સાઇબર ક્રાઇમના વધી રહેલા જોખમ સામે સજાગ થવાની જરૂર
- બરાક ઓબામા, બિલ ગેટ્સ, ઇલોન મસ્ક અને જેફ બેજોસ જેવી હસ્તીઓના ટ્વીટર એકાઉન્ટ હૅક થઇ ગયા
- શક્તિશાળી માંધાતાઓના ટ્વીટર એકાઉન્ટ હૅક થઇ જતાં હોય તો સામાન્ય માનવીની લોકોની સલામતિ અંગે અનુમાન લગાવવું મુશ્કેલ નથી અને ડિજિટલ વ્યવહાર અનેકગણો વધ્યો હોવા છતાં લોકો સાઇબર સિક્યોરિટીના મામલે જાગૃત નથી
જેમ જેમ સાઇબર દુનિયા વિશાળ બની રહી છે તેમ તેમ સુરક્ષાની સમસ્યા પણ વધી રહી છે. આધુનિક સમયમાં સાઇબર વર્લ્ડ લોકો માટે જરૂરી બની રહ્યું છે પરંતુ તેની સાથે જોડાયેલા ભયસ્થાનો ઓછા થવાનું નામ નથી લેતાં. તાજેતરમાં જ દુનિયાના અનેક મોટા રાજનેતાઓ, ટેક કંપનીઓ, મોટી કંપનીઓના સીઇઓના ટ્વીટર એકાઉન્ટ હૅકર્સે હૅક કરી લીધાં.
જે લોકોના ટ્વીટર એકાઉન્ટ હૅક થયા તેમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જો બાઇડન, સૌથી શક્તિશાળી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, ઉદ્યોગપતિ ઇલોન મસ્ક તેમજ એપલ અને ઉબર જેવી કંપનીઓ સામેલ છે.
હૅકર્સે જાણીતી હસ્તીઓના ટ્વીટર એકાઉન્ટના સહારે મોટા બિટકોઇન કૌભાંડને અંજામ આપવાનો પ્રયાસ કર્યો. ટ્વીટર પર આ હસ્તીઓના એકાઉન્ટ દ્વારા લોકોને બિટકોઇન દાન કરવાની અપીલ કરવામાં આવી. આ એક મોટી છેતરપિંડી હતી જેનો ઉદ્દેશ ટ્વીટર યુઝર્સને ભોળવીને મોટી રકમ વસૂલવાનો હતો.
હૅકર્સે મોટી હસ્તીઓના ટ્વીટર એકાઉન્ટ દ્વારા એવા મેસેજ પોસ્ટ કર્યાં કે તેઓ સમાજસેવા કરવા માંગે છે અને એ માટે ૩૦ મિનિટમાં જેટલી રકમ બિટકોઇન મારફતે મોકલશે તેનાથી બમણી રકમ તેમને પાછી મળશે.
બિટકોઇન એક પ્રકારની ડિજિટલ કરન્સી છે જે સિક્કા અને ચલણી નોટોના સ્વરૂપમાં નથી હોતી પરંતુ ઇલેક્ટ્રોનિક કરન્સી છે. અનેક દેશોમાં આવી ડિજિટલ કરન્સીના વ્યવહારને મંજૂરી પણ મળેલી છે. જોકે અનેક નાણાકીય સંસ્થાઓ અને એજન્સીઓ બિટકોઇન દ્વારા ગેરકાનૂની કામો વધવાની ચેતવણી આપી ચૂકી છે. તેમ છતાં અનેક લોકો બિટકોઇનને ડિજિટલ ગોલ્ડ પણ કહે છે.
બિટકોઇન કોઇ દેશનું અધિકૃત ચલણ ન હોવાથી તેના પર સરકારી નિયંત્રણ નથી જેના કારણે બિટકોઇન પર કોઇ ટેક્સ લાગતો નથી. બિટકોઇન સંપૂર્ણ ગુપ્ત કરન્સી છે અને તે સરકારથી છુપાવીને રાખી શકાય છે. એટલું જ નહીં તેને દુનિયામાં ગમે ત્યાં ખરીદી કે વેચી શકાય છે.
