- રશિયા, બ્રાઝિલ અને બ્રાઝિલ જેવા દેશો ક્રૂડ વેચીને તો યૂક્રેન અને નોર્થ કોરિયા હથિયાર વેચીને નફો રળી રહ્યા છે
- રશિયાએ તેના ક્રૂડ અને ગેસ ઉપર જે વ્યપક ડિસ્કાઉન્ટ આપ્યું હતું તે અટકાવી દીધું અને ઘણા કિસ્સામાં સાવ ઓછું કરી દીધું. માર્ચ મહિનાની જ વાત કરીએ તો તેણે 15 દિસવમાં ક્રૂડ અને ગેસ વેચીને અંદાજે 6 અબજ યૂરો એટલે કે અંદાજે 54,000 કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી લીધી છે: નોર્વેએ પણ બજાર ભાવ અને વગર ડિસ્કાઉન્ટે જ ક્રૂડ અને ગેસ આપવાની શરૂઆત કરી દીધી છે. માર્ચના પંદર દિવસમાં નોર્વેની પણ ક્રૂડ અને ગેસ વેચીને થતી કમાણીમાં 14 ટકાનો વધારો થયો છે. તેવી જ રીતે માર્ચના પંદર દિવસમાં જ કેનેડાની સૌથી મોટી ક્રૂડ કંપની કેનેડિયન નેચરલ રિસોર્સિસનો નફો અંદાજે 19 ટકા વધી ગયો: નોર્થ કોરિયાએ રશિયા સાથે પણ હથિયારોની મોટી સિક્રેટ ડીલ કરેલી છે. તેના દ્વારા જ તેને 20 અબજ ડોલરની કમાણી થઈ છે. યૂક્રેન પણ ઓછા બજેટમાં વધારે ઘાતક ડ્રોન બનાવી શકે છે. ગત વર્ષના અંત દરમિયાન જ તેણે હથિયારો વેચવાની શરૂઆત કરી છે. 2026થી તેણે યુરોપના ઘણો દેશોમાં પોતાની ડિફેન્સ ઓફિસ શરૂ કરીને વિવિધ રેન્જના ડ્રોનનું વેચાણ શરૂ કર્યા હોવાના પણ અહેવાલો છે.
દુનિયાભરમાં સામાન્ય રીતે કોઈની આફત કોઈના માટે અવસર બનતી જ હોય છે. લોકો તેનો લાભ લેવાનું ચુકતા જ નથી. ઈરાન-અમેરિકા યુદ્ધને પગલે હાલમાં દુનિયામાં જે તંગદિલી ફેલાયેલી છે તેના કારણે અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ આ જ યુદ્ધ કેટલાક દેશો માટે અવસર સમાન સાબિત થઈ છે. ઈરાન, ઈઝરાયેલ, લેબેનોન અને અન્ય ખાડી દેશો વચ્ચે તણાવ વધતા અને યુદ્ધની સ્થિતિ વકરતા ક્રૂડના સપ્લાય ઉપર મોટું જોખમ આવી ગયું છે. દુનિયાભરમાં ક્રૂડ અને ગેસની અછત સર્જાઈ રહી છે. ખાસ કરીને એશિયા અને યુરોપના દેશો મુશ્કેલીમાં આવ્યા છે. બીજી તરફ એવા પણ દેશો છે જેમને આ યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી અને તેમને ક્રૂડ અને ગેસના અધધ ઓર્ડર મળી રહ્યા છે અને તેઓ ધૂમ કમાણી કરી રહ્યા છે. માત્ર ક્રૂડ જ નહીં. કેટલાક દેશો તેમના હથિયારો વેચીને પણ અબજો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. એક તરફ યુદ્ધ માટે હથિયારો વેચે છે અને જે દેશો યુદ્ધથી પીડાય છે તેમને ક્રૂડ અને ગેસ પણ બજાર ભાવે વેચીને અધધ નફો રળી રહ્યા છે.
