For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જિનપિંગ-ટ્રુડોનું તુ-તુ મૈં-મૈઃ ચીનની દાદાગીરીનો નાદાર નમૂનો

Updated: Nov 18th, 2022

Article Content Image

- વૈશ્વિક નેતાઓ વચ્ચેની જીભાજોડી આખા વિશ્વ એ જોઈ : કેનેડાના ટ્રુડોએ ચીનના જિનપિંગને ચોપડાવી દીધી

- જિનપિંગની હાલની અકળામણનું કારણ જી ૨૦ સમિટના પહેલા દિવસે ટ્રુડો અને જિનપિંગની મુલાકાત છે. આ મુલાકાત વખતે ટ્રુડોએ જિનપિંગને ચેતવણી આપી હતી કે, ચીન કેનેડાની ચૂંટણીમાં દખલગીરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે એ નહીં ચલાવી લેવાય. આ વાતચીતની વિગતો એક ન્યૂઝ એજન્સીએ જાહેર કરી દેતાં જિનપિંગ નારાજ થઈ ગયા હતા.

ઈન્ડોનેશિયાના બાલીમાં વિશ્વના ટોચના ૨૦ દેશોના સંગઠન જી૨૦માં ચીનના પ્રીમિયર શી જિનપિંગ અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનો એક વીડિયો વાયરલ થયો છે. શી જિનપિંગ અને જસ્ટિન ટ્રુડો વચ્ચે મીડિયાની હાજરીમાં જ તુ-તુ મૈં-મૈં થઈ ગયું ને આ બોલાચાલી કેમેરામાં કેદ થઈ ગઈ. બંને વચ્ચે થયેલી જીભાજોડી અક્ષરશઃ સાંભળી શકાય છે.  

આખી દુનિયા અત્યારે તેની મજા લઈ રહી છે કેમ કે વીડિયોમાં જિનપિંગ એકદમ અકળાયેલા દેખાય છે. એ જસ્ટિન ટ્ડો પર હાવી થઈ જવા જ આવેલા એવું તેમની બોડી લેગ્વેંજ પરથી સ્પષ્ટ દેખાય છે પણ જસ્ટિન ટ્રુડોએ જરાય અકળાયા વિના તેમની વાત શાંતિથી સાંભળી ને છેલ્લે એક જ વાક્ય બોલીને જિનપિંગની હવા કાઢી નાંખી. 

આ વીડિયોમાં શી જિનપિંગ અને જસ્ટિન ટ્રુડો વચ્ચે સામસામે દલીલો થઈ હતી એ સાંભળી શકાય છે. જી૨૦ સમિટ પૂર્ણ થયા પછી ટ્રુડો હોલથી બહાર નિકળી રહ્યા હતા  ત્યારે જ શી જિનપિંગ ધસમસતા સામે આવી ગયા. ટ્રુડોએ હાથ લંબાવ્યો પછી બંનેએ હાથ મિલાવ્યા પણ જિનપિંગનો મૂડ બરાબર નથી એ દેખાઈ આવે છે.

શી જિનપિંગ ચાઈનીઝ ભાષામાં બોલે છે ને દુભાષિયો તેનું ટ્રાન્સલેશન કરે છે. આ ટ્રાન્સલેશન પ્રમાણે જિનપિંગે ટ્રુડોને ફરિયાદ કરેલી કે, આપણા બે વચ્ચે જે વાતચીત થાય છે એ મીડિયામાં લીક કેમ થઈ જાય છે ? આપણે જે પણ વાત કરીએ એ મીડિયામાં લીક થઈ જાય એ ખોટું છે. આવું બિલકુલ ન થવું જોઈએ અને આ રીતે બે દેશો વચ્ચે  વાતચીત થઈ શકે નહીં. તમારે ગંભીરતાથી કામ કરવું જોઈએ.

જસ્ટિન શાંતિથી સાંભળે છે ને પછી શાંતિથી એટલું જ કહે છે કે, અમે કંઈ પણ છૂપાવવામાં માનતા નથી અને કેનેડામાં આ રીતે પારદર્શકતાથી જ કામ જ થાય છે. અમે પારદર્શક અને મુક્ત સંવાદમાં વિશ્વાસ ધરાવીઅ છીએ અને ભવિષ્યમાં પણ અમારું વલણ બદલાવાનું નથી.  ઘણી વાર કેટલાક મુદ્દા પર જુદાં જુદાં મંતવ્યો હોય એવું બને પણ સંવાદ હકારાત્મક હોવો જોઈએ. અમે લોકોથી કશું જ છૂપાવતા નથી.

