Get The App

રોડ અકસ્માત : લોકોની અને તંત્રની બેદરકારીનું ગંભીર પરિણામ

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
રોડ અકસ્માત : લોકોની અને તંત્રની બેદરકારીનું ગંભીર પરિણામ 1 - image

- દેશમાં 2023માં પાંચ લાખ જેટલા અકસ્માત થયા જેમાંથી 1.75 લાખ લોકોનાં તો મોત થયા હતા, આ આંકડા અને સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે 

- 2023માં ભારતમાં 4,80,583 રોડ અકસ્માતો થયા હતા. આ અકસ્માતોમાં 1,72,890 લોકોનાં મોત થયા હતા જ્યારે 4,62,825 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જાણકારોના મતે 2022ના આંકડા કરતા 2023ના આંકડામાં મોટો વધારો જોવા મળ્યો છે : તાજેતરના વર્ષમાં ઓગસ્ટથી માંડીને અત્યાર સુધીના આંકડાઓએ જાહેર પરિવહન વ્યવસ્થા અને ખાનગી વાહનો આવન-જાવન વિશે મોટો સવાલ ઊભો કર્યો છે. દેશમાં સૌથી વધારે અકસ્માતો રાજસ્થાનમાં થયા છે. ત્યારબાદ મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ મોટા રોડ અકસ્માત થયા છે : માત્ર રોડ, હાઈવે કે એક્સ્પ્રેસ હાઈવે જેવા રસ્તાઓ ઉપર જ અકસ્માત થઈ રહ્યા છે તેવું નથી. રેલમાર્ગો પણ સુરક્ષિત નથી. રેલવે તંત્ર દ્વારા પણ અકસ્માતો રોકવા ઘણા પ્રયાસ કરાય છે પણ સ્થિતિ કાબુમાં આવતી નથી. જળમાર્ગો અને હવાઈ માર્ગો ઉપર પણ અકસ્માત વધી રહ્યા છે 

ભારતમાં દર વર્ષે જાહેર પરિવહન અને ખાનગી વાહનો દ્વારા થતા અકસ્માતોની સંખ્યમાં મોટો વધારો થઈ રહ્યો છે. તાજેતરના મહિનામાં જ સડક દુર્ઘટનાના કિસ્સામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આવા અકસ્માતોમાં લોકોના જીવ જતા રહ્યા છે, ઘણા લોકો અપંગ થઈ ગયા છે. ભારતમાં આ સમસ્યા ખૂબ જ વકરી રહી છે અને તેને અટકાવવા માટે કડક પગલાં નહીં લેવામાં આવે તો દેશ માટે આ મોટો પડકાર બની જશે. રોડ અકસ્માતો અંગે પ્રજા તો પરેશાન છે જ પણ સાથે સાથે સરકાર અને મંત્રીઓ પણ પરેશાન છે. કેન્દ્રીય મંત્રી પણ આ મુદ્દે બળાપો ઠાલવી ચુક્યા છે. કેન્દ્રીય મંત્રાલયના જ અહેવાલ પ્રમાણે ૨૦૨૩ના અકસ્માતોમાં લાખો મોત અને ઈજાગ્રસ્તો જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૩માં ભારતમાં ૪,૮૦,૫૮૩ રોડ અકસ્માતો થયા હતા. આ અકસ્માતોમાં ૧,૭૨,૮૯૦ લોકોનાં મોત થયા હતા જ્યારે ૪,૬૨,૮૨૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જાણકારોના મતે ૨૦૨૨ના આંકડા કરતા ૨૦૨૩ના આંકડામાં મોટો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ લોકો એવું પણ માને છે કે, આ માત્ર નોંધાયેલા અકસ્માતોનો આંકડો છે. હકિકતે જે અકસ્માતો નહીં નોંધાયા હોય અને જે મોત કે ઈજાગ્રસ્તોની વિગતો નહીં નોંધાઈ હોય તે ભેગા કરવામાં આવે તો આંકડો મોટો થાય તેમ છે. 

