ગડકરીએ કેન્દ્રના ભ્રષ્ટાચારમુક્ત શાસનના દાવાના લીરા ઉડાવ્યા, મોદી સરકારની પોલ મંત્રીએ જ ખોલી!
- ગડકરીના નિવેદન પછી ભાજપના બધા નેતાની બોલતી બંધ છે. રાહુલ ગાંધીની નાની વાતમાં પણ કાગનો વાઘ કરી નાંખનારા ભાજપના નેતા કંઈ ફોડ પાડવા તૈયાર નથી. આ ચૂપકીદી મોદીની લાચારી અને ભાજપ પરની ગુમાવી દીધેલી પકડનો પુરાવો છે. પોતાના જ મંત્રી પોતાની સરકાર ભ્રષ્ટ હોવાનું ખુલ્લેઆમ કહે ને છતાં મોદી કશું કરી શકતા નથી તેનો મતલબ એ કે, હવે મોદીનો પક્ષ પર પહેલાં જેવો પ્રભાવ નથી. 4 જૂન, 2024 પછી દેશનું અને ભાજપનું રાજકારણ બદલાઈ ગયું છે. બાકી એ પહેલાં ગડકરી કે બીજા કોઈ મંત્રી જાહેરમાં આવું બોલવાની હિંમત પણ નહોતા બતાવી શકતા.
નરેન્દ્ર મોદીની પોતાના શાસનમાં સરકારમાં ચાલતો ભ્રષ્ટાચાર નાબૂદ થઈ ગયો હોવાની ડંફાશોના તેમના જ મંત્રી નીતિન ગડકરીએ ધજાગરા ઉડાવી દીધા છે. પૂણેમાં 'એન્જીનિયરિંગ ડે' નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં બોલતાં ગડકરીએ સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખતાં કહ્યું કે, ફાઈલ કેટલી ઝડપથી ચાલશે તેનો આધાર તેના પર મૂકાયેલા 'વજન' પર હોય છે, ફાઈલ પર જેટલું 'વજન' વધારે મૂક્યું હોય એટલી ફાઈલ ઝડપથી ચાલે છે. સરકારી તંત્રમાં ફાઈલ પર મૂકાતું 'વજન' કોને કહેવાય એ નાના છોકરાને પણ ખબર છે તેથી તેના વિશે ચોખવટ કરવાની જરૂર નથી.
સરકારી તંત્રમાં પારદર્શકતા નથી અને નિશ્ચિત સમયમાં નિર્ણય લેવાતા નથી તેનો સ્વીકાર કરતાં ગડકરીએ કટાક્ષ કર્યો કે, આપણા તંત્રમાં કેટલાક 'ન્યૂટનના બાપ' છે કે તેમને ત્યાં ફાઈલ પર 'વજન' મૂકો તો જ ફાઈલ આગળ વધે છે. ગડકરીએ કોઈની પણ શેહશરમ રાખ્યા વિના સીધા અધિકારીઓને સંબોધીને કહ્યું કે, તમને ઉપરનાં નાણાં મળતાં હોય તો તમે ઝડપથી કામ કરો છો ને લાંચ ના મળતી હોય તો કામ જ કરતા નથી.
ગડકરી રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે તેથી તેમણે પોતાના જ મંત્રાલયનું ઉદાહરણ આપતાં કહ્યું કે, અકસ્માતો વધી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે, ખામીયુક્ત ડીટેઈલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ (ડીપીઆર)ના કારણે ખરાબ રોડ બને છે. કેટલાક અધિકારી તો એવા હોય છે કે જે રોડ પર પડેલા ખાડા જેવી મૂળભૂત ખામીઓ દૂર કરવા માટે પણ ઉપરથી આદેશ આવે તેની રાહ જોતા બેસી રહે છે. ગડકરીએ બીજું ઘણું કહ્યું છે ને તેનો ટૂંક સાર એ છે કે, કોઈ ગમે તેવા દાવા કરે પણ સરકારી તંત્ર ભ્રષ્ટ છે જ.
ગડકરીએ નવું કશું કહ્યું નથી કેમ કે આપણું સરકારી તંત્ર અત્યંત ભ્રષ્ટ છે એ બધાં જાણે છે. નીચલા સ્તરના કર્મચારીથી માંડીને ઉપરી અધિકારી સુધીના બધાં નૈવેદ ધરાવ્યા પછી જ સ્ફૂર્તિમાં આવે છે અને કામ કરે છે એ ઓપન સીક્રેટ છે પણ એક કેન્દ્રીય મંત્રી આવી કબૂલાત કરે એ મોટી વાત છે.
