Get The App

ટ્રમ્પની અખાતના દેશોની તાબડતોબ મુલાકાતમાં એક કાંકરે અનેક પક્ષી ઠાર

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રમ્પની અખાતના દેશોની તાબડતોબ મુલાકાતમાં એક કાંકરે અનેક પક્ષી ઠાર 1 - image


- સાઉદી અરબ, આરબ અમીરાત અને કતરની મુલાકાતમાં ટ્રમ્પના વ્યવહાર વેપારીના રહ્યાં

- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ દિવસમાં વિશ્વના ત્રણ સૌથી ધનિક દેશોની વીજળીક મુલાકાત લઇ વોશિંગ્ટન પરત આવી ગયા છે. આ ત્રણ દિવસમાં અબજો ડોલરના દ્વિપક્ષીય રોકાણના કરાર ગજવામાં લઇ આવ્યા છે. દાયકાઓથી જેની સામે સંઘર્ષ હતો તેને સત્તાવાર સબંધોનો શિરપાવ મળ્યો છે તો જેની સાથે અડીખમ સંબંધો હતા એને નારાજ કરી આવ્યા છે. ટ્રમ્પની આ મુલાકાત અખાત અને પશ્ચિમ એશિયાના દેશોના જીયોપોલિટીકસને બદલી નાખશે એવું જાણકારો જણાવે છે. એમાં પણ સિરિયા ઉપર પ્રતિબંધો ઉઠાવી, એક ઘોષિત આંતકવાદીની સરકારને સત્તાવાર સ્વીકારી એક કાંકરે બે-ત્રણ પક્ષીઓના શિકાર કરી લીધા છે.

અમેરિકાની ટોબેકો, ક્રૂડ લોબી કરતા પણ શક્તિશાળી ફાર્મા લોબી ઉપર ભાવ નિયંત્રણની જાહેરાતો કર્યા બાદ, અમેરિકા ઉપલબ્ધ દવાઓ વેચવાની વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન અંગે રાષ્ટ્રપતિ તરીકે હુકમ સહી કરી ડોનાલ્ડ ટ્રમ્પ તરત જ સાઉદી અરેબિયા, કતર અને યુનાઈટેડ આરબ અમીરાતની મુલાકાતે હતા. આ ત્રણ દેશોની મુલાકાત દરમિયાન તેમણે વિશ્વને રશિયા - યુક્રેનની બહુચર્ચિત પણ હજીસુધી હવામાં લટકી રહેલી શાંતિ વાર્તા ઉપર વાતો કરી, પોતે વ્યાપાર નહીં કરે એવી ધમકી આપવી ભારત અને પાકિસ્તાનને પરમાણુ યુદ્ધથી અટકાવ્યા - હા પછી ફેરવી તોળી ઘર્ષણ અટકે એવી મદદ કરી - એવી વાતો કરી. વચ્ચે બિઝનેસ સમિટમાં એપલના સીઈઓ ટીમ કુકને ભારતમાં રોકાણ કરવાની જરૂર નથી, ભારત પોતાનું ફોડી લેશે એવી તીખી ટકોર પણ કરી. આ બધી ચર્ચાઓ વચ્ચે અમેરિકા માટે અબજો ડોલરનું રોકાણ પણ મેળવી લીધું, વોશિંગ્ટનમાં વિરોધ પક્ષો જબરો વિરોધ કરી રહ્યા છે છતાં પોતાના માટે કતરથી એક મફતના નવું જેટ ગિફ્ટમાં મેળવ્યું... 

આ વીજળીક યાત્રા દરમિયાન થયેલા સોદા, જે-તે દેશના વડા વચ્ચેની વાતચીતમાં સ્પષ્ટ થાય છે કે અમેરિકા અખાત અને પશ્ચિમના દેશોમાં બાઈડેન વહીવટી તંત્ર સમયે ઢીલી થઇ રહેલી પકડ મજબૂત કરી રહ્યા છે. પરંતુ, આ બધાની વચ્ચે સિરિયાના નવા શાસક, શાસન અને સરકારને સ્વીકારી ટ્રમ્પે સૌથી મોટો આંચકો આપ્યો.

અમેરિકાએ ત્રાસવાદીઓને મદદ કરવા માટે, સરકાર પોતે ત્રાસવાદને પ્રોત્સાહન આપી રહી છે એવું લેબલ લગાવી સિરિયા ઉપર ૧૯૭૯માં વિવિધ નિયંત્રણ, પ્રતિબંધ લાદેલા હતા. વર્ષ ૨૦૧૯ સુધી ઈરાન પ્રેરિત અને એશિયાના વિવિધ આરબ - મુસ્લિમ દેશોમાં પ્રવૃત્ત સંગઠનો સિરિયાની મદદ લઇ રહ્યા હોવાનં૧ અમેરિકાનું તારણ હતું. આ બધા પ્રતિબંધો ટ્રમ્પે એક જ ઝાટકે, તાત્કાલિક ધોરણે ઉઠાવી લેવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, સિરિયા અમેરિકા સાથે લશ્કરી અને અન્ય રીતે ભાગીદારી કરે એ માટેના દ્વાર ખુલ્લા હોવાની જાહેરાત પણ કરી છે.

