Get The App

કિમોથેરાપી નહીં માત્ર સાત મિનિટમાં કેન્સરની ટ્રિટમેન્ટ થશે

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
કિમોથેરાપી નહીં માત્ર સાત મિનિટમાં કેન્સરની ટ્રિટમેન્ટ થશે 1 - image

- ક્રાંતિકારી શોધ રૂ ફેફસાંના કેન્સરના દર્દીઓએ કલાકો સુધી પીડાદાયક કિમોથેરાપી નહીં લેવી પડે એક જ ઈન્જેક્શનથી ગણતરીના મિનિટોમાં સારવાર થશે

- પ્રકારના ફેફસાંના કેન્સરની સારવાર માટે બજારમાં ટેસેન્ટ્રીક એસસી (એટેઝોલિઝુમેબ) નામની દવા આવી છે. ઈન્જેક્શન દ્વારા અપાતી આ દવા થકી જે સારવાર થાય છે તેના માટે માત્ર સાત મિનિટ જ લાગે છે. તેના કારણે હોસ્પિટલના વારંવારના ધક્કા ખાવાથી અને કલાકો સુધી હોસ્પિટલમાં બેસી રહેવાથી રાહત મળશે રૂ નોન સ્મોલ સેલ લંગ કેન્સરમાં સર્જરી બાદ તેનો ઉપયોગ કરી શકાય છે. મેટાસ્ટિટક નોન સ્મોલ સેલ લંગ કેન્સરમાં તેનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય એક્સ્ટેન્સિવ સ્ટેજ સ્મોસ સેલ લંગ કેન્સરમાં પણ ઉપયોગ થશે. આ સિવાય કેન્સરના એક એવા પ્રકાર કે જેને હેપાટોસેલ્યુલર કેસીનોમા કહે છે જેમાં સર્જરી શક્ય નથી તેમાં તેનો ઉપયોગ કરી શકાશે રૂ આ દવા હાલના સમયમાં ખૂબ જ મોંઘી છે. તેની એક વાયલ અંદાજે ૩.૭ લાખની કિંમતની આવે છે અને દર ત્રણ અઠવાડિયે તે લેવી પડે છે. ખાસ વાત એ છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય યોજનાના વિવિધ કાર્ડ ધરાવતા લોકોને પણ આ દવા આપવામાં આવે છે. જાણકારોના મતે આ દવાની છ સાઈકલ પૂરી કરવી પડે છે. તેના કારણે તેનો ખર્ચ ખૂબ જ વધી જાય છે

ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા સખત વધારે છે. દર વર્ષે હજારો દર્દીઓ ઉમેરાતા જાય છે. મોંઘી સારવાર, અપૂરતી સારવાર અને ઘણી વખત મોડા નિદાનના કારણે દર વર્ષે લાખો લોકો કેન્સરને પગલે જીવ પણ ગુમાવી રહ્યા છે. જે લોકોને સારવાર મળે છે તેમને અસહ્ય પીડામાંથી પસાર થવું પડે છે. તેમાંય આઈવી લગાવીને કલાકો સુધી કિમોથેરાપી લેવાની પીડા પણ અસહ્ય હોય છે. દર્દીને તો પીડા થતી જ હોય છે પણ તેની સાથે તેના કેરટેકર અને સંબંધીઓને પણ સમસ્યા થતી હોય છે. તાજેતરમાં એક એવી દવા બજારમાં આવી છે. ચોક્કસ પ્રકારના ફેફસાંના કેન્સરની સારવાર માટે બજારમાં ટેસેન્ટ્રીક એસસી (એટેઝોલિઝુમેબ) નામની દવા આવી છે. 