આ યાદીમાં સૌથી પહેલો દેશ રશિયા આવે છે. યૂક્રેન સાથે ચાર વર્ષ પહેલાં રશિયાએ યુદ્ધ શરૂ કર્યું ત્યારે પશ્ચિમી દેશોએ તેના ઉપર આર્થિક પ્રતિબંધ મુક્યો હતો. અમેરિકા પણ તેમાં રંગેચંગે જોડાયું હતું. રશિયાને એકલું પાડવાનો અને તેના અર્થતંત્રને તોડી પાડવાનો આશય હતો. આ રીતે તે યૂક્રેન સામે યુદ્ધ અટકાવી દે તેવું પશ્ચિમી દેશો અને યુરોપનું આયોજન હતું. તેમાં થોડાઘણા અંગે આ દેશો સફળ થયા હતા પણ ત્યાં જ અમેરિકાએ અને ઈઝરાયેલે ઈરાન ઉપર હુમલો કરી દીધો અને સ્થિતિ સાવ પલટાઈ ગઈ.
રશિયા પાસે ગેસ અને ક્રૂડનો વિશાળ જથ્થો છે. છેલ્લાં ચાર વર્ષથી રશિયા તેના મિત્ર દેશો અને તેની સાથે વેપાર કરવા માગતા દેશોને સસ્તા ભાવે ક્રૂડ અને ગેસ આપતું હતું જેથી તેનું અર્થતંત્ર ગતિશિલ રહે. હવે સ્થિતિ તેના હાથમાં છે. રશિયાએ ક્રૂડના ભાવ વધારી દીધા અને દરેકને જણાવી દીધું કે, બજાર ભાવે ક્રૂડ અને ગેસ મળશે જેણે ખરીદવા હોય તેમણે ખરીદવાના બાકી કોઈ ડિસ્કાઉન્ટ મળશે નહીં.
રશિયાએ જે રીતે વેપાર શરૂ કર્યો તેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતો વધી ગઈ. તેમાંય એશિયા અને યૂરોપના દેશો વૈકલ્પિક સપ્લાય શોધી રહ્યા હતા તેમને રશિયાનો સાથ તો મળ્યો પણ શરતો રશિયાની હતી. રશિયાએ તેના ક્રૂડ અને ગેસ ઉપર જે વ્યાપક ડિસ્કાઉન્ટ આપ્યું હતું તે અટકાવી દીધું અને ઘણા કિસ્સામાં સાવ ઓછું કરી દીધું. માર્ચ મહિનાની જ વાત કરીએ તો તેણે ૧૫ દિવસમાં ક્રૂડ અને ગેસ વેચીને અંદાજે ૬ અબજ યૂરો એટલે કે અંદાજે ૫૪,૦૦૦ કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી લીધી છે. બીજી તરફ ક્રૂડના ભાવ ૧૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. તેના કારણે પણ રશિયાને દરરોજ ૧૫૦૦ કરોડ રૂપિયાની વધારાની કમાણી થઈ રહી છે.
બીજી બાજુ જોઈએ તો મિડલ ઈસ્ટમાં જ્યારે પણ તણાવ ફેલાય કે યુદ્ધની સ્થિતિ આવે એટલે યુરોપ ઉપર જોખમ સર્જાય છે. આ વખતે પણ યુરોપના દેશો આ યુદ્ધને પગલે ક્રૂડ અને ગેસ મુદ્દે અટવાયા છે. યુરોપના દેશો પાસે ક્રૂડ અને ગેસનો સપ્લાય ઓછો છે. તેઓ તેની વ્યાપક રીતે આયાત કરે છે. યુરોપના દેશો હાલમાં નજર નોર્વે તરફ દોડાવી છે. યુરોપના દેશોનું સજ્જન અને શાંત પડોશી નોર્વે પાસે ક્રૂડ અને ગેસના વિશાળ ભંડાર છે. તે ભૂતકાળમાં પણ યુરોપના દેશોનો ક્રૂડ અને ગેસ આપતું હતું પણ હાલમાં તો યુરોપે તેની પાસેથી ક્રૂડ અને ગેસ લેવા સિવાય વિકલ્પ જ નથી. હોર્મુઝની ખાડી બંધ થતા યુરોપનો સપ્લાય અટકી ગયો અને યુરોપે મદદ માગી તો નોર્વેએ તૈયારી બતાવી. તેણે પોતાના સપ્લાયમાં ૧૨ ટકા સુધીનો વધારો કરી દીધો.