ટ્રુડોની વાત સાંભળીને  જિનપિંગ ગુસ્સે થઈ ગયેલા દેખાય જ છે. જિનપિંગે અકળાઈને જવાબ આપ્યો છે કે, એક કામ કરો, હવે પછી વાતચીત પહેલાં શરતો નક્કી કરી લેજો. આટલું કહ્યા પછી જિનપિંગે અનિચ્છાએ ટ્રુડો સાથે હાથ મિલાવ્યો અને જસ્ટિન ટ્રુડો મકકમ ચાલે જતા રહ્યા એ દેખાય છે. 

દુનિયાભરમાં આ વીડિયોએ ધૂમ મચાવી છે પણ મોટા ભાગનાં લોકોને  ટ્રુડો સાથેની વાતચીતની વિગતો મીડિયામાં આવી તેમાં જિનપિંગ કેમ અકળાઈ ગયા એ જ સમજાતું નથી. એ માટે છેલ્લા એક દાયકાના કેનેડા અને ચીનના સંબધોને સમજવા જરૂરી છે, ચીન અને કેનેડા વચ્ચે તણાવ કેમ છે એ સમજવું જરૂરી છે.

જિનપિંગની હાલની અકળામણનું કારણ જી ૨૦ સમિટના પહેલા દિવસે ટ્રુડો અને જિનપિંગની મુલાકાત છે. આ મુલાકાત વખતે ટ્રુડોએ જિનપિંગને ચેતવણી આપી હતી કે, ચીન કેનેડાની ચૂંટણીમાં દખલગીરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે એ નહીં ચલાવી લેવાય. આ વાતચીતની વિગતો એક ન્યૂઝ એજન્સીએ જાહેર કરી દેતાં જિનપિંગ નારાજ થઈ ગયા હતા. સ્વાભાવિક રીતે જ આ વિગતો તેમણે નહોતી આપી તેથી ટ્રુડોએ જ આપી હોય.

ચીન સામ્યવાદી દેશ છે તેથી ત્યાં લોખંડી પહેરો છે. મીડિયાને આઝાદી નથી, બલ્કે મીડિયા પણ સરકારી જ છે કે જે જિનપિંગ ઈચ્છે એ જ વાતો છાપે છે કે પછી ટીવી પર બતાવે છે. તેની સામે કેનેડા એકદમ મુક્ત દેશ લોકશાહી દેશ છે ને અભિવ્યક્તિના સ્વાતત્ર્યમાં માને છે તેથી ટ્રુડોએ જિનપિંગ સાથેની વાત મીડિયાને જણાવી દીધી. જિનપિંગ સરમુખત્યારશાહી માનસ ધરાવે છે તેથી તેમનાથી આ સહન ના થયું એટલે તેમણે ખુલ્લેઆમ અકળામણ વ્યક્ત કરી દીધી.

ટ્રુડોએ ચીનને ચેતવણી આપેલી તેના મૂળમાં કેનેડિયન ઈન્ટેલિજન્સનો રીપોર્ટ છે. નવેમ્બરની શરૂઆતમાં કેનેડાના સૌથી મોટા મીડિયા ગ્રુપ ગ્લોબલ ન્યુઝે એક ઇન્ટેલિજન્સ ઓફિસરને ટાંકીને ધડાકો કરેલો કે, ચીને કેનેડામાં ૨૦૧૯ની ચૂંટણીમાં દખલગીરી કરીને પોતાના કેટલાક માણસોને કેનેડાની સંસદમાં ઘૂસાડવા પ્રયત્ન કરેલો.

આ રીપોર્ટમાં કરાયેલા દાવા પ્રમાણે ચીને એક મોટા રાજકીય ગ્રુપને ફંડિંગ કરેલું કે જેથી તેના ઉમેદવારો સંસદની ચૂંટણીમાં જીતે. પોતાના માણસો સંસદમાં હોય તો સંસદમાં અંદર શું થાય છે તેની રજેરજ માહિતી પોતાને મળે એ માટે ચીને આ ખેલ કરેલો. 

સંસદમાં પોતાના માણસો હોય તો ચીનનો બચાવ પણ કરી શકાય એ પણ ગણતરી હતી.

આ રીપોર્ટ છપાયો તેથી કેનેડાની પોલીસ ધંધે લાગી ગયેલી. પોલીસે તપાસ કરતાં આ વાત સાચી લાગી હતી. કેનેડા પોલીસે ચીનની કંપનીમાં કામ કરતા પોતાના જ નાગરિકની ધરપકડ કરી તેમાં ખબર પડી કે, આ માણશ દેશ સાથે ગદ્દારીને કરીને કેનેડાના ટ્રેડ સિક્રેટ ચીનને વેચતો હતો. 

