંબંધ રહ્યા છે. તેમના પછી ખાલિદા ઝિયાની સરકારમાં પણ ભારત સાથેના સંબંધો બગડયા હતા. તે સમયે તો ભારત દ્વારા બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ, ઉગ્રવાદીઓને શરણું આપવાના અને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં આતંકવાદ અને ઉગ્રવાદ ફેલાવવામાં બાંગ્લાદેશની મદદના આરોપો પણ મુકાયા હતા અને સંબંધ વણસ્યા હતા. હવે તારીક રહમાન કેવી રીતે ભારત સાથે જોડાય છે અને સંબંધ જાળવે છે તેના ઉપર જાણકારોની નજર છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં આજે પણ સુરક્ષાનો મુદ્દો મહત્ત્વનો છે. બીએનપીની સરકારમાં ભૂતકાળમાં ઉગ્રવાદીઓ દ્વારા બાંગ્લાદેશમાં ડેરા તંબુ તાણવામાં આવ્યા હતા. ઉગ્રવાદીઓ દ્વારા ત્યાંથી ભારતના પૂર્વોત્તર રાજ્યોને કનડવામાં આવતા હતા અને તેણે બંને દેશોના સંબંધ ખરાબ કર્યા હતા. ખાસ કરીને સિલિગુડી કોરિડોર કે જેને ચિકન નેક કહેવાય છે તેની સુરક્ષા મુદ્દે બંને દેશો વચ્ચે સંબંધ વણસ્યા હતા. ૨૨ કિ.મીનો આ વિસ્તાર બાંગ્લાદેશ, નેપાળ અને ભારતને જોડે છે. 

બીજી તરફ ભુતાન અને ચીન પણ થોડા જ અંતરે આ વિસ્તારથી દૂર છે. તે સમયે સેવન સિસ્ટર્સમાં જે સમસ્યા સર્જાઈ હતી તે ફરીથી ન સર્જાય તેના તરફ ભારતનું વધારે પ્રાધાન્ય હશે તે સ્વાભાવિક છે. બીજી તરફ ભારતે આતંકવાદ વિરોધી વલણ દાખવેલું છે તેના કારણે પણ બાંગ્લાદેશ સરહદે સમસ્યા થયેલી છે. ભારતીય સુરક્ષા જવાનોને સતત બાંગ્લાદેશની સરહદો ઉપર બળ પ્રયોગ કરવો પડે છે અને ઘુસણખોરી અટકાવવી પડે છે. તેમાં ઘણી વખત સામાન્ય લોકોના મોત થતા હોવાની બાંગ્લાદેશની ફરિયાદ છે અને ત્યાંના સ્થાનિક સરહદી લોકોમાં પણ આક્રોશ છે. આ સંજોગોમાં બંને દેશોએ સુરક્ષા મુદ્દે મજબૂત સહયોગની ખાતરી આપવી પડશે તો જ સંબંધ સુધરે તેમ છે.

હસીના સરકારનું પતન થયા બાદ લઘુમતીઓ ઉપર અને ખાસ કરીને હિંદુઓ ઉપર જે અત્યાચાર થયા, જે હિંસા થઈ અને હત્યાનું તાંડવ કરવામાં આવ્યું તે મુદ્દે પણ બંને દેશો વચ્ચે ઘર્ષણ છે. ભારત માટે આ એક ક્ષેત્રીય નહીં પણ સાથે સાથે માનવીય અને કૂટનીતિક મુદ્દો પણ છે. બીજી તરફ બાંગ્લાદેશની નવી સરકાર માટે પણ આ રાજકીય અને કૂટનીતિક મુદ્દો છે. જો નવી સરકારના કાર્યકાળમાં સામાજિક અને ધામક સ્થિરતા નહીં આવે તો ઘણી સમસ્યા થશે.

જમીન અને જાતીના મુદ્દાની સાથે સાથે જળ વિવાદ પણ બંને દેશો માટે એટલો જ મહત્ત્વનો છે. હાલમાં તીસ્તા નદીનો વિવાદ બંને દેશોના સંબંધને આકરા કરી રહ્યો છે. તીસ્તા નદીના પાણીની વહેંચણી મુદ્દે બંને દેશો વચ્ચે સહમતિ સધાઈ નથી. તારિક રહમાન દ્વારા વારંવાર આ મુદ્દે ન્યાયસંગત સહમતિ સાધવામાં આવે તેવી વાત કરાઈ રહી છે. તેના કરતા પણ મોટો મુદ્દો છે ગંગાની જળસંધિનો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી ગંગા જળસંધિ ડિસેમ્બર ૨૦૨૬માં પૂર્ણ થાય છે. આ મુદ્દે નવેસરથી વાતચીત કરવાને અને વિશ્વાસ વધારવાને પ્રાધાન્ય આપવું પડશે. આ બંને મુદ્દે બાંગ્લાદેશે વધારે વિશ્વાસ ઊભો થાય તેવી કામગીરી કરવી પડશે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વ્યાપાર પણ ખૂબ જ મોટો મુદ્દો છે. દક્ષિણ એશિયાની વાત કરીએ તો ભારત માટે બાંગ્લાદેશ એક મોટું વ્યાપારિક ભાગીદાર છે. કપડા, એનર્જી, મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સેક્ટર બંને દેશોના વેપાર માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. બંને દેશોના અર્થતંત્રમાં આ સેક્ટરનો ખૂબ જ મોટો ફાળો છે. તે ઉપરાંત બાંગ્લાદેશના બંદરો સાથેના જોડાણ માટે ભારતે પૂર્વોત્તર રાજ્યમાં વ્યાપક રોકાણ કરેલું છે. બાંગ્લાદેશ માટે પણ ભારતના આ રાજ્યો વ્યાપારિક દ્રષ્ટીએ મહત્ત્વના છે. વેપાર વધારવા કે સ્થિર કરવા માટે બંનેએ રાજકારણને વિરામ આપીને યોગ્ય કૂટનીતિ સાથે આગળ વધવું પડશે. વેપારની સાથે સાથે બંને દેશોના સરહદી વિસ્તારોના સ્થાનિક લોકો એકબીજાના દેશમાં જાય છે તે મુદ્દો પણ ગંભીર છે. 

