- એઆઈ હેલ્થ સમરી દ્વારા રોગની તપાસ અને ઉપચાર અંગે ભુલભરેલી અને અધૂરી માહિતી અપાયાનો દાવો કરાયા બાદ એક્શન
- ગુગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન છે. તે માર્કેટ શેરના 91 ટકા ઉપર રાજ કરે છે. તેમાંય તેનું એઆઈ એટલે કે ગુગલ જેમીનાઈ એઆઈ પણ સૌથી મોટું લાર્જ લેન્ગવેજ મોડલ છે. તેના કારણે થઈ રહેલા ડખાનો નિકાલ લાવવા માટે ગુગલે આ કામગીરી હાથ ધરી છે : મેડ-જેમીનાઈ-એમ 1.5 દ્વારા તમામ સ્તરે દાખલ કરવામાં આવેલા વિવિધ ડેટા, મેડિકલ હિસ્ટ્રી, દર્દીઓના વિવિધ રિપોર્ટ અને મલ્ટિપલ રિસર્ચનું એનાલિસિસ કરવામાં આવે છે. એઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી વિગતોના આધારે તેની પાસે રહેલી વિગતોનું એનાલિસિસ કરીને હેલ્થ સમરી તૈયાર કરે છે : એક કિસ્સામાં ગુગલ એઆઈ દ્વારા લિવરની સમસ્યા વિશે એવો અહેવાલ અપાયો હતો કે, બધું જ બરાબર છે પણ ડોક્ટરે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે સમય રહેતા સારવાર ન લેવામાં આવી હોત તો ગંભીર સમસ્યા સર્જાઈ શકે તેમ હતું
ગુગલે હાલમાં એક મોટું પગલું લીધું છે. સર્ચ એન્જીન ઉપર આવતી સ્વાસ્થ્યને લગતી ચેતવણીઓ, સલાહ સુચનો અને અન્ય વિકલ્પો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટિલિજન્સ પ્રેરિત હેલ્થ સમરી દૂર કરવાની કામગીરી ગુગલે શરૂ કરી છે. થોડા સમય પહેલાં એક તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ગુગલમાં મુકવામાં આવતી એઆઈ જનરેટેડ હેલ્થ સમરી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે અથવા તો તેમને નુકસાન પહોંચાડી રહી છે. જાણકારોના મતે ગુગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન છે. તે માર્કેટ શેરના ૯૧ ટકા ઉપર રાજ કરે છે. તેમાંય તેનું એઆઈ એટલે કે ગુગલ જેમીનાઈ એઆઈ પણ સૌથી મોટું લાર્જ લેન્ગવેજ મોડલ છે. તેના કારણે થઈ રહેલા ડખાનો નિકાલ લાવવા માટે ગુગલે આ કામગીરી હાથ ધરી છે. તે તમામ સમરી દૂર કરી રહ્યું છે.
જાણકારોના મતે સૌથી પહેલાં તો ગુગલની એઆઈ હેલ્થ સમરી કેવી રીતે કામ કરે છે તે સમજવું જોઈએ. ગુગલ દ્વારા મેડ-જેમીનાઈ મોડલ્સ તૈયાર કરવામાં આવેલા છે. જેના દ્વારા વિવિધ હેલ્થ સમરી તૈયાર કરવામાં આવે છે. અત્યંત ગુઢ અને જટિલ મેડિકલ ડેટાના આધારે એડવાન્સ એઆઈ મોડલ તૈયાર કરવામાં આવે છે. આ એડવાન્સ મોડલ વિવિધ ડેટાના આધારે મેડિકલ સમરી તૈયાર કરતું હોય છે.
જાણકારોના મતે મેડ-જેમીનાઈ-એમ ૧.૫ દ્વારા તમામ સ્તરે દાખલ કરવામાં આવેલા વિવિધ ડેટા, મેડિકલ હિસ્ટ્રી, દર્દીઓના વિવિધ રિપોર્ટ અને મલ્ટિપલ રિસર્ચનું એનાલિસિસ કરવામાં આવે છે. એઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી વિગતોના આધારે તેની પાસે રહેલી વિગતોનું એનાલિસિસ કરીને સરેરાશ માહિતી બનાવવામાં આવે છે. તેના આધારે તે હેલ્થ સમરી તૈયાર કરીને આપે છે.
મહત્ત્વની વાત એ છે કે, અત્યાર સુધી કંપની દ્વારા દાવો કરાતો હતો કે, મેડ-જેમીનાઈ દ્વારા ક્લિનિકલ રેફરન્સની મદદથી જે મેડિકલ સમરી તૈયાર કરવામાં આવતી હતી તે વાસ્તવિક એક્સપર્ટ કરતા પણ ઘણી સારી સાબિત થતી હતી. આ મોડલ દ્વારા માત્ર વિગતો જ નહીં પણ દર્દીઓના ફોટો, વીડિયો અને બાયોમેડિકલ સિગ્નલ દ્વારા પણ એનાલિસિસ કરી શકાય તેવી વિગતો ભેગી કરીને સમરી તૈયાર કરવામાં આવતી હતી. આ મોડલ સેલ્ફ ટ્રેઈનિંગ મોડલ ઉપર પણ કામ કરે છે અને તેના દ્વારા વધુ સારું એનાલિસિસ થઈ શકે છે અને અપડેટેડ માહિતી સાથે યોગ્ય તારણ ઉપર આવી શકાય છે જેથી મેડિકલ સમરી વધુ અસરકારક બની શકે. દર્દીઓના મેડિકલ રિપોર્ટ અને અન્ય માહિતીઓ તેમાં નાખવામાં આવે ત્યારબાદ દર્દીઓ સાથે વાતચીત દરમિયાન એક મૈત્રીભાવ કેળવીને ચર્ચા કરવામાં આવતી જેથી દર્દીઓ વધુ સાહજિકતાથી રોગ વિશે, તેના લક્ષણો વિશે અને અસરો વિશે વાત કરી શકતા હતા. તેના આધારે મેડ-જેમીનાઈ દ્વારા વધુ ચોકસાઈ સાથેની મેડિકલ સમરી બનાવાતી અને મેડિકલ સલાહ આપવામાં આવતી હતી.
મહત્ત્વની વાત એ છે કે, થોડા સમય પહેલાં એક અખબાર દ્વારા ગુગલના એઆઈ મોડલ અંગે કેટલાક સવાલો ઊભા કરવામાં આવ્યા અને તેના એઆઈ મોડલ સામે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તેમના દ્વારા રજૂ થતા એઆઈ મોડલ હેઠળના અહેવાલો વિશ્વાસપાત્ર અને ઉપયોગી હોય છે. બીજી તરફ અખબારની તપાસમાં સામે આવ્યું કે, ઘણા બધા કિસ્સામાં એઆઈ સમરી ખોટી માહિતી આપતી હતી. અખબારે એક કિસ્સો ટાંક્યો હતો જેમાં ગુગલ એઆઈ દ્વારા લિવરની સમસ્યા વિશે એવો અહેવાલ અપાયો હતો કે, બધું જ બરાબર છે પણ ડોક્ટરે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે સમય રહેતા સારવાર ન લેવામાં આવી હોત તો ગંભીર સમસ્યા સર્જાઈ શકે તેમ હતું.
અહીંયા એઆઈને માત્ર એટલું જ પુછવામાં આવ્યું હતું કે, બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે તો લિવરના સામાન્ય રીપોર્ટ કેવા આવવા જોઈએ. તેમાં ક્યાંય દર્દીની વિગતો, તેની નેશનાલિટી, તેની જાતી, તેની રહેણીકરણી કે અન્ય કોઈ બાબતોનો સમાવેશ કરાયો નહોતો.
જાણકારો માને છે કે, ગુગલના એઆઈ દ્વારા ઓવરવ્યૂ કેટેગરી હેઠળ નોર્મલ બાબતો જણાવવામાં આવે છે. હકિકતે તે ટેસ્ટના રિઝલ્ટથી તદ્દન જુદી છે. તેના કારણે સ્થિતિ એવી થાય કે, દર્દીને ખરેખર ગંભીર સમસ્યા હોય પણ એઆઈ દ્વારા નોર્મલ સ્થિતિ જણાવવામાં આવી હોવાથી દર્દી રાહત અનુભવે છે અથવા બેદરકાર થઈ જાય છે. તેઓ ડોક્ટર પાસે પણ જતા નથી અથવા તો ફોલોઅપ પણ કરતા નથી. તેના કારણે સમસ્યા વકરી જવાની શક્યતાઓ વધી જાય છે. તેના પરિણામે હવે કંપની દ્વારા એઆઈ ઓવરવ્યૂમાં લિવરના સામાન્ય બ્લડ ટેસ્ટના પરિણામો તથા લિવર ફંક્શનના નોર્મલ ટેસ્ટના પરિણામોની સર્ચ આઈટમ દૂર કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, ઘણા લોકો અને જાણકારો કંપની દ્વારા લેવામાં આવેલા આ પગલાથી ખુશ છે. તેઓ જણાવે છે કે, એઆઈ દ્વારા લોકોને ગમે તે સલાહ આપવામાં આવે છે અને તેનાથી સ્વાસ્થ્યને નુકસાન જવાની મોટી શક્યતાઓ રહેલી છે.
સ્વાસ્થ્ય સેક્ટરમાં ગુગલ એઆઈ ઓવરવ્યૂ દૂર કરવામાં આવે તે લોકો માટે ફાયદાકારક છે. તેઓ જણાવે છે કે, એઆઈ ઉપર સ્વાસ્થ્યને લગતી કોઈપણ બાબતો શોધવી અથવા તો વિકલ્પો શોધવા ખરેખર જોખમી કામ છે. વ્યક્તિ દ્વારા એઆઈને યોગ્ય રીતે સવાલ કરવામાં ન આવે અથવા તો યોગ્ય માહિતી માગતા ન આવડે તો એઆઈ દ્વારા તેના પ્રી રેકોર્ડેડ ડેટાના આધારે જે સલાહ આપવામાં આવે તે સાચી માનવી પડે છે.
આ સંજોગોમાં જોખમ બેવડાઈ જાય છે. એઆઈની તમામ માહિતી સાચી અને યોગ્ય હોય તે જરૂરી નથી.
આ સ્થિતિની ગંભીરતા જણાવતા અખબારે કહ્યું કે, વ્યક્તિ દ્વારા ગુગલ એઆઈ ઉપર વિગત ટાઈપ કરવામાં આવે તેમાં થોડું પણ પરિવર્તન આવે તો સમસ્યા થાય છે. જેમ કે કોઈ વ્યક્તિ એલએફટી રેફન્સ રેન્જ લખીને શોધે અથવા તો તેના સ્થાને એલએફટી ટેસ્ટ રેફરન્સ રેન્જ લખીને સર્ચ કરે તો તેના પરિણામો ગુગલ એઆઈ ઓવરવ્યૂમાં તદ્દન વિપરિત આવે છે. આ ખરેખર ચિંતાનું કારણ છે.
એલએફટી ખરેખર તો લિવર ફંક્શન ટેસ્ટ છે જેમાં દર્દીનું લોહી લઈને વિવિધ બાબતો ચકાસવામાં આવે છે. ખરેખર જાણકારને લિવર ફંક્શનની જાણકારી લેવામાં ઘણો સમય લાગે છે જ્યારે એઆઈ દ્વારા તેનામાં ફીડ કરેલા ડેટાના આધારે લિવર ફંક્શનના વિવિધ ટેસ્ટ રિઝલ્ટ રજૂ કરી દેવાય છે. તેના પગલે વાંચનાર વ્યક્તિ ગેરમાર્ગે દોરાય છે.
બીજી વાત એ છે કે, ગુગલ એઆઈ ઓવરવ્યૂ લોકોને એવું પણ નથી જણાવી શકતું કે આ જે લિવર ટેસ્ટની વાત કરી છે તે સામાન્ય છે. તેના પરિણામ જો નોર્મલ આવે તો વધારે જટિલ ટેસ્ટ કરાવવા જોઈએ જેથી લિવરની યોગ્ય સ્થિતિની માહિતી મળે. તેના કારણે જ માત્ર એઆઈ ઓવરવ્યૂની મદદ લઈ લેવી જીવ માટે જોખમી બની શકે છે.
ભારત સૌથી મોટું માર્કેટ, લોકો અવિચારી રીતે એઆઈનો બેફામ ઉપયોગ કરે છે : જાણકારો
જાણકારો માને છે કે, ગુગલ દ્વારા પ્રારંભિક ધોરણે પગલાં લેવામાં આવ્યા છે. ગુગલે એઆઈ ઓવરવ્યૂમાંથી મેડિકલ અને હેલ્થ સમરી દૂર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત સામાન્ય લોકો દ્વારા અપાતા પ્રોમ્પ્ટના આધારે જે રિઝલ્ટ મળે તેને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. કંપની દ્વારા એઆઈ પોલિસીમાં પણ ફેરફાર કરાઈ રહ્યો હોવાની ચર્ચા છે. આ બધા વચ્ચે ચિંતાજનક બાબત એ છે કે, ગુગલની પોતાની તપાસમાં સામે આવ્યું છે કે, ઘણા કિસ્સામાં અયોગ્ય માહિતી આપવામાં આવી છે અને તેની સાથે મેડિકલ વેબસાઈટના પણ રેફરન્સ આપવામાં આવ્યા હતા. આ તમામ ભુલો સુધારવાનું કામ થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, માત્ર ગુગલ નહીં પણ અન્ય એઆઈ માધ્યમો દ્વારા પણ આવી જ ભુલભરેલી માહિતી અપાતી હોવાનો લોકોએ દાવો કર્યો છે. ભારતીયો સૌથી વધારે આ માધ્યમોનો ઉપયોગ કરે છે. એઆઈ માટે ભારત સૌથી મોટું માર્કેટ છે અને જાણકારોના મતે લોકો તેનો સૌથી વધારે અને બેફામ તથા અવિચારી ઉપયોગ કરતા હોય છે. હાલમાં ભારતમાં ૭૩ કરોડ કરતા વધારે લોકો પાસે સ્માર્ટફોન છે. લોકો સરેરાશ દર મહિને ૨૧ જીબી ડેટાનો વપરાશ કરતા હોય છે. તેની સામે સૌથી ઓછી કિંમત ચુકવે છે.
તાજેતરમાં કેટલીક મોબાઈલ સેવા કંપનીઓ દ્વારા અને એઆઈ પ્લેટફોર્મ દ્વારા ફ્રી યુસેજની ઓફર આપવામાં આવી છે જેના કારણે લોકો તેનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં ઘણી કંપનીઓ દ્વારા ફ્રી પેકેજ આપવામાં આવતા હોવાથી લોકો જીવન સાથે જોડાયેલી તમામ બાબતો વિશે એઆઈ સાથે વાતચીત કરે છે અને સલાહ લેતા હોય છે. અહેવાલો પ્રમાણે ચેટ જીપીટીના ફ્રી પ્લાનને પગલે તેના વપરાશમાં ૬૦૭ ટકાનો વધારો થયો છે. આ યર ટુ યર સેગમેન્ટનો વધારે છે જે ગત અઠવાડિયે ૭.૩ કરોડ હતો તેના કરતા અનેકગણો વધારે છે. વપરાશકારોનો આ આંકડો અમેરિકાના યૂઝર્સ કરતા પણ બમણો છે. જેમીનાઈના રોજિંદા વપરાશકારોના આંકડામાં પણ ૧૫ ટકાનો વધારો થયો છે. જાણકારોના મતે ભારતીય યુઝર્સ દ્વારા હેલ્થ, વેલ્થ, એજ્યુકેશન, પોલિટિક્સ, સ્પોર્ટ્સ અને બીજી રોજિંદા જીવનની બાબતો વિશે પણ એઆઈ ઉપર સર્ચ કરવામાં આવે છે. તેઓ એઆઈ ટુલ્સ પાસે ગમે તે બાબતો સર્ચ કરતા હોય છે. તે ઉપરાંત હેલ્થ અંગે સૌથી વધારે સર્ચ કરીને સારવારના પણ વિકલ્પો શોધતા હોય છે. દવાઓ તેની અસરો, તેના ઉપયોગ, તેની આડઅસરો, તેમાં રહેલા કન્ટેન્ટ વગેરે વિશે પણ ગુગલ કરવામાં આવે છે. આ સર્ચ દરમિયાન જે માહિતી મળે છે તેનું અવિચારી રીતે અને ઉતાવળે અનુસરણ અને અનુકરણ કરવામાં આવે છે. તેના અમલીકરણને કારણે મુશ્કેલી સર્જાતી હોય છે.