નોર્વેએ પણ બજાર ભાવ અને વગર ડિસ્કાઉન્ટે જ ક્રૂડ અને ગેસ આપવાની શરૂઆત કરી દીધી છે. માર્ચના પંદર દિવસમાં નોર્વેની પણ ક્રૂડ અને ગેસ વેચીને થતી કમાણીમાં ૧૪ ટકાનો વધારો થયો છે. નોર્વેનો સરકારી કોષ કે જેને દુનિયાનું સૌથી મોટું સરકારી રોકાણ ફંડ અથવા તો સોવરેન વેલ્થ ફંડ કહેવાય છે તે અત્યાર સુધીની સૌથી ઉચ્ચ સપાટીઓ પહોંચી ગયું છે. જાણકારો માને છે કે, મિડલ ઈસ્ટની જે સ્થિતિ છે તેના પગલે નોર્વેની તકદીર બદલાઈ ગઈ છે.
આ યુદ્ધના કારણે નોર્વેને જે કમાણી થઈ રહી છે તેનો લાભ દાયકાઓ સુધી આવનારી પેઢીઓને પણ મળતો રહેશે. યુરોપની મજબૂરીએ નોર્વેની તિજોરી ભરી દીધી છે.
નવાઈની વાત એ છે કે, આ યુદ્ધથી હજારો કિલોમીટર દૂર રહેલા કેનેડાએ પણ સ્થિતિનો લાભ લેવાનું શરૂ કરી દીધું છે. કેનેડા તો નોર્વે કરતા પણ ઝડપી સપ્લાય કરે છે અને કમાણી કરી રહ્યું છે. કેનેડા પાસે ઓઈલ સેન્ડ્સ તરીકે ક્રૂડ ઓઈલનો ખજાનો છે. દુનિયાભરના દેશો તેને લેવા માટે લલચાતા હોય છે. હાલમાં અમેરિકાને પણ મુશ્કેલી છે. તેણે રિઝર્વ ભંડાર ખોલવા પડયા છે. હાલમાં તેણે કેનેડા પાસેથી ક્રૂડ ઓઈલ સેન્ડ્સ લેવાનું શરૂ કરી દીધું છે. તે પાઈપલાઈન દ્વારા જ તેની પાસે પહોંચી જાય છે.
તેથી તેને સાનુકુળતા રહે છે અને કેનેડાને વ્યાપક કમાઈ થઈ રહી છે. હવે ભારત અને ચીને પણ કેનેડાનો સંપર્ક કર્યો હોવાના અહેવાલ છે. તાજેતરમાં જ એક રિપોર્ટ આવ્યો છે જેણે જણાવ્યું કે, માર્ચના પંદર દિવસમાં જ કેનેડાની સૌથી મોટી ક્રૂડ કંપની કેનેડિયન નેચરલ રિસોર્સિસનો નફો અંદાજે ૧૯ ટકા વધી ગયો. કેનેડાને હવે કમાણી જ છે. તેમાંય જો ભારત અને ચીન સાથે ડીલ થઈ તો તેમાં વ્યાપક વધારો થશે.
ક્રૂડમાં જ કમાણીના વાત કરીએ તો તેમાં બ્રાઝિલનું પણ નામ આવે છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધનો માહોલ સર્જાતા જ બ્રાઝિલને ક્રૂડ સેક્ટરમાં લોટરી લાગી છે. બ્રાઝિલને કે દુનિયાને કલ્પના જ નહોતી કે તેની પાસે વિવિધ દેશો જશે.
બ્રાઝિલ જવા આવવાનો રસ્તો જ તેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. બ્રાઝિલનું ક્રૂડ એટલાન્ટિક મહાસાગરના રસ્તે આવે અને જાય છે. અહીંયા કોઈ વિદ્રોહિયો, આતંકીઓ કે પછી યુદ્ધની અસર નડતી નથી. અહીંયા ક્યાંય કોઈ જોખમ નથી. આજની તારીખે પણ આ રસ્તો સૌથી સુરક્ષિત દરિયાઈ માર્ગ ગણવામાં આવે છે.
આ સેફ્ટિ કોર્ડ થકી જ બ્રાઝિલનું ક્રૂડ અત્યારે સૌથી વધારે ડિમાન્ડમાં છે. બ્રાઝિલે પોતાના જ તમામ રેકોર્ડ તોડી કાઢયા છે. તેના ક્રૂડનું ઉત્પાદન હાલમાં ૪૦ લાખ બેરલ પ્રતિ દિવસ પાર કરી ગયું છે. ચીન તો તેનું જુનું ગ્રાહક છે પણ હવે ભારત આ યાદીમાં આવ્યું છે. ભારતે પણ બ્રાઝિલ પાસેથી ક્રૂડની ખરીદીમાં ૧૫ ટકાનો વધારો કરી દીધો છે. જાણકારોના મતે ચીન અને ભારત સહિત દુનિયાભરના ઘણા મોટા દેશો બ્રાઝિલમાં એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા લાઈનો લગાવી રહ્યા છે. જાણકારોના મતે ૨૦૨૬માં બ્રાઝિલમાં એનર્જી સેક્ટરમાં ૨૧.૩ અબજ ડોલરનું રોકાણ આવી શકે છે.