ઈન્જેક્શન દ્વારા અપાતી આ દવા થકી જે સારવાર થાય છે તેના માટે માત્ર સાત મિનિટ જ લાગે છે. તેના કારણે હોસ્પિટલના વારંવારના ધક્કા ખાવાથી અને કલાકો સુધી હોસ્પિટલમાં બેસી રહેવાથી રાહત મળશે. ખાસ કરીને ભારતમાં જ્યાં દર વર્ષે ૮૦,૦૦૦ જેટલા ફેફસાંના કેન્સરના દર્દીઓ સામે આવે છે જ્યાં આ સારવાર ઘણી ઉપયોગી સાબિત થાય તેમ છે.   જાણકારોના મતે ફેફસાંના કેન્સરના ઘણા પ્રકાર છે. તેની વિવિધ સ્તરે અલગ અલગ સારવાર કરવામાં આવે છે. નવી દવા એટલે કે ટેસેન્ટ્રીક એસસી દ્વારા ઈન્જેક્ટિબલ પદ્ધતિથી દર્દીઓની સારવાર કરવામાં આવશે. સ્વિ ફાર્મા કંપની રોશ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

નોન સ્મોલ સેલ લંગ કેન્સરમાં સર્જરી બાદ તેનો ઉપયોગ કરી શકાય છે. મેટાસ્ટિટક નોન સ્મોલ સેલ લંગ કેન્સરમાં તેનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય એક્સ્ટેન્સિવ સ્ટેજ સ્મોસ સેલ લંગ કેન્સરમાં પણ ઉપયોગ થશે. આ સિવાય કેન્સરના એક એવા પ્રકાર કે જેને હેપાટોસેલ્યુલર કેસીનોમા કહે છે જેમાં સર્જરી શક્ય નથી તેમાં તેનો ઉપયોગ કરી શકાશે. તે સિવાય બીઆરએએફ વી ૬૦૦૦ એડવાન્સ મેલાનોમામાં પણ તેનો ઉપયોગ થશે.ભારતમાં લાવવામાં આવેલી આ કેન્સરની દવા ટેસેન્ટ્રીક એસસીનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેના માટે આઈવીની જરૂર નથી. તેને સીધી જ ઈન્જેક્શનની જેમ આપી શકાય છે. તેના કારણે કલાકોની સારવારમાંથી મુક્તિ મળશે. 

દુનિયામાં પહેલી વખત એવી દવા બજારમાં આવી છે જે સરળતાથી ફેફસાંના કેન્સરમાં ઉપયોગમાં લઈ શકાય છે અને અસરકારક સાબિત થાય છે.

ખાસ વાત એ છે કે, ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા આ વર્ષે ફેબુ્રઆરીમાં ફેફસાના કેન્સરની સારવાર માટે ટેસેન્ટ્રીક એસસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ દવા હાલના સમયમાં ખૂબ જ મોંઘી છે. તેની એક વાયલ અંદાજે ૩.૭ લાખની કિંમતની આવે છે અને દર ત્રણ અઠવાડિયે તે લેવી પડે છે. ખાસ વાત એ છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય યોજનાના વિવિધ કાર્ડ ધરાવતા લોકોને પણ આ દવા આપવામાં આવે છે. 

જાણકારોના મતે આ દવાની છ સાઈકલ પૂરી કરવી પડે છે. આ દવા જર્મનીથી બનાવીને મોકલવામાં આવે છે. ખાસ વાત એ છે કે, યુનાઈટેડ કિંગડમ દ્વારા ૨૦૨૩માં આ દવાને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ અત્યાર સુધીમાં ૮૫ દેશોમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૧૦,૦૦૦ કરતા વધારે દર્દીઓ ઉપર તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ૨૦૧૮માં આ જ દવાનું ઈન્ટ્રાવેનસ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના દ્વારા પણ ફેફસાં અને યુરીનરી ટ્રેક્ટના કેન્સરની સારવાર કરવામાં આવતી હતી.

