Get The App

હીટવેવ માનવ વસ્તી - વનસ્પતિ માટે નવું જોખમ : ન સહેવાય ન રહેવાય

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
હીટવેવ માનવ વસ્તી - વનસ્પતિ માટે નવું જોખમ : ન સહેવાય ન રહેવાય 1 - image

- સીમેન્ટ કોંક્રિટના જંગલો તાપમાન વધારી રહ્યા છે

- શહેરોમાં તો અર્બન હીટ આઈલેન્ડ ઈફેક્ટને કારણે પણ સ્થિતિ વધારે વકરેલી અનુભવાય છે. ખાસ કરીને કોંક્રિટ, આસ્ફાલ્ટ અને ગ્લાસના કારણે ગરમી દિવસ દરમિયાન શોષાય છે અને જેમ જેમ અંધારું થતું જાય અને દિવસ આથમતો જાય તેમ ગરમી વધે છે : જાણકારો માને છે કે, શહેરી વિસ્તારોમાં રાત્રિના તાપમાનમાં જે વધારો થયો છે તેમાં 60 ટકા જેટલો ભાગ સ્થાનિક સ્તરે વધી રહેલી ગરમીના કારણે છે જ્યારે 40 ટકા ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં થયેલો વધારો ભાગ ભજવે છે : ભારતના કિનારાના રાજ્યો અને શહેરોમાં વર્ષ 2012થી 2022 સુધીની સ્થિતિ જોઈએ તો અહીં ભેજનું પ્રમાણ 30-40 ટકાથી વધીને 40 થી 50 ટકા સુધી પહોંચી ગયું છે. તેના પગલે પણ રાત્રે તાપમાન ઘટતું નથી અને લોકોને હાલાકી પડી રહી છે 

ભારતમાં એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હજી તો મે મહિનો આવવાનો બાકી છે ત્યાં લોકોની હાલત કફોડી થઈ રહી છે. દિવસ દરમિયાન અને ખાસ કરીને બપોરે તો અતિશય ગરમી હોય છે. તેમાંય ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે ઉત્તર પ્રદેશમાં તો બપોરે ૪૦ ડિગ્રીની આસપાસ ગરમી પહોંચી રહી છે. જાણકારોના મતે ભારતમાં ગરમીની જે સમસ્યા છે તે ખરેખર તો વકરી રહી છે. ભારતમાં સાંજ પડતાની સાથે જ ગરમીની સમસ્યાનો અંત આવી જાય છે તેવું નથી. દેશના મોટાભાગના રાજ્યોમાં સૂર્ય આથમ્યા બાદ પણ કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળતો નથી. 

હવામાન ખાતે જ જણાવ્યું હતું કે, ભારતમાં દિવસ કરતા રાત્રી સરેરાશ વધારે ગરમ થઈ રહી છે. મહારાષ્ટ્ર અને તેલંગણાને બાદ કરતા દેશના મોટાભાગના રાજ્યોમાં દિવસ કરતા રાત્રીનું સરેરાશ તાપમાન વધારે આવી રહ્યું છે. દિવસ કરતા રાત્રી વધારે ગરમ થઈ રહી છે. જાણકારોના મતે છેલ્લાં કેટલાક વર્ષોથી સતત દિવસ કરતા રાત્રીના તાપમાનમાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા કે લોકો દ્વારા રાત્રીના વધી રહેલા તાપમાન તરફ ઓછું ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે, તેના અંગે ગંભીરતા દાખવવામાં આવી રહી નથી. હાલમાં તો દિવસ દરમિયાન પણ ભારતના રાજ્યોનું તાપમાન ભયાનક સ્તરે વધેલું છે. હાલમાં તો ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી પહોંચવા આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, મે મહિના સુધીમાં અનેક શહેરોનું તાપમાન સરેરાશ ૪થી આઠ ડિગ્રી વધી જવાની શક્યતા વચ્ચે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, યુપી, ઓડિશા, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઝારખંડ  જેવા રાજ્યોમાં હીટવેવ એલર્ટ અપાયું છે. અમરાવતી, વર્ધા, નાગપુર, દિલ્હી સહિતના અનેક શહેરોમાં તાપમાન બે દિવસમાં જ ત્રણથી ચાર ડિગ્રી વધી જતાં લોકોને અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. ઉત્તર પ્રદેશના બાંદામાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રી નોંધાયો હતો. મધ્યપ્રદેશના નર્મદાપુરમ્ ૪૩ ડિગ્રીથી શેકાયું હતું. છત્તીસગઢમાં આકરી ગરમીના કારણે શાળાઓમાં ૧૧ દિવસની રજા આપી દેવામાં આવી છે. મધ્યપ્રદેશના ઘણાં જિલ્લાઓમાં બપોરને બદલે શાળાઓનો સમય સવારે કરી દેવાયો છે અને સમય પણ ઘટાડાયો છે. 