નોર્થ કોરિયા અને યૂક્રેને હથિયારો દ્વારા યુદ્ધની સ્થિતિનો લાભ લઈ કમાણી કરી
મિડલ ઈસ્ટમાં જે યુદ્ધની સ્થિતિ છે તેમાં માત્ર ક્રૂડ નહીં હથિયારો થકી પણ કેટલાક દેશોએ કમાણી કરી લીધી છે અને હજી પણ કરી રહ્યા છે. આ યુદ્ધમાં જેની સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે તે દેશ છે ઉત્તર કોરિયા. ઉત્તર કોરિયા ઉપર વર્ષોથી દુનિયાભરના મોટા દેશોના પ્રતિબંધો છે.
જાણકારોના મતે હાલમાં મિડલ ઈસ્ટમાં યૂક્રેન અને નોર્થ કોરિયા પાછલા બારણે અને પડદા પાછળ રહીને હથિયારો આપી રહ્યા છે. તેમાંય કોરિયા દ્વારા તો વ્યાપક સંખ્યામાં દારૂગોળા, રોકેટ, બેલાસ્ટિક મિસાઈલો અને બીજા હથિયારો આપવામાં આવી રહ્યા છે. આ હથિયારો સસ્તા અને ટકાઉ પણ છે. એક અહેવાલ મુજબ નોર્થ કોરિયાએ રશિયા સાથે પણ હથિયારોની મોટી સિક્રેટ ડીલ કરેલી છે. તેના દ્વારા જ તેને ૨૦ અબજ ડોલરની કમાણી થઈ છે. કોરિયા આ રકમ દ્વારા વધુ નવા અને આધુનિક હથિયારો બનાવીને ગુપ્ત રીતે વેચતું રહે છે. નોર્થ કોરિયાની જેમ યૂક્રેન પણ હાલમાં હથિયારો દ્વારા કમાણી કરી રહ્યું છે.
ચાર વર્ષથી રશિયાને હંફાવવા દરમિયાન યૂક્રેને ડ્રોન ટેક્નોલોજીમાં મહારથ હાંસલ કરી લીધી છે. તેની આ ટેક્નોલોજી હવે બીજા દેશો પણ માગી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે યૂક્રેન દર વર્ષે ૪૦ લાખ ડ્રોન બનાવી રહ્યું છે. મોટો વિકસિત દેશ પણ આટલી મોટી સંખ્યામાં ડ્રોન બનાવી શકતો નથી. યૂક્રેન ઓછા બજેટમાં વધારે ઘાતક ડ્રોન બનાવી શકે છે. ગત વર્ષના અંત દરમિયાન જ તેણે હથિયારો વેચવાની શરૂઆત કરી છે. ૨૦૨૬થી તેણે યુરોપના ઘણો દેશોમાં પોતાની ડિફેન્સ ઓફિસ શરૂ કરીને વિવિધ રેન્જના ડ્રોનનું વેચાણ શરૂ કર્યા હોવાના પણ અહેવાલો છે. જાણકારોના મતે યુરોપના દેશો અને મિડલ ઈસ્ટના દેશો યૂક્રેનના ઈન્ટરસેપ્ટર ડ્રોનના ચાહક છે. દુશ્મનના ડ્રોનને હવામાં જ શોધીને તેને તોડી પાડવાની ટેક્નોલોજી ધરાવતા આ ડ્રોનનો તાજેતરમાં યુદ્ધમાં વ્યાપક પ્રયોગ થઈ રહ્યો હોવાના અહેવાલ છે. તેના દ્વારા યૂક્રેને પણ તગડી કમાણી કરી હોવાનું કહેવાય છે.
સરેરાશ એવો અહેવાલ છે કે, મિડલ ઈસ્ટમાં સર્જાયેલી આ સ્થિતિમાં છ દેશો દ્વારા અધધ કમાણી કરી લેવાઈ છે અને હાલમાં પણ કરી રહ્યા છે.


