Updated: Mar 18th, 2023
- બોલિવૂડ એક્ટ્રેસ રેખા, ક્રિકેટર સચીન તેંડુલકર, ઉદ્યોગપતિ સંજય દાલમિયા વગેરેને પેન્શન બંધ કરી દેવાય તો કંઈ ફરક ના પડે
- હાલમાં રાજ્યસભા અને લોકસભાના કુલ મળીને 4796 ભૂતપૂર્વ સાંસદોને સરકાર તરફથી પેન્શન આપવામાં આવે છે. આ પેન્શન પાછળ દર વર્ષે 70 કરોડ રૂપિયાનો ધુમાડો થાય છે. આ ઉપરાંત રાજ્યસભા અને લોકસભાના કુલ મળીને 300 જેટલા ગુજરી ગયેલા ભૂતપૂર્વ સાંસદોના પરિવારોને પણ પેન્શન મળે છે. આ લોકોને પણ પેન્શન અપાતું બંધ કરી દેવું જોઈએ.
મહારાષ્ટ્રની ચંદ્રપુર લોકસભા બેઠકના સભ્ય સુરેશ નારાયણ ધનોરકર ઉર્ફે બાલુભાઉએ એક રસપ્રદ મુદ્દો ઉઠાવ્યો છે. બાલુભાઉએ નાણાં મંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખીને માગણી કરી છે કે, આર્થિક રીતે સમૃધ્ધ હોય એવા સાંસદોનું પેન્શન બંધ કરી દેવું જોઈએ.
ધનોરકરે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, હાલમાં રાજ્યસભા અને લોકસભાના કુલ મળીને ૪૭૯૬ ભૂતપૂર્વ સાંસદોને સરકાર તરફથી પેન્શન આપવામાં આવે છે. આ પેન્શન પાછળ દર વર્ષે ૭૦ કરોડ રૂપિયાનો ધુમાડો થાય છે. આ ઉપરાંત રાજ્યસભા અને લોકસભાના કુલ મળીને ૩૦૦ જેટલા ગુજરી ગયેલા ભૂતપૂર્વ સાંસદોના પરિવારોને પણ પેન્શન મળે છે. આ લોકોને પણ પેન્શન અપાતું બંધ કરી દેવું જોઈએ.
બાલુભાઉએ પોતાના પત્રમાં આર્થિક રીતે ખમતીધર હોય ને છતાં સરકાર પાસેથી પેન્શન લેતા હોય એવા ઘણાં સાંસદોનાં નામ પણ આપ્યાં છે. આ સાંસદોમાં ઘણી ફિલ્મી સેલિબ્રિટી છે ને દેશના ટોચના ધનિકોમાં સ્થાન પામે એવા ઉદ્યોગપતિઓ પણ છે. વરસોથી રાજકારણમાં જામેલા ઉદ્યોગપતિઓ પણ છે ને ભૂતપૂર્વ અધિકારીઓ પણ છે.
બોલીવુડ એક્ટ્રેસ રેખા અને શબાના આઝમી, ક્રિકેટર સચિન તેંડુલકર, સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવી જેવી એન્ટરટટેઈનમેન્ટ જગતની હસ્તીઓને ભૂતપૂર્વ સાંસદ તરીકે સરકારી પેન્શન મળે છે. એ જ રીતે સંજય દાલમિયા અને રાહુલ બજાજ જેવા અબજોમાં આળોટતા ઉદ્યોગપતિઓને કે પછી તેમના પરિવારોને પણ સરકાર તરફથી પેન્શન મળે છે. માયાવતી, મણિશંકર ઐયર વગેરે નેતાઓને પણ પેન્શન મળે છે. આ લોકોને પેન્શન બંધ કરી દેવાય તો કઈ ફરક ના પડે એ જોતાં તેમને મળતું પેન્શન બંધ કરી દેવું જોઈએ એવી વાતમાં દમ છે.
ફિલ્મી સેલિબ્રિટી, ક્રિકેટર કે ઉદ્યોગપતિના કિસ્સામાં પેન્શન આપવું કે ના આપવું તેનો નિર્ણય લેવો સરળ છે પણ બાકીના કિસ્સામાં કઈ રીતે નિર્ણય લેવો એવો સવાલ ઉઠે. પત્રમાં કોને પેન્શન મળવું જોઈએ અને કોને પેન્શન ના મળવું જોઈએ તેની પણ ફોર્મ્યુલા બતાવી દેવાઈ છે.
આ ફોર્મ્યુલા પ્રમાણે ઈન્કમટેક્સના ૩૦ ટકા કે વધારેના સ્લેબમાં આવતા હોય એવા તમામ ભૂતપૂર્વ સાંસદો અને તેમના પરિવારોને પેન્શન બંધ કરી દેવું જોઈએ. ઈન્કમટેક્સનો ૩૦ ટકાનો સ્લેબ વાષક ૧૦ લાખ રૂપિયા કે તેના કરતાં વધારે આવક પર લાગે છે તેથી સરળ શબ્દોમાં કહી શકાય કે, ૧૦ લાખ રૂપિયા કે વધારેની વાર્ષિક આવક હોય એવા ભૂતપૂર્વ સાંસદોને પેન્શન બંધ કરી દેવું જોઈએ.