માર્ગ અને પરિવહનના મંત્રાલયની વેબસાઈટ ઉપર ૨૦૨૩ના આંકડા આપવામાં આવ્યા છે. તેની સાથે સાથે ૨૦૨૪ અને ૨૦૨૫ના પણ આંકડા મુકાયા છે. આ તમામ આંકડાઓમાં ગત વર્ષ કરતા નોંધપાત્ર ઉછાળો જ જોવા મળ્યો છે. ખાસ કરીને ૨૦૨૫ના વર્ષમાં એટલે કે તાજેતરના વર્ષમાં ઓગસ્ટથી માંડીને અત્યાર સુધીના આંકડાઓએ જાહેર પરિવહન વ્યવસ્થા અને ખાનગી વાહનો આવન-જાવન વિશે મોટો સવાલ ઊભો કર્યો છે. દેશમાં સૌથી વધારે અકસ્માતો રાજસ્થાનમાં થયા છે. ત્યારબાદ મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ મોટા રોડ અકસ્માત થયા છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશને જોડતા સરહદે પાંચ નવેમ્બરે જ ત્રણ મોટા અકસ્માત થયા હતા જેમાં ઘણા લોકોના જીવ જતા રહ્યા. બીજી તરફ ત્રીજી નવેમ્બરે જયપુરમાં નશામાં ધુત ડંપર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા જેમાં પણ ૧૩ લોકોનાં મોત થયા હતા. ફલૌદીમાં એક અકસ્માતમાં બે બાળક સહિત ૬ લોકોનાં મોત થયા હતા.

ગત મહિને પણ તંત્ર, લોકો અને વાહન વ્યવહાર વિભાગની બેદરકારીના કારણે ઘણા અકસ્માત સર્જાયા હતા. ઈન્દ્રો શહેરના જ એરપોર્ટ રોડ ઉપર ૧૫ સપ્ટેમ્બરે એક ટ્રક ચાલકે ઘણા લોકોને કચડી કાઢયા હતા. તે ઉપરાંત ૧૨ સપ્ટેમ્બરે કર્ણાટકમાં જ હાસન જનપદમાં ગણેશ મૂતના વિસર્જન માટે જતા યુવાનોના જૂથ ઉપર એક ટ્રક ચાલકે ટ્રક ચડાવી દીધી હતી જેમાં ૮ લોકોનાં મોત થયા હતા અને ૨૦થી વધુને ગંભીર ઈજા થઈ હતી. જાણકારો માને છે કે, દર મહિને જો માત્ર રોડ અકસ્માત અને રેલવે અકસ્માતના આંકડા રજૂ કરવામાં આવે તો તે યાદી ખૂબ જ મોટી થાય તેમ છે. આ સ્થિતિ ભારત જેવા દેશ માટે જ્યાં પરિવહનનો મોટો પ્રશ્ન છે ત્યાં ખરેખર ચિંતાજનક છે. વારંવાર થતા અકસ્માતો લોકોમાં હવે ભય અને ચિંતા ફેલાવી રહ્યા છે. 

ચિંતાજનક બાબત એ છે કે, માત્ર રોડ, હાઈવે કે એક્સ્પ્રેસ હાઈવે જેવા રસ્તાઓ ઉપર જ અખસ્માત થઈ રહ્યા છે તેવું નથી. રેલમાર્ગો પણ સુરક્ષિત નથી. રેલવે તંત્ર દ્વારા પણ અકસ્માતો રોકવા ઘણા પ્રયાસ કરાય છે પણ સ્થિતિ કાબુમાં આવતી નથી. અસામાજિક તત્ત્વો દ્વારા ગમે ત્યારે પાટા સાથે છેડછાડ કરવામાં આવે છે, ટ્રેક ઉપર પથ્થરો ગોઠવી દેવાય છે અને બીજા ઘણા તોફાન કરવામાં આવે છે જેના કારણે અકસ્માતો થાય છે. જાહેર પરિવહનમાં તો રોડ અને રેલવેની જેમ હવાઈ સેવાઓ પણ સુરક્ષિત નથી. તેમ છતાં રસ્તાઓ ઉપર થતાં અકસ્માતો સૌથી વધારે ચિંતાજનક છે. 

