- કેન્દ્ર સરકાર દ્વારા ઓરેન્જ ઈકોનોમીનું દિવાસ્વપ્ન સાકાર કરવાનો નિરર્થક પ્રયાસ, ખેડૂત પાસે સંસાધન નહીં હોય તો માહિતીનું શું કરશે?
- કોઈપણ ખેડૂતને ૨૪ કલાક ડિજિટલી ખેતી વિશે માહિતી અને સમજ મળતા રહે તે માટે આ સુવિધા બનાવાઈ છે. આ માટે 155261 નંબર ડાયલ કરવામાં આવશે ત્યારે ભારતી નામની એઆઈ આસિસ્ટન્ટ ખેડૂત સાથે વાત કરશે. ખેડૂત દ્વારા પોતાની ભાષામાં તેની સાથે વાતચીત કરી શકાશે : ભારતમાં જ્યાં ખેડૂતને ખેતી કરવા માટે પૈસા નથી, સંસાધનો નથી, ઋતુચક્ર ફરી ગયું છે તેના કારણે વરસાદના ઠેકાણા નથી, સિંચાઈની પૂરતી વ્યવસ્થા નથી અને બીજી ઘણી સમસ્યાઓ છે ત્યાં મદદ પહોંચાડવાના બદલે તેમને માહિતીના વર્ચ્યુઅલ વિશ્વમાં વ્યસ્ત કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે : આજે ભારતમાં જેટલા ખેડૂતો છે તેમાંથી ૬૭ ટકા ખેડૂતો પાસે માત્ર ૧ હેક્ટર કે તેનાથી ઓછી જમીન છે. આ ખેડૂતો મોટાભાગે ચોમાસા ઉપર આધાર રાખતા હોય છે. દેશના અનેક નાના ગામડાઓમાં આજે પણ ખેડૂતો આત્મહત્યા કરતા હોય છે અને તેને અટકાવવા કોઈ સુવિધા નથી. સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક રીતે એઆઈ થકી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે પણ તે આત્મવિલોપન ન કરે તે માટે કોઈ પગલાં લેવાતા નથી.
દેશમાં આગામી સમયમાં વાતાવરણ કેવું રહેશે, વરસાદની શક્યતાઓ કેવી છે, માવઠું થશે કે નહીં થાય, ચોમાસું કેવું રહેશે, ઉનાળો લંબાશે કે નહીં જેવી માહિતી માટે ખેડૂતો અત્યાર સુધી સ્થાનિક સમાચારો, ટીવી અથવા રેડીયો ઉપર આવતા સમાચારો કે પછી મોબાઈલમાં આવતા સમાચારો ઉપર આધારિત હતા. તે ઉપરાંત અનાજ, કઠોળ, શાકભાજી વગેરેના ભાવ કેવા ચાલે છે, બજારની શું સ્થિતિ છે વગેરે જાણવા માટે ફરજીયાત બજારના ચક્કર મારતા હતા. તેમાંય વધારે વિસ્તૃત માહિતી માટે કોઈ જાણકાર પાસે કે બજાર અને મંડીમાં રહેલા અને બની બેઠેલા જાણકારોના ભરોસે રહેવું પડતું હતું. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકારે ભારત વિસ્તાર પ્લેટફોર્મ જાહેર કર્યું છે. કહેવાય છે કે, વિવિધ ભાષાઓમાં આ હેલ્પલાઈન ઉપર ફોન કરીને ખેતીને લગતી કોઈપણ બાબતની માહિતી મેળવી શકાશે. આ હેલ્પલાઈન ઉપર એઆઈ રોબોટ સાથે વાતો કરીને માહિતી મેળવી શકાશે. સરકાર દ્વારા તેને ભારત-વિસ્તાર નામનું રૂપકડુ નામ આપી દેવાયું છે. આ હેલ્પલાઈન વર્ચ્યુઅલી ઈન્ટિગ્રેટેડ સિસ્ટમ ટુ એક્સેસ એગ્રિકલ્ચરલ રિસોર્સ નામની સુવિધા છે. ભારત વિસ્તારની એપ વિકસાવાઈ છે, વેબસાઈટ બનાવાઈ છે અને તેનો એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ તમામ રીતે ખેતીને લગતી તમામ માહિતી મળશે.
સૌથી પહેલાં તો એ સમજવાની જરૂર છે કે, ભારત વિસ્તાર સુવિધા શું છે. આ એક એઆઈ સંચાલિત એગ્રી સેવા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રીસર્ચ દ્વારા એઆઈ સિસ્ટમ વિકસાવાઈ છે. હેલ્પલાઈન નંબર, એપ અને એગ્રીસ્ટેક પોર્ટલ દ્વારા આ સેવાઓ મળશે. ખેતીને લગતી તમામ સુવિધાઓ અને માહિતી એક જ પ્લેટફોર્મ ઉપર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટની જાહેરાત દરમિયાન તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ખેડૂતોને ખેતી અને તેને લગતી તમામ બાબતોના સચોટ ઉકેલ માટે આ સુવિધા વિકસાવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા આ સુવિધા માટે ૧૫૦ કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે. ખેડૂતોને વાતાવરણ, હવામાનની યોગ્ય માહિતી મળે, જમીનની સ્થિતિનો સાચો ચિતાર મળે, કેવા પાકમાં કેવી પરિસ્થિતિ જોઈએ તેની ઉંડી સમજ મળે, માવઠુ, જીવાત અને અન્ય સમસ્યાઓના ઉકેલ મળે, પાક વીમા યોજના કે પછી પીએમ કિસાન યોજનાની માહિતી મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. કોઈપણ ખેડૂતને ૨૪ કલાક ડિજિટલી ખેતી વિશે માહિતી અને સમજ મળતા રહે તે માટે આ સુવિધા બનાવાઈ છે. આ માટે ૧૫૫૨૬૧ નંબર ડાયલ કરવામાં આવશે ત્યારે ભારતી નામની એઆઈ આસિસ્ટન્ટ ખેડૂત સાથે વાત કરશે. ખેડૂત દ્વારા પોતાની ભાષામાં તેની સાથે વાતચીત કરી શકાશે. હાલમાં હિન્દી અને અંગ્રેજી બે ભાષા રાખવામાં આવી છે. ટૂંક સમયમાં તેમાં વિવિધ ભાષા એડ કરવામાં આવશે. ખેડૂતોને ઈચ્છે ત્યારે માહિતી મળી રહેશે.
આ સુવિધાનો વિકાસ તબક્કાવાર કરવામાં આવશે. હાલમાં માત્ર હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાતચીત કરી શકાશે. ધીમે ધીમે બીજી ભાષાઓ જોડવામાં આવશે. હાલમાં સરકારની ખેતી સાથે સંકળાયેલી ૧૦ મોટી યોજનાઓની માહિતી મળશે. પીએમ કિસાન યોજના, પીએમ પાક વીમા યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, સુધારા વ્યાજ સહાયતા યોજના, સબ મિશન ઓન એગ્રિકલ્ચરલ મિકેનાઈઝેશન, પર ડ્રોપ મોર ક્રોપ, પીએમ કૃષિ સિંચાઈ યોજના, પીએમ અન્નદાતા આય સંરક્ષણ અભ્યાન, એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ તથા કિસાન ક્રેડિટ કાર્ડ વગેરેની માહિતી મળશે. જાણકારોના મતે ખેડૂતોને હવામાન અને પાકમાં થતી બિમારીઓ અને જીવાતોની માહિતી પણ મળશે. તે ઉપરાંત વૈયક્તિક રીતે ખેતરમાં કેવી ખેતી કરી શકાય, કેવું પીયત રહેશે, કેવા ખાતર અને કેવી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ તેવી માહિતી પણ મળશે. તે ઉપરાંત પાકને લગતી તમામ સમસ્યાઓનું માર્ગદર્શન મળશે.
ભારત વિસ્તાર દ્વારા ખેડૂતોને ભારતની કુલ ૨૨ ભાષાઓમાં માહિતી મળશે. ખેડૂત દ્વારા ફોન કરવામાં આવશે ત્યારબાદ ચેટબોટ તેને કિસાન કોલ સેન્ટર સાથે કનેક્ટ કરી દેશે. ખેડૂતોને તેના દ્વારા તરત જ પાક, ખાતર, દવા, પાણી, તૈયાર પાકની સાચવણી, તેના નજીકના બજારની સ્થિતિ, પાકના ભાવ અને અન્ય માહિતી મળી જશે. પહેલા તબક્કામાં આ સુવિધા ગુજરાત, મહારાષ્ટ્ર અને બિહારના ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ તેને તમિલ, બંગાળી, આસામી અને કન્નડ ભાષા થકી કનેક્ટ કરવામાં આવશે. આ કામ ત્રણ મહિનામાં પૂર્ણ થઈ જશે. ત્યારબાદ બીજી ભાષાઓ જોડવામાં આવશે. આમ કુલ ૨૨ ભાષાઓમાં વાતચીત થઈ શકશે.
ટેક્નોલોજીના જાણકારો કહે છે કે, આધુનિક ટેક્નોલોજીમાં અને ખાસ કરીને એઆઈના યુગમાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે નાના હોય કે મોટા, ગરીબ હોય કે શ્રીમંત, દરેક સ્તરના ખેડૂતોને ખેતી વિષયક તમામ માહિતી મળી રહે તે જરૂરી છે. તેના કારણે જ ઈન્ડિયા એઆઈ મિશન અને ભાષિણી હેઠળ આ ઈકોસિસ્ટમ શરૂ કરવામાં આવી છે. તેમાં ખેડૂતો દ્વારા પૂછાયેલા સવાલો અને તેમના દ્વારા મળતા ફીડબેકના આધારે સરકાર પાસે ડેટા તૈયાર થશે. તેના દ્વારા ભવિષ્યમાં સંશોધનો કરી શકાશે અને સરકારને ખેડૂતો માટેની પોલિસી બનાવવામાં પણ સરળતા રહેશે.
આત્મવિલોપન કરવા મજબૂર ખેડૂતને મદદ નહીં માહિતી આપવાના આયોજનો
ભારતમાં ખેડૂતોની સંખ્યા ઘટી રહી છે. નવી પેઢી ખેતી કરવાના બદલે શહેરોમાં જઈને મજૂરી કરવા મજબૂર બની છે. જે ખેડૂતો પાસે ખેતરો છે તેમાંથી મોટાભાગના તો ગરીબ ખેડૂતો છે. તેમની પાસે પરાણે એકાદ હેક્ટર જમીન છે. અહેવાલો જણાવે છે કે, આજે ભારતમાં જેટલા ખેડૂતો છે તેમાંથી ૬૭ ટકા ખેડૂતો પાસે માત્ર ૧ હેક્ટર કે તેનાથી ઓછી જમીન છે. આ ખેડૂતો મોટાભાગે ચોમાસા ઉપર આધાર રાખતા હોય છે. ચોમાસામાં જેવો ફેરફાર આવ્યો કે તેમના જીવનમાં આમૂલ ફેરફાર આવી જાય છે. અતિવૃષ્ટી અને અનાવૃષ્ટી બંને સ્થિતિમાં તેમના પાક અને જીવ ઉપર જોખમ તોળાવા લાગે છે. જે એમએસપીની દાંડીઓ પીટવામાં આવે છે તે પણ ખૂબ જ ઓછા ખેડૂતોને મળે છે. મોટાભાગે તો બજારોના વચેટીયાઓ જ બધો લાભ લઈ જતા હોય છે. ગ્લોબલ વોર્મિંગના કારણે જે ઋતુચક્ર ફરી ગયું છે તેના કારણે જમીનને પણ નુકસાન થયું છે. આ સિવાય વરસાદ, શિયાળો અને ઉનાળો પણ લાંબો ચાલે છે, ટૂંકો થઈ જાય છે. હાલમાં ઋતુચક્રનું કશું જ નક્કી નથી. તે ઉપરાંત ખેડૂતો પાસે અનાજની સાચવણી માટે કે ખેત ઉત્પાદનોની સાચવણી માટે પૂરતી વ્યવસ્થા નથી. તે ઉપરાંત ખેત પેદાશોને બજારો અને શહેરો સુધી લઈ જવા માટે યોગ્ય પરિવહન સુવિધાઓ મળતી નથી. સિમાંત ખેડૂતો પાસે એવા પૈસા કે સુવિધા નથી કે તેઓ મોટા બજારો સુધી પહોંચી શકે. આ ઉપરાંત નાના ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. નાના ખેડૂતોને બેન્કો દ્વારા લોન અપાતી નથી અથવા તો તેઓ બેન્કો સુધી લોન લેવા પહોંચી શકતા નથી. તેના કારણે તેઓ સાહુકારો અને તેમની આસપાસ રહેલી પેઢીઓ પાસેથી ખેતર અને અન્ય મિલકતો ગીરવે મુકીને વ્યાજે પૈસા લેતા હોય છે. મોટાભાગે તેઓ આ મૂડીના વ્યાજ ભરી શકતા નથી અને ધીમે ધીમે પેઢી દર પેઢી તેઓ વ્યાજના વિષચક્રમાં ફસાતા જાય છે. આ ઉપાધીમાંથી તેઓ બહાર આવી શકતા નથી અને આખરે જીવન ટુંકાવવાનો રસ્તો પસંદ કરતા હોય છે. દેશના અનેક નાના ગામડાઓમાં આજે પણ ખેડૂતો આત્મહત્યા કરતા હોય છે અને તેને અટકાવવા કોઈ સુવિધા નથી. સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક રીતે એઆઈ થકી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે પણ તે આત્મવિલોપન ન કરે તે માટે કોઈ પગલાં લેવાતા નથી. નાના ખેડૂતોને સાહુકારોના વ્યાજચક્રમાંથી બહાર કાઢવાની કોઈ યોજના બનતી નથી. ઉદ્યોગોને દેવા માફી, વ્યાજ માફી અને ક્યારેક તો મૂડીની માંડવાળ કરવામાં આવે છે પણ જગતના તાત કહેવાતા ખેડૂતને આવા કોઈ લાભ મળતા નથી.
ખેડૂતને માહિતીના આભાસી વિશ્વમાં લઈ જવાનો અને અભિભૂત કરી દેવાનો
ભારતમાં જ્યાં ખેડૂતને ખેતી કરવા માટે પૈસા નથી, સંસાધનો નથી, ઋતુચક્ર ફરી ગયું છે તેના કારણે વરસાદના ઠેકાણા નથી, સિંચાઈની પૂરતી વ્યવસ્થા નથી અને બીજી ઘણી સમસ્યાઓ છે ત્યાં મદદ પહોંચાડવાના બદલે તેમને માહિતીના વર્ચ્યુઅલ વિશ્વમાં વ્યસ્ત કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોમાં ચર્ચા છે કે, ખેડૂત ફોન કરીને પૂછશે કે મારા ખેતરમાં ટામેટાના પાકમાં પાંદડા પીળા પડવા લાગ્યા છે કે ઘઉંના પાકમાં ડુંડાની નીચેના પાંદડા પીળા પડી ગયા છે તો શું કરવું. આ માટે જાણકારને શોધવાની કે પાડોશી ખેડૂતનો પૂછવાની જરૂર નથી. પાકનો ફોટો ખેંચીને આ ફોટો એપમાં કે વેબસાઈટમાં અપલોડ કરી દેવાનો. એઆઈ દ્વારા તેના વિશે તમામ માહિતી આપી દેવાશે. પાકમાં કયો રોગ થયો છે, કઈ દવાનો ઉપયોગ કરવો, ક્યાં સુધી કરવો જેવી તમામ માહિતી મળશે. આ ઉપરાંત ખેડૂતને જો પાક વેચવો હશે તો તેની આસપાસના વિસ્તારમાં આવેલી મંડીઓ અને બજારોની માહિતી તેને મળી જશે. ત્યાં ચાલતા ભાવ વિશે માહિતી મળી જશે. વરસાદ થવાનો હશે કે માવઠાની સ્થિતિ હશે તો તેના વિશે માહિતી મળી જશે. એપ દ્વારા નોટિફિકેશન આપી દેવાશે. સરકારી યોજનાઓની માહિતી મળશે. પીએમ કિસાન યોજનાના પૈસા કેમ ખાતામાં આવ્યા નથી કે પછી પાક વીમાની રકમ ક્યારે મળશે અથવા તો કેવી રીતે મળશે તેની માહિતી પણ આ સુવિધા દ્વારા મળશે. ખાતર અને જંતુનાશકોની માહિતી પણ આ સુવિધા દ્વારા આપવામાં આવશે.


