- સરકાર શિક્ષકોને સરકારી ગોપીચંદન માનીને ચારેતરફ ઘસે છે જેમાં શિક્ષણની ઘોર ખોદાઈ ગઈ છે
- રાષ્ટ્રીય શૈક્ષિક યોજના અને પ્રશાસન વિશ્વવિદ્યાલયના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, દેશની સરકારી સ્કુલોના શિક્ષકો પોતાના કુલ કાર્યનો માત્ર 19 ટકા સમય જ શિક્ષણ કાર્યમાં આપી શકે છે : સરકારી સ્કુલોના શિક્ષકો દૈનિક ધોરણે માત્ર અઢી કલાક શિક્ષણ કાર્ય કરી શકે છે. બાકીનો તેમનો સમય છોકરાઓની હાજરી, જાતીગત હાજરી, લિંગ અનુસાર હાજરી, મધ્યાન ભોજન પ્રમાણે હાજરી, મધ્યાન ભોજનમાં જાતીગત હાજરી, મધ્યાન ભોજનમાં લિંગ આધારિત હાજરી અને અન્ય સરકારી ફોર્મ, વિગતો અને કામગીરીઓમાં જ ખર્ચાઈ જાય છે : ગુજરાતનું શિક્ષકોના શોષણનું જે મોડલ છે તે હવે દેશભરમાં લાગુ થઈ ગયેલું છે. સરકારી કોઈપણ કામ હોય તેની ભીડ બનવા માટે શિક્ષકોને લઈ જવામાં આવે છે. ગુજરાતમાં તો પીએમનો કોઈપણ કાર્યક્રમ હોય તેમાં અન્ય કોઈ આવે કે નહીં પણ શિક્ષકોની હાજરી અચૂક હોય છે
ભારતમાં શિક્ષકોનું કામ અને તેમની જવાબદારીઓ વિશે ઘણા સમયથી ગજગ્રાહ ચાલે જ છે. ખાસ કરીને સરકાર દ્વારા તેમને સરકારી કર્મચારીઓ તરીકે ગમે તે કામમાં જોડી દેવામાં આવે છે તેના કારણે ઘણો મોટો વિવાદ ઊભો થયો છે. તેમાંય સરકાર દ્વારા નોકરીમાંથી પાણીચુ પકડાવી દેવાની મોઘમ ધમકીના નામે શિક્ષકોને બિન શૈક્ષણિક કાર્યોમાં જોતરી દેવામાં આવ્યા છે. હાલમાં એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકોને બુથ સ્તરના અધિકારી તરીકે ડોર ટુ ડોર ફરતા કરી દેવાયા છે. મતદારોની નોંધણી, ચકાસણી, મતદાન અને લગભગ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં શિક્ષકો અને પ્રોફેસરોને જ રાખવામાં આવે છે.
હાલમાં જે બીએલઓની કામગીરી ચાલી રહી છે તેમાં ઘણા અધિકારીઓ બિમાર પડી ગયા, કેટલાકને એટેક આવ્યા, કેટલાકનું મૃત્યુ થઈ ગયું, કેટલાક તણાવમાં આવી ગયા તો કેટલાકે આત્મહત્યા કરી લીધી. આ સિવાય બીજી જે સમસ્યા થઈ રહી છે તેની તો ચર્ચા જ થતી નથી કારણ કે તે બહાર આવતું નથી.
હકિકતે જોવા જઈએ તો આ કોઈ વ્યક્તિગત સમસ્યા નથી પણ સમાજના અને સરકારના માળખા સામે સવાલ ઊભો કરે છે. દેશ માટે ચિંતાજનક બાબત એ છે કે, દેશના ભાવિ પેઢીને શિક્ષિત કરવાની જવાબદારી જેના માથે છે તે વ્યક્તિને શિક્ષણ સિવાયની તમામ કામગીરીની જવાબદારી આપી દેવામાં આવે છે. દિવસ ઉગે ત્યાંથી દિવસ આથમે ત્યાં સુધી તે ભણવવાનું કામ તો પરાણે પંદસથી વીસ ટકા કરે છે બાકીની તેની ૮૦ ટકા એનર્જી તો સરકારી કામો કરવામાં અને બિન શૈક્ષણિક કામગીરીઓ કરવામાં ખર્ચાય છે.