ચિંતાજનક બાબત એવી પણ છે કે, વિશ્વના અસહ્ય ગરમ ૫૦ સ્થળોમાં ૨૦ શહેરો ભારતના છે. ઉનાળામાં સરેરાશ તાપમાનની રીતે ૩૭ ડિગ્રી સાથે ચીનના યુન્નાન પ્રાંતનું જિંગહોંગ શહેર પહેલા નંબરે છે. તે પછી બીજા નંબરે ૩૬ ડિગ્રી સાથે ઓડિશાનું બ્લાંગિર આવે છે. વિએટનામનું સોન લા ત્રીજું છે તો વળી ચોથા અને પાંચમા ક્રમે ભારતના મહારાષ્ટ્રનું ચંદ્રપુર અને છત્તીસગઢનું રાયપુર છે. એ પછીના ક્રમે પણ મહારાષ્ટ્રનું ગડચાંદૂર, છત્તીસગઢનું મહાસમુંદ, બિહારનું સાસારામ, છત્તીસગઢનું ભીલાઈ, તેલંગણાનું કોથાપેટ, છત્તીસગઢનું બિલાસપુર જેવા શહેરો પણ આવે છે.

આ બધાની વચ્ચે હવામાન ખાતા દ્વારા રાત્રીના વધતા તાપમાન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જાણકારોના મતે જ્યારે રાત્રીનું તાપમાન સરેરાશ તાપમાન કરતા ૪.૫ ડિગ્રીથી ૬.૪ ડિગ્રી જેટલું વધારે રહેતું હોય ત્યારે ગરમ રાત્રી જેવી કેટેગરી નક્કી કરવામાં આવતી હોય છે. અતિશય ગરમ રાત્રી ત્યારે કહેવાય છે જ્યારે રાત્રીનું તાપમાન સરેરાશથી ૬.૪ ડિગ્રી કરતા વધારે રહેતું હોય. હીટવેવની સ્થિતિમાં આવું થતું હોય છે. સામાન્ય રીતે જ્યારે દિવસનું તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર રહેતું હોય ત્યારે રાત્રીનું તાપમાન પણ વધી જતું હોય છે. ગત વર્ષે રજૂ થયેલા એક અભ્યાસમાં જણાવાયું હતું કે, ૧૯૮૦થી ૨૦૨૦ વચ્ચે ભારતમાં રાત્રીનું તાપમાન સરેરાશ સ્તરે વધ્યું છે. ભારતની ગરમ રાત્રીઓની વાત કરીએ તો તેમાં સરેરાશ એક દાયકામાં આઠ દિવસ જેટલો વધારો થયો છે. તેમાંય નોર્થઈસ્ટ, નોર્થ વેસ્ટ અને કિનારાના રાજ્યોના તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાર્યમેન્ટ એન્ડ વોટર દ્વારા ગત વર્ષે આવી જ સ્થિતિનો અહેવાલ રજૂ કરાયો હતો. તેમાં એવું પણ જણાવાયું હતું કે, દેશના મોટા શહેરોમાં તાપમાનમાં વ્યાપક વધારો જોવા મળ્યો છે. અહેવાલ જણાવે છે કે, મુંબઈમાં જ ૨૦૧૨થી ૨૦૨૨ દરમિયાન દરેક ઉનાળા દરમિયાન સરેરાશ ૧૫ જેટલી ગરમ રાત્રીઓ ઉમેરાઈ છે. આ દાયકામાં આટલી મોટી સંખ્યામાં ગરમ રાત્રીઓનું પ્રમાણ વધવું તે ચિંતાજનક છે. તેવી જ રીતે બેંગ્લુરુમાં ૧૧ રાત્રી, ભોપાલ અને જયપુરમાં અનુક્રમ ૭-૭ રાત્રીનો તથા દિલ્હીમાં ૬ રાત્રીનો સમાવેશ થાય છે. જાણકારોના મતે આ વર્ષે અલનિનોને પગલે દિવસ અને રાતના સરેરાશ તાપામાનમાં  વદારો થઈ રહ્યો છે. તેમાંય આ વર્ષે ગરમ રાત્રીઓને વ્યાપક વધારો થવાની શક્યતા છે. તેમાંય આ વર્ષે અલ નિનો ઈફેક્ટ હોવાથી ઋતુચક્રમાં ફેરફાર છે અને વર્ષ ૨૦૨૬નો શિયાળો સામાન્ય રહ્યો છે. તે ઉપરાંત આ વર્ષે અને આગામી વર્ષે ઉનાળો પણ મહત્ત્વનો રહેવાનું હવામાન ખાતાનું માનવું છે.

