કોરોનાના મૂળનો પતો લગાવવા WHOની ભૂમિકા તપાસવી રહી
- વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં કોરોનાના સ્ત્રોતનો પતો લગાવવા તેમજ WHOની ભૂમિકા અંગે તપાસ કરવાના પ્રસ્તાવનું ભારતે સમર્થન કર્યું
- કોરોના વાઇરસનો ઉદ્ભવ અને ફેલાવો ચીનમાંથી થયો એ તો જગજાહેર છે પરંતુ દુનિયાના અનેક દેશોને આશંકા છે કે આ વાઇરસને ચીનમાં જ કાબુમાં લાવી શકાયો હોત પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીનને છાવર્યા કર્યું અને પરિણામે આ વાઇરસે દુનિયાભરમાં તબાહી મચાવી
દુનિયાના ૨૧૦ દેશો કોરોના વાઇરસે ફેલાવેલી મહામારી સામે લડી રહ્યાં છે. વેક્સિન અને દવા હજુ સુધી શોધાઇ શક્યા ન હોવાના કારણે કોરોના વાઇરસ રોજના હજારો લોકો જીવ લઇ રહ્યો છે. સાર્સ કોવિ-૨ નામ પામેલા આ નવતર વાઇરસના કારણે ફેલાયેલી કોવિડ-૧૯ બીમારીનો ભોગ ૪૭ લાખથી વધારે લોકો બની ચૂક્યાં છે અને આશરે સવા ત્રણ લાખ લોકોએ જીવ ગુમાવ્યાં છે. ભારતમાં પણ કોરોના પોઝિટિવ લોકોનો આંકડો એક લાખે પહોંચવા આવ્યો છે અને ત્રણ હજારથી વધારે લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
દરમિયાન સોમવારથી શરૂ થયેલી ૭૩મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં ભારતસહિત ૬૨ દેશોએ કોરોનાના સ્ત્રોતનો પતો લગાવવા અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દર વર્ષે મે મહિનામાં જીનિવા ખાતે યોજાય છે પરંતુ આ વર્ષે કોરોના વાઇરસના કારણે આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઇ રહી છે. આ વખતની બેઠકમાં સ્વાભાવિક રીતે ચર્ચાનો મુદ્દો કોરોના મહામારીના કારણે ઉપજેલું વૈશ્વિક સંકટ છે.
આ બેઠકમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ૧૯૬ સભ્ય દેશો ભાગ લઇ રહ્યાં છે અને કોરોના મહામારીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ભૂમિકા અંગે તપાસની માંગ ઊઠી છે. કોરોના અને તેના પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને લીધેલા પગલાં અંગે વ્યાપક તપાસ કરવા અંગે ઓસ્ટ્રેલિયા અને યુરોપીય દેશો નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસની માંગ માટે સમર્થન મેળવી રહ્યાં છે. ભારતે પણ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે.
ગયા મહિને ઓસ્ટ્રેલિયાએ પહેલી વખત કોરોના વાઇરસ ફેલાવા અંગે સ્વતંત્ર તપાસ કરવાની માંગ કરી હતી. એ પછી યુરોપી દેશોએ પણ એમાં સૂર પુરાવ્યો હતો. ભારતે આ પ્રસ્તાવને સમર્થન આપીને કોરોના મહામારીના ફેલાવા પર પહેલી વખત આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આ પ્રસ્તાવમાં જોકે અમેરિકા અને ચીન સામેલ નથી. આશ્ચર્યની વાત છે કે કોરોના મહામારી ફેલાવા માટે અમેરિકાએ જ સૌપ્રથમ ચીન સામે આંગળી ચીંધી હતી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ચીનને છાવરી રહ્યું હોવાનો આરોપ મૂક્યો હતો.
ગયા મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા સામે નિશાન તાક્યું હતું અને તેને અમેરિકા તરફથી મળતી આર્થિક સહાય અટકાવી દીધી હતી. દુનિયાભરના લોકોના સ્વાસ્થ્યની જાળવણી રાખવાના ઉદ્દેશ સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ૧૯૪૮માં સ્વિટ્ઝર્લેન્ડના જિનિવા શહેરમાં કરવામાં આવી હતી. WHO યૂ.એન.ની સંસ્થા છે અને તેના ૧૯૪ દેશો સભ્ય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા રસીકરણના અભિયાનો ચલાવે છે તેમજ હેલ્થ ઇમરજન્સી અને પ્રાથમિક સારવાર માટે દુનિયાભરના દેશોની મદદ કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને જુદાં જુદાં દેશો તરફથી ફંડ રૂપે મદદ મળે છે જે તે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે વાપરે છે.