રોડ અકસ્માતોના આંકડા અને કારણોની ચકાસણી કરીએ તો ખ્યાલ આવશે કે આ અકસ્માતો પાછળ ઘણી બાબતો જવાબદાર છે. તેમાં સૌથી મોટું કારણ તો વાહનોની ઝડપ છે. મોટાભાગના જાહેર પરિવહનના સાધનો અધધ ઝડપે જતા હોય છે. તે ઉપરાંત જાહેર ક્ષેત્ર તથા લોકોના જીવન પ્રત્યે વાહનચાલકોનું જે બેજવાબદારી ભરલું વર્તન છે તે પણ અકસ્માતો નોંતરે છે. આ મુદ્દે તો ગંભીરતાથી વિચાર થવો જોઈએ. લોકો શરાબ પીધા પછી કે નશો કર્યા પછી અત્યંત ઝડપે વાહનો ચલાવે છે અને તેમાં પણ ઘણા અકસ્માતો સર્જાય છે. માલ-સામાનના ટ્રાન્સપોર્ટેશન સાથે સંકલળાયેલા ડ્રાઈવરો પણ આરામ કર્યા વગર ઘણા દિવસો સુધી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ-સામાન લાવતા અને લઈ જતા હોય છે. તેમને આરામ મળતો નથી, પરિવારથી દૂર રહેવાનો બળાપો હોય છે અને તેમાં તેઓ શરાબ પી જાય છે. તેના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. ટ્રક ડ્રાઈવરો અને અન્ય ભારે વાહનો ચલાવતા ડ્રાઈવરોની આ સમસ્યા વધારે છે. લાંબા સમય સુધી તેઓ આ કામગીરી કરીને તેને આદત બનાવી લે છે અને ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય પણ લથળે છે જેની અસર અકસ્માતો થકી જોવા મળે છે. 

આ પડકારો ગંભીર છે અને તેને અટકાવવા માટે સરકારે યોજના બનાવવી પડશે અને તેનું કડકાઈથી પાલન પણ કરાવવું પડશે. સરકારે મોટા અકસ્માતો અને તેના નક્કર કારણો જાણીને તેનો ઉકેલ લાવવો પડશે. ટ્રક ડ્રાઈવરોની અને બસ ડ્રાઈવરોની જે સમસ્યા છે તે સમજીને તેનો ઉકેલ લાવવો પડશે. ટ્રાન્સપોર્ટેશન કંપનીઓને આ વિશે સમજાવવી પડશે અને ડ્રાઈવરોને પણ જાગ્રત કરવા પડશે. તેમના માટે કામકાજના કલાકો નક્કી કરવા પડશે જેથી તેમના સ્વાસ્થ્ય ઉપર પણ આડ અસર થાય નહીં. તે ઉપરાંત જાહેર પરિવહન અને માલ-સામાન સપ્લાય કરતા ખાનગી ટ્રાનસ્પોટર્સ અને સરકારી તંત્રના ડ્રાઈવરો માટે સમયાંતરે હેલ્થ ચેકઅપ અને અન્ય સુવિધાઓ રાખવામાં આવે જેથી તેમને મદદ મળી રહે અને સારવાર પણ થતી રહે. તેના થકી પણ અકસ્માતો ઘટાડી શકાશે. 

કેટલાક જાણકારો માને છે કે, ટ્રક ડ્રાઈવરો અને બસ ડ્રાઈવરો માટે એવા વર્કશોપ પણ થવા જોઈએ જેના દ્વારા તેઓ જાહેર જીવન અને જાહેર વર્તન અંગે સભાનતા અને સંવેદના કેળવી શકે. તે ઉપરાંત આવા વર્કશોપમા અને વાહન ચલાવવા દરમિયાન સારી કામગીરી કરનારા ડ્રાઈવરોને પ્રોત્સાહિત કરવા જોઈએ. વાહન ચાલકો વાહન ચલાવવા દરમિયાન કે તેની પહેલાં દારૂ કે અન્ય નશાકારક પદાર્થો અને પીણાનું સેવન ન કરે તે ખાસ જોવું જોઈએ. નશો કર્યા બાદ વાહન ચલાવતા લોકો પણ સૌથી વધારે અકસ્માત નોંતરે છે. લોકોને જવાબદારી સાથે વાહન ચલાવવાની પણ સમજ આપવી જોઈએ. ટ્રક ટ્રાઈવર, બસ ડ્રાઈવરો અને કન્ટેનર લઈ જતા ભારે વાહનોના ડ્રાઈવરોને સમજાવવા જોઈએ તે જાહેર પરિવહનની સૌથી મોટી જવાબદારી તેમના ખભે છે. તેના દ્વારા જ લોકો સુધી વસ્તુઓ યોગ્ય રીતે પહોંચે છે અને લોકો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. 