બીજું, સિરિયાના રાષ્ટ્રપતિ તરીકે અત્યારે અહમદ-અલ-શારા બિરાજમાન છે. સિરિયા ઉપર ૫૩ વર્ષથી અસદ ફેમીલીનું રાજ હતું. આ રાજ દરમિયાન સિરિયામાં અલ-કાયદા, અબુ બકર બગદાદી, અલ જવાહિરી જેવા ત્રાસવાદીઓએ શરણ લીધી હતી. કેમ્પ ખોલેલા. અસદ સરકારને રશિયા અને ઈરાન લશ્કરી અને અન્ય રીતે ટેકો આપી રહ્યા હતા. ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે અલ-જ્વલની જેવા નેતા હતા જે અમેરિકા અને યુનાઈટેડ નેશન્સના મોસ્ટ વોન્ટેડ લીસ્ટમાં હતા. હયાત તાહિર અલ-શામ (એચટીએસ)નો વડો એટલે અલ-જ્વલની. જ્વલનીના લડાકુઓએ જ અસદ સરકારને ગણતરીની કલાકોમાં સત્તા ઉપરથી દુર કરી સિરિયામાં સત્તા હાંસલ કરી છે. અને આજે જ્વલની એટલે બીજું કોઈ નહીં પણ શાસક અહમદ-અલ-શારા. નામ બદલવાની સાથે એની અને દેશની કિસ્મત બદલાઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક સાથે બે-ત્રણ પક્ષી સાધી લીધા છે. એક ઈરાનની સિરિયા ઉપર અસદ થકી રહેલી પકડ હવે વોશિંગ્ટનના હાથમાં આવશે. 

અસદ સરકાર ઉપર જ્વલનીનો ખતરો હતો ત્યારે યુક્રેન ઉપર યુદ્ધમાં વ્યસ્ત મોસ્કો કોઈ મદદ કરી શક્યું નહીં. અમેરિકા ઇચ્છતું નથી કે હવે રશિયા સિરિયાની આંતરિક બાબતમાં કોઈ વધારે દખલ કરે. પુતિનને ઝેલેન્સકી સાથે ચર્ચા ચર્ચા કરો એવી સલાહ આપી મોકો મળતા જ સિરિયાને અમેરિકાએ પોતાના મિત્ર તરીકે હાંસલ કરી લીધું છે!

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સાથે આર્ટીફિસિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)ના ૨૦૦ અબજ ડોલરનું રોકાણ, અમેરિકા બનાવટના શસ્ત્રો ખરીદીનો સોદો સહિત ટ્રમ્પ અને મોહમ્મદ બિન ઝાયદે કરાર કર્યા હતા. પોતાના દેશની બહાર અમેરિકા માટે એઆઈનું આ સૌથી મોટું રોકાણ હશે, આ ઉપરાંત યુએઈ અમેરિકાથી દર વર્ષે પાંચ લાખ ચિપ્સ ખરીદી શકે એવો પણ કરાર થયો છે. રીન્યુએબલ એનર્જી અને ગ્રીન એનર્જીના દિવસોમાં ક્રૂડ ઓઈલના વળતા પાણી થશે એવું મોહમ્મદ બિન ઝાયેદ માની રહ્યા છે અને એટલે સરકારી કંપની થકી વિશ્વમાં રોકાણ કરીન રહ્યા છે અને વિશ્વની કંપનીઓને યુએઈમાં આમંત્રી પેટ્રો ડોલર આધરિત સ્થાનિક અર્થતંત્રની કાયાપલટ કરી રહ્યા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ, ક્રૂડ ઓઈલના ઘટી રહેલા ભાવ અને રશિયા સંબંધોના કારણે યુએઈ ચીન તરફ સરકી રહ્યું હતું, ટ્રમ્પે એક જ દિવસની મુલાકાતમાં, અમેરિકાની સૈન્ય અને ટેકનોલોજીની પ્રચંડ તાકાતથી તે હાલ પુરતું રોકી રાખ્યું છે એમ ચોક્કસ કહી શકાય.

કતરની મુલાકાતમાં ૧.૨ ટ્રીલીયન ડોલરના કુલ કરાર કરતા ટ્રમ્પને મળેલા જેટ પ્લેનની ગિફ્ટની વધારે ચર્ચા થઇ. પરંતુ, ટ્રમ્પ અને કતરના અમીર તમીમ બિન હમદ અલ થાની વચ્ચે ઉર્જા, કેમિકલ્સ, એવિએશન સહીતના મામલે દ્વિપક્ષીય સહકારની ચર્ચા થઇ અને કુલ સોદાની જાહેરાત કરવામાં આવી. કતર એરવેઝે બોઇંગના ૨૧૦ વિમાનો ખરીદવા માટે અને અમેરિકન કંપની જીઈની બનાવટના એરક્રાફ્ટ એન્જીન ખરીદવાનો સોદો પણ સામેલ છે. અમેરિકન સરકાર સાથે સંબંધો સુધારવા માટે કતરે ૪૦ કરોડ ડોલરનું બોઇંગ વિમાન ટ્રમ્પને ગિફ્ટ આપ્યું છે. અમેરિકાના શિક્ષણ વિભાગમાં સ્કુલ, યુનિવરસિટીમાં પણ કતર બહુ મોટું દાન આપે છે. અનુદાન નામે અમેરિકા સાથેના સંબંધો મજબૂત કરવામાં કતર સફળ થયું છે.

સાઉદી અરબમાં ટ્રમ્પ ૬૦૦ અબજ ડોલરના કરાર કરવામાં સફળ રહ્યા છે. આ કરારમાં ૧૪૦ અબજ ડોલરનો યુદ્ધ વિમાન જહાજો અને અન્ય શસ્ત્રોનો સોદો  પણ સામેલ છે. ટ્રમ્પના ત્રણ દેશોની યાત્રા દરમિયાન તુર્કીને મિસાઈલ આપવાનો એક અન્ય સોદો પણ વિદેશ મંત્રી રુબીયોએ જાહેર કર્યો છે.

આ દર્શાવે છે ડોનાલ્ડ ટ્રમ્પ એક વેપારી તરીકે અમેરિકાની ઢીલી થઇ રહેલી અખાતના દેશો ઉપરની પકડ મજબૂત બનાવી રહ્યા છે. સાઉદીમાં અમેરિકન અબજોપતિ અને સ્થાનિક નેતાઓની હાજરીના સમીટમાં એમનો સંદેશ હતો, લડવાની ક્યાં જરૂર છે, ચાલો બધા દેશો વેપાર કરીએ, રોકાણ કરીએ. ચીન સાથે ૯૦ દિવસના કામચલાઉ ટેરિફ વોર વિરામ માટેની સમજૂતીની સફળતા ટ્રમ્પને વધુ આત્મવિશ્વાસ આપી રહી છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા અને પછી ટેરિફ વોરની વાત કરી રહેલા ટ્રમ્પ કેનેડા, બ્રિટન, ભારત, ચીન સાથે વ્યાપાર સંધિ માટે વાટાઘાટ કરી રહ્યા છે. ઊંચા ટેરિફની જાહેરાત કરી, ધમકી આપી હવે પોતાની શરતોએ વ્યાપાર કરી રહ્યા છે.

ત્રણ દેશોની મુલાકાતમાં સિરિયા અને તુર્કી આઈસીંગ ઓન ધ કેક છે. ટ્રમ્પની આ મુલાકાતથી ચીનના વધતા પ્રભાવ ઉપર અંકુશ આવશે. રશિયાને પણ વ્યાપારના નામે, યુદ્ધ છોડે તો ફરી વિશ્વ વ્યાપારમાં જોડી દેવા ટ્રમ્પ તૈયારી કરી રહ્યા છે જેથી પુતિન પણ તેમની સાથે રહે. યુક્રેનને ધમકાવી, ઝેલેન્સકીને બેઈજ્જત કરી રેર મિનરલ ઉપર કબજો જમાવી લીધો છે એટલે આ યુદ્ધ વિરામમાં અમેરિકાને બન્ને હાથમાં લાડવા મળે એવી શક્યતા છે. ઈરાનને પરમાણુ કાર્યક્રમ છોડી દેવા માટેની દરખાસ્ત આપી ચૂક્યા છે અને તેના ઉપર હવે મંત્રણા શરૂ થશે. ટ્રમ્પની વીજળીક યાત્રા તેના કરતા વધારે ઝડપથી ચીન માટે પડકાર ઉભા કરી શકે છે.

સિરિયા સાથે ટ્રમ્પની દોસ્તીથી ઇઝરાયેલ નારાજ

ચારેતરફથી આરબ દેશોથી ઘેરાયેલા ઇઝરાયેલને અમેરિકાએ હરહમેશ લશ્કરી, આર્થિક, રાજદ્વારી રીતે મદદ આપી છે. અમેરિકામાં સરકાર કોઇપણ પક્ષની હોય ઇઝરાયેલને અવિરત, જોઈએ એટલે તરત જ અમેરિકા મદદ આપે છે. 

ઇઝરાયેલ ઉપર ત્રાસવાદી હુમલામાં વિવિધ સંગઠનો જોડાયેલા છે અને તેમાં હમાસ, હુથી જેવા સંગઠનો સાથે સિરિયાને સંબંધો રહ્યા છે. સિરિયાએ ઈરાનની મદદથી આ ત્રાસવાદીઓને સરહદે રહી ઇઝરાયેલ સાથે લડવામાં મદદ કરેલી છે. 

આવા જ એક સંગઠનનો વડો હવે સિરિયાનો રાષ્ટ્રપતિ બન્યો છે અને અમેરિકા તેના ઉપર નિયંત્રણ હટાવે, દોસ્તીનો હાથ લંબાવે તો ઇઝરાયેલ ચોક્કસ નારાજ થાય. સત્તાવાર રીતે નેતાનયાહુએ આ અંગે કોઈ નિવેદન નથી કર્યું પણ આ નારાજગી ટ્રમ્પ સુધી ચોક્કસ પહોંચશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

Tags :