ગડકરીની કબૂલાતથી બે વાતો સાબિત થાય છે. પહેલી વાત એ કે, પોતાની સરકારે ભ્રષ્ટાચારને નાબૂદ કરી દીધો અને કોઈ ખાયકી થતી નથી એવા મોદીના દાવા ખોખલા છે. બીજી વાત એ કે, ભાજપમાં બધું સમૂસુતરું નથી અને આંતરિક લડાઈ ચાલુ થઈ ગઈ છે, ભાજપ પરથી મોદીનો કંટ્રોલ ઘટી રહ્યો છે.
રાજીવ ગાંધીએ ૧૯૮૫માં કોંગ્રેસને ૧૦૦ વર્ષ પૂરાં થયાં ત્યારે કહેલું કે, સરકારી તિજોરીમાંથી સામાન્ય માણસ માટે મંજૂર થતા ૧ રૂપિયામાંથી માત્ર ૧૫ પૈસા જ સામાન્ય માણસ સુધી પહોંચે છે જ્યારે બાકીના ૮૫ ટકા તો વચ્ચે જ ચવાઈ જાય છે. આ વચેટિયાઓમાં સરકારી કર્મચારીઓ-અધિકારીઓ, નેતાઓ, એજન્ટ-દલાલો વગેરે બધા આવી ગયા. મોદીએ રાજીવની કબૂલાતને કોંગ્રેસ સામે હથિયાર તરીકે સતત વાપરી છે. કોંગ્રેસના શાસનમાં બેફામ ભ્રષ્ટાચાર થતો અને ૮૫ ટકા રકમ ચવાઈ જતી જ્યારે પોતાના શાસનમાં સોએ સો ટકા રકમ લોકો સુધી પહોંચે છે એવા દાવા મોદી કર્યા કરે છે.
ગડકરીએ સીધો મોદી સરકાર પર જ પ્રહાર કર્યો છે. કોઈ પણ ફાઈલ વજન વિના ના હટે તેનો મતલબ એ થયો કે, હવે સરકારી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે ને ભ્રષ્ટાચારરહિત શાસન જેવું કંઈ છે જ નહીં. મોદી સરકાર પણ બીજી સરકારો જેવી ભ્રષ્ટ છે એવું ગડકરીએ સાફ શબ્દોમાં કહી દીધું છે.
ગડકરીના નિવેદન પછી ભાજપના બધા નેતાની બોલતી બંધ છે. રાહુલ ગાંધીની નાની વાતમાં પણ કાગનો વાઘ કરી નાંખનારા ભાજપના નેતાઓ સંપૂર્ણપણે ચૂપ થઈ ગયા છે. આ ચૂપકીદી મોદીની લાચારી અને ભાજપ પરની ગુમાવી દીધેલી પકડનો પુરાવો છે. પોતાના જ મંત્રી પોતાની સરકાર ભ્રષ્ટ હોવાનું ખુલ્લેઆમ કહે ને છતાં મોદી કશું કરી શકતા નથી તેનો મતલબ એ કે, હવે મોદીનો પક્ષ પર પહેલાં જેવો પ્રભાવ નથી. ૪ જૂન, ૨૦૨૪ પછી દેશનું અને ભાજપનું રાજકારણ બદલાઈ ગયું છે. બાકી એ પહેલાં ગડકરી કે બીજા કોઈ મંત્રી જાહેરમાં આવું બોલવાની હિંમત પણ નહોતા બતાવી શકતા.
જો કે ગડકરીની કબૂલાત અધકચરી છે. સરકારી તંત્ર માત્ર અધિકારીઓના કારણે ભ્રષ્ટ નથી. ભ્રષ્ટાચારનો ગંદવાડ ઉપરથી એટલે કે મંત્રી સ્તરેથી આવે છે. રાજકારણીઓ પોતાની નબળાઈ છૂપાવવા તંત્ર પર દોષનો ટોપવો ઢોળી દે છે ને ગડકરી પણ એ જ કરી રહ્યા છે. બાકી ટેન્ડરો આપવાથી માંડીને કામની ફાળવણી સુધીના બધા નિર્ણયો મંત્રીઓ કરતા હોય છે. અધિકારીઓ તો ચિઠ્ઠીના ચાકર હોય છે.
સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર માટે સૌથી વધારે જવાબદાર મંત્રીઓ છે. મંત્રીઓ દરેક કામમાં મલાઈ ખાય છે અને ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને છાવરવાનું પાપ પણ મંત્રીઓ કરે છે. મંત્રી ધારે તો પોતાના મંત્રાલયમાં સાફસૂફી કરીને ભ્રષ્ટ અધિકારીઓ કે કર્મચારીઓને રવાના કરી શકે, એક-એક પાઈ પ્રજાનાં કામોમાં જ વપરાય એવી સ્થિતી પણ પેદા કરી શકે પણ કોઈ મંત્રી એવું કરતો નથી. બધા ગાંધી-વૈદનું સહિયારું ચલાવે છે અને ભાગબટાઈ કરીને સરકારી નાણાંની લૂંટ ચલાવે છે. ગડકરી નાણાં ખાતા હશે કે નહીં એ ખબર નથી પણ પોતાના જ મંત્રાલયમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકતા નથી એ હકીકત છે. આ કબૂલાત તેમણે પોતે જ કરી છે.