અકસ્માતોના મનોવૈજ્ઞાાનિક કારણો શોધીને તેનું નિરાકરણ લાવવું જોઈએ 

જાણકારો માને છે કે, રોડ અકસ્માત માત્ર બેદરકારીનું જ પરિણામ નથી. અકસ્માતોના વિવિધ કારણોમાંથી તે એક કારણ છે. આ સિવાય ઘણી બાબતો એવી છે જે અકસ્માતો માટે મોટા પ્રમાણમાં કારણભૂત બને છે પણ આપણે તેના તરફ ધ્યાન આપતા નથી. આ બાબત છે લોકોના માનસને સમજવું અને સુધારવું. અકસ્માતોના મનોવૈજ્ઞાાનિક કારણોની પણ તપાસ થવી જોઈએ અને તેનો ઉકેલ આવવો જોઈએ. એક તરફ જાહેર વાહનો ચલાવતા અને ટ્રક ચલાવતા લોકો સાથે પોલિસ અને લોકો દ્વારા વારંવાર દુર્વ્યવહાર કરવામાં આવે છે. લોકો તેમને સમાજના મુખ્ય પ્રવાહનો ભાગ જ ગણતા નથી. આ ઉપરાંત મોટા વાહન ચાલકોએ કારણ વગર નાના વાહન ચાલકોને નડવાનું પણ કામ કર્યું હોય છે અને તેના કારણે પણ શત્રુતા વધે છે. તેના કારણે જ ઘણી વખત પુષ્કળ દારૂ પીધા પછી નાના વાહનો, રસ્તે ચાલતા જતા લોકો અથવા તો ફુટપાથ ઉપર ઉંઘી ગયેલા લોકો ઉપર ટ્રક ચડાવી દેવાની કે બસ ચડાવી દેવાની ઘટના બનતી હોય છે. તેવી જ રીતે ઉચ્ચ મધ્યમવર્ગ અને ધનિક વર્ગમાં મોટી અને મોંઘીદાટ ગાડીઓ લઈને નીકળ્યા બાદ સામાન્ય લોકોને તુચ્છ સમજવામાં આવે છે. તે ઉપરાંત ધનિકોના કેટલાક બગડેલા સંતાનો પણ નશો કરીને કે માત્ર બડાઈ હાંકવા માટે પોતાની મોંઘીદાટ ગાડીઓની રેસ કરતા હોય છે. તેના કારણે ઘણા નિર્દોષ લોકોનાં મોત થતા હોય છે. આ સિવાય જો સામાન્ય માણસોની વાત કરીએ તો તેઓ પણ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરતા જ નથી. દરરોજ લાખો લોકો હેલમેટ પહેર્યા વગર કે સીટ બેલ્ટ બાંધ્યા વગર જ વાહન ચલાવતા હોય છે. તેના કારણે અકસ્માત થાય ત્યારબાદ મૃત્યુ અથવા તો અપંગતાનું જોખમ વધી જાય છે. તેમ છતાં લોકો કાયદાનું પાલન કરતા નથી. કાયદો વ્યવસ્થા દ્વારા જ્યારે તેનું પાલન કરાવવામાં આવે ત્યારે સામાજિક સ્તરે તેનો વિરોધ કરાય છે અને સરકારને નિર્ણય પાછો ખેંચવામાં કે વધુ રાહત આપવાની સ્થિતિમાં લાવી દે છે. ગમે ત્યારે રસ્તો ઓળંગતા, હેલમેટ ન પહેરતા અને સીટ બેલ્ટ બાંધ્યા વગર વાહન ચલાવતા લોકો પણ અઢળક અકસ્માતો સર્જે છે. 

લોકો પોતાના ગુસ્સા અને નારાજગીને બેદરકારીનું સ્વરૂપ આપી દે છે અને તેના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. લોકોની આ માનસિકતાનો પણ ઉકેલ લાવવો પડશે અને તો જ રોડ અકસ્માતમાં ઘટાડો કરી શકાશે નહીંતર આ સમસ્યા ઉત્તરોત્તર વાહનોની વધતી વસતીની જેમ વધતી જ જશે.