જાણકારો માને છે કે, છેલ્લાં ઘણા સમયથી શિક્ષકો પાસે જે રીતે કામ કરાવવામાં આવી રહ્યું છે તેના કારણે શિક્ષણની ગુણવત્તા ઉપર સૌથી મોટી નકારાત્મક અસર પડી છે. તે ઉપરાંત શિક્ષકોના સન્માન, માનસિક સ્વાસ્થ્ય અને સંતુલન ઉપર પણ મોટી અસર પડી છે. થોડા સમય પહેલાની જ વાત કરવામાં આવે તો મધ્ય પ્રદેશમાં એક શિક્ષકને દરરોજના ૧૦૦ મતદારાઓના સર્વેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં કોઈ ચુક રહી ગઈ તો તેની સામે બેદરકારીનો આરોપ મુકીને તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા. તેના બીજા જ દિવસે તે શિક્ષકનું મોત થઈ ગયું. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના રંગમાટી ખાતે એક આંગણવાડી કર્મચારીનું મોત થઈ ગયું હતું. ગુજરાતમાં પણ એક શિક્ષકે પત્ર લખીને જણાવ્યું કે, ચૂંટણીલક્ષી જે કામગીરી આપવામાં આવી છે તેના કારણે તે સખત થાક અને માનસિક દબાણ સામે ઝઝુમી રહ્યા છે અને તેઓ આ કામગીરી કરી શકે તેમ નથી. આ સિવાય ઘણા સ્થાનોએ શિક્ષકોએ બિનશૈક્ષણિક કામગીરીના બોજના કારણે આત્મહત્યા કરી હોવાના કિસ્સા પણ સમયાંતરે આવ્યા જ કર્યા છે. આ તમામ બાબતો હવે કાબુ બહાર જઈ રહી છે.
આ તો માત્ર ગણતરીની ઘટનાઓ છે, જો સમગ્ર દેશનો અહેવાલ કાઢવા જઈએ તો અનેક કિસ્સા સામે આવે તેમ છે. આ તમામ ઘટનાઓ સ્પષ્ટ સવાલ ઊભો કરે છે કે, શિક્ષકની ખરેખર ભૂમિકા કઈ છે. તે શિક્ષણ માટે જોડાય છે કે, આ પ્રકારના સરકારી અને બિનશૈક્ષણિક કાર્યો માટે જોડાય છે. આ ઘટનાઓ પહેલી વખત નથી કે, ચૂંટણી કાર્યો કે બિન શૈક્ષણિક કાર્યો કરવા દરમિયાન શિક્ષકોના મોત થયા હોય. વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહારમાં મતદાન કામગીરી દરમિયાન કેટલાક શિક્ષકોના લૂ લાગવાથી મોત થયા હતા.
શિક્ષકો આ રીતે બિનશૈક્ષણિક કામગીરી કરવા દરમિયાન મૃત્યુ પામે અથવા તો દબાણમાં આવીને આત્મહત્યા કરી લે તેનાથી વધારે કફોડી સ્થિતિ શું હોઈ શકે. આ ઘટનાઓ સરકારની બેદરકારી અને તંત્રની વિચારહિન કામગીરી સામે ગંભીર સવાલ ઊભા કરે છે. શિક્ષકોને સમાજના નિર્માતા માનવામાં આવે છે. ગુણવત્તાપૂર્ણ શિક્ષણ થકી જ બાળકોના ભવિષ્યનું અને તેમના વ્યક્તિત્વનું નિર્માણ થવાનું છે. તેના દ્વારા જ રાષ્ટ્રના ભવિષ્યનું પણ નિર્માણ થવાનું છે. સ્થિતિ એ છે કે, હાલના સમયમાં શિક્ષકોને પોતાને જે કાર્ય કરવાનું છે તે કરવા મળતું નથી અથવા કરવા દેવામાં આવતું નથી. શિક્ષકો હાલમાં પોતાના મૂળ કાર્ય એટલે કે શિક્ષણ ઉપર ધ્યાન આપી શકતા નથી, ભણતરમાં સમય ફાળવી શકતા નથી.
તેઓ વસતી ગણતરી, ચૂંટણી સેવાઓ, પોલીયો અભિયાન, આધારની ખરાઈ, મધ્યાન ભોજનનું નિરિક્ષણ, શિષ્યવૃત્તિની સરકારી કામગીરીઓ, બાળકોને અપાતા રાશનની વિગતો, અન્ય સરકારી યોજનાઓની નોંધણી અને ખરાઈના કામ કરતા હોય છે.