ટેસેન્ટ્રીક કેન્સરના કોષ ઉપર સીધી અસર કરે છે. તે પીડી-એલ૧ રીસેપ્ટર ઉપર અસર કરે છે. સામાન્ય સ્થિતિમાં તે શરીરમાં ખાસ નુકસાન કરતા નથી. સામાન્ય સ્થિતિમાં તે બ્રેક પેડ જેવું કામ કરે છે. તે ઈમ્યુન સેલ અને ટી સેલ્સને અટકાવે છે જેથી તેઓ હેલ્ધી સેલ્સને નુકસાન ન કરે. કેટલાક કેન્સરમાં પીડી-એલ૧ રીસેપ્ટરનું સર્જન થાય છે.  તેઓ પીડી-૧ રીસેપ્ટરને ભ્રમમાં નાખે છે જેથી ઈમ્યુનસેલ્સ રોગના કોષ ઉપર કામ કરતા નથી. ટેસેન્ટ્રીક પીડી-એલ૧ ઉપર જ અસર કરે છે જેથી શરીર પોતાની સાજા થવાની કામગીરી રાબેતા મુજબ કરી શકે. ઈમ્યુન સિસ્ટમ રોગના કોષ ઉપર પ્રહાર કરે છે.  જાણકારોના મતે ટેસેન્ટ્રીક એસસીમાં એટેઝોલિઝુમેબ અને અમેરિકી બાયોટેક ફર્મ હાલોઝાઈમ થેરાપ્યટિક્સની ટેક્નોલોજીનું કોમ્બિનેશન છે. તેથી તે ચામડીની નીચે જઈને કોષ ઉપર કામ કરે છે. 

તે ચામડીને કામચલાઉ ધોરણે વધારે ખોલી કાઢે છે જેથી દવા ઝડપથી લોહીમાં ભળી જાય અને અસર બતાવવા માંડે. સામાન્ય રીતે ડોક્ટરો દ્વારા દર્દીઓને જાંઘમાં આ દવાના ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. તેના કારણે તેની અસરકારતા વધે છે.

બીજી તરફ આ દવાની આડઅસરો અંગે પણ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે. કંપનીના મતે આ દવા દ્વારા ફેફસાંમાં સમસ્યા થાય છે, આંતરડામાં, લિવરમાં સમસ્યાઓ જોવા મળી શકે છે. આ ઉપરાંત હોર્મોનમાં ફેરફાર થવાની સમસ્યા પણ થાય છે. તે ઉપરાંત કિડની અને ચામડીમાં પણ સમસ્યાઓ થવાની શક્યતાઓ રહેલી છે. તે સિવાય અન્ય રીએક્શન આવવાની અને શરીરના અન્ય અંગોમાં પણ તેની આડઅસર થવાની શક્યતાઓ રહેલી છે. બોનમેરો ટ્રાન્સફર કરાવનારા દર્દીઓમાં આ દવાના ઉપયોગથી જીવીએચડી જેવી સમસ્યાઓ થવાની પણ ચેતવણી આપવામાં આવી છે. આ સારવારનો સૌથી મોટો ફાયદો એ છે કે, સાત જ મિનિટમાં સારવાર પૂરી થાય છે. તેના કારણે દર્દી, તેના સગા અને હોસ્પિટલ ત્રણેયનો સમય બચે છે. તે ઉપરાંત દર્દીને લાંબી પીડામાંથી પસાર થવું પડતું નથી. હોસ્પિટલો દ્વારા પાંચ દર્દીઓને ઈન્જેક્શન આપી શકાય છે જ્યારે એક દર્દીને આઈવી દ્વારા દવા આપવી પડે છે. જ્યારે આઈવી ટ્રિટમેન્ટ કરવામાં આવે છે ત્યારે પહેલી વખત એક કલાક જાય છે. ત્રણ અઠવાડિયા બાદ તે માત્ર ૩૦ મિનિટની સારવાર થઈ જાય છે. ધીમે ધીમે તે સાત મિનિટ સુધી જાય છે. 

ખાસ કરીને હોસ્પિટલો માટે પણ રાહતજનક છે કારણ કે આઈવી ટ્રિટમેન્ટ માટે પણ જે કલાકોની તૈયારીઓ અને ત્યારબાદની કામગીરીઓ કરવી પડે છે તેમાંથી મુક્તિ મળે છે. દર્દી પણ રાહત અનુભવે છે. 