ખાસ કરીને ભારતે બાંગ્લાદેશીઓની ઘુસણખોરી અંગે વારંવાર ફરિયાદો કરી છે. ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં તે મોટો રાજકીય મુદ્દો પણ છે. આ સંજોગોમાં બંને દેશોએ સમજદારી સાથે ઉકેલ લાવવાનું વિચારવું પડશે.

તારિકનો ચીન-પાકિસ્તાન પ્રેમ પણ ભારત સાથેના સંબંધને નડે તેમ છે

જાણકારોના મતે તારિક રહમાન દ્વારા ચીન અને પાકિસ્તાન માટે વિશેષ પ્રેમ દાખવવામાં આવ્યો છે. તે ઉપરાંત તેણે ચીનને બાંગ્લાદેશના વિકાસનું ભાગીદારણ ગણાવ્યું હતું. તારિકનું આ નિવેદન સ્પષ્ટ કરે છે કે, ભુતકાળમાં યુનિસ સરકાર દ્વારા ચીન સાથે જે જોડાણ કરવામાં આવ્યા તે જોડાણોને આગામી સમયમાં પણ આગળ વધારવામાં આવશે. 

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સેક્ટરમાં બાંગ્લાદેશ હજી ચીન સાથે જોડાણ ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, ચીન દ્વારા બાંગ્લાદેશને ડિફેન્સ સેક્ટરમાં મોટાપાયે મદદ કરાઈ છે અને તેમાં રોકાણ પણ કરાયું છે. તેના કારણે જ જો હવે ચીન વધારે એક્ટિવ થશે તો બંગાળની ખાડીના વિસ્તારમાં ભારતની અને વૈશ્વિક રણનીતિને મોટો ફટકો પડે તેમ છે. બીજી તરફ પાકિસ્તાન દ્વારા છેલ્લાં કેટલાક મહિનાઓથી સતત બાંગ્લાદેશ સાથે જોડાણ અને તેના વિવિધ મુદ્દામાં દખલ દેવામાં આવી રહી છે. ખાસ કરીને થોડા સમય પહેલાં જ ચટગાંવ-કરાચી સમુદ્રી સંપર્ક અને સંરક્ષણ મુદ્દે તેણે સક્રિય થવાના સંકેત આપ્યા હતા. જાણકારો માને છે કે, જમાતનો પ્રભાવ વધારે હોવાથી પાકિસ્તાન સીધી કે આડકતરી રીતે બાંગ્લાદેશ સાથે જોડાશે અને તેનાથી ભારત સાથેના સંબંધોનો અસર થશે. જાણકારો માને છે કે, બાંગ્લાદેશ હાલમાં રિસેટ મોડમાં છે. એક તરફ બીએનપી સાથે ઐતિહાસિક રીતે અવિશ્વાસ અને તણાવનો સંબંધ છે ત્યાં બીજી તરફ આર્થિક, ભૌગોલિક અને રણનીતિક દ્રષ્ટિએ બંનેને એકબીજા ઉપર આધાર રાખવો પડે તેમ છે. એક તરફ એવું દેખાઈ રહ્યું છે કે, ભારતે જે મલ્ટિએલાઈન્મેન્ટ નીતિ અપનાવી છે તેને ચાલુ રાખીને સ્થિતિ થાળે પાડવા પ્રયાસ કરવામાં આવશે.

શેખ હસીનાનું પ્રત્યર્પણ ભારત-બાંગ્લાદેશ વચ્ચે મોટો રાજકીય મુદ્દો

ઉલ્લેખનીય છે કે, શેખ હસીનાની સરકાર પડયા બાદ જ બાંગ્લાદેશમાં છેલ્લાં વીસ મહિનાથી રાજકીય અસ્થિરતાનો માહોલ હતો. આ રાજકીય અસ્થિરતા વચ્ચે ૨૦૨૪ના દમન અને હિંસાના કેસમાં શેખ હસિનાને ત્યાંની વિશેષ ટ્રિબ્યુનલે મૃત્યુ દંડની જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે, શેખ હસીના ભારતમાં શરણુ લઈને રહેતા હોવાના અહેવાલો છે. બીએનપી દ્વારા અવારનવાર શેખ હસીનાના પ્રત્યર્પણની માગ કરવામાં આવી હતી. હવે તો બીએનપી સત્તામાં છે ત્યારે અધિકારિક રીતે પણ આ અંગે માગણી થવાની જ છે. ભારત જો હસીનાને સોંપી દે તો તેની સાથેના જોડાણનો અંત આવી જાય તેમ છે. જો પ્રત્યર્પણ ન થાય તો હાલની સરકાર સાથે તણાવ વધે તેમ છે. માત્ર બીએનપીની જ વાત નથી, બાંગ્લાદેશની સંસદમાં જમાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. તેની સંખ્યા વધારે છે. તેઓ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે બીએનપી ઉપર રાજકીય દબાણ વધારે તે સ્વાભાવિક છે. આ મુદ્દે ભારતે સૌથી વધારે સંતુલન સાધવું પડે તેમ છે.