આ ધરપકડના પગલે કેનેડામાં એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે, ચીનનું જાસૂસી નેટવર્ક કેનેડામાં બહુ અંદર સુધી ફેલાયેલું છે. ચીને કેનેડામાં મોટા પ્રમાણમાં નાણાં વેરીને લોકોને ફોડેલા છે. આ આશંકા પાછળ એક કારણ એ પણ છે કે, ૨૦૧૮માં ચીનની હ્યુવેઈ ઇલેક્ટ્રોનિક્સ કંપનીના બે અધિકારીની કેનેડામાં ધરપકડ કરાયેલી. બંને સામે જાસૂસીનો આરોપ હતો. સામે ચીને કેનેડાને દબાવવા બે કેનેડિયન નાગરિકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દીધા હતા. 

ચીને તો નાગાઈ કરેલી પણ કેનેડા ખોટું નહોતું, હ્યુવેઈ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેક્નોલોજી કંપની પોતાના કર્મચારીઓ મારફતે અમેરિકા અને ભારત સહિત ઘણા દેશોમાં જાસૂસી કરાવે છે તેનો ભાંડો એ અરસામાં ફૂટેલો જ. આ કારણે  ભારત સહિત ઘણા દેશોમાં તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. તેના કારણે કેનેડા અને ચીન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલે જ છે. 

કેનેડાએ એ પછી ચીન સાથેના સંબંધો પર કાપ મૂકીને ભારત સહિતના દેશો સાથે સંબધો મજબૂત કરવા માંડયા. તેના કારણે ચીનને પેટમાં દુઃખે જ છે. કેનેડા પણ સામે ચીનની ટીકા કરવાની કોઈ તક છોડતું નથી. ચીનમાં માનવાધિકાર ભંગથી માંડીને ઉઇઘર મુસ્લિમો પરના અત્યાચાર સુધીના મુદ્દે કેનેડા ખુલ્લેઆણ ચીન વિરૂધ્ધ બોલે છે. આ માહોલમાં હવે ચૂંટણીમાં ચીનની દખલગીરીનો ધડાકો થતાં ટ્રુડોએ જી ૨૦માં આ મુદ્દો ઉઠાવેલો. જિનપિંગથી એ સહન ના થયું તેમાં આખી દુનિયા સામે ભવાડો કરી દીધો. 

જિનપિંગનું ટ્રુડો સાથેનું વર્તન ચીનની નાલાયકીનો નવો પુરાવો છે. ચીનની માનસિકતા ચોરી પર સિનાજોરીની છે ને આ નાદાર નમૂનો છે. જિનપિંગની મહત્વાકાંક્ષા આખી દુનિયાના દાદા બનવાની છે. એ માટે દુનિયાભરનાં દેશોની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કર્યા કરે છે. એશિયા અને આફ્રિકાના તો નાના નાના દેશોને ચીને લગભગ હડપ જ કરી લીધા છે પણ કેનેડા જેવા સમૃધ્ધ દેશોને પણ ચીન દબાવવા માગે છે. કેનેડા તેના માટે તૈયાર નથી તેથી જિંગપિંગ ભડકી ગયા છે. 

પિતાએ સંબંધો સ્થાપ્યા, પુત્રના સમયમાં બગડયા

ચીન અને કેનેડાના સંબધોની શરૂઆત જસ્ટિન ટ્રુડોના પિતા પીયરે ટ્રુડો વડાપ્રધાન હતા ત્યારે ૧૯૭૦માં થઈ હતી. ૧૯૯૭ સુધી કેનેડા અને ચીનના સંબંધો સારા હતા પણ ૧૯૯૭માં હોંગકોંગ ચીન પાસે ગયું પછી સંબધો બગડવા માંડયા. ચીને હોંગકોગમાં ચીનના જેવું શાસન સ્થાપવાના પ્રયત્ન શરૂ કર્યા તેની સામે ઉગ્ર વિરોધ થાય છે. કેનેડાનાં ઘણાં શહેરોમાં એ વિરોધ થયો છે પણ કેનેડા તેને દબાવી દેતું નથી તેથી ચીન ખફા છે. 

ચીન વરસો સુધી કેનેડાનું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર હતું. ચીન મોટા પ્રમાણમાં માલની કેનેડામાં નિકાસ કરતું હતું. સામે કેનેડાથી બહુ આયાત નહોતી. તેના કારણે કેનેડા અને ચીન વચ્ચેની વ્યાપાર ખાધ લગભગ ૪૫ અબજ ડોલર થઈ ગયેલી. ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને કોરાણે મૂકીને અમેરિકાનો માલ કેનેડામાં જાય એવી ગોઠવણ કરી તેથી ચીન ગુસ્સામાં છે. જસ્ટિન ટ્રુડો વૈશ્વિક મંચ પર ઘણા મુદ્દે ચીન વિરોધી વલણ લે છે અને ચીનની ટીકા કરે છે તેથી બંનેના સંબંધો બગડેલા છે. કેનેડામાં ચીન સરકારની માનવાધિકાર વિરોધી નીતિઓ સામે નિયમિત રીતે દેખાવો પણ થયા કરે છે.

Gujarat