આમ તો અગાઉ પણ બિટકોઇન દ્વારા પેસા બમણા કરવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર પહેલા પણ આવતી રહી છે પરંતુ આ પહેલી વખત બન્યું કે આ પ્રકારની છેતરપિંડીને અંજામ આપવા માટે દિગ્ગજ હસ્તીઓ અને કંપનીઓના ટ્વીટર એકાઉન્ટ હૅક કરીને મેસેજ પોસ્ટ કરવામાં આવ્યાં હોય. જાણકારોના મતે હાલના સમયમાં આ સૌથી મોટો સાઇબર હુમલો છે. જોકે કંપનીની સમયસૂચકતાથી લોકો આ છેતરપિંડીનો મોટો ભોગ બનતા અટકી ગયાં. પરંતુ હૅકિંગનો ખુલાસો થાય એ પહેલા હૅકર્સના ખાતામાં એક લાખ દસ હજાર ડોલરના બિટકોઇન પહોંચી ચૂક્યાં હતાં.
આમ તો આ નુકસાન એટલું મોટું ન કહેવાય કારણ કે હૅકર્સે જે મોટી હસ્તીઓને નિશાન બનાવી હતી એ જોતાં આ રકમ વધારે મોટી નથી. એવું પણ મનાઇ રહ્યું છે કે હૅકર્સનો ઇરાદો પૈસા બનાવવાનો નહોતો પરંતુ બીજો જ કંઇક હતો. એવું ઘણી વખત બન્યું છે કે હૅકર્સ સિક્યોરિટીની વ્યવસ્થાને નકામી સાબિત કરવા માટે અને પોતાની હોંશિયારી બતાવવા માટે આવા કારનામા કરતાં હોય છે.
ટ્વીટર એકાઉન્ટના આ વખતના હૅકિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઍન્ગલ પણ હોઇ શકે છે. આ વર્ષના અંતે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે. ઘણાં જાણકારો કહી રહ્યાં છે કે આ વખતની અમેરિકાની ચૂંટણી ટ્વીટર પર લડાવાની છે. આ વખતની ચૂંટણીમાં સોશિયલ મીડિયાની ભૂમિકા સૌથી મહત્ત્વની બની રહેવાની છે.
કોરોનાના કારણે લોકો ઘરોની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે એવા સમયમાં સોશિયલ મીડિયા ઘણું મહત્ત્વપૂર્ણ બની ગયું છે. નોંધવા જેવી બાબત એ પણ છે કે જે લોકોના ટ્વીટર એકાઉન્ટ હૅક થયા છે એમાં ઘણાં લોકો એવા છે જે સક્રિય કે નિષ્ક્રિય રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધી જૂથના છે.
આમાં ઘણી હસ્તીઓ એવી પણ છે જેમની રાજકારણ સાથે સીધી કોઇ નિસ્બત નથી પરંતુ તેમની છબિ ટ્રમ્પવિરોધી બની ગઇ છે. એવું માનનારાનો પણ તોટો નથી કે આ કારસ્તાન ટ્રમ્પ સમર્થકોનું હશે.
આમ પણ ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીય ઉદય બાદ અમેરિકામાં એવા કલ્ટ ઊભા થયાં છે જે ટ્રમ્પવિરોધીઓ પર ગમે ત્યારે તૂટી પડતાં હોય છે. ઘણાં જાણકારોને તો આ સામાન્ય છેતરપિંડી કરતા પણ વધારે લાગે છે.
ખુદ ટ્વીટરે સ્વીકાર કર્યો છે કે આ મામલામાં હૅકર્સે જે ટૂલ વાપર્યું છે એ કંપનીની આંતરિક સિસ્ટમનો હિસ્સો છે. આનો એવો પણ અર્થ નીકળે કે કંપનીની અંદર કોઇ એવું હોઇ શકે જેણે હૅકર્સની મદદ કરી હોય.
આ તથ્યમાં દમ હોય તો એમાં નવાઇ પામવા જેવું નથી. કારણ કે અમેરિકા સહિત અનેક દેશોમાં એવું સામાજિક ધૂ્રવીકરણ થયું છે કે કંપનીઓમાં કામ કરતા અને રાજકારણ સાથે કોઇ નિસ્બત ન હોય એવા લોકો પણ વખતોવખત અમુક રાજકીય પ્રવાહ કે નેતાના સમર્થનમાં આવીને જાણે સક્રિય કાર્યકરો હોય એવું વર્તન કરતા હોય છે.
અમેરિકામાં આ પ્રકારને હૅકિંગને સોશિયલ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. આપણા દેશમાં સોશિયલ એન્જિનિયરિંગનો સંદર્ભ જાતિગત રાજકારણમાં લેવામાં આવે છે પરંતુ અમેરિકામાં એ સાઇબર સુરક્ષા સાથે જોડાયેલો છે.