રાષ્ટ્રીય શૈક્ષિક યોજના અને પ્રશાસન વિશ્વવિદ્યાલયના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, દેશની સરકારી સ્કુલોના શિક્ષકો પોતાના કુલ કાર્યનો માત્ર ૧૯ ટકા સમય જ શિક્ષણ કાર્યમાં આપી શકે છે. બાકીનો તમામ સમય રોજીંદી બિન શૈક્ષણિક કામગીરીઓમાં, વ્યવસ્થાપનોમાં અને તંત્રની કામગીરીઓમાં જ પસાર થઈ જાય છે. આ તથ્ય જણાવે છે કે, દેશમાં શિક્ષણની ગુણવત્તાને કેટલી મોટી અસર લાંબા સમયથી થઈ રહી છે. એક શિક્ષક પોતાનું મૂળ શિક્ષણનું કાર્ય છોડીને બાકીના કાર્યો કરવા જાય છે તેના કારણે સમગ્ર દેશમાં શિક્ષણની ઘોર ખોદાવા લાગી છે.
થોડા સમય પહેલાં રાજસ્થાનના ઉદેપુરમાં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે, સરકારી સ્કુલોના શિક્ષકો દૈનિક ધોરણે માત્ર અઢી કલાક શિક્ષણ કાર્ય કરી શકે છે. બાકીનો તેમનો સમય છોકરાઓની હાજરી, જાતીગત હાજરી, લિંગ અનુસાર હાજરી, મધ્યાન ભોજન પ્રમાણે હાજરી, મધ્યાન ભોજનમાં જાતીગત હાજરી, મધ્યાન ભોજનમાં લિંગ આધારિત હાજરી અને અન્ય સરકારી ફોર્મ, વિગતો અને કામગીરીઓમાં જ ખર્ચાઈ જાય છે. તેમાંય મુખ્ય શિક્ષક અને પ્રિન્સિપાલ કે જેનું મુખ્ય કામ સ્કુલ સંભાળવાનું, અભ્યાસ કેવો ચાલે છે અને ક્યાં સુધારાની જરૂર છે તે જોવાનું છે પણ તે થઈ શકતું નથી. મુખ્ય શિક્ષકો પણ આખો દિવસ બિન શૈક્ષણિક કાર્યોને પૂરા કરવામાં જ વ્યસ્ત રહેતા હોય છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર શિક્ષકોની કામગીરી માટે નિયમો બનાવે છે પણ તેનું ધરાર તેનો ભંગ કરે છે. શિક્ષકોના અધિકાર નિયમન-૨૦૦૯માં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, શિક્ષકોને વસતી ગણતરી, ચૂંટણી પ્રક્રિયા, મતગણતરી અને કુદરતી આપત્તીઓમાં રાહત કાર્યની વ્યવસ્થા કામગીરી સિવાય અન્ય કોઈ બિનશૈક્ષણિક કામગીરીમાં જોડવા જોઈએ નહીં. આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષા નીતિ ૨૦૨૦માં પણ જણાવાયું હતું કે, બિન શૈક્ષણિક કામગીરી હાલના સમયમાં શિક્ષકો અને શાળાઓ માટે ખૂબ જ મોટી સમસ્યા થઈ ગઈ છે. શિક્ષકોને તેમની મૂળ કામગીરી છોડીને અન્ય સરકારી કામગીરીઓ અને બિન શૈક્ષણિક કામગીરીઓમાં જોડવા ન જોઈએ. તેમ છતાં સ્થિતિમાં કોઈ સુધારો નથી. સરકાર પોતાની જ નીતિઓને અભેરાઈએ ચડાવી દે છે. ત્યાં સુધી કે, સરકાર સુપ્રીમ કોર્ટના પણ આદેશો માનતી નથી. સુપ્રીમ કોર્ટે પણ શિક્ષકોની કામગીરી અંગે શિક્ષા નીતિ અને શિક્ષા અધિનિયમ હેઠળ આદેશ કર્યા છે પણ સરકાર તેને ઘોળીને પી ગઈ છે. સરકાર ધારે તે કામ શિક્ષકો પાસે કરાવી રહી છે.