ભૂતપૂર્વ સાંસદોને પેન્શન બંધ કરવાથી બહુ મોટી રકમ નહીં બચે એવી દલીલ પણ થઈ રહી છે પણ સવાલ કેટલા રૂપિયા બચે તેનો નથી, સવાલ માનસિકતાનો છે. જે લોકો કરોડોમાં આળોટે છે એ લોકો સરકાર તરફથી મળતા પચ્ચીસ હજારના પેન્શનને પણ ના છોડતા હોય તો એ ભિખારી માનસિકતા કહેવાય. મફતનું જે કંઈ મળે એ લઈ લેવાની વૃત્તિ ખરાબ કહેવાય.
ભૂતપૂર્વ સાંસદોમાંથી ઘણ ખરા ખરેખર પેન્શનને લાયક હોય છે. રાજકારણમાં આવતા તમામ લોકો સમાજસેવા કરવાના નામે જ આવે છે પણ મોટા ભાગના સમાજસેવાના નામે મેવા ખાઈને એ લોકો પોતાનાં ઘર જ ભરે છે. એવા લોકોએ જે કમાણી કરી હોય છે એ ભ્રષ્ટાચારની હોય છે એ જોતાં એવા લોકો તો આમ પણ પેન્શનને લાયક નથી. જેમણે ખરેખર લોકોની સેવા કરી હોય તેમને પેન્શન મળવું જોઈએ ને એ માટે મોદી સકકારે સર્વે કરાવવો જોઈએ.
મોદી વડાપ્રધાન બન્યા પછી તેમણે જેમને પરવડે એવાં લોકોને રાંધણ ગેસની સબસિડી નહીં લેવાની પ્રતિજ્ઞાા લેવા કહેલું. મોદી ભૂતપૂર્વ સાંસદોને પણ આ પ્રકારની અપીલ કરીને પેન્શન છોડવા કહી શકે. બીજા ના છોડે તો કંઈ નહીં પણ ભાજપના ભૂતપૂર્વ સાંસદો પણ પેન્શન છોડશે તો એક નવી પ્રસંશનિય પહેલ તો થશે જ.
કેન્દ્ર સરકાર આ પ્રકારનો નિર્ણય લે એવી શક્યતા ઓછી છે પણ આ પત્ર પછી જેમની આવક જંગી છે એવા લોકો સ્વૈચ્છિક રીતે પણ પેન્શન છોડી શકે. ભૂતકાળમાં ઘણા એવા સાંસદ આવ્યા જ છે કે જેમણે સ્વૈચ્છિક રીતે પેન્શન નહીં લેવાની જાહેરાત કરી હતી. ઘણા સાંસદો પોતાના પેન્શનની રકમ સીધી દાનમાં જ આપી દે છે. આવા સાંસદોની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી છે પણ એવા વિરલા છે ખરા.
અત્યાર લગી આ મુદ્દો ઉઠાવાયો નહોતો તેથી કોઈ સાંસદ સ્વૈચ્છિક રીતે પેન્શન છોડતો નહોતો પણ હવે આ મુદ્દો ઉઠયો જ છે ત્યારે જેમને માટે સરકારી પેન્શન નગણ્ય છે તેમણે આગળ આવીને પેન્શ છોડવાની તૈયારી બતાવવી જોઈએ. અત્યારે પેન્શન તરીકે તેમને જે રકમ મળે છે એ એટલી મોટી પણ નથી કે તેને છોડવાનો અફસોસ થાય એ જોતાં પેન્શન છોડી દેવામાં બહુ મોટું બલિદાન આપવાનું નથી. આ પણ દેશપ્રેમનું જ કામ છે એ જોતાં કેટલા ભૂતપૂર્વ સાંસદ આવો દેશપ્રેમ બતાવે છે એ જોવાનું રહે છે.
ગુજરાત સિવાય બધાં રાજ્યોમાં ધારાસભ્યોને પેન્શન
કોંગ્રેસના બાલુ ધનોરકરે માત્ર સાંસદોના પેન્શનનો મુદ્દો ઉઠાવ્યો છે પણ દેશનાં ઘણાં રાજ્યોમાં નિવૃત્ત ધારાસભ્યોને પણ પેન્શન અપાય છે. ગુજરાત દેશનું એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ભૂતપૂર્વ ધારાસભ્યોયોને પેન્શન નથી મળતું. ભૂતપૂર્વ ધારાસભ્યો એસોસિએશન બનાવીને લાંબા સમયથી પેન્શનની માગ કરે છે પણ આ માગ સંતોષાઈ નથી.