મહત્ત્વની વાત એ છે કે, ક્લાઈમેટ ચેન્જ અને સ્થાનિક શહેરીકરણને પગલે ભારતના શહેરોના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ગ્રીનહાઉ ગેસનું જે રીતે ઉત્સર્જન થઈ રહ્યું છે તે દિવસ દરમિયાન તો મુશ્કેલી સર્જે જ છે પણ દિવસ આથમ્યા બાદ પણ આ ગેસના ઉત્સર્જનમાં વધારો થયો છે જેના કારણે રાત્રે પણ વાતાવરણ ગરમ જ હોય છે. તેના પગલે દિવસ આથમ્યા બાદ પણ ભારતના શહેરોમાં ગરમીમાં સરેરાશ વધારાનો અનુભવ થાય છે. ભારતીય શહેરોમાં તો અર્બન હીટ આઈલેન્ડ ઈફેક્ટને કારણે પણ સ્થિતિ વધારે વકરેલી અનુભવાય છે. ખાસ કરીને કોંક્રિટ, આસ્ફાલ્ટ અને ગ્લાસના કારણે ગરમી દિવસ દરમિયાન શોષાય છે અને જેમ જેમ અંધારું થતું જાય અને દિવસ આથમતો જાય તેમ તે ગરમી વધે છે. બીજી મોટી સમસ્યા એ છે કે, શહેરી વિસ્તારોમાં હાઈરાઈઝનું પ્રમાણ વધારે છે. તેના કારણે ગરમ હવા ઉપર ઉઠતી નથી અને નીચે જ ફર્યા કરે છે. તેના કારણે ગરમીમાં પણ ઘટાડો થતો નથી. જાણકારો માને છે કે, શહેરી વિસ્તારોમાં રાત્રીના તાપમાનમાં જે વધારો થયો છે તેમાં ૬૦ ટકા જેટલો ભાગ સ્થાનિક સ્તરે વધી રહેલી ગરમીના કારણે છે જ્યારે ૪૦ ટકા ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં થયેલો વધારો ભાગ ભજવે છે. 

બીજી તરફ ભેજના પ્રમાણમાં પણ જે વધારે થઈ રહ્યો છે તેના કારણે પણ સ્થિતિ વધારે વણસી રહી છે. જાણકારોના મતે ભેજવાળી હવામાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે અને તેના કારણે દિવસ આથમ્યા બાદ પણ ભેજવાળો પવન આવતો હોય તો ગરમી વધારે લાગે છે. ભારતના કિનારાના રાજ્યો અને શહેરોમાં ગરમી દરમિયાન ભેજનું પ્રમાણ ૬૦-૭૦ ટકા જેટલું હોય છે અને તેથી તેની અસર વ્યાપક રીતે થાય છે. વર્ષ ૨૦૧૨થી ૨૦૨૨ સુધીની સ્થિતિ જોઈએ તો આ રાજ્યોમાં ભેજનું પ્રમાણ ૩૦-૪૦ ટકાથી વધીને ૪૦થી ૫૦ ટકા સુધી પહોંચી ગયું છે. બીજી તરફ દિલ્હી, ચંડીગઢ, જયપુર અને લખનઉ જેવા શહેરોમાં પણ ભેજનું પ્રમાણ નવ ટકા જેટલું વધી ગયેલું નોંધાયું છે.

