Get The App

રામ રાજ્યની વાતો કરતા સંગઠનો 'રામ લલાને લૂંટી રહ્યા છે'!

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
રામ રાજ્યની વાતો કરતા સંગઠનો 'રામ લલાને લૂંટી રહ્યા છે'! 1 - image

- અયોધ્યામાં અસુરોની આત્મનિર્ભરતા : મંદિરમાં સેવા આપતા ભાજપના અને અન્ય હિંદુવાદી સંગઠનોના સેવકોએ દાનમાં આવેલી 200 કરોડોની રકમ અને દાગીનાની ઉચાપત કરી 

- રામરાજ્યમાં ચોરીને રાજાની નિષ્ફળતા માનવામાં આવતી હતી, ક્યાંય ચોરી થાય અથવા તો કોઈની સાથે ભ્રષ્ટાચાર કે છેતરપિંડી કરવામાં આવે તો રાજા અને તેના ગુપ્તચરોની નિષ્ફળતા ગણાતી, રાજકોષમાંથી ચોરી અથવા ભ્રષ્ટાચાર પેટે ગુમાવેલી રકમ ચુકવવામાં આવતી પણ હવે તો સત્તાધારીઓના મળતીયાઓ જ લૂંટ અને લાંચનું અધિકારિક કામ કરવા લાગ્યા છે. તેમણે ભગવાનને પણ છોડયા નથી : ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2024માં ભગવાન રામનું મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું. જૂન 2024માં શરૂ થયેલા ચોમાસાના પહેલા જ રાઉન્ડમાં મંદિરની અવદશા થઈ ગઈ હતી. મંદિર પરિસરમાં ઠેરઠેર પથ્થરો ઉખડી ગયા હતા, ખાડા પડી ગયા હતા. મુખ્ય માર્ગોની અવદશા થઈ ગઈ હતી. તેનાથી પણ ભયાનક સ્થિતિ એવી થઈ હતી કે, રામ લલાની મૂર્તિ જ્યાં હતી તે ગર્ભગૃહમાં જ છત ટપકવા લાગી હતી : ગુજરાતમાં પણ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રસાદનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. 

કરોડો સનાતનીઓ અને હિંદુઓની આસ્થાના કેન્દ્ર એવા રામ મંદિરમાં આવતા દાનમાંથી કરોડો રૂપિયાની ઉચાપત થયાની ફરિયાદો સામે આવી છે. સેવાના નામે લોકોની આસ્થાના કેન્દ્રમાં ઘુસેલા અસુરોએ જ આત્મનિર્ભરતાનો હાથ ફેરો કર્યો છે. અયોધ્યામાં આવેલા ભગવાન શ્રી રામના મંદિરમાં દાનપાત્રમાં જે રકમ અને વસ્તુઓનું દાન આવે છે તેમાંથી કરોડો રૂપિયા અને વસ્તુઓ સગેવગે કરવાનો આરોપ મુકાયો છે. જાણકારોના મતે રામ મંદિર બનવાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૨૦૦ કરોડ કરતા વધારેની રકમ અને દાગીના તથા ભેટ સોગાદો ચોરી થયાનો અંદાજ માંડવામાં આવ્યો છે. આગામી સમયમાં આ આંકડો તેનાથી પણ મોટો થાય તો નવાઈ નહીં. દાનમાં આવતી રકમ અને વસ્તુઓની ગણતરી કરનારા કર્મચારીઓ સામે જ આંગળી ચિંધાઈ છે જે સ્વાભાવિક છે. 