ભારતમાં તો પીએમ, સીએમની ભીડ માટે પણ શિક્ષકોને લઈ જવાય છે
ભારતમાં તો સ્થિતિ અત્યંત ખરાબ છે. શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામ સોંપવામાં આવે છે. તેમાંય ગુજરાતનું શિક્ષકોના શોષણનું જે મોડલ છે તે હવે દેશભરમાં લાગુ થઈ ગયેલું છે. સરકારી કોઈપણ કામ હોય તેની ભીડ બનવા માટે શિક્ષકોને લઈ જવામાં આવે છે. ગુજરાતમાં તો પીએમનો કોઈપણ કાર્યક્રમ હોય તેમાં શિક્ષકોની હાજરી અચૂક હોય છે. રસ્તા ઉપર પીએમના સ્વાગત માટે હાથમાં ભાજપના ઝંડા લઈને શિક્ષકોને ઊભા રાખી દેવાય છે. ગૃહમંત્રી ગુજરાતમાં વૃક્ષારોપણ કરવા આવે, બગીચો ખુલ્લો મુકવા આવે કે ડોર ટુ ડોર કચરાની ગાડીઓના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા આવે કે પછી સાંસદોના રમતોત્સવની પૂર્ણાહુતી કરવા આવે પણ તેમાં ભીડ તો શિક્ષકોની જ રાખવાની હોય છે. સરકારી સ્કુલોમાં કોન્ટ્રાક્ટ ઉપર રખાતા શિક્ષકોને વેતનના નામે ફદીયા અપાય છે અને છતાં કામગીરી શોષણને પણ શરમ આવે તે પ્રકારે કરાય છે. તિરંગાયાત્રા છે તો શિક્ષકોને લઈ જાઓ, સરદાર સાહેબ માટે એકતાયાત્રા છે તો શિક્ષકોને લઈ જાઓ, પીએમ આવવાના છે તો શિક્ષકોને લઈ જાઓ, વિદેશી નેતા રોડ શો કરવાના છે તો શિક્ષકોને લઈ જાઓ.
કોરોનાકાળમાં પણ શિક્ષકોને મધ્યાનભોજન પેટે રાશનની કુપનો બાળકોના ઘરે આપવા અને રેશનિંગની દુકાને લઈને બેસી રહેવાના આદેશ કરાયા હતા. શિક્ષકોના શોષણનું જે સરકારી મોડલ છે તે બાળકોના ભવિષ્યને અંધકાર તરફ ખેંચી રહ્યું છે. સરકારી સ્કુલના ગરીબ બાળકોને કોઈ ભણાવતું નથી અને ખાનગી સ્કુલોની તોતિંગ ફી તેઓ ભરી શકે તેમ નથી. સરકાર છતાં વિકાસના ગાણા ગાવામાંથી નવરી પડતી નથી.
ચીનમાં શિક્ષકો અન્ય કામગીરી છોડીને શિક્ષણ આપે તેના ઉપર ભાર મુકાય છે
ભારત દ્વારા ચીનને અને તેની નીતિઓને ગાળો ભાંડવામાં આવે છે પણ ચીનની શિક્ષણ નીતિ બહુ જ સ્પષ્ટ છે. ચીનમાં પ્રાથમિક અને માધ્યમિક સ્તરે ભણાવતા શિક્ષકોને ફરજિયાતપણે શાળામાં હાજર રહીને શિક્ષણ કામગીરી કરવાનો આદેશ અપાયો છે. તેમની બિનશૈક્ષણિક જવાબદારીઓ ઘટાડવાની અને અન્ય કામગીરીઓમાં તેમને નહીં જોડવાની પોલિસ અપનાવાયેલી છે. બીજી તરફ ફિલિપાઈન્સમાં પણ ૨૦૧૬માં એક કાયદો પસાર કરી દેવાયો હતો જેમાં શિક્ષકો માટે બિન શૈક્ષણિક કામગીરી અને ચૂંટણી કામગીરી ફરજિયાતમાંથી વોલન્ટરી બનાવી દેવાઈ હતી. આ વોલન્ટરી કામગીરી કરનારને વધારાની વ્યવસ્થા, વધારાનું વેતન, મૃત્યુ કે અકસ્માતની સ્થિતિમાં વીમાનું રક્ષણ, વધારાની રજાઓ અને યોગ્ય પગાર આપવાની વ્યવસ્થા કરાઈ છે. બીજી તરફ બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં ચૂંટણીલક્ષી કામગીરીઓ કે પછી અન્ય સરકારી યોજનાની કામગીરીઓ માટે સ્વતંત્ર કર્મચારીઓ અથવા સ્વયંસેવકોની હંગામી ભરતી કરવામાં આવે છે. શિક્ષકોને આવી કામગીરીઓમાં જોડવામાં આવતા નથી.