ચિંતાજનક વાત એ છે કે, શહેરી વિસ્તારોમાં જે રીતે એરકન્ડિશનિંગ વાતાવરણ રાખવામાં આવે છે અને વ્યાપક રીતે એસીનો ઉપયોગ કરવામાં આવે છે તેના કારણે શહેરોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. એસી દ્વારા ભેજવાળી હવા બહાર ધકેલવામાં આવે છે તેના કારણે પણ શહેરી તાપમાન વધી રહ્યું છે. સ્થિતિ એવી થઈ રહી છે કે, દિવસ દરમિયાન તો લોકોને ગરમીને ભોગ બનવું પડે છે અથવા તો હીટવેવ સહન કરવી પડે છે. પ્રદુષણ અને અન્ય કારકોના લીધે રાત્રીનું જે તાપમાન વધી રહ્યું છે તે લોકો માટે વધારે જોખમી છે. લોકોને તેમાં રાહત મળી રહી નથી. 

૨૦૦૧થી ૨૦૨૪ વચ્ચે કરવામાં આવેલા અભ્યાસમાં સામે આવ્યું હતું કે, શ્રીનગરમાં દિવસ દરમિયાન સૌથી વધારે ગરમીનો વધારો નોંધાયો છે. બીજી તરફ દાહોદ ગુજરાત અને વારાણસી યુપીમાં રાત્રી દરમિયાન હીટવેવનો અનુભવ થયાનું નોંધાયું છે.

લોકોમાં હૃદયરોગ, ડિહાઈડ્રેશન અને લૂ લાગવાની બીમારીઓ વધી છે 

દિવસ કરતા રાત્રીના તાપમાનમાં થયેલા વધારાના કારણે લોકોને શારીરિક અને માનસિક વધારે મુશ્કેલી પડી રહી છે. જાણકારોના મતે રાત્રીના સમયે વધી રહેલા તાપમાનને પગલે લોકોની ઉંઘમાં ખલેલ પડી રહી છે. તે ઉપરાંત દિવસની ગરમીના કારણે શરીર જે ગરમ થયું હોય છે તે રાતની ઠંડકમાં સામાન્ય થતું હોય છે. રાતની જ ગરમીમાં વધારો થવાના કારણે દિવસ દરમિયાન ગરમ થયેલું શરીર રાત્રે ઠંડુ થઈ શકતું નથી અને તેના કારણે રાત્રે પણ લૂ લાગવાની શક્યતાઓ વધી ગઈ છે. આ સિવાય ડિહાઈડ્રેશન, ઉંઘમાં ખલેલ પડવી અને હૃદયરોગની પણ શક્યતાઓ વધી ગઈ છે. જે લોકોને હૃદય અથવા શ્વાસની તકલીફ છે તેમને વધારે મુશ્કેલી પડે છે તથા વૃદ્ધો, નાના બાળકોને પણ ગરમીના કારણે વધારે હેરાન થવાનું આવે છે. આ સિવાય બેચેની, થાક, ચામડી બળવી, આંખોમાં બળતરા થવી જેવી સમસ્યાઓ તો થતી જ રહે છે. ચિંતાજનક બાબત એ છે કે, દેશમાં મોટાભાગના તંત્ર દ્વારા હીટવેવ માટેના જે આયોજનો કરાયા છે, તૈયારીઓ કરવામાં આવી છે તે બધું જ દિવસ માટે કરવામાં આવ્યું છે. દિવસે લોકોને ગરમી ઓછી લાગે, લૂ ન લાગે અથવા તો અતિશય ગરમીમાં રાહત મળે તેના માટે કામગીરી કરાઈ રહી છે પણ ગરમ થઈ રહેલી રાત્રી માટે કોઈ પ્લાનિંગ કરાયું નથી. લોકોમાં પણ આ મુદ્દે જાગૃતી આવી નથી અથવા તો હજી લાવવામાં આવી જ નથી. આ સિવાય શહેરોમાં ગ્રીનકવર ઘટયા છે અને હાઈરાઈઝ બિલ્ડિંગોમાં સતત વધારો થયો છે તેણે પણ શહેરોમાં રાત્રી દરમિયાન ગરમીમાં વધારો કર્યો છે. તેમાં પણ પરિવર્તન લાવવું પડશે.