તમિલનાડુ જેવાં રાજ્યો તો ભૂતપૂર્વ સાંસદને મળે એટલું ૨૫ હજાર પેન્શન ભૂતપૂર્વ ધારાસભ્યને આપે છે. ઘણાં રાજ્યોમાં ધારાસભ્યે કેટલી ટર્મ પૂરી કરી તેના આધારે પેન્શન અપાય છે. એક ટર્મ પૂરી કરનારને જેટલું પેન્શન મળે તેના કરતાં ત્રણ ગણું પેન્શન ત્રણ ટર્મ પૂરી કરનારને મળે.
પંજાબમાં આ જ પ્રકારની વ્યવસ્થા હતી પણ આમ આદમી પાર્ટી સરકારે વન એમએલએ, વન પેન્શન બિલ પસાર કરીને તમામ ભૂતપૂર્વ ધારાસભ્યોને એક જ ટર્મનું પેન્શન મળે એવી વ્યવસ્થા કરી છે.
જો કે આ પેન્શન ૭૫ હજાર રૂપિયા છે. તેલંગાણા અને ઝારખંડમાં હજુ પણ આ વ્યવસ્થા છે અને ધારાસભ્ય તરીકે જેટલાં વર્ષ રહ્યા હોય એટલાં વર્ષ માટેનું પેન્શન મળે છે. અલબત્ત મહત્તમ પેન્શનની રકમ એક લાખ રૂપિયા છે.
ઉત્તર પ્રદેશમાં એક દિવસ માટે પણ ધારાસભ્ય બનો તો ૨૫ હજાર અને પછીના દરેક વર્ષ માટે ૨૦૦૦ રૂપિયા વધારાના એ રીતે પેન્શન મળે છે. એ રીતે એક ટર્મ પૂરી કરનારને ૩૫ હજાર રૂપિયા પેન્શન મળે છે.
મધ્ય પ્રદેશમાં ૨૦ હજાર અને પાંચ વર્ષ પછીના સમયગાળા માટે દર વર્ષના ૮૦૦ રૂપિયા લેખે પેન્શન મળે છે. રાજસ્થાનમાં એક ટર્મ માટે ૩૫ હજાર અને પછી દર વર્ષના ૧૬૦૦ રૂપિયા લેખે પેન્શન મળે છે. હિમાચલ પ્રદેશમાં એક ટર્મ માટે ૩૬ હજાર અને પછી દરેક વર્ષ માટે ૧૦૦૦ રૂપિયા મળે છે. આ રીતે રાજ્યો પણ દર વરસે ભૂતપૂર્વ ધારાસભ્યોને પેન્શન પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરે છે.
સાંસદોને છેક 1954થી પેન્શન મળે છે
લોકસભા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્યોને પેન્શન આપવાનો નિયમ જવાહરલાલ નહેરૂ સરકારે બનાવ્યો હતો. લોકસભાની પહેલી ચૂંટણી ૧૯૫૧માં થઈ તેનાં ત્રણ વર્ષ પછી એટલે કે ૧૯૫૪માં કાયદો બનાવીને ભૂતપૂર્વ સાંસદોને પેન્શન આપવાનો કાયદો પસાર કરાયો હતો. આ કાયદામાં ઘણી વાર સુધારા પણ કરાયા છે ને પેન્શનની રકમમાં ફેરફાર પણ કરાયા છે.
અત્યારે અમલી નિયમ પ્રમાણે લોકસભામાં પોતાની પાંચ વર્ષની ટર્મમાંથી ચાર વર્ષ પૂરાં કરનાર અને રાજ્યસભામાં છ વર્ષની ટર્મ પૂરી કરનાર પેન્શન મેળવવા હકદાર બને છે. હાલમાં લોકસભાના ભૂતપૂર્વ સભ્યને મહિને ૨૫ હજાર રૂપિયા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્યને મહિને ૨૭ હજાર પેન્શન મળે છે. સાંસદ જેટલી વધારે ટર્મ માટે સાંસદ રહે એટલું વધારે પેન્શન તેને મળે છે. રાજ્યસભામાં બે ટર્મ એટલે કે ૧૨ વર્ષ પૂરા કર્યાં હોય તો ૩૯ હજાર પેન્શન મળે જ્યારે લોકસભામાં બે ટર્મ પૂરી કરી હોય તો ૩૬ હજાર રૂપિયા પેન્શન મળે છે.
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટેની જૂની પેન્શન યોજના બંધ કરીને એનપીએસમાં નાંખી દીધા છે. પહેલાં સરકારી પેન્શન મળતું ત્યારે ૨૦ વર્ષ સરકારી નોકરી કરી હોય ત્યારે પેન્શન મળતું જ્યારે સાંસદોના કિસ્સામાં પાંચ કે છ વર્ષની એક ટર્મ પૂરી કરો એટલ પેન્શન મળવા માંડે છે એ ખુલ્લી તરફદારી જ કહેવાય.