અન્ય ટ્રીટમેન્ટ માટે પહેલાં દર્દીને ઈન્જેક્શન આપવા પડે છે, રાહ જોવી પડે છે અને આ ટ્રીટમેન્ટ સાત મિનિટમાં પૂરી થઈ જાય છે. તેના કારણે સારવારનો અને પીડાનો ૮૦ ટકા જેટલો સમય ઓછો થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં દિલ્હીમાં એક ૮૦ વર્ષીય મહિલાની સારવારમાં આ દવાના ઉપયોગ દ્વારા હકારાત્મક પરિણામ જોવા મળ્યા હતા. જાણકારોના મતે આ મહિલાએ કિમોથેરાપી લેવાની મનાઈ કરીને આ દવાનો પ્રયોગ કરવાની તત્પરતા દાખવી હતી. તેમને ટેસેન્ટ્રીક એસસી આપવામાં આવ્યા બાદ પહેલાં અઠવાડિયામાં તેમની સ્થિતિ ૩૦ ટકા જેટલી સુધરી હતી.  ત્યારબાદ તેમને બીજો અને અનુક્રમે ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્રણ ડોઝ લીધા બાદ તેમની સ્થિતિમાં ૮૦ ટકા જેટલો સુધારો જોવા મળ્યો હતો. આગામી ત્રણ ડોઝ બાદ તેઓ સામાન્ય સ્થિતિમાં આવી જાય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

- દર્દીને પીડા ન થતી હોય તો તેનો વ્યાપક ઉપયોગ થાય તેવી શક્યતા 

જાણકારોના મતે એક વૃદ્ધ મહિલા ઉપરાંત એક આધેડ ઉપર પણ તેનો સફળ પ્રયોગ કરાયો હતો. મગજ અને લિવર તથા બોન કેન્સરથી પીડાતા દર્દીને કિમોથેરાપીના સ્થાને ટેસેન્ટ્રીક એસસીના ડોઝ આપવામાં આવ્યા હતા. તેના કારણે તેની પીડા ઓછી થઈ અને તબિયતમાં પણ સુધારો જોવા મળ્યો હતો. 

ડોક્ટરોએ જણાવ્યું કે, જો આ દવાના ઉપયોગ દ્વારા દર્દીઓને પીડા ન થતી હોય અને સ્થિતિમાં સુધારો થતો હોય તો તેનો વ્યાપક ઉપયોગ કરી શકાય તેમ છે. જો કે આ દવાના ઉપયોગની સૌથી મોટી સમસ્યા તેની કિંમત છે. એક ઈન્જેક્શનનો ભાવ ૩.૭ લાખ છે જે દરેક દર્દીને પોસાય તેમ નથી. 

આ સંજોગોમાં કંપનીએ દવાના ભાવ ઘટાડવાની ખાતરી આપી છે. 

તેઓ જણાવે છે કે, ભારતમાં દવાની કિંમત ૮૦ ટકા સુધી નીચે લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કંપનીના અધિકારીઓનું માનવું છે કે, ફેફસાંનું કેન્સર કયા પ્રકારનું છે અને તેની કેટલી અસર થઈ છે તેના આધારે દવા નક્કી કરવામાં આવે છે. તેના આધારે જ દવાની કિંમત પણ નક્કી થતી હોય છે. તેમ છતાં સામાન્ય કિસ્સા માટે દવાની કિંમત ઘટાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

 ભારતના ઘણા ડોક્ટરોનો મત છે કે, જો આ દવા થકી સારવારનો સમય માત્ર સાત જ મિનિટ રહેતો હોય અને દર્દીઓનો ઓછી કિંમતમાં દવા મળતી હોય તથા તેનાથી વધારે પીડા ન થતી હોય તો તેનો વ્યાપક ઉપયોગ શક્ય છે. તેનાથી દર્દીઓનો સમય બચશે, તેમના ખીસ્સાને પરવડશે અને ખાસ કરીને કલાકો સુધીની લાંબી પીડા દાયક ટ્રિટમેન્ટથી મુક્તિ મળશે જેથી તેમને શારીરિક અને માનસિક રાહત મળશે.