કોઇ વ્યક્તિના વિચારો બદલવા માટે કે પછી તેને મનોવૈજ્ઞાાનિક રીતે પ્રભાવિત કરવા માટે અવનવી ટેકનિકો અજમાવવામાં આવે છે. આ માટે સોશિયલ મીડિયાનો સહારો લેવો આસાન બની રહે છે. એવું પણ બને કે આ મામલામાં સાચી હકીકત બહાર ન પણ આવે.
આમ પણ બિટકોઇન જેવી ડિજિટલ કરન્સીમાં થતા વ્યવહારનો તાગ મેળવવો લગભગ અશક્ય હોય છે. હૅકિંગના આ બનાવે લોકોના સાઇબર સુરક્ષામાં ભરોસાને ડગાવી દીધો છે. બરાક ઓબામા અને બિલ ગેટ્સ જેવા માંધાતાઓના ટ્વીટર એકાઉન્ટ સલામત ન હોય તો પછી સામાન્ય લોકોની સલામતિ અંગે અનુમાન લગાવવું મુશ્કેલ નથી.
હકીકતમાં આજે ડિજિટલ વ્યવહાર વધ્યો હોવા છતાં લોકો સાઇબર સિક્યોરિટીના મામલે સજાગ નથી. એક અંદાજ અનુસાર સાઇબર ક્રાઇમના કારણે દુનિયામાં દર મિનિટે ૨૯ લાખ ડોલરનું નુકસાન થાય છે. વર્ષ ૨૦૧૭ના આંકડા અનુસાર સાઇબર દુનિયામાં રોજના ૭,૮૦,૦૦૦ દસ્તાવેજો હેરાફેરી અથવા ચોરી થયા હતાં.
એવું નથી કે સાઇબર સિક્યોરિટી એજન્સીઓ કશું કરી શકતી નથી. કરોડોની સંખ્યામાં પહોંચેલી જુદી જુદી એપમાંથી રોજની આશરે ૨૪ હજાર સંદિગ્ધ એપ બ્લોક કરવામાં આવે છે પરંતુ આ આંકડો સાવ નગણ્ય છે. વર્ષ ૨૦૧૫માં સાઇબર ક્રાઇમના કારણે ત્રણ હજાર અબજનું નુકસાન થયું હતું અને વર્ષ ૨૦૨૧માં આ આંકડો છ હજાર અબજે પહોંચવાનું અનુમાન છે.
જે ઝડપે સાઇબર વર્લ્ડ વિસ્તરી રહ્યું છે એ ઝડપે સુરક્ષાના ઉપાયો વિકસાવવાની જરૂર છે. આ વર્ષે દુનિયાભરના કુલ પાસવર્ડનો આંકડો ૩૦૦ અબજ કરતા વધી જશે એ સંજોગોમાં આટલી મોટી સંખ્યાને સુરક્ષિત રાખવા માટેના પડકાર પણ વધી જશે. સોશિયલ મીડિયાના એકાઉન્ટનું હૅકિંગ મોટે ભાગે પાસવર્ડની ચોરી દ્વારા થાય છે.
સાઇબર વર્લ્ડના ચાલબાજોને ખબર છે કે પાસવર્ડનું તાળું કઇ ચાવીથી ખૂલે છે. એટલા માટે સરળ પાસવર્ડનું અનુમાન કરવું તેમના માટે મુશ્કેલ નથી. સાઇબર વર્લ્ડમાં ૨૧ ટકાથી વધારે ફાઇલો અસુરક્ષિત છે મતલબ કે તેમના પર કોઇ લૉક નથી.
કંપનીઓને પણ કોઇ ડેટા કે ફાઇલ ચોરીનો ખ્યાલ આવતા ત્રણેક મહિના લાગી જાય છે. આધુનિક કંપનીઓના આ હાલ હોય તો સામાન્ય લોકોને તો ડેટા કે ફાઇલ ચોરીનો ખ્યાલ પણ ન આવે એ સ્વાભાવિક છે. આખી દુનિયા ડિજિટલ બની રહી છે પરંતુ આ તેની કાળી બાજુ છે. સાઇબર ક્રાઇમ અને ડેટાચોરીને રોકવી આસાન નથી.
નૈતિકતાના દાવા કરતી અનેક દેશોની સરકારો પણ પોતાના પ્રતિસ્પર્ધીઓનો ડેટા ચોરવામાં સંકોચ નથી અનુભવતી. ખરેખર તો સરકારોએ પોતે સાઇબર સુરક્ષાનું અભેધ કવચ તૈયાર કરવું જોઇએ.