મોદીને બહુમતી ના મળી પછી ગડકરીના સરકાર સામે સતત પ્રહાર
ગડકરી સમયાંતરે આડકતરી રીતે મોદી સરકાર પર પ્રહારો કર્યા જ કરે છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી એ પછી ગડકરીના પ્રહારો વધ્યા છે. ગડકરીએ ૪ જૂન,૨૦૨૪નાં પરિણામો પછી તરત જ કહેલું કે, કોંગ્રેસે જે ભૂલો કરી એ ભૂલો ભાજપ પણ દોહરાવશે તો ભાજપ પણ કોંગ્રેસની જેમ સત્તામાંથી ફેંકાઈ જશે.
આડકતરી રીતે ગડકરીએ મોદી ભાજપના રસ્તે જઈ રહ્યા હોવાનું કહી દીધેલું. ગડકરીએ કહેલું કે, રાજકારણ સામાજિક અને આર્થિક સુધારા લાવવા માટેનું માધ્યમ છે પણ આપણે એ કરવાના બદલે કોંગ્રેસની જેમ જ વર્તીશું તો આપણામાં ને તેમનામાં કોઈ ફરક જ નહીં રહે.
ગડકરીએ જુલાઈ, ૨૦૨૪માં જ ભારતમાં સરકારી તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાનો મુદ્દો ઉઠાવીને કહેલું કે, ભાજપ પાસે ભારતને ભ્રષ્ટાચાર-મુક્ત રાષ્ટ્ર બનાવવાની ચોક્કસ યોજના હોવી જોઈએ.
મોદી ઓબીસી કાર્ડ રમીને જ્ઞાાતિવાદની વાતો કરી રહ્યા છે એ અંગે કટાક્ષ કરતાં ગડકરીએ કહેલું કે, હું જાત-પાતમાં માનતો નથી ને તેને અનુસરતો નથી. જો કરેગા જાત કી બાત, ઉસકો પડેગી કસકે લાત.
ગડકરીએ લોકસભાની ચૂંટણી પહેલાં જુદી જુદી જ્ઞાાતિઓ દ્વારા કરાતી અનામતની માગને પણ અયોગ્ય ગણાવીને કટાક્ષ કરેલો કે, બધાંને અનામત જોઈએ છે પણ સરકારી નોકરીઓ છે જ ક્યાં ? ગડકરીએ આડકતરી રીતે કહી દીધેલું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આર્થિક વિકાસના ફડાકા મારે છે ને દેશમાં જંગી પ્રમાણમા રોજગારી ઉભી થયાની વાતો કરે છે પણ ખરેખર નોકરીઓ જ નથી.
ગડકરી પણ દૂધે ધોયેલા નથી પણ સંઘના કારણે બચી ગયા
ગડકરીએ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવીને આડકતરી રીતે રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓની વાતને સમર્થન આપ્યું છે તેના કારણે મોદી સમર્થકો નારાજ છે. મોદીભક્તોનું કહેવું છે કે, ગડકરી ભ્રષ્ટાતારની વાતો કરે છે પણ એ પોતે પણ ક્યાં દૂધે ધોયેલા છે ? ૨૦૧૪માં ભાજપની સરકાર આવી એ પહેલાં ગડકરીની પૂર્તિ ગ્રુપ ઓફ કંપનીઝમાં અસ્તિત્વ જ નહીં ધરાવતી કંપનીઓનું રોકાણ હોવાના આક્ષેપોની સીબીઆઈ અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરાતી જ હતી.
ગડકરી મોદી સરકારમાં મંત્રી બન્યા પછી નાગપુરમાં ઈલેક્ટ્રિકલ વ્હીકલ્સને મંજૂરીમાં કરોડોની ખાયકી કરાઈ હોવાના આક્ષેપો થયેલા.
સંઘના કેટલાક નેતાઓએ આર્ક્ષેપ કરેલો કે, ગડકરીએ નાગપુરમાં સહકારી સંસ્થાની જમીન ખોટી રીતે પોતાના દીકરાના નામે ટ્રાન્સફર કરાવી દીધેલી કે જેથી તેમના દીકરાની કંપનીને ૪૩ કરોડ રૂપિયાની લોન મળી શકે.
ગડકરી સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો છે પણ મોદી તેમને કશું કરી શકતા નથી કેમ કે, ગડકરી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના લાડકા છે. સંઘ બચાવે છે તેથી ગડકરી ટકી ગયા છે એવો મોદીભક્તોનો દાવો છે.