ઉલ્લેખનીય છે કે, લોકોનો સીધો આરોપ છે કે, ભાજપ સત્તામાં આવ્યા બાદ ચારેતરફ દુર્દશાનું વાતાવરણ છે. ભ્રષ્ટાચાર તેની ચરમસીમા વટાવી ગયો છે. મળતીયાઓ અને કૌભાંડીઓનો અનરાધાર વિકાસ થઈ રહ્યો છે અને પ્રજા પીસાઈ રહી છે. પોતાની સરકાર હોવાથી પોતે જ સર્વસ્વ હોવાના લાગણી નેતાઓ અને કૌભાંડીઓમાં આવી ગઈ છે અને તેઓ હવે લોકોની સાથે સાથે ભગવાનને પણ છેતરવા લાગ્યા છે. રામ મંદિરમાં પણ આ જ સ્થિતિ થઈ છે. કૌભાંડીઓએ ૨૦૦ કરોડથી વધુની દાનની રકમ ચોરી લીધી છે. આ કેસમાં હાલમાં ૫૦ જેટલા કર્મચારીઓની ઓળખ કરવામાં આવી છે જે પગારદાર કર્મચારીઓ છે જ્યારે કેટલાક સ્વયંસેવકો છે. આ તમામ લોકોએ આત્મનિર્ભરતાની વાતને વધારે જ ગંભીરતાથી લઈને ભગવાનને દાનમાં આવેલી રકમ સ્વવિકાસ માટે લઈ જવાની શરૂઆત કરી દીધી અને કરોડોની સંપત્તીના માલિક બની ગયા.

જાણકારોના મતે રામ મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે, મંદિરમાં દાનપાત્રમાં જે રકમ આવે છે અને જે ભેટ આવે છે તેની ગણતરી કરવા માટે વિશેષ રૂમ બનાવવામાં આવ્યો છે. ત્યાં ચોક્કસ કર્મચારીઓને જ અને ટ્રસ્ટના પદાધિકારીઓને જ પ્રવેશ આપવામાં આવે છે. ભેટની રકમ ગણવા માટે હાજર રહેતા આશરે ૫૦ જેટલા કર્મચારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. દાનની ગણતરી કરવાની જે નોકરી કરનારા લોકો છે તેમનો પગાર પંદરથી અઢાર હજાર જેટલો છે. બીજી તરફ ટ્રસ્ટના લોકો તો સેવા જ આપે છે. સ્થિતિ એવી બની હતી કે, આ સેવકો અને કર્મચારીઓમાંથી કેટલાકની કરોડોની સંપત્તિની વાતો સામે આવવા લાગી હતી. ખાસ કરીને રામશંકર ઉર્ફે ટિન્નુ યાદવ અને તેના ભત્રીજા મનીષ યાદવનું ના આ ચોરી કૌભાંડમાં અગ્રેસર હતું. તે ઉપરાંત લવકુશ, અનુકલ્પ મિશ્રા, રાજેશ પાઠક, કે.ડી. તિવારી, કરુણ, રિતિક સિંહ, મૌર્ય અને કોઈ શ્રીવાસ્તવની ઓળખ કરવામાં આવી હતી જે છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં અચાનક કરોડપતિ થઈ ગયા હતા. 

મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનો સહયોગી, સાથી અને છેલ્લાં ત્રણ દાયકાથી તેમની પડખે રહીને મંદિર નિર્માણમાં સક્રિય રહેનાર રામશંકર જ આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત રામશંકરને રાજકીય પીઠબળ હોવાનું અને તેના ઈશારે જ બધું કાળુંધોળું કરવાની મંજૂરી મળતી હોવાના પણ આરોપો મુકવામાં આવ્યા છે. અયોધ્યામાં રીક્ષા ચલાવતો રામશંકર ઉર્ફે ટિન્નુ એકાએક કરોડપતિ થઈ ગયો હતો. તેની પાસે ૫૦ કરોડથી વધારેની સંપત્તી હોવાનું ચર્ચામાં છે. એરપોર્ટ રોડ ઉપર તેની ૭૦ રૂમની હોસ્ટેલ હતી. તે ઉપરાંત અયોધ્યામાં જ ૩ રેસ્ટોરાંમાં તેની ભાગીદારી હતી. તેની પાસે એક ફોર્ચ્યુનર ગાડી, બે માળના બે મકાનો હતા. તેમાંથી એક મકાન હોસ્ટેલ અને હોટેલ રૂપે ચલાવાતું હતું. રામશંકરે પોતાના પ્રભાવથી પોતાના ભત્રીજા મનીષ યાદવને પણ મંદિરમાં ગોઠવી દીધો હતો. તે પણ દાનની રકમ ગણવાનું કામ કરતો હતો. તપાસમાં તેના ઘરેથી પણ ૩૬ લાખ રોકડા મળી આવ્યા છે. 

બીજી તરફ મંદિરમાં જે સોનાના દાગીના દાનમાં આવે છે તેની ગણતરી કરીને ભંડારમાં રાખવાની જવાબદારી જેના ઉપર છે તે કે ડી તિવારી સામે પણ શંકાની સોય તાકવામાં આવી છે. તેની પાસે પાંચ કરોડ કરતા વધારેની સંપત્તી ભેગી થઈ ગઈ છે. તેની સામે આરોપ છે કે, તેણે ઘણા દાગીના ગાયબ કરી દીધા છે અથવા તો કરાવી દીધા છે. તેના કારણે જ તેની પાસે આટલી મોટી રકમ ભેગી થઈ છે. આ સિવાય રાજેશ પાઠક નામની વ્યક્તિની જીવનશૈલી પણ છેલ્લાં પાંચ વર્ષમાં મોભાદાર થઈ ગઈ છે. આ ઉપરાંત અનુકલ્પ મિશ્રા નામના સેવકે અયોધ્યામાં ૬૫ લાખનું ઘર ખરીદ્યું, પોતાના ગામમાં વિશાળ ફાર્મ હાઉસ બનાવડાવ્યું છે. તેણે થોડા બે મહિના પહેલાં જ ફાર્મ હાઉસ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. તેણે ખૂબ જ વૈભવી રીતે લગ્ન પણ કર્યા હતા. આ સિવાય કાર મિકેનિક રહેલા લવકુશે પણ ફૈઝાબાદમાં મોંઘુદાટ ઘર ખરીદ્યું છે. તેણે લોકોને દારૂની પાર્ટી આપી હતી જેની પાછળ એકાદ લાખની આસપાસ ખર્ચ કર્યો હતો.

મૂળ મુદ્દે વાત એવી છે કે, અયોધ્યા હોય કે ગુજરાતનું અંબાજી, ભાજપના નેતાઓ અને મળતીયાઓ દ્વારા દેશના યાત્રાધામોની ઘોર ખોદી કાઢવામાં આવી છે. કરોડો લોકની શ્રદ્ધાના અને આસ્થાના કેન્દ્રોમાં બેફામ ચોરીઓ થઈ રહી છે, લાંચ લેવાઈ રહી છે, કરોડો રૂપિયાના દાનની, વસ્તુઓની ચોરી થઈ રહી છે. ભાજપના હાથમાં જ્યાં પણ સત્તા આવી છે ત્યાં તેના નેતાઓ, કાર્યકર્તાઓ, મળતીયાઓ બધા જ બેફામ થઈ ગયા છે. તેઓ સત્તાના મદમાં સાચુ-ખોટું કશાનું ભાન રાખતા નથી. ભગવાનને પણ લૂંટવા બેઠા છે. લોકોનો આરોપ છે કે જ્યાં જ્યાં ધર્મસ્થાનોમાં વિકાસ કર્યા છે અથવા તો વિકાસના આયોજનો થયા છે ત્યાં કરોડો રૂપિયાની ખાઈકી કરવામાં આવી છે. આ ઉપરાંત દેશના દરેક મોટા મંદિરોમાં ભાજપ અને સંઘના મળતીયાઓ જ સત્તાના કેન્દ્રમાં જતા રહ્યા છે. તેના કારણે બેફામ ચોરીઓ થઈ રહી છે. 

ગુજરાતમાં પણ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રસાદનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. જ્યાં દરરોજ લાખો ભક્તો આવે છે, માતાજીને શ્રદ્ધાથી ભેટ અર્પણ કરે છે તેમને નકલી ઘીથી બનેલો પ્રસાદ આપવામાં આવતો હતો. આ ભેળસેળ ધરાવતો પ્રસાદ આપતી કંપની અને એજન્સી પણ ભાજપીયાઓની જ હતી. લોકોનો આક્રોશ છે કે, સત્તાધારીઓને લાંચ આપ્યા વગર આવી ગોઠવણ થાય નહીં. જ્યાં સુધી નાનામાં નાના સુરક્ષા કર્મચારીથી માંડીને ટ્રસ્ટના મોવડીઓ અને સત્તાધારીઓ આવા કૌભાંડોમાં જોડાય નહીં ત્યાં સુધી કોઈપણ યાત્રાધામમાં ચોરી કે ભ્રષ્ટાચાર કે પછી નકલી પ્રસાદની વહેંચણી શક્ય બને તેમ નથી.

લોકોનું કહેવું છે કે, રામાયણમાં પણ જે રામરાજ્યની વિભાવના દર્શાવાઈ છે તેમાં ચોરી, કૌભાંડ, લાંચ વગેરેને જઘન્ય ગુનો ગણવામાં આવ્યો છે. રામાયણની ચોપાઈમાં લખાયું છે કે, જો રાજ્યમાં ચોરી થાય તો રાજા અને તેના ગુપ્તચરોની નિષ્ફળતા કહેવાય છે. રાજા માટે તે શરમજનક બાબત ગણાય છે અને જે-તે વ્યક્તિનું નુકસાન રાજકોષમાંથી ભરપાઈ કરવામાં આવે છે. ભ્રષ્ટાચાર, લાંચ અને કૌભાંડને પણ જઘન્ય અપરાધ ગણવામાં આવતો હતો. તેમાં પકડાયેલી વ્યક્તિને સખત કારાવાસ કે પછી દેશવટો આપવામાં આવતો હતો. અત્યારે તો સત્તામાં રહેલા લોકો જ કૌભાંડ કરવા, લાંચ લેવા અને પ્રજાને પીડા આપવાના પડદા પાછળના પરવાના આપી દે છે. તેમના જ મળતીયાઓ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાય છે. હવે તો તેઓ માણસ જ નહીં ભગવાનને પણ લૂંટવામાં પાવરધા થઈ ગયા છે.

રામરાજ્ય અયોધ્યામાં રામના નામે બીજી વખત લૂંટ ચલાવવામાં આવી 

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં દાનની રકમની ચોરી કરવામાં આવી છે તે કોઈ પહેલી ઘટના નથી. લોકોનો આક્રોશ છે કે, જે દિવસથી રામ જન્મભૂમી તિર્ર્થસ્થાનનો પાયો નંખાયો અને તેના માટે દેશભરમાં દાનના રકમની ઉઘરાણી કરવામાં આવી હતી ત્યાંથી આજદિન સુધી રામ મંદિર કે તેના નામે મળેલા કરોડો અને અબજો રૂપિયાનો તાળો મળે તેમ નથી. ભાજપના સત્તાધારીઓ અને તેમના મળતીયાઓએ આ મંદિરને લાંચ, ભ્રષ્ટાચાર અને તોડબાજીનું કેન્દ્ર બનાવી દીધું છે. રામરાજ્યમાં આવા ભ્રષ્ટાચારીઓ જ જલસા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી ૨૦૨૪માં ભગવાન રામનું મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું. જૂન ૨૦૨૪માં શરૂ થયેલા ચોમાસાના પહેલા જ રાઉન્ડમાં મંદિરની અવદશા થઈ ગઈ હતી. મંદિર પરિસરમાં ઠેરઠેર પથ્થરો ઉખડી ગયા હતા, ખાડા પડી ગયા હતા. જાળીઓ પડી ગઈ હતી કે ખરાબ થઈ ગઈ હતી. મુખ્ય માર્ગોની અવદશા થઈ ગઈ હતી. તેનાથી પણ ભયાનક સ્થિતિ એવી થઈ હતી કે, રામ લલાની મૂર્તિ જ્યાં હતી તે ગર્ભગૃહમાં જ છત ટપકવા લાગી હતી. ભગવાનની મૂર્તિના પાછળના ભાગમાં પાણી પડતું હતું. આ સિવાય રામ લલાના નામે જે હોસ્પિટલ બનાવી હતી તેની સિલિંગ ટકપતી હતી, છત તૂટી ગઈ હતી. ગુજરાતમાં કરોડોનું કૌભાંડ કરી ચૂકેલી જ એજન્સીને ત્યારે અયોધ્યામાં કૌભાંડ કરવાના કોન્ટ્રાક્ટ અપાયા હતા. તેણે અને નેતાઓને મિલિભગત કરીને લોકોની આસ્થાના કરોડો રૂપિયા ઘર ભેગા કરીને અયોધ્યા પરિસરની અવદશા કરી નાખી હતી.