ટ્રમ્પ બે મહિના પહેલા પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ચીનતરફી કહીને ટીકા કરી હતી. તેમનું કહેવું હતું કે કોરોના વાઇરસના ફેલાવા માટે હૂની જવાબદારી નક્કી થવી જોઇએ. ટ્રમ્પનો આક્ષેપ હતો કે WHOએ કોરોનાની મહામારીને રોકવા માટે બરાબર કામગીરી બજાવી નથી. ટ્રમ્પે આરોપ મૂક્યો હતો કે જો WHOએ ચીનમાં જઇને વાસ્તવિક પરિસ્થિતિ જોઇ હોત અને ત્યાંની પરિસ્થિતિ અંગે પારદર્શક માહિતી આપી હોત તો અત્યાર જેવી ભયાવહ પરિસ્થિતિ ન સર્જાઇ હોત. હકીકતમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શરૂઆતથી ચીનને છાવરતું આવ્યું છે.
ટ્રમ્પ તો શરૂઆતથી આરોપ મૂકતા આવ્યાં છે કે WHOએ સમયસર કોરોના વાઇસર વિશે દુનિયાને જાણકારી આપી નહીં. તેમનું કહેવું છે કે જો WHOએ વખત રહેતા યોગ્ય પગલા લીધા હોત તો આ મહામારીને ચીનના વુહાનમાં જ રોકી શકાઇ હોત અને આ મહામારી દુનિયામાં ફેલાઇ પણ ન હોત અને લોકો આટલી મોટી સંખ્યામાં એનો ભોગ પણ ન બન્યા હોત. ટ્રમ્પના જણાવ્યા અનુસાર સમયસર જાણકારી આપવામાં આવી હોત તો હજારો લોકોના જીવ બચાવી શકાયા હોત અને આર્થિક બેહાલી પણ ટાળી શકાઇ હોત. પરંતુ WHOએ ચીન પર આંધળો વિશ્વાસ કર્યો અને ચીની સરકારની નબળી કામગીરીનો પણ બચાવ કર્યો.
જાન્યુઆરીમાં જ્યારે કોરોના વાઇરસે ચીનમાં તબાહી મચાવવાની શરૂઆત કરી ત્યારે આ સંસ્થાએ દાવો કર્યો હતો કે ચીનની શરૂઆતની તપાસમાં એવા સંકેત નથી મળ્યા કે કોરોના વાઇરસ માણસોમાંથી માણસોમાં ફેલાય છે. એ વખતે પણ ટ્રમ્પ તેમજ બીજા અનેક લોકોએ WHO પર સવાલ ઉઠાવીને આરોપ મૂક્યાં હતાં કે સંગઠન આંખો બંધ કરીને ચીનના દાવાઓ પર ભરોસો કરે છે. કોરોના કાબુ બહાર જતાં WHOએ નિવેદન આપતા કહ્યું કે વુહાનમાં કોરોના વાઇરસના માણસમાંથી માણસમાં ફેલાવાના મામલા સામે આવ્યાં છે. કોરોના કાબુ બહાર નીકળી જતાં જાન્યુઆરીના અંતમાં WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઉપર બીજો આરોપ એ પણ છે કે ચીનના દબાણમાં આવીને કે પછી ચીન સાથે મીલીભગત કરીને સંસ્થાએ તાઇવાને કોરોના સામે લડવા માટે આપેલી જાણકારીને નજરઅંદાજ કરી. ઉલ્લેખનીય છે કે ચીન તાઇવાનને પોતાનો જ હિસ્સો ગણાવે છે અને તાઇવાન પોતાને સ્વતંત્ર દેશ ગણાવે છે.
એવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં પણ તે સામેલ નથી અને ચીન સતત એવા પ્રયાસમાં રહે છે કે તાઇવાનને કોઇ વૈશ્વિક સંગઠનનો હિસ્સો ન બનવા દેવાય. ચીનમાં કોરોના ફેલાયો ત્યારે એવી આશંકા હતી કે તાઇવાનની પરિસ્થિતિ પણ વકરશે પરંતુ તાઇવાને યુદ્ધના ધોરણે પગલાં લઇને કોરોનાને પગ પસારવા જ ન દીધાં. તાઇવાને કોરોના સામે લડવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાને જણાવ્યાં દુનિયાને મદદ કરવા માટે તૈયારી પણ બતાવી હતી. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાઇવાનના મોડલને અવગણ્યું.
હકીકતમાં તાઇવાને વખત રહેતા કોરોના વાઇરસની ગંભીરતાને પિછાણી લીધી હતી. વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૩માં સાર્સનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ તાઇવાનમાં નેશનલ હેલ્થ કમાન્ડ સેન્ટર સ્થાપવામાં આવ્યું હતું. આ સેન્ટર ભાવિ મહામારીને પહોંચી વળવાના આશય સાથે જ ઊભું કરવામાં આવ્યું હતું.
ચીનમાં જેવા કોરોના વાઇરસના કેસ વધવા લાગ્યાં કે તાઇવાને વિલંબ કર્યા વિના ચીન, હોંગકોંગ અને મકાઉ પર ટ્રાવેલ બૅન લગાવી દીધો. તાઇવાનની સરકારે પોતાના સંસાધનોનો ભારે સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનું શરૂ કર્યું. છેલ્લા કેટલાંક વર્ષોથી તાઇવાને બાયોમેડિકલમાં ઘણું રિસર્ચ કર્યું છે. કોવિડ-૧૯નના મામલે પણ તાઇવાનની સરકારે ભારે ત્વરાથી વાઇરસ ટેસ્ટ કરવા માટેને સેન્ટર ઊભા કરી દીધાં.
આધુનિક સમયમાં ડેટા ભારે અગત્ત્યનો બની રહ્યો હોવાનું તો સૌકોઇ જાણે છે. પરંતુ આવા ડેટાને પોતાના ફાયદા માટે વાપરવા કરતા લોકોના કલ્યાણ માટે વાપરી શકાય એ તાઇવાનની સરકારે શીખવ્યું. કોરોનાનો પ્રકોપ વધતાની સાથે તાઇવાનની સરકારે નેશનલ હેલ્થ ઇન્શ્યોરન્સ, ઇમિગ્રેશન અને કસ્ટમના ડેટાનું સંકલન કર્યું.
લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીનો ડેટા પણ લેવામાં આવ્યો અને આ તમામ ડેટા જોડીને મેડિકલ અધિકારીઓએ એ તપાસ લગાવી કે કેટલા લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગી શકે એમ છે. એટલું જ નહીં, તાઇવાનની સરકારે તાત્કાલિક ધોરણે એવી એપ્સ તૈયાર કરી જેના દ્વારા લોકો લોકો દેશમાં પ્રવેશ કરતી વખતે ક્યૂઆર કોડ સ્કેન કરીને પોતાના સ્વાસ્થ્યના લક્ષણ અને મુસાફરી વિશેની તમામ જાણકારી આપી શકે. કોરોના સામે લડવા માટે આધુનિક ટેકનોલોજીનો પ્રયોગ કરવાનો અભિગમ તાઇવાનમાં સફળ રહ્યો અને સરકાર કોરોના સામે લડવા માટે યોગ્ય પગલાં સમયસર લઇ શકી.
તાઇવાન વિશ્વ આરોગ્ય સંસ્થાનું ઓબઝર્વર છે પરંતુ ચીનના દબાણના કારણે સંસ્થાએ વર્ષ ૨૦૧૬ બાદ તાઇવાનને કદી પણ બેઠકમાં આમંત્રણ નથી આપ્યું. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ એડહનોમને ચીન સાથે નિકટતા હોવાના આક્ષેપો થતા રહ્યાં છે અને હવે WHOના પ્રમુખની ચીન સાથેની નિકટતા જ સંસ્થાને ભારે પડી રહી છે.
તાઇવાન WHOની બેઠકમાં ભાગ લેવા માટે ભારે પ્રયાસ કરી રહ્યું છે. તાઇવાનનું કહેવું છે કે ઓબ્ઝર્વર તરીકે તે ૨૦૦૯થી ૨૦૧૬ સુધી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીની બેઠકોમાં ભાગ લેતું રહ્યું છે અને હાલ જે અસામાન્ય પરિસ્થિતિ ઉદ્ભવી છે એમાં તેને પોતાની વાત રજૂ કરવાની તક મળવી જોઇએ. જાણકારોના મતે તાઇવાન WHOની બેઠકમાં ભાગ લઇને તેની કોરોના સામેની લડત અંગે દુનિયાને જણાવે એ જરૂરી છે કારણ કે WHOએ વૈશ્વિક સ્વાસ્થ્યની દેખરેખ રાખતી સંસ્થા છે અને તેણે રાજકારણથી દૂર રહેવું જોઇએ.