Get The App

એન્ટાર્કટિકામાં એમ્પરર પેંગ્વિનની વિલુપ્ત થવાની એરણે પહોંચ્યા

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
એન્ટાર્કટિકામાં એમ્પરર પેંગ્વિનની વિલુપ્ત થવાની એરણે પહોંચ્યા 1 - image

- ગ્લોબલ વોર્મિંગને પગલે ઘટી રહેલા બરફને કારણે છેલ્લાં 17 વર્ષમાં પેંગ્વિનની વસતી 22 ટકા ઘટી 5.95 લાખ થઈ ગઈ, એન્ટાર્કટિક ફર સીલની પ્રજાતી પણ ઘટી 

ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (આઈયુસીએન)ના અહેવાલ પ્રમાણે તેમણે હાલમાં એમ્પરર પેંગ્વિનને વિલુપ્ત થવાની એરણે પહોંચેલી પ્રજાતી જાહેર કરી દીધી છે. જો ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ કાબુમાં નહીં લેવામાં આવે 2080 સુધીમાં આ વસતી વર્તમાન સંખ્યાથી પણ 50 ટકા ઘટી જશે : 2016માં એન્ટાર્કટિકામાં સમુદ્રી બરફના સ્તરમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો હતો. અહેવાલો પ્રમાણે સમુદ્રી બરફ તુટવાના કારણે તે વર્ર્ષે અંદાજે 10,000 બચ્ચાં મૃત્યુ પામ્યા હતા. હાલમાં એમ્પરર પેંગ્વિનની વસતીની ગણતરી કરીએ તો તેઓ અંદાજે 5,95,000 જેટલાં જ વધ્યા છે. 2009 કરતા તેમની વસતીમાં 22 ટકાનો અધધ ઘટાડો જોવા મળ્યો છે : હાઈલી પેથોજેનિક એવિયન ઈન્ફ્લ્યુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂના કારણે એલિફન્ટ સીલની વસતી ઘટી રહી છે. 2020થી વૈશ્વિક ધોરણે બર્ડ ફ્લૂના કારણે 485 પક્ષીઓની પ્રજાતી અને 48 સસ્તનવર્ગના પ્રાણીઓની પ્રજાતીને અસર થઈ છે. જાણકારોના મતે આ રોગચાળાને કારણે તેમના નવજાત બચ્ચાના મોતમાં અધધ 90 ટકાનો વધારો થયો છે.

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના કારણે માત્ર દુનિયાભરના ઋતુચક્ર બદલાયા છે તેવું નથી. તેના કારણે દુનિયાના અનેક દેશોમાંથી પશુ-પક્ષીઓ, જીવજંતુઓ અને અન્ય સજીવ સૃષ્ટિ પણ વિલુપ્ત થવા લાગી છે. જંગલો કપાવાના કારણે અને નદીઓ, તળાવો, સમુદ્રો અને મહાસાગરોમાં પ્રદુષણ ફેલાવા ઉપરાંત દુનિયાના સૌથી ઠંડા પ્રદેશ એન્ટાર્કટિકામાં પણ પ્રદુષણ અને ગ્લોબલ વૉર્મિંગની અસરને પગલે સજીવસૃષ્ટિના અસ્તિત્વ ઉપર ખતરો સર્જાયો છે. તાજેતરમાં આવેલા એક અહેવાલે જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની અસરને પગલે એન્ટાર્કટિકાના સૌથી જાણીતા એમ્પરર પેંગ્વિન વિલુપ્ત થવા લાગ્યા છે.

ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્ર્વેશન ઓફ નેચર (આઈયુસીએન)ના અહેવાલ પ્રમાણે તેમણે હાલમાં એમ્પરર પેંગ્વિનને સંકટગ્રસ્ત સ્થિતિમાંથી બાદ કરીને વિલુપ્ત થવાની એરણે પહોંચેલી પ્રજાતી જાહેર કરી દીધી છે. આઈયુસીએનના અધિકારીઓ અને સંશોધકોના મતે જો ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ કાબુમાં નહીં લેવામાં આવે ૨૦૮૦ સુધીમાં આ વસતી વર્તમાન સંખ્યાથી પણ ૫૦ ટકા ઘટી જશે અને કદાચ આ સદી પૂરી થવા સુધીમાં નાશ પામે તેવું પણ બને. આ ઉપરાંત તેમની સાથે એન્ટાર્કટિકામાં અસ્તિત્વ ધરાવતા એન્ટાર્કટિક ફર સીલની પણ વસતી મોટાપાયે ઘટી રહી છે. આગામી દાયકાઓમાં તેમના અસ્તિત્વ ઉપર સંકટ સર્જાય તેમ છે.

જાણકારોના મતે ત્રણ દિવસ પહેલાં જ આ અહેવાલ સામે આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, એન્ટાર્કટિકામાં બરફ ઝડપથી ઓગળી રહ્યો છે. પેંગ્વિનના નેચરલ હેબિટેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સમુદ્રી બરફ પણ ઓછો થઈ રહ્યો છે. એમ્પપર પેંગ્વિન સામાન્ય રીતે પેંગ્વિન પ્રજાતીમાં સૌથી ભારે અને મોટા હોય છે. તેઓ સમુદ્રી બરફ ઉપર જ આધારિત હોય છે. આઈસબર્ગથી વિપરિત સમુદ્રી બરફ એક એવો બરફ છે જે સમુદ્રનું ખારું પાણી થીજીને બને છે. આ થીજેલું પાણી તેમને એક નક્કર પ્લેટફોર્મ પૂરું પાડે છે. પેંગ્વિન આ બરફ ઉપર જ પ્રજનન કરે છે અને પોતાના બચ્ચાનો ઉછેર કરે છે. તે ઉપરાંત તેના થકી જ બચ્ચાને શિકારીઓથી પણ બચાવે છે. 

સંશોધકોના મતે ૧૯૯૯ બાદ આ પેંગ્વિનની વસતીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. થોડા વર્ષો પહેલાં તેમને અસ્તિત્વ ઉપર જોખમ ધરાવતી પ્રજાતિ જાહેર કરવામાં આવી હતી. તેમને સાચવવા અને બચાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે પણ તે પૂરતા પ્રમાણમાં નથી. ૨૦૨૨માં તેમને યુએસ સ્ટેટ એન્ડેન્જર્સ સ્પિસિસ એક્ટ ૧૯૭૩ હેઠળ વિલુપ્તતાના આરે પહોંચેલી પ્રજાતિ જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ ૨૦૦૦ના વર્ષ બાદ એન્ટાર્કટિક ફર સીલ અને એલિફન્ટ સીલની પ્રજાતિ પણ સતત ઘટી રહી છે. એન્ટાર્કટિક ફર સીલની પ્રજાતિમાં ૫૦ ટકા જેટલો તોતિંગ ઘટાડો નોંધાયો છે. બીજી તરફ એલિફન્ટ સીલને પણ સતત ઘટી રહેલી વસતીને પગલે હવે વિલુપ્ત થવાના આરે પહોંચલી પ્રજાતિ જાહેર કરવામાં આવી છે. આ પ્રજાતિમાં વકરેલા રોગચાળાને પગલે તેમની વસતીમાં વ્યાપક ઘટાડો થયો છે. 

જાણકારોના મતે ૨૦૧૬માં એન્ટાર્કટિકામાં સમુદ્રી બરફના સ્તરમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો હતો. સામાન્ય રીતે વસંત ઋતુ દરમિયાન અથવા તો તેની પહેલાં જો એ સમુદ્રી બરફ પીગળી જાય છે કે તુટી જાય છે તો પેંગ્વિનની તાજા જન્મેલા બચ્ચાં ડૂબી જાય છે. ઘણી વખત તેઓ પાણીમાં પડી જાય છે અને પછી બરફની સાથે થીજી પણ જાય છે અને તેમની વસતીમાં ઘટાડો થાય છે. તાજા જન્મેલા બચ્ચાંની પાંખો વોટરપ્રુફ હોતી નથી તેના કારણે તેઓ પાણીમાં અસ્તિત્વ ટકી શકતા નથી. તેના પગલે તેમની વસતીમાં વ્યાપક ઘટાડો નોંધાયો છે. સેટેલાઈટ તસવીરો દ્વારા સામે આવ્યું છે કે, ૨૦૦૯થી ૨૦૧૮ની વચ્ચે તેમની વસતીમાંથી લગભગ ૨૦,૦૦૦ જેટલા પુખ્ત પેંગ્વિન ગાયબ થઈ ગયા હતા. જે તેમની કુલ વસતીના ૧૦ ટકા જેટલા થતા હતા.

બીજી તરફ ૨૦૨૨માં આવેલા અહેવાલે એ પણ જણાવ્યું કે, બેલિંગશોસેન દરિયામાં આવેલી એમ્પરર પેંગ્વિનની પાંચ અલગ અલગ કોલોનીઓ કુદરતી આપત્તિઓને પગલે નાશ પામી હતી. તેમાં હજારોની સંખ્યામાં પેંગ્વિન અને તેમના બચ્ચાંનો પણ જીવ ગયો હતો. અહેવાલો પ્રમાણે સમુદ્રી બરફ તુટવાના કારણે તે વર્ષે અંદાજે ૧૦,૦૦૦ બચ્ચાં મૃત્યુ પામ્યા હતા. હાલમાં એમ્પરર પેંગ્વિનની વસતીની ગણતરી કરીએ તો તેઓ અંદાજે ૫,૯૫,૦૦૦ જેટલાં જ વધ્યા છે. ૨૦૦૯ કરતા તેમની વસતીમાં ૨૨ ટકાનો અધધ ઘટાડો જોવા મળ્યો છે. જાણકારો માને છે કે, જે રીતે એમ્પરર પેંગ્વિનની કોલોની ઘટી રહી છે તે પ્રમાણે તો ૨૦૮૦ સુધીમાં તેમની વસતી વર્તમાન સંખ્યા કરતા પણ અડધી થઈ જશે.

જાણકારોના મતે ગ્લોબલ વૉર્મિંગના કારણે પોલર રિજન્સમાં જીવલેણ રોગ અને વાઈરસ સંક્રમણને કારણે દરિયાઈ જીવસૃષ્ટિની વસતી ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં પહેલાં આ સજીવસૃષ્ટિ સુધી માનવોનો પગપેસારો થયો નહોતો અને પ્રદુષણ ફેલાયું નહોતું. ચિંતાજનક બાબત એ છે કે, હવે આર્કટિક અને એન્ટાર્કટિકામાં પણ પ્રદુષણ વધી રહ્યું છે અને તેના કારણે આ જીવસૃષ્ટિ પણ નાશ પામવાના આરે પહોંચવા લાગી છે. 

સંશોધકો માને છે કે, હાલમાં પૃથ્વી ઉપર જેટલી પક્ષીની પ્રજાતિઓ વિલુપ્ત થવાના આરે છે અથવા તો જેમના અસ્તિત્વ ઉપર જોખમ છે તેમાં સૌથી મોખરે આવે છે. એમ્પરર પેંગ્વિન લુપ્તપ્રાય: સ્થિતિમાં આવી જાય તે સૌથી મોટી ચેતવણી છે કે, ગ્લોબલ વૉર્મિંગની સ્થિતિ કાબુ બહાર જતી રહી છે. ક્લાઈમેટ ચેન્જ સમુદ્રી બરફને વ્યાપક અસર કરી રહ્યા છે અને તેના કારણે પેંગ્વિનની વસતીમાં મોટો ઘટાડો થયો છે. દુનિયાભરના દેશોએ પોતાના અર્થતંત્રને ગતિમાન રાખવાની સાથે સાથે કાર્બન મુક્ત બનાવવા ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ. 

જાણકારોના મતે આઈયુસીએન દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલને પગલે સમાજના તમામ ક્ષેત્રો અને સ્તરે આપણે ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવા પરિબળોને નાથવા માટે નક્કર અને નિર્ણાયક પગલાં લેવા જ પડશે. આઈયુસીએન દ્વારા સતત ઘટી રહેલી એમ્પરર પેંગ્વિનની સંખ્યા તથા એન્ટાર્કટિક ફર સીલ અને એલિફન્ટ સીલની ઘટી હેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને રેડ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. આ તમામ પ્રજાતિઓની ઘટતી સંખ્યા હવે ક્લાઈમેટ ચેન્જને નાથવું પડશે તેની સ્પષ્ટ અને ખતરારૂપ ચેતવણી છે. હવે આ વાસ્તવિકતાથી આપણે મોઢું ફેરવી શકાશે નહીં. 

આગામી મહિને દુનિયાભરના દેશો એન્ટાર્કટિક સંઘિ અંગે બેઠક કરવાના છે. તે દરમિયાન આ જીવોની વસતી ઘટવાના પરિબળો અને તેને સાચવવાની પદ્ધતિઓ અંગે નક્કર વિચાર કરવા પડશે. આપણી ધરતી ઉપર રહેલું એન્ટાર્કટિકા કુદરતની અનોખી ભેટ છે અને મનુષ્યો તથા અન્ય સજીવો માટે અદ્વિતિય વિસ્તાર છે. તેના રક્ષણ માટે હવે પ્રયાસ નહીં કરવામાં આવે તો ઘણું મોડું થઈ જશે. જાણકારો માને છે કે જેમ અનેક શૂરવીર રાજાઓ કાળની ગર્તામાં સમાઈ ગયા અને ખોવાઈ ગયા તેવી જ રીતે માનવીય ભૂલોના કારણે પેંગ્વિન પ્રજાતિના આ રાજા ગણાતા એમ્પરર પેંગ્વિન પણ આ સદીના અંત સુધીમાં ક્યાંક વિલુપ્ત ન થઈ જાય.

 ક્લાઈમેટ ચેન્જને અટકાવવાના નક્કર પ્રયાસ નહીં કરવામાં આવે તો આ દરિયાઈ જીવો માત્ર પુસ્તકોમાં તસવીરો અને યાદગીરી બની જશે.

એન્ટાર્કટિક ફર સીલની વસતી પણ 1999થી અત્યાર સુધીમાં 50 ટકા ઘટી ગઈ 

એન્ટાર્કટિકામાં માત્ર એમ્પરર પેંગ્વિન જ નહીં પણ એન્ટાર્કટિક ફર સીલની વસતીમાં પણ વ્યાપક ઘટાડો થયો છે. ક્લાઈમેટ ચેન્જના કારણે તેમની સ્થિતિ પણ ખરાબ થઈને તેઓ વલ્નરેબલ કન્ડિશનમાં આવી ગયા છે. આઈયુસીએનના અહેવાલ જણાવ્યું કે, ૧૯૯૯માં આર્કટિક ફર સીલની વસતી ૨૧,૮૭,૦૦૦ હતી જે ૨૦૨૫માં ૫૦ ટકા જેટલી ઘટીને માત્ર ૯,૪૪,૦૦૦ થઈ ગઈ છે. ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વૉર્મિંગને પગલે જ તેમની વસતીમાં તોતિંગ ઘટાડો થઈ રહ્યો છે. સમુદ્રની સપાટી અને તેના પાણીની ગરમીમાં થયેલો વધારો તથા સમુદ્રી બરફના સ્તરમાં થયેલા ઘટાડાના કારણે તેમને સમસ્યા થઈ રહી છે. તેમને રહેવા માટે, ભોજન માટે અને પ્રજનન માટે સમુદ્રના પાણીમાં વધુ ઉંડે જવું પડે છે. પૂરતા ભોજન અને હેબિટેટના અભાવને કારણે તેમની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થયો છે. તે ઉપરાંત તેમના તાજા જન્મેલા બચ્ચાના એક વર્ષ દરમિયાન જ મોત થવાના કિસ્સામાં મોટો વધારો થયો છે. તે સિવાય કિલર વ્હેલ અને લેપર્ડ સીલ દ્વારા તેમના બચ્ચાનો સૌથી વધારે શિકાર કરાતો હોવાથી તેમની વસતીમાં મોટો ઘટાડો થયો છે. આઈયુસીએન દ્વારા જણાવવામાં આવ્યું કે, ફર સીલની જેમ જ એલિફન્ટ સીલની વસતી પણ વ્યાપક રીતે ઘટી રહી છે. હાઈલી પેથોજેનિક એવિયન ઈન્ફ્લ્યુએન્ઝા (એચપીએઆઈ)ના એટલે કે બર્ડ ફ્લૂના કારણે તેમની વસતી ઘટી રહી છે. ૨૦૨૦થી વૈશ્વિક ધોરણે બર્ડ ફ્લૂના કારણે ૪૮૫ પક્ષીઓની પ્રજાતિ અને ૪૮ સસ્તનવર્ર્ગના પ્રાણીઓની પ્રજાતિને અસર થઈ છે. જાણકારોના મતે સધર્ન એલિફન્ટ સીલની વસતીના પાંચમાંથી ચાર પ્રજાતિઓમાં આ રોગચાળો ભયાનક સ્તરે વકર્યો છે. આ ઉપરાંત આ રોગચાળાને કારણે તેમના નવજાત બચ્ચાના મોતમાં અધધ ૯૦ ટકાનો વધારો થયો છે જે સૌથી વધારે જોખમી છે. જાણકારો માને છે કે, એલિફન્ટ સીલના સમુદાયમાં નર સીલની સરખામણીએ માદા સીલ સમુદ્ર કિનારા ઉપર વધારે સમય પસાર કરે છે. તેના કારણે તેમનામાં બર્ડ ફ્લૂ અને અન્ય જીવલેણ ચેપી રોગોનું સંક્રમણ વધારે હોય છે. તેમના સંપર્કમાં આવવાથી તેમના બચ્ચાં પણ આ જીવલેણ રોગમાં સપડાય છે અને ખૂબ જ ઓછા સમયમાં મૃત